કેરળમાં વિનાશક પૂર, 26 લોકોનાં મૃત્યુ, અનેક લાપતા

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

દેશના દક્ષિણના રાજ્ય કેરળમાં ભારે વરસાદને પગલે પૂર આવ્યું છે અને અત્યાર સુધી 26 લોકો મૃત્યુ પામ્યાં છે. સૌથી વધારે અસરગ્રસ્ત કોટ્ટાયમ જિલ્લામાંથી 13 મૃતદેહો મળી આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સશસ્ત્ર દળો અને નેશનલ ડિઝાસ્ટર રીલિફ ટીમ (એનડીઆરએફ)ને રાહત અને બચાવકાર્યમાં જોતરવામાં આવી છે.

મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થયા છે. મૃત્યુનો આંકડો હજી વધે એવી આશંકા વ્યક્ત કરાઈ છે કારણ કે હજી અનેક લોકો લાપતા છે.

રાજસ્વ મંત્રી રાજને શનિવારે ભારે વરસાદ પછી બીબીસીને કહ્યું કે, અમારી બચાવ ટુકડીઓએ કુટ્ટિકલ, કોટ્ટાયમ અને અન્ય સ્થળોથી 13 મૃતદેહો ખોળી કાઢ્યા છે અને હજી 9 લોકો લાપતા છે. તમામ ટુકડીઓ લોકોને શોધવાની કોશિશ કરી રહી છે.

એમણે કહ્યું કે, વરસાદની સૌથી ખરાબ અસર કોટ્ટાયમ અને ઈડુક્કી જિલ્લામાં છે.

ઈડુક્કી જિલ્લામાં બચાવ ટુકડીને વધારે ચાર મૃતદેહો આજે મળી આવ્યા છે.

ઈડુક્કી જિલ્લાનાં કલેકટર શીબા જ્યોર્જે બીબીસીને કહ્યું કે, ગઈ કાલે બે મૃતદેહો મળી આવ્યા હતા. હવે મૃતકોની સંખ્યા 8 થઈ ગઈ છે. હજી પાંચ લોકો લાપતા છે અને તેમની બચવાની આશા ઓછી છે કારણ કે કીચડવાળો વિસ્તાર ઘણો વધારે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેરળ પૂર અંગે ટ્વીટ કર્યાં.

એમણે લખ્યું કે, કેરળના મુખ્ય મંત્રી શ્રી પિનરાઈ વિજયન સાથે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા કરી છે. અધિકારીઓ અને લોકો અને ઈજાગ્રસ્તોની મદદ માટે કાર્યરત છે. હું સૌની સલામતી માટે પ્રાર્થના કરું છું.

અન્ય એક ટ્વિટમાં એમણે મૃતકોના પરિવારો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી.

રાજસ્વવિભાગના એક અધિકારીએ કહ્યું કે, અલેપ્પીની સ્થિતિ ચિંતાજનક છે. એ ચારેકોર પાણીથી ઘેરાઈ ગયું છે. જોકે, રાજ્યમાં પૂર હવે ઓસરી રહ્યું છે.

અસામાન્ય વરસાદ

કુટ્ટિકલમાં ફસાયેલા લોકોની મદદ માટે ભારતીય સેનાના મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રૂપ (એમઈજી)ને તહેનાત કરવામાં આવ્યું છે.

ગઈ કાલે કોટ્ટાયમમાં વાદળ ફાટવાની ત્રણ ઘટનાઓ બની જેને પગલે ભૂસ્ખલન થયું અને અનેક ઘરો નાશ પામ્યા.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલના વરસાદને અસામાન્ય ગણાવવામાં આવી રહ્યો છે. આ ભાર વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અને ઉત્તર-પૂર્વ ચોમાસાની વચ્ચે થયો છે. જોકે, સોમવારે વરસાદ ધીમો પડ્યો છે. હવામાનવિભાગે રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે અને ઑરેંજ ઍલર્ટને હવે યલો ઍલર્ટમાં તબદીલ કરવામાં આવી છે.

લોકોને સતર્ક રહેવા અપીલ

બીજી તરફ તામિલનાડુમાં ભારતીય વાયુસેનાના સ્ટેશન સુલૂરથી અનેક હેલિકૉપ્ટર તિરુવનંતપુરમમાં મોકલવામાં આવી રહ્યા છે જેને પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવનાર છે.

વરસાદ ધીમો પડતાં બચાવકાર્યમાં ઝડપ આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.

અમુક વિસ્તારોમાં ફૂડ પૅકેટ વિતરણ માટે નૌસેનાના હેલિકૉપ્ટરનો પણ ઉપયોગ થશે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં 105 રાહત છાવણીઓ ઊભી કરવામાં આવી છે.

કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે 2018માં કેરળમાં ભારે વરસાદને પગલે પૂર આવ્યું હતું. એ પૂરમાં રાજ્યના 14 પૈકી 13 જિલ્લાઓને ખરાબ અસર થઈ હતી અને 500 લોકો મૃત્યુ પામ્યાં હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો