ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી : ગુજરાતના પાટનગરમાં ત્રિપાંખિયો જંગ, બાજી કોણ મારશે?
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા એ પછી પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે અને એથી ભાજપ માટે આ ચૂંટણીનું મહત્ત્વ વધી જાય છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના નેતાઓએ ગાંધીનગરમાં રોડ શો યોજ્યા હતા, ભાજપે આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.

ઇમેજ સ્રોત, NANDAN DAVE
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબહેન મોદી પણ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યાં હતાં.
ભાજપની સામે વિપક્ષ કૉંગ્રેસ તો મેદાનમાં છે, સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણીમેદાનમાં છે અને એથી આ ત્રિપાંખિયો જંગ થશે.
આ વખતની ચૂંટણી આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. એ રીતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
તો બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ કૉંગ્રેસને પોતાનું સમર્થન આપી દીધું છે.

ઇમેજ સ્રોત, NANDAN DAVE
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે ગાંધીનગરના 11 વૉર્ડમાં 162 ઉમેદવારોમાંથી 44 કાઉન્સિલરોની પસંદગી કરવા માટે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને મતગણતરી પાંચ ઑક્ટોબરે યોજાશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલમાં થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે મુલતવી રાખવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વર્ષે યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતી હતી. ત્યારે હવે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમદેવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપ અને કૉંગ્રેસે તમામ 44 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવારો ઊભા રાખ્યા છે.

ગાંધીનગરમાં કેવો માહોલ છે?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
ગાંધીનગરમાં રવિવાર સવારથી મતદાન શરૂ થઈ ગયું છે અને કોરોના ગાઇડલાઇન્સને ધ્યાનમાં લઈને વ્યવસ્થા કરવામાં આવી છે.
ગાંધીનગરમાં મહાનગરપાલિકાના 11 વૉર્ડ માટે મતદાન ચાલી રહ્યું છે.

બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ મતદાનમથક પર મતદારો સાથે વાત કરી હતી.
બીબીસી ગુજરાતીએ મતદારો સાથે વાત કરતા એક મતદાર અનુજ જાનીએ કહ્યું હતું કે તેઓ સફાઈ, આરોગ્યસેવા, સડકો અને વિકાસ જેવા મુદ્દાઓને લઈને મતદાન કરી રહ્યા છે.

ત્યારે અન્ય એક મતદાર બીએન પટેલે કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક મહત્ત્વનો મુદ્દો છે પરંતુ જનતાના પૈસાનો દુરુપયોગ ન થવો જોઈએ. પૈસા, ઊર્જા અને સમય વેળફાય ત્યારે લોકોને તકલીફ થાય છે. બે વર્ષથી કામ ચાલુ હોય પરંતુ ચોમાસામાં બધું ધોવાઈ જાય.
ત્યારે કેટલાક મતદારોએ પ્રદૂષણને પણ સૌથી મહત્ત્વનો મુદ્દો ગણાવ્યો.
એક મહિલા મતદારે કહ્યું કે રસ્તા પર વરસાદનું પાણી ભરાય છે. પાણી ભરાય તેનાથી મચ્છર થાય અને બીમારીઓ ફેલાય. તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

ત્રિપાંખિયો જંગ કોને ફળશે?

આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતી લાવે છે, એની પર સૌની નજર રહેશે. સાથે જ આ ચૂંટણી ભાજપના નવા મુખ્ય મંત્રી અને નવી કૅબિનેટ માટે પણ મહત્ત્વની છે.
રાજકીય વિશ્લેષકોનો મત છે કે આમ આદમી પાર્ટીના પ્રવેશથી ભાજપવિરોધી મતો કૉંગ્રેસ અને AAP વચ્ચે વહેંચાઈ જશે, જેનો લાભ ભાજપના થશે.
આખરે ત્રિપાંખિયો જંગ કોને ફળે છે, એ પરિણામના દિવસે જ સ્પષ્ટ થશે.
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ગાંધીનગરની ચૂંટણી પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રોડમૅપ તૈયાર કર્યો હતો અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પત્રકારો અને જનતા સાથે ચર્ચા કરી હતી.
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, "સુરતે આમ આદમી પાર્ટીને વિશ્વાસ અને આશા આપી છે અને ગાંધીનગર એ જ આશા અને વિશ્વાસ સાથે ગુજરાતનો પવન બદલશે."
આ તરફ ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા.

બનાસકાંઠા, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રક્રિયા

ઇમેજ સ્રોત, Hanif Khokhar
ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત રવિવારે બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ સ્થાનિકસ્વરાજની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે.
બનાસકાંઠાની થરા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. થરા નગરપાલિકાના છ વૉર્ડમાંથી પાંચ વૉર્ડના 20 સભ્યો માટે ચૂંટણી યોજાશે. અહીં વૉર્ડ નંબર ત્રણ પર ભાજપના ચાર ઉમેદવારો પહેલાંથી બિનહરીફ ચૂંટાયા છે.
હવે થરા નગરપાલિકામાં પાંચ વૉર્ડની 20 સીટો માટે 48 ઉમેદવારો મેદાનમાં છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના વૉર્ડ નંબર આઠની ખાલી થયેલી એક બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, Sachin Pithva
સુરેન્દ્રનગરમાં સ્થાનિકસ્વરાજની પેટાચૂંટણી ચાલી રહી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















