હિમાચલ પ્રદેશ : ધર્મશાલામાં વાદળ ફાટ્યું, અનેક ઘર-ગાડી પાણીમાં તણાયાં

ઇમેજ સ્રોત, Getty Images
હિમાચલ પ્રદેશના ધર્મશાલા શહેરમાં ભાગસૂ નાગમાં વાદળ ફાટવાને પગલે તબાહી સર્જાઈ છે. આ ઘટનામાં બે લોકો લાપતા છે, જેમની શોધખોળ ચાલુ છે.
વાદળ ફાટવાને પગલે ભાગસૂ નાગનું નાળું ઓવરફ્લો થઈ ગયું અને ગણતરીના સમયમાં એણે તોફાની નદી જેવું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આને પગલે અનેક વાહનો તણાઈ ગયાં. ભાગસૂ નજીક આવેલી અનેક હોટલોને પણ નુકસાન થયું હોવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં તબાહી સર્જાઈ હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભારે વરસાદમાં વીજળી પડવાને કારણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં 30 લોકો મૃત્યુ પામ્યાં છે. આ પૈકી 11 લોકોનાં મૃત્યુ એક જ ઘટનામાં થયા છે.
રાજસ્થાનના જયપુરમાં લોકો આમેરના કિલ્લાના વૉચ ટાવર પર સેલ્ફી લઈ રહ્યા હતા અને વીજળી ત્રાટકી હતી, એમાં 11 લોકો મૃત્યુ પામ્યાં. એ વખતે 27 લોકો ટાવર પર હતા.
આ ઘટનામાં 11 લોકો ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.

વીએચપી યોગી સરકારના વસતીનિયંત્રણ બિલના વિરોધમાં
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે 'સમુદાય વચ્ચે વસતીનું સંતુલન લાવવા' ઉત્તર પ્રદેશમાં નવી વસતી નીતિ લાવવામાં આવી છે. જોકે વિશ્વ હિંદુ પરિષદે આ સૂચિત કાયદા સામે વાંધો ઉઠાવ્યો છે.
વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું કહેવું છે કે ફક્ત એક બાળક ધરાવનાર પરિવારને પ્રોત્સાહિત કરવાના આ પ્રસ્તાવથી સમાજમાં વસતીનું અસંતુલન વધારે વકરશે.
એમનું કહેવું છે કે સરકારે આના પર ફરીથી વિચાર કરવો જોઈએ, કેમ કે "આનાથી વસતી વૃદ્ધિદર નકારાત્મક થઈ જશે."
વિશ્વ હિંદુ પરિષદ આ મામલે સરકારને સૂચનો મોકલશે એમ પણ માનવામાં આવી રહ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર રવિવારે ઉત્તર પ્રદેશ સરકારે 2021થી 2030 સુધીની નવી વસતી નીતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે.
આ ડ્રાફ્ટમાં ભલામણ કરવામાં આવી છે કે વસતીનિયંત્રણ માટે કાયદો લાવવામાં આવશે.
નીતિના ડ્રાફ્ટમાં ભલામણ કરાઈ છે કે બેથી વધુ બાળકોને જન્મ આપનાર વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકશે નહીં, સરકારી નોકરી માટે અરજી કરી શકશે નહીં. આ ઉપરાંત તેમને કોઈ પણ સબસિડીનો લાભ આપવામાં નહીં આવે.
પૉલિસીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો બેથી વધારે બાળકોને જન્મ આપશે તેમને સરકારી નોકરીઓમાં પ્રમોશન નહીં મળે અને જે લોકો બે જ બાળકોને જન્મ આપશે તેમને ઇન્સેન્ટિવ અપાશે.
આ નીતિ અંગેના ડ્રાફ્ટમાં લખવામાં આવ્યું છે કે એ પ્રયાસ પણ કરવામાં આવશે કે વિવિધ સમુદાયોની વચ્ચે વસતીનું સંતુલન બનેલું રહે. જે સમુદાયો, સંવર્ગો અને ભૌગોલિક વિસ્તારોમાં પ્રજનનદર વધારે છે, તેમાં જાગૃતિ માટે વ્યાપક કાર્યક્રમ ચલાવવામાં આવશે.
આ ડ્રાફ્ટ માટે સૂચનો આપવાનું કહેવામાં આવ્યું છે જેની છેલ્લી તારીખ 19 જુલાઈ રાખવામાં આવી છે.

તૌકતે વાવાઝોડું : શિયાળબેટમાં હજુ પણ અંધારું

ઇમેજ સ્રોત, FARUK KADRI/AMRELI
પીપાવાવ દરિયાકાંઠા પાસે આવેલા શિયાળબેટ પર તૌકતે વાવાઝોડાનાં સાત અઠવાડિયાં પછી પણ લાઇટ પહોંચી નથી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર શિયાળબેટ પર વીજળી પહોંચાડતાં મરીન કેબલમાં ફોલ્ટને શોધવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા એક ટૅન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
શિયાળબેટનાં સરપંચના પતિ હમીર શિયાળે કહ્યું, "બે મહિનાથી અમે અંધારામાં રહીએ છીએ. પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા અમને ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી કે ક્યારે વીજળી આવશે."
શિયાળબેટ પીપાવાવ પોર્ટથી 1.5 કિમી દૂર છે. આ ટાપુ પર પહેલી વાર વીજળી જૂન, 2016માં આવી હતી.
તૌકતે વાવાઝોડું 17 મેએ આવ્યું હતું ત્યારથી શિયાળબેટના અંદાજે છ હજાર લોકો વીજળી વગર જીવન જીવી રહ્યા છે.
વાવાઝોડા બાદ અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરનાં અનેક ગામોમાં વીજળી ગુલ થઈ હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















