વોડાફોન-આઇડિયાને કુમાર મંગલમ બિરલાનો એક પત્ર 2700 કરોડ રૂપિયામાં પડ્યો

ઇમેજ સ્રોત, Abhijit Bhatlekar/Mint via Getty Images
એક પત્ર સામે આવ્યા પછી ટેલિકૉમ કંપની વોડાફોન-આઇડિયા લિમિટેડે(VIL) મંગળવારે એક દિવસમાં 2700 કરોડ રૂપિયાની મૂડી બજારમાંથી ગુમાવી દીધી છે.
અંગ્રેજી અખબાર 'ધ ટેલિગ્રાફ' લખે છે કે કંપનીના ચૅરમૅન કુમાર મંગલમ બિરલાએ જૂનમાં કૅબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાને એક પત્ર લખ્યો હતો જે સાર્વજનિક થયા પછી કંપનીની મૂડીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
રિપોર્ટ અનુસાર જૂનમાં લખવામાં આવેલા આ પત્રમાં બિરલાએ દેવાં તળે દબાયેલી આ કંપનીની 27.66% ભાગીદારીને સરકારને વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી VIL ચાલતી રહે.
તેમણે પત્રમાં લખ્યું હતું કે VILની આર્થિક સ્થિતિ 'ઝડપથી ખરાબ' થઈ રહી છે. છતાં 'ઑપરેશનલ કાર્યક્ષમતા સુધારવા માટે બની શકે તેવા તમામ પ્રયાસ' કરવામાં આવે છે, પરંતુ 'VIL'ને ચલાવવા માટે અને સરકારી રકમને પરત કરવા માટે 25 હજાર કરોડ રૂપિયાની જરૂરિયાત છે.
તેમણે કહ્યું હતું કે સરકારના સમર્થન વિના જુલાઈ 2021 સુધી VILની નાણાકીય સ્થિતિ ન બદલી શકાય તેવી થઈ જશે. આની સાથે જ તેમણે કહ્યું કે તે 27 કરોડ ભારતીયો પ્રત્યે પોતાની જવાબદારી સમજીને માલિકી હક ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે.

પશ્ચિમ બંગાળમાં પૂરથી 15 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળમાં પૂરને કારણે 15 લોકો મૃત્યુ પામ્યાં છે, હજારો લોકો બેઘર બન્યા છે અને ત્રણ લાખથી પણ વધુ લોકો અસરગ્રસ્ત છે.
લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવાઈ રહી છે.
'એનડીટીવી'ના રિપોર્ટ અનુસાર ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય રાજ્યોમાં પણ વરસાદ સંબંધિત ઘટનાઓમાં અનેક લોકોનાં મૃત્યુના અહેવાલો સામે આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશ્ચિમ બંગાળમાં પૂરનું એક કારણ દામોદર વેલે કૉર્પોરેશન (ડીવીસી) ડૅમમાંથી છોડવામાં આવેલુ પાણી માનવામા આવી રહ્યું છે.
બીજી તરફ 'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ મુજબ મધ્ય પ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે રાજ્યનાં 1100 ગામો પર માઠી અસર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને ચંબલ વિસ્તારમાંથી 1600 લોકોને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
ઓડિશામાં પણ ભારે વરસાદની સાથે વીજળી પડવાની ઘટના બની છે.
ઓડિશામાં બે લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યાં છે તો રાજસ્થાનમાં પણ ત્રણ બાળકો મૃત્યુ પામ્યાં છે.
બીજી તરફ હવામાનવિભાગે ચેતવણી આપી છે કે રાજસ્થાનમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
બીજી તરફ ગુજરાતમાં વરસાદ પાછો પડી રહ્યો છે અને અનેક સ્થળોએ વાવણીલાયક વરસાદ પણ નથી થયો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા હવામાનવિભાગને ટાંકીને લખે છે કે ગુજરાતમાં આગામી અઠવાડિયામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે પંરતુ ભારે વરસાદની સંભાવના નથી.

ભારત-ચીન લદ્દાખમાં ગોગરા હાઇટ્સ પરથી સેના હઠાવવા માટે સંમત

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં ગોગરા હાઇટ્સ પરથી સેના સહમત થઈ ગયા છે.
મોલ્ડો મંત્રણામાંથી સમાધાનનો માર્ગ નીકળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે મે મહિનાથી સરહદ પર ચાલતો સંઘર્ષ હવે શાંત થઈ રહ્યો હોવાના અહેવાલો છે.
'ઇન્ડિયા ટુડે'ના એક રિપોર્ટ અનુસાર ગોગરા હાઇટ્સ પર ગત વર્ષથી બંનેનું લશ્કર આમને-સામને છે. સરકારી સૂત્રો મુજબ મોલ્ડોમાં થયેલી 12મા તબક્કાની મંત્રણા બાદ બેઉ દેશો વચ્ચે સેના હઠાવવા સહમતી બની હતી.
અનેક મંત્રણાઓમાં બંને પક્ષે આ મડાગાંઠના ઉકલ અંગે સ્પષ્ટ અને ગહન વાતચીત કરી છે. બંને દેશોના અધિકારીઓ વચ્ચે વર્તમાન સમજૂતીઓ અને પ્રૉટોકોલ મુજબ સરહદી વિવાદને ઝડપથી ઉકેલવા વાતચીત જાળવી રાખવા અંગે પણ સમહતી થઈ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























