દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકારે શું માર્ગદર્શિકા જાહેર કરી? TOP NEWS
દિવાળી તથા અન્ય તહેવારોના અનુસંધાને ફટાકડા ફોડવા સંદર્ભે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
સરકારની માર્ગદર્શિકા શું છે?
- દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા રાત્રે આઠ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન જ ફોડી શકાશે.
- ક્રિસમસ તથા નૂતન વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 કલાક સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે.

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
- જાહેરમાં ફટાકડા ફોડી નહીં શકાય.
- ભારે અવાજવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવા, વધુ ઘનકચરો પેદા કરતા સિરીઝ ફટાકડા, જોઇન્ટ ફટાકડા કે લડી ફોડી નહીં શકાય. ગ્રીન તથા ઓછું એમિશન કરતા માન્યતાપ્રાપ્ત ફટાકડા જ ફોડી શકાશે.
- ફટાકડાની ગેરકાયદેસર આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
- જિલ્લા મૅજિસ્ટ્રેટ તથા પોલીસ અધિકારીઓને સીઆરપીસીની કલમ 144 હેઠળ નિષેધાત્મક આદેશો બહાર પાડવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
- વેપારીઓએ ફટાકડાના વેચાણ માટે લાઇસન્સ મેળવવાનું રહેશે. લારીગલ્લાવાળા કે ટૅમ્પરરી શૅડ ઊભો કરીને ફટાકડાનું વેચાણ કરનારાઓએ હંગામી લાઇસન્સ લેવાનું રહેશે. આમ નહીં કરનારની સામે ઍક્સ્પ્લૉસિવ ઍક્ટ 1884 તથા ગુજરાત પોલીસ ઍક્ટ 1951 હેઠળ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.

આણંદ : મુસ્લિમની સહમાલિકીવાળી રેસ્ટોરાં સામે હિંદુઓએ 'શુદ્ધિકરણ' વિધિ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
'સ્ક્રોલ.ઇન'ના એક અહેવાલ મુજબ ગુજરાતના આણંદ ખાતે મુસ્લિમની સહમાલિકીવાળી હોટલ ઑપનિંગ બાબતે હિંદુ લોકોનાં ટોળાંએ દેખાવ કરતાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
આણંદ જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અજિત રંજને આ બાબતે કહ્યું હતું કે પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
ફરિયાદમાં કહેવાયું છે કે હોટલ 'બ્લ્યૂઆઇવી' સામે 50 જેટલા લોકોએ એકઠા થઈ મુસ્લિમ સમાજ અંગે વાંધાજનક નારાબાજી કરી હતી. તેમજ રસ્તા પર શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી.
આ અંગે વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં લોકો રસ્તાના 'શુદ્ધિકરણ' માટે 'ગંગાજળ' નાખતા દેખાઈ રહ્યા છે.
તેમજ લોકો 'ભારત માતા કી જય'ના નારા પોકારી રહ્યા છે. તેમજ કહેતા સંભળાઈ રહ્યા છે કે 'જે કોઈ આ દેશમાં રહે તે 'જય શ્રીરામ' જરૂર બોલે.'

કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં હાજર રહેવા હુકમ

ઇમેજ સ્રોત, Getty Images
ગુનાહિત બદનક્ષી કેસમાં શુક્રવારે સુરતની મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ ગાંધીને પોતાનું નિવેદન નોંધાવવાના હેતુસર હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ભાજપના સુરતના ધારાસભ્ય પૂર્ણેશકુમાર મોદીએ રાહુલ ગાંધી પર 'મોદી' સમાજને લઈને કરેલી ટિપ્પણી બાબત ગુનાહિત બદનક્ષીનો કેસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના એક અહેવાલ પ્રમાણે એપ્રિલ, 2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની કલમ 499 અને 500 અંતર્ગત ફરિયાદ કરવામાં આવી હતી.
પોતાની ફરિયાદમાં પૂર્ણેશ મોદીએ આરોપ મૂક્યો હતો કે 'વર્ષ 2019માં ચૂંટણીની એક રેલીમાં સમગ્ર મોદી સમાજની બદનક્ષી કરતી ટિપ્પણી કરી હતી.'
13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલાર ખાતેની એક ચૂંટણીરેલીમાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં એવું કહ્યું હોવાનું કહેવાય છે કે, "નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી... બધા જ ચોર લોકોની મોદી અટક કેમ છે?"

રિઝર્વ બૅંકના ગવર્નર તરીકે ત્રણ વર્ષ માટે ફરી શક્તિકાંતા દાસની નિમણૂક

ઇમેજ સ્રોત, Getty Images
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે શક્તિકાંતા દાસની ફરી એકવાર ત્રણ વર્ષની ટર્મ માટે રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂક કરાઈ છે.
કૅબિનેટ દ્વારા એક નિવેદન જારી કરી આ નિર્ણય જાહેર કરાયો હતો. નોંધનીય છે કે શક્તિકાંતા દાસની ચાલુ ટર્મ 10 ડિસેમ્બરના રોજ પૂરી થવાની છે.
હવે જ્યારે ભારતનું અર્થતંત્ર કોરોનાના કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવશે તેવું કહેવાઈ રહ્યું છે ત્યારે ભારતીય અર્થતંત્રમાં પ્રગતિ માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
શક્તિકાંતા દાસની આગેવાનીમાં જ ભારતીય રિઝર્વ બૅંકે કોરોનાની કપરી સ્થિતિ દરમિયાન અર્થતંત્રની સ્થિરતા માટેની મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















