પાર્કિંગ પૉલિસી : અમદાવાદમાં તમે જાહેરમાં વાહન પાર્ક કરશો તો પૈસા ચૂકવવા પડે એ પૉલિસી શું છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને વાહન લઈને ખરીદી કરવા ગયા હો ત્યારે દુકાનમાંથી બહાર આવો તો શક્ય છે કે તમારે વાહનના પાર્કિંગનું ભાડું કૉર્પોરેશનને ચૂકવવું પડે.
તમે રાત્રે તમારું વાહન સોસાયટીને બદલે મેઈન રોડ પર પાર્ક કરી દેતા હોય તો પણ તમારે એનું પાર્કિંગ ભાડું મહિનાપેટે ચૂકવવાનું પણ બની શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે 24 ઑક્ટોબરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નવી પાર્કિંગ પૉલિસીને મંજૂરી આપી છે, જેમાં અલગ-અલગ પ્રકારની જોગવાઈ છે.
સપ્ટેમ્બરમાં કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આની ડ્રાફ્ટ પૉલિસીને મંજૂરી આપી હતી.
એમાં એવું પણ સૂચન હતું કે શહેરના નાગરિકોએ કોઈ પણ પ્રકારનાં વાહનની ખરીદી પહેલાં પાર્કિંગની જગ્યા હોવાના પુરાવા રજૂ કરવા પડશે.
જોકે રાજ્ય કક્ષાની તપાસ સમિતિએ ડ્રાફ્ટને મંજૂરી આપી ત્યારે આ નિયમને રદ કરી નાખ્યો હતો.
16 ઑક્ટોબરે રાજ્ય સરકારે ડ્રાફ્ટ મંજૂર કર્યો હતો, એમ મુકેશકુમારે અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું.
આ પૉલિસી લાગુ કરવા પાછળ મુકેશકુમારે એમ કહ્યું હતું કે, "આપણે એ સમજવું પડશે કે રોડ સ્પેસ એટલે કે રસ્તાની જગ્યા મર્યાદિત છે. જેટલી સગવડ છે એમાં જ બધું ગોઠવવું પડે એમ છે. ચોક્કસ સમયે ચોક્કસ સ્થળો પર પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય એ માટે આ નવી પૉલિસી તૈયાર કરવામાં આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શેરી-મહોલ્લા તેમજ રહેણાક વિસ્તારોમાં ખાલી પડેલી જગ્યાઓ પર આસપાસમાં પાર્કિંગ માટે મંજૂરી આપવાનું અમદાવાદ કૉર્પોરેશનનું આયોજન છે.
ત્યાં ખાલી પડેલી જગ્યાઓ પર પાર્કિંગ થશે એટલે કે કૉમન પ્લોટ પર પાર્કિંગ થશે એના માટે માસિક કે વાર્ષિક પરમિટની જોગવાઈ કરવામાં આવશે.
નવી પૉલિસીમાં પાર્કિંગની જગ્યાની વહેંચણીની વાત પણ છે, જેમ કે શૉપિંગ મૉલ્સ વગેરે ઠેકાણે શનિ-રવિમાં ખૂબ ભીડ હોય છે અને પાર્કિંગ ફુલ થઈ જાય છે. બાકીના દિવસોમાં ત્યાં પાર્કિંગની ઘણી જગ્યા ખાલી રહે છે.
જ્યારે શાળા, બૅન્ક, કૉર્પોરેટ ઑફિસ વગેરેમાં સોમવારથી શુક્રવાર પાર્કિંગ સ્પેસ ફુલ હોય છે અને શનિ-રવિમાં પાર્કિંગ ખાલી હોય છે. તેથી જે તે સ્થળે જ્યારે પાર્કિંગ ખાલી હોય ત્યારે અન્ય લોકો પણ આ સ્થળોએ પાર્કિંગ કરી શકે તેવી જોગવાઈ આ પૉલિસીમાં છે.
અલગઅલગ બિલ્ડિંગના લોકો પણ એકબીજાને પાર્કિંગ માટે ફાળવણી કરી શકે એવી જોગવાઈ છે.
અમદાવાદ કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ હિતેશ બારોટે એબીપી અસ્મિતા ચેનલને જણાવ્યું હતું કે, "પ્લોટ છે ત્યાં જરૂરિયાત પ્રમાણે પાર્કિંગ બનાવી રહ્યા છીએ. પ્રાઇવેટ પાર્ટી પણ પાર્કિંગ માટે પોતાની જગ્યા આપી શકે છે. અમદાવાદની વસતીના પ્રમાણમાં જે રીતે વાહનો વધી રહ્યાં છે એ જોતાં આ પૉલિસી ખૂબ જરૂરી હતી. દરેક ઘરમાં 3-4 વાહનો હોય ત્યારે એની જરૂર હતી."

'સારી પૉલિસી'

ઇમેજ સ્રોત, Getty Images
ઉલ્લેખનીય છે કે સુરતમાં પાર્કિંગ પૉલિસી અગાઉથી જ લાગુ છે. અમદાવાદની આ પૉલિસી પણ ઘણે અંશે એના જેવી જ છે એવો નિષ્ણાતોનો મત છે.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે પાર્કિંગ પૉલિસી બનાવવાની ફરજ પડી છે.
ઑગસ્ટ 2019માં આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે મૉલ્સ, મલ્ટિપ્લેક્સ અને કૉમશિર્યલ કૉમ્પ્લેક્સ મુલાકાતીઓ માટે પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં. રાહુલરાજ મૉલ કો-ઑપ સર્વિસ સોસાયટી લિમિટેડે ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમમાં અપીલ કરી હતી, જેના અનુસંધાને સુપ્રીમે પાર્કિંગ પૉલિસી તૈયાર કરવા આદેશ આપ્યો હતો.
અમદાવાદમાં આવેલી સેપ્ટ (સૅન્ટર ફૉર એન્વાયર્મેન્ટ પ્લાનિંગ ઍન્ડ ટેકનૉલૉજી) યુનિવર્સિટીમાં નગર આયોજન - અર્બન પ્લાનિંગના પ્રાધ્યાપક ઋતુલ જોષીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "રસ્તાની જગ્યા મર્યાદિત છે. રસ્તામાં પાર્કિંગનો ચાર્જ લેવો પડે એમ છે. આવી બાબતોને જોઈએ તો પૉલિસી સારી છે. કૉર્પોરેશન સાચું છે."
"પાર્કિંગ પૉલિસી એટલા માટે કરવી પડી કે સુપ્રીમ કોર્ટનો ઑર્ડર હતો કે મેટ્રો પૉલિસીના નીતિનિયમોને તમે અમલમાં મૂકો. સુપ્રીમે કહ્યું એટલે તમે પૉલિસી તો બનાવી લીધી. પણ એની અમલવારી માટે કૉર્પોરેશન કેટલું મક્કમ છે? આના માટેનું લાંબા ગાળાનું આયોજન શું છે? એ વધારે મહત્ત્વની બાબતો છે. આના માટે શહેર કૉર્પોરેશન શું તૈયારી દર્શાવે છે એ જોવાનું રહે છે."

પૉલિસીના અમલીકરણનો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં પાર્કિંગ પૉલિસી એક સાથે નહીં પણ અલગઅલગ ઝોન મુજબ અમલમાં મુકાશે.
ધ અર્બન લેબના સંસ્થાપક તેમજ સેપ્ટ યુનિવર્સિટીના વિઝિટિંગ ફૅકલ્ટી અભિજિત લોકરે કહે છે કે, "પાર્કિંગ પૉલિસી કઈ રીતે લાગુ કરવામાં આવશે એ મહત્ત્વનું રહેશે. પૉલિસી તો મૂળે દિશાનિર્દેશ છે. એને કયો વિભાગ લાગુ કરશે? બજેટ કઈ રીતે નક્કી થશે? પાર્કિંગનું ભાડું લેવા માટે કોઈ મીટર લગાવવામાં આવશે કે રોકડેથી લેવાશે? આના અમલીકરણની રૂપરેખા અને ટેકનિક વગેરે બાબતે કૉર્પોરેશને ખૂબ ઝીણું-ઝીણું કામ કરવું પડશે. તેથી જ ઘણાં શહેરોમાં પાર્કિંગ પૉલિસી તો બની છે, પણ એનું અમલીકરણ અધૂરું જ જોવા મળ્યું છે."
કોઈ પણ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ત્યાંના લોકો અને વ્યવસ્થાના શિસ્તની નિશાની છે. અમદાવાદ જેવા શહેરમાં તો જાહેરમાં લોકો ઇચ્છે તેમ પાર્કિંગ કરે જ છે, પણ જે બિલ્ડિંગ કે બંગલામાં પાર્કિંગની વ્યવસ્થા હોય છે તેવા લોકો પણ જાહેર રોડ પર પાર્કિંગ કરે છે.
આના બે કારણ છે, એક તો એ કે બિલ્ડિંગમાં પૂરતું પાર્કિંગ નથી હોતું કે ફુલ હોય છે. બીજી બાબત એ કે કેટલાક લોકો આદતવશ બહાર પાર્કિંગ કરે છે. ઋતુલ જોષી માને છે કે પાર્કિંગ પૉલિસીને લીધે બિલ્ડર પર પાર્કિંગ માટેની જવાબદારી અને દબાણ ઊભું થશે.
તેઓ કહે છે કે, "બિલ્ડર ઘણી વખત વધુ પૈસા મેળવવા પાર્કિંગ માટેની જગ્યા બ્લૅકમાં વેચે છે. હવે ખરીદદારો બિલ્ડરને પહેલેથી જ કહેશે કે તમે અમને વ્યવસ્થિત પાર્કિંગ આપો, અમે રોડ પર ગાડી પાર્ક નહીં કરીએ. ત્યાં અમારે પૈસા ચૂકવવા પડે છે. તેથી બિલ્ડરો મનફાવે તેમ પાર્કિંગ બનાવીને બ્લૅકના ભાવે વેચતા હતા તેવું હવે નહીં કરી શકે."

છેલ્લાં દસ વર્ષમાં અમદાવાદમાં વાહનોની સંખ્યા વધી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
અમદાવાદ શહેરમાં છેલ્લાં દસ વર્ષમાં વાહનોની સંખ્યા બમણા કરતાં પણ વધી ગઈ છે.
2011માં અમદાવાદમાં પંદર લાખથી વધુ લોકો પાસે દ્વિ-ચક્રી વાહનો હતાં. આજે એ આંકડો 31 લાખને ટપી ગયો છે. 2011માં અમદાવાદમાં અઢી લાખ લોકો કાર ધરાવતા હતા. આજે પોણા આઠ લાખ કારધારકો છે.
અભિજિત લોકરે કહે છે કે, "પૉલિસીના માધ્યમથી પહેલી વખત સ્પષ્ટપણે લખાઈને આવ્યું છે કે પાર્કિંગ એ મફત ન મળી શકે. આ બાબતને સકારાત્મક રીતે જોવી જોઈએ. વાહનોની સંખ્યા જે રીતે વધી રહી છે એ જોતાં કોઈ પણ શહેર વ્યાપક સંખ્યામાં વાહનો હોય તો એને માટે પાર્કિંગની જગ્યા ન પૂરી પાડી શકે."
"અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા અલગઅલગ વિસ્તારોમાં જુદીજુદી છે. પૉલિસી લાગુ થયા પછી શહેરમાં દરેક વિસ્તારમાં પાર્કિંગના એકસરખા ભાવ ન હોવા જોઈએ. જ્યાં ટ્રાફિક અને પાર્કિંગનું ભારણ હોય એ મુજબ એના ભાવ નક્કી થવા જોઈએ," એવું ઋતુલ માને છે.
કાર કે સ્કૂટર નહીં, બસ કે ટ્રેનનો ઉપયોગ કરો પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનો રામબાણ ઈલાજ એ છે કે લોકો પોતાના વાહનને બહલે બસ, ટ્રેન જેવા જાહેર પરિવહન - પબ્લિક ટ્રાન્સપૉર્ટનો વધુ ઉપયોગ કરે.
મુંબઈ અને દિલ્હી જેવાં શહેરો લોકલ ટ્રેનો કે મેટ્રો જેવા જાહેર પરિવહન પર નિર્ભર થઈ ગયાં છે. ત્યાં લોકો પાસે કાર હોય તો પણ તેઓ રોજની મુસાફરી તો લોકલ ટ્રેન કે મેટ્રોમાં જ કરે છે.
અમદાવાદ જેવા શહેરમાં કૉર્પોરેશનની બસો છે એ ઉપરાંત બીઆરટીએસ (બસ રૅપિડ ટ્રાન્સિટ સિસ્ટમ) છે અને હવે મેટ્રો પણ આવી રહી છે.
અમદાવાદમાં જાહેર પરિવહનનો મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરે તો પાર્કિંગની મોટા ભાગની સમસ્યા આપમેળે ઉકેલાઈ શકે એમ છે.
અમદાવાદમાં કૉર્પોરેશનની લાલ બસોનું એક સમયે ઉદાહરણ અપાતું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એની સેવા કથળી છે. વ્યવસ્થા તંત્ર એ બાબતે કેમ ઉદાસીન છે એ એક સવાલ છે. કૉર્પોરેશન રોડ પહોળા કરવા પર કે ફ્લાયોવર બનાવવા પર જેટલું ફોકસ કરે છે એટલું જ તેમણે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ફોકસ કરવું જોઈએ, એવું અભિજિત લોકરે માને છે.
તેઓ કહે છે કે, "લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરે એ પ્રાથમિકતા હોવી જોઈએ. આ માત્ર પાર્કિંગ માટે જ નહીં, પણ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે એ જોતાં પણ ફાયદાકારી લેખાશે."

પાર્કિંગ એ સોશિયલ સર્વિસ નથી, એ રિયલ એસ્ટેટ છે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ધ ગુજરાત ટાઉન પ્લાનિંગ ઍન્ડ અર્બન ડેવલપમૅન્ટ ઍક્ટ 1976 મુજબ દરેક ટાઉન પ્લાનિંગ સ્કીમમાં પાર્કિંગ માટે આગોતરી જગ્યા – રિઝર્વ સ્પેસ રાખવાની જોગવાઈ છે. તો પછી આ પાર્કિંગ પૉલિસીની નોબત કેમ આવી? ઘણા લોકોના મનમાં આ સવાલ છે.
ઋતુલ કહે છે કે, "એ પ્રમાણે કૉર્પોરેશન કામ કરતું પણ હોય છે, પરંતુ શહેરોમાં પાર્કિંગ અણધારી બાબત છે. એમાં પ્લાન કરો તો પણ ટ્રાફિકની કેટલીક બાબતો કળવી અઘરી પડે છે. પાર્કિંગ એ મૂળે રિયલ એસ્ટેટ છે."
"રિયલ એસ્ટેટ હંમેશાં લોકેશન પર નિર્ભર હોય છે. લોકો એમ માને છે કે પાર્કિંગ એ સોશિયલ સર્વિસ છે, પણ એવું નથી. કાર ખાનગી વાહન છે. જ્યારે તમે જાહેર જગ્યા પર પાર્ક કરો ત્યારે એ સ્થળ તમે આંતરી લો છો. એ જગ્યાએથી લોકો પસાર થતા હોય તો તેમને તકલીફ પડે છે."
"વાહન-વ્યવહાર ખોરવાય છે. તેથી તમારે એ જગ્યાએ કાર-પાર્કિંગનું ભાડું આપવું પડે. મુદ્દો એ છે કે આ પાર્કિંગ પૉલિસીના જે પૈસા ઊભા થાય, તો એ રોડ, પાર્કિંગ વગેરેમાં જ રોકવા જોઈએ, નહીં કે અન્ય બાબતમાં."
અભિજિત લોકરે કહે છે કે, "પાર્કિંગ એ માત્ર જમીન કે માળખાગત બાબત નથી. આર્થિક રીતે પણ તેનો ઉકેલ લાવવો પડે."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















