You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીમાબહેન આચાર્ય કોણ છે, જે બનશે ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ?
ગુજરાત વિધાનસભાનાં 60 વર્ષ કરતાં વધુ સમયના ઇતિહાસમાં વિધાનગૃહને પ્રથમ વખત મહિલા સ્પીકર મળવાનાં છે. ભાજપ દ્વારા કચ્છ જિલ્લાની ભુજ બેઠક પરથી ધારાસભ્ય ડૉ. નીમાબહેન આચાર્યના નામનો પ્રસ્તાવ સ્પીકરપદ માટે મૂકવામાં આવ્યો છે.
નીમાબહેનની ગણતરી ભાજપનાં વરિષ્ઠ નેતામાં થાય છે, કૉંગ્રેસ દ્વારા સ્પીકરના નામ માટે સહમતી દર્શાવવામાં આવી છે.
જોકે, પાર્ટીએ ડેપ્યુટી સ્પીકરના પદ માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કરી છે.
આ પહેલાં રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના સ્પીકર હતા, પરંતુ તાજેતરમાં નૉ-રિપીટ થિયરી દરમિયાન સ્પીકરપદેથી તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.
તેમને મહેસૂલ, કાયદા, સંસદીય બાબતો તથા આપત્તિ-વ્યવસ્થાપનના મંત્રી બનાવવામાં આવ્યા છે.
તા. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસુસત્ર મળશે ત્યારે સ્પીકર તથા ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થશે.
આચાર્ય બનશે સ્પીકર
ગૃહના ચોમાસુસત્ર પૂર્વે વિધાનસભા કાર્યાલય દ્વારા નવા સ્પીકર તથા ડેપ્યુટી સ્પીકર માટે ઉમેદવારીપત્રક મંગાવવામાં આવ્યાં હતાં.
ભાજપ દ્વારા નીમાબહેન આચાર્યનું સ્પીકર તરીકે તથા જેઠાભાઈ ભરવાડનું ડેપ્યુટી સ્પીકર તરીકે નામ મૂકવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીમાબહેન આચાર્યે બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે "મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્ય દંડક પંકજ દેસાઈએ અધ્યક્ષપદ તરીકે મારું નામ મૂક્યું હતું. વિધાનસભા વિપક્ષના નેતાઓ સમર્થન આપ્યું છે. સોમવારથી શરૂ થઈ રહેલા બે દિવસના ચોમાસુસત્રમાં સંસદીય પરંપરા જાળવીને અધ્યક્ષની જવાબદારીઓ સંભાળીશ."
તેમનું નામ મુકાતા તેમણે પ્રતિક્રિયા આપી કે વડા પ્રધાનના મહિલા સશક્તીકરણના પ્રયાસ છે, એનું આ પરિણામ છે.
પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી તથા પાર્ડીના મુખ્ય દંડક પંકજ દેસાઈએ વિધાનસભાના સચિવ સમક્ષ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા.
ઉમેદવારી પ્રક્રિયા બાદ પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, "વિધાનસભા સેક્રેટરીએ નીમાબહેન આચાર્ય તથા જેઠા ભરવાડના દસ્તાવેજો ચકાસ્યા છે અને તેને માન્ય રાખ્યા છે."
ત્રિવેદીનો દાવો છે કે વિધાનસભામાં કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ નીમાબહેનની ઉમેદવારીને ટેકો જાહેર કર્યો છે. તો ધાનાણીનું કહેવું છે કે તેઓ સ્પીકર તરીકે નીમાબહેનના નામનું સમર્થન કરશે, પરંતુ તેઓ પોતાનો ડેપ્યુટી સ્પીકર ઊભો રાખશે.
ગૃહની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરનારા પત્રકારોએ વરિષ્ઠ ધારાસભ્ય હોવાના નાતે છેલ્લાં કેટલાંક વર્ષોથી નીમાબહેન આચાર્યને હંગામી સ્પીકર તરીકે ગૃહની કાર્યવાહી સંભાળતા જોયા છે.
નીમાબહેન વ્યવસાયે તબીબ છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાયનેકનો અભ્યાસ કર્યો છે.
તેમણે કૉંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીને 14 હજાર જેટલા મતોથી પરાજય આપ્યો હતો. તેમણે રૂ. 34 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.
આચાર્ય ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ ભાજપમાં કાર્યકરના સ્તરેથી કાર્ય કરીને ઉપર આવ્યાં છે.
ડેપ્યુટી સ્પીકર તથા કૉંગ્રેસ
કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીનું કહેવું હતું કે જ્યારે ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર હતી, ત્યારે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવતું હતું. એ ન્યાયે ભાજપે વિપક્ષ કૉંગ્રેસના ઉમેદવારને ડેપ્યુટી સ્પીકર બનવા દેવા જોઈએ. પાર્ટીએ સ્પીકર તરીકે નીમાબહેનના નામને ટેકો આપવાની જાહેરાત કરી છે.
આ સાથે જ કૉંગ્રેસના આદિવાસી નેતા તથા વ્યવસાયે ડૉક્ટર અનિલ જોશિયારાને ડેપ્યુટી સ્પીકરના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. જોકે તેમનું ચૂંટાવાનું મુશ્કેલ જણાય છે.
182 ધારાસભ્યોના વિધાનગૃહમાં ભાજપ પાસે 112 ધારાસભ્ય છે, જ્યારે કૉંગ્રેસના 65 ધારાસભ્ય છે.
ભાજપ દ્વારા ઉદાહરણ સાથે દાવો કરવામાં આવે છે કે દરેક વખતે કૉંગ્રેસ દ્વારા વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં નથી આવ્યું, એટલે પાર્ટી પરંપરા મુજબ પણ એવું કરવા બંધાયેલી નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો