લખનૌમાં તક્ષશિલા જેવી દુર્ઘટના : કોચિંગ સેન્ટરમાં ભીષણ આગથી ઓછામાં ઓછા 14 બાળકોનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના સુરતમાં થોડાં વર્ષો પહેલાં ઘટેલી તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ જેવી ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી છે. લખનૌના અલીગંજમાં એક ખાનગી કોચિંગ સેન્ટરમાં આગ લાગવાથી 14 બાળકોનાં મોત થયાં છે અને ચાર અન્ય ઘાયલ થયાં છે.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠકે તેની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું છે કે આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અકસ્માત બાદ ફાયર બ્રિગેડનું સર્ચ ઑપરેશન સમાપ્ત થઈ ગયું છે અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
અગાઉ, પાઠકે કહ્યું હતું કે, "મેં મારી પોતાની આંખોથી 11-12 મૃતદેહો જોયા છે."
ત્યારપછી જ્યારે એક પત્રકારે પૂછ્યું, "અહીંથી 15 મૃતદેહ મળી આવ્યા છે', ત્યારે નાયબ મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, "મેં 13,14 જોયા છે."
નાયબ મુખ્ય મંત્રીએ શું કહ્યું?

આ બાબતે નાયબ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠકે કહ્યું , "આ ઘટનામાં આપણા પરિવારનાં કુલ 14 બાળકો માર્યા ગયાં છે અને કુલ ચાર બાળકો ઘાયલ થયાં છે. તેમને KGMCના ટ્રૉમા સેન્ટરમાં મોકલવામાં આવ્યાં છે."
"આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. માનનીય મુખ્ય મંત્રી અલીગઢમાં તેમના તમામ કાર્યક્રમો રદ કરીને અહીં આવી રહ્યા છે. પ્રાથમિકતા ઘાયલોને શ્રેષ્ઠ અને શક્ય એટલી સારવાર પૂરી પાડવાની છે. આખી સરકાર અસરગ્રસ્ત પરિવારો સાથે ઊભી છે અને શક્ય તમામ સહાય પૂરી પાડશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સર્ચ ઑપરેશન પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્યાં કોઈ બાળકો નથી. ઇમારતનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં."
યોગી આદિત્યનાથ અને રાહુલ ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટના અંગે નિવેદન જાહેર કર્યું હતું.
તેઓ અલીગઢની મુલાકાતે હતા અને હવે લખનૌ જવા રવાના થઈ ગયા છે. સીએમ યોગીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
યોગી આદિત્યનાથે કહ્યું, "લખનૌમાં એક અકસ્માત થયો છે. ત્યાં કેટલાંક બાળકો આગમાં ફસાઈ ગયાં હતાં. જેના કારણે તેમનાં દુઃખદ મૃત્યુ થયાં. વહીવટી તંત્ર ત્યાં રાહત કાર્યમાં રોકાયેલું છે."
યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર પોસ્ટ કરીને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
તેમણે લખ્યું, "લખનૌના એક કોચિંગ સેન્ટરમાં આગની દુર્ઘટનામાં ઘણાં લોકોનાં મોત અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર અત્યંત પીડાદાયક છે."
"હું બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું."

સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ઍક્સ પર લખ્યું હતું, "લખનૌના કોચિંગ સેન્ટરમાં આગમાં જીવ ગુમાવનારાઓને અમારી શ્રદ્ધાંજલિ. પોતાના પ્રિયજનો ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના."
અખિલેશે એવી પણ માગ કરી હતી કે સરકારે ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવી જોઈએ.
તેમણે કહ્યું, "આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તેની પાછળનાં કારણોની પ્રામાણિકપણે તપાસ થવી જોઈએ. બાળકો કોઈના પણ પરિવારના હોઈ શકે છે. આપણે બધાએ ભવિષ્યમાં આવા દુ:ખદ અકસ્માતો ટાળવા માટે પ્રયાસ કરવો જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















