ટ્વિટરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કથિત રીતે ભારતના નકશાથી બહાર દર્શાવવા પર વિવાદ - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

કેન્દ્ર સરકાર અને માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર વચ્ચે ટકરાવ વધી રહ્યા છે.

એનડીટી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ટ્વિટરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતના નકશામાંથી બહાર દર્શાવ્યાં છે, જેને કારણે સરકાર તેની સામે સખત કાર્યવાહી કરી શકે છે.

એનડીટી ઇન્ડિયાએ સૂત્રોના હવાલાથી લખ્યું કે સોમવારે આ જાણકારી અપાઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટ્વિટરે જે નકશો દર્શાવ્યો છે, તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને એક અલગ દેશ તરીકે બતાવાયા છે.

આ નકશો ટ્વિટરના "Tweep Life" સેક્શન હેઠળ સામે આવ્યો છે, જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવાયા છે.

આ નકશા તરફ એક ટ્વિટર યૂઝરે ધ્યાન દોર્યું હતું અને બાદમાં તેના પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગી હતી.

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેના વિવાદ વચ્ચે આ વધુ એક વિવાદ થયો છે.

કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે થોડા સમય સોશિયલ મીડિયા મંચ પરથી કહ્યું હતું કે "બોલવાની આઝાદી" અને "લોકતંત્ર" પર ભારતને ભાષણ ન આપે અને કહ્યું કે જો "લાભ મેળવનારી આ કંપનીઓ" ભારતમાં કમાણી કરવા માગતી હોય તો તેણે "ભારતના બંધારણ અને ભારતીય કાયદાઓ"નું પાલન કરવું પડશે.

સોશિયલ મીડિયા પર આ અંગે લોકો ટ્વીટ કરીને પ્રશ્નો કરી રહ્યા છે.

કૉંગ્રેસ નેતા કીર્તિ આઝાદે ટ્વીટ કરીને પ્રશ્ન કર્યો કે કેન્દ્ર સરકાર કેમ ટ્વિટર સામે અસહાય નજર આવે છે.

ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ ભારતને બદલે યુએઈમાં રમાશે, બીસીસીઆઈનો નિર્ણય

કોરોનાને કારણે ભારતે આઈસીસી ટી-20 વર્લ્ડ કપને ભારતમાં યોજવાને બદલે યુએઈમાં ખસેડવાનો નિર્ણય કર્યો છે.

એએનઆઈ સાથે વાત કરતાં બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ જણાવ્યું કે આ મામલે બીસીસીઆઈ જલદી આઈસીસીને જાણ કરશે.

ટી-20 વર્લ્ડ કપની મૅચ સંયુક્ત આરબ અમિરાતમાં દુબઈ, શારજાહ અને અબુધાબીમાં રમાડવામાં આવશે.

અહેવાલો મુજબ ટી-20 વર્લ્ડ કપની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આપીએલના બીજા તબક્કા બાદ તુરંત જ ટી-20 વર્લ્ડ કપ યુએઈમાં યોજાશે.

આઈપીએલનો બીજો તબક્કો યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 15 ઑક્ટોબરે પૂર્ણ થશે.

રાજીવ શુક્લાએ કહ્યું, "આજે ટી-20 વર્લ્ડ કપ અંગે આઈસીસીને જાણ કરવાની ડેડલાઇન હતી. તેથી બીસીસીઆઈના સત્તાવાળાઓ વચ્ચે એક કૉન્ફરન્સ કૉલ કરવામાં આવ્યો."

"અમે મિટિંગ કરી અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી. કોઈને ખબર નથી કે આવનારા 2-3 મહિનામાં શું થશે? આ તમામ બાબતોને ધ્યાને રાખીને એ નિર્ણય લેવામાં આવ્યો કે ટી-20 વર્લ્ડ કપને યુએઈમાં ખસેડવામાં આવે."

"અમે વર્લ્ડ કપ ભારતમાં જ રમાડવા માગતા હતા, અમારી પહેલી પસંદ ભારત જ હતું. તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આઈપીએલ પૂર્ણ થતાની સાથે જ વર્લ્ડ કપ શરૂ થશે."

જોકે, હાલ હજી તારીખોને લઈને બીજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે તારીખોને લઈને આઈસીસી નિર્ણય લેશે.

જમ્મુમાં હુમલા બાદ અડધી રાત્રે ફરી દેખાયાં ડ્રોન, સેનાએ ખતરાને ટાળ્યો

જમ્મુ ઍરફૉર્સ સ્ટેશનમાં રવિવારની રાત્રે લગભગ બે વાગ્યે બે વિસ્ફોટની ઘટના પછી ભારતીય સેનાએ નિવેદન આપ્યું કે 27 અને 28 જૂનની મધરાત્રે તેણે બે ડ્રોન્સની ગતિવિધિઓની નોંધ લીધી છે.

સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું કે ભારતીય સેનાના રતનુચક-કાલુચક મિલિટરી એરિયામાં આ ગતિવિધિ નોંધાઈ હતી. ત્યાર બાદ રક્ષાદળોને સૂચના આપી હતી.

તરત જ હાઇ-એલર્ટની જાહેરાત બાદ ક્વિક રિએક્શન ટીમે ગોળીબાર કર્યો હતો.

સેનાએ જણાવ્યું કે ગોળીબાર પછી બંને ડ્રોન ઊડી ગયાં અને સાવધ રહેલા રક્ષાદળોએ મોટા ખતરાને નિષ્ફળ કરી દીધો. હાલ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે અને સર્ચ ઑપરેશન ચાલુ છે.

જમ્મુના ઍરફૉર્સ સ્ટેશન પર રવિવારે બે વિસ્ફોટ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદની ધારાઓ હેઠળ આ કેસ દાખલ કર્યો છે.

ડીજીપી દિલબાગ સિંહે આ ઘટનાને આંતકવાદી હુમલા તરીકે ઓળખાવી હતી. ડીજીપી સિંહ મુજબ પોલીસ, વાયુસેના અને અન્ય એજન્સીઓ આની તપાસ કરી રહી છે.

આ વિસ્ફોટ જમ્મુ ઍરફૉર્સ સ્ટેશનના ટેકનિકલ એરિયામાં થયા હતા.

વાયુસેનાએ ટ્વિટર પર માહિતી આપી હતી કે "રવિવાર સવારે જમ્મુ ઍરફૉર્સ સ્ટેશનના ટેકનિકલ એરિયામાં ઓછી તિવ્રતાના બે વિસ્ફોટ થયા. એક વિસ્ફોટને કારણે એક ઇમારતની છતને નુકસાન થયું છે તો અન્ય વિસ્ફોટ ખુલ્લી જગ્યામાં થયો હતો. "

મીડિયા રિપોર્ટ મુજબ આને ભારતમાં થયેલ પ્રથમ ડ્રોન હુમલો કહેવામાં આવી રહ્યો છે. જોકે આની તપાસ હજી બાકી છે.

ભારતીય સેના અને વાયુસેના તરફથી અત્યારે આ અંગે કોઈ નિવેદન નથી આવ્યું. પરંતુ જમ્મુ-કાશ્મીર પોલીસના પ્રમુખ દિલબાગ સિંહે કહ્યું કે પોલીસે 'એક અન્ય હુમલાને નાકામ કરી દીધો છે.'

ઈરાનના લડાકુઓ પર અમેરિકાનો ઇરાક-સીરિયા સીમા પર હુમલો, બાઇડને આપ્યા હતા આદેશ

અમેરિકાનું કહેવું છે કે તેણે ઇરાન સમર્થિત ઉગ્રવાદીઓ પર હુમલા કર્યાં છે. અમેરિકાએ એક નિવેદનમાં કહ્યું કે ઇરાક અને સીરિયામાં હવાઈહુમલા કરાયા છે.

ઇરાકમાં અમેરિકી લોકો અને ઠેકાણાં પરના ડ્રૉન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

પેન્ટાગોને કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડને ઇરાક-સીરિયાની સરહદ પર હુમલાના આદેશ આપ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકાએ જે પણ કાર્યવાહી કરી છે તે કાનૂની છે અને આત્મરક્ષણ મામલે કરી છે.

વળી ઇરાકી બોર્ડર ગાર્ડ્સનું કહેવું છે કે આ હુમલામાં સશસ્ત્ર દળના ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે. આ પૂર્વે રાષ્ટ્રપતિ બાઇડને ફેબ્રુઆરી મહિનામાં હુમલાનો આદેશ આપ્યો હતો.

પેન્ટાગોને રવિવારે ઘોષણા કરી કે તેણે ઇરાક-સીરિયા સરહદ પર, ઇરાન સમર્થિત જૂથો પર કાર્યવાહી કરીને હુમલો કર્યો છે. આ મર્યાદિત હુમલામાં સશસ્ત્ર દળના પાંચ કર્મી માર્યા ગયા છે.

જોકે બ્રિટન સ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સે કહ્યું કે આ હુમલામાં ઇરાન સમર્થિત પાંચ ઇરાકી લડાકુનાં મોત અને એક ઘાયલ થયા છે.

પરંતુ સીરિયાની સરકારી સમાચાર એજન્સીનું કહેવું છે કે આ હુમલામાં એક બાળકનું પણ મોત થયું છે અને ત્રણ નાગરિકો ઘાયલ થયા છે.

ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટ : કોરોનાના કેસ વધતાં અનેક વિસ્તારોમાં લૉકડાઉન, લાખો લોકોને ઘરે રહેવા સૂચના

ઑસ્ટ્રેલિયામાં ફરીથી કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. જેમાં સિડનીમાં ડેલ્ટા વૅરિયન્ટના 128 કેસ નોંધાયા છે.

નોર્ધન ટેરેટરી, ક્વિન્સલૅન્ડ અને વૅસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાં ફરીથી પૉઝિટિવ કેસો વધી રહ્યા છે.

કેટલાક મહિનાઓ પછી પહેલી વખત એક જ સમયે દેશમાં વિવિધ જગ્યાએ કેસો વધી રહ્યા છે.

રાજ્યના અધિકારીઓ સાથે વડા પ્રધાન સ્કોટ મૉરિસને મંગળવારે તાત્કાલિક બેઠક બોલાવી છે.

વિવિધ રાજ્યોએ કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવા ફરીથી સરહદો સીલ કરી છે અને નવા અંકુશ લગાવ્યા છે.

ઑસ્ટ્રેલિયાના અધિકારી જોશ ફ્રેડેનબર્ગે એબીસી ન્યૂઝને જણાવ્યું કે ઑસ્ટ્રેલિયા મહામારીના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. જે ડેલ્ટા વૅરિયન્ટ સંબંધિત છે.

સિડની અને ડાર્વિન શહેરોમાં લૉકડાઉન લગાવાયું છે જ્યારે અન્ય ચાર રાજ્યોમાં પણ અંકુશો લાગેલા છે.

સિડનીમાં 50 લાખ લોકોને ઘરે રહેવા સલાહ અપાઈ છે. ગ્રેટર સિડની, બ્લ્યૂ માઉન્ટેઇન્સ, સેન્ટ્રલ કોસ્ટ અને વોલોંગોંગમાં પણ લૉકડાઉન કરાયું છે.

ઘણી ઑફિસ અને દુકાનો બંધ કરવા આદેશ અપાયા છે. છેલ્લા 24 કલાકમાં 59 હજાર લોકો સંક્રમિત થયા છે.

એનએસડબ્લ્યૂ પ્રમિયર ગ્લેડી, બેરેજક્લીઆન અનુસાર તેમને ઘરોમાં ડેલ્ટા સ્ટ્રેનની 100 ટકા સંક્રમણ ક્ષમતા જોવા મળી છે. આથી તેના પર ચિંતા વ્યક્ત કરી છે.

સમગ્ર સ્થિતિને કારણે ન્યૂઝીલૅન્ડે ઑસ્ટ્રેલિયા સાથેનાં હવાઈયાત્રાના ઑપરેશન્સ હાલ તુરંત સ્થગિત કરી દીધાં છે.

ઑસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રીએ ડેલ્ટા વૅરિયન્ટને ખૂબ જ જોખમી ગણાવ્યું છે. જોકે તેમણે કહ્યું કે રસી લઈ ચૂકેલા લોકોને કોરોના સામે રક્ષણ મળી રહ્યું છે. પરંતુ જેમણે નથી લીધી તેઓ જોખમમાં છે.

અત્રે નોંધવું કે ઑસ્ટ્રેલિયામાં માત્ર 5 ટકા લોકોનું જ સંપૂર્ણ રસીકરણ થયું છે, જ્યારે 30 ટકાએ રસીનો એક ડોઝ લીધો છે.

જમ્મુ ઍરફૉર્સ સ્ટેશન બ્લાસ્ટ : 100 મીટર ઊંચેથી ડ્રૉનથી ફેંકાયા હતા બૉમ્બ?

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને બૉમ્બ ડેટા સેન્ટર ઑફ નેશનલ સિક્યૉરિટી ગાર્ડની ટીમ જમ્મુ ઍરફૉર્સ સ્ટેશન પર હુમલાની તપાસ કરી રહી છે.

તેમની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રૉન મારફતે સ્ટેશન પર 2 કિલોના 2 બૉમ્બ ફેંકાયા હતા.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે હુમલામાં બે ડ્રૉનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં ઊંચ્ચકક્ષાનો ગ્રેડનો વિસ્ફોટક જથ્થો વપરાયો હતો.

વળી તેમાં એવું પણ કહેવાયું છે કે ડ્રૉનના કોઈ ટુકડા મળ્યા નથી. આથી ડ્રૉન બૉમ્બ ફેંકીને પરત જતાં રહ્યાં હોવાનું માનવામાં આવ્યું છે.

સુરક્ષા એજન્સીનું કહેવું છે કે જો આવું બન્યું છે તો એ સૌથી ગંભીર મામલો બને છે કેમ કે ડ્રૉન બોમ્બ ફેંકીને પાછા ફરી ગયાં હોય એવું લાગે છે. વળી વિસ્ફોટક આરડીએક્સ હોવાનું પણ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

વડોદરામાં વૅક્સિન વિરોધી પ્રચાર કરતા 8 લોકોની ધરપકડ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક રિપોર્ટ પ્રમાણે વડોદરામાં બે મહિલા સહિત 8 લોકોની વૅક્સિન વિરોધી પ્રચાર મામલે ધરપકડ કરવામાં આવી છે.

વડોદરાના કમાટી બાગ વિસ્તારમાં આ લોકો રસી વિરોધી પ્રચાર કરી રહ્યા હતા. તેમજ હિંદી ભાષામાં લખેલી પ્રચાર સામગ્રી પણ જપ્ત લેવાઈ છે.

વડોદરા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેઓ ઝડપાયા હતા.

પોલીસ અનુસાર પ્રચાર સામગ્રીમાં કહેવાયું હતું કે જો રસી નહીં લેવામાં આવે તો સરકારી લાભો નહીં મળી શકે.

જમ્મુમાં સ્પેશિયલ ઑફિસરના પરિવાર પર હુમલો

જમ્મુમાં ગઈ કાલે મોડી રાત્રે સ્પેશ્યલ ઑફિસરના પરિવાર પર ઉગ્રવાદીઓએ ગોળાબાર કર્યો હતો.

જેમાં ઑફિસર ફયાઝ અહમદ અને તેમના પત્ની બંનેનું મોત થયું હતું. જ્યારે તેમની દીકરી ઘાયલ થઈ હતી.

'એનડીટીવી'ના રિપોર્ટ અનુસાર રાત્રે 11 વાગ્યાની આસપાસ ઉગ્રવાદીઓ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. અને અધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

ઘાયલ પરિવારને હૉસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ પતિ-પત્ની બંનેનાં મોત થયાં હતાં. જ્યારે દીકરી બચી ગઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો