You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનુ સૂદના પરિસર પર ITના અધિકારીઓ પહોંચ્યા, કેજરીવાલે કહ્યું 'જીત સચ્ચાઈની થાય'
સમાચાર સંસ્થા પીટીઆઈએ અધિકારિક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે બુધવારે મુંબઈમાં અભિનેતા સોનુ સૂદ સંલગ્ન પરિસર અને અન્ય કેટલીક જગ્યાએ ઇન્કમટૅક્સના અધિકારીઓ પહોંચ્યા છે.
સૂત્રોને ટાંકીને પીટીઆઈએ જણાવ્યું છે કે અધિકારીઓ મુંબઈ ઉપરાંત લખનૌ સમેત ઓછામાં ઓછી છ જગ્યા પર કાર્યવાહી કરી રહ્યા છે.
જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે સોનુ સૂદના નિવાસે કોઈ કાર્યવાહી કરાઈ રહી છે કે કેમ?
અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું છે કે વિભાગ એક રિયલ એસ્ટેટના સોદા અંગે તપાસ કરી રહ્યો છે.
સોનુ સૂદ ગત વર્ષે કોરોના મહામારીને પગલે લદાયેલા લૉકડાઉન દરમિયાન શહેર છોડીને ગામ જઈ રહેલા પ્રવાસી કામદારોની મદદ કરવા બદલ દેશભરમાં છવાયેલા હતા.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આપની સરકારે હાલમાં જ સોનુ સૂદને આમ આદમી પાર્ટીની સરકારના 'દેશના મૅન્ટોર્સ' કાર્યક્રમના બ્રાન્ડ ઍમ્બેસેડર જાહેર કર્યા હતા.
આ દરમિયાન કેજરીવાલે ટ્વિટર પર લખ્યું છે, "સચ્ચાઈના રસ્તે લાખો મુશ્કેલીઓ આવે પણ વિજય હંમેશાં સચ્ચાઈનો જ થાય છે."
ઉત્તર કોરિયાએ ફરી કર્યું બૅલાસ્ટિક મિસાલઇનું પરીક્ષણ, દક્ષિણ કોરિયા પણ આપ્યો જવાબ
ઉત્તર કોરિયા દ્વારા પૂર્વ કિનારે બે બૅલાસ્ટિક મિસાઇલ છોડવામાં આવી છે. કોરિયન દેશ દ્વારા છ મહિનામાં કરાયેલું આ પ્રથમ પરીક્ષણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર કોરિયા દ્વારા ભરાયેલું આ પગલું સંયુક્ત રાષ્ટ્રના ઠરાવનું ઉલ્લંખન છે. ઉત્તર કોરિયાને અણુશસ્ત્રરહિત કરવા દક્ષિણ કોરિયા અને ચીન દ્વારા હાથ ધરાયેલી મંત્રણાના ભાગરુપે ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ કર્યું છે.
ભીષણ આર્થિક સંકટનો સામનો કરવા છતાં ઉત્તર કોરિયાએ શસ્ત્રો વિકસાવવાનું ચાલુ રાખ્યું હોવાનું આ પરીક્ષણ ઇશારો કરે છે.
આ દરમિયાન ઉત્તર કોરિયા દ્વારા કરાયેલા મિસાઇલના પરીક્ષણના અમુક કલાકો બાદ દક્ષિણ કોરિયાએ સબમરીનમાંથી લૉન્ચ કરી શકાતી બૅલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.
'મને આગલી રાતે જ ખબર પડી કે મારે રાજીનામું આપવાનું છે', વિજય રૂપાણીએ બીજું શું કહ્યું?
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી ચેનલ વીટીવીના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "હું આ ઘટનાક્રમને સ્વભાવિક રીત જોઉં છું. કોઈ મોટો ભૂકંપ આવી ગયો કે આ આશ્ચર્યજનક છે, એવું કંઈ નથી."
તેમણે કહ્યું કે "નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો આભાર માનું છું કે પાંચ વર્ષ ગુજરાતની જનતાની સેવા કરવાની મને તક આપી. મને કોઈ બાબતનો રંજ કે અસંતોષ નથી."
તેમણે સંવાદદાતાના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, "મને આગલી રાત્રે આદેશ આપવામાં આવ્યો હતો અને બીજે દિવસે મેં રાજીનામું આપી દીધું હતું."
ABP અસ્મિતા સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું, "પાર્ટીએ જે નિર્ણય કર્યો, એ પાર્ટીના હિતને ધ્યાને રાખીને જ કર્યો હશે, એટલે એ નિર્ણયને વધાવવાનો જ હોય."
રૂપાણીએ કહ્યું કે તેમના કાર્યકાળનો સૌથી કપરો સમય કોરોનાકાળ વખતનો હતો.
તેમણે કહ્યું કે "એ કપરા સમયમાંથી આખી સરકારે કામ કરીને ગુજરાતને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું છે."
તેમણે પોતાના રાજકીય ભવિષ્ય અંગે વાત કરતાં કહ્યું કે "મુખ્ય મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું છે, મેં જાહેરજીવન છોડ્યું નથી."
"સંગઠનનું જે કંઈ પણ કામ સોંપશે, એ કરવા માટે હું તત્પર છું. 2022ની ચૂંટણીમાં ભાજપ ભવ્ય રીતે જીતે એ દિશામાં મારું કામ ચાલુ રહેશે."
ગુજરાતમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં તોતિંગ વધારો
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદ સહિતનાં ગુજરાતનાં શહેરોમાં નોંધાઈ રહેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો ચિંતાજનક છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં ડેન્ગ્યુના કેસ પાછલા વર્ષની તુલનામાં 243 ટકા વધ્યા છે અન ચિકનગુનિયાના કેસમાં 155 ટકાનો વધારો નોંધાયો છે.
21મી જાન્યુઆરીથી 11મી સપ્ટેમ્બરના ગાળામાં ચાલુ વર્ષે અમદાવાદમાં ડેન્ગ્યુના 875 કેસ નોંધાયા છે.
જેની સામે પાછલા વર્ષે એટલે કે 2020માં આ જ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના 255 કેસ નોંધાયા હતા.
જ્યારે પાછલા વર્ષે આ સમયગાળા દરમિયાન ચિકનગુનિયાના કેસ 196 હતા, જે આ વર્ષે વધીને 500ને પાર પહોંચ્યા છે.
આ અહેવાલ પ્રમાણે અમદાવાદમાં મલેરિયા, કૉલેરા અને ટાઇફોડના કેસમાં પણ વધારો નોંધાયો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો