પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવાની મુદ્દત ત્રણ મહિના લંબાવાઈ : IT વિભાગ દ્વારા રાહત -TOP NEWS

ઇમેજ સ્રોત, Huw Evans Picture Agency/Getty
કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે આવકવેરા સંબંધિત અનેક ડેડલાઇન લંબાવી દીધી છે.
જેમાં સૌથી મોટી જાહેરાત પાનકાર્ડ સંબંધે છે. આધારકાર્ડ તથા પાનકાર્ડને જોડવાની મુદ્દત સરકારે ત્રણ મહિના લંબાવી છે. હવે તેની છેલ્લી તારીખ તા. 30મી સપ્ટેમ્બર 2021 હતી. અગાઉ આ મર્યાદા ચાલુ માસના અંત સુધીની હતી.
આ સાથે જ સરકારે જાહેરાત કરી છે કે કર્મચારીઓના કોવિડ સારવારમાં જે કોઈ રકમ આપવામાં આવશે તેને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સિવાય કોવિડને કારણે મૃત્યુ પામનારા કર્મચારીના પરિવારજનોને કંપની દ્વારા જે રકમ ચૂકવવામાં આવશે, તે પણ કરમુક્ત રહેશે.
આવકવેરા ખાતાએ 'વિવાદ સે વિશ્વાસ' યોજનાની ચૂકવણીની ડેડલાઇન બે મહિના માટે લંબાવી દીધી છે. હવે તેની છેલ્લી તારીખ 31મી ઑગસ્ટ રહેશે.
નોકરીદાતાઓ માટે કર્મચારીઓના ફૉર્મ-16 જમા કરાવવાની છેલ્લી તારીખ તા. 15 જુલાઈથી લંબાવીને 31 જુલાઈ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો આરોપ - 'ટ્વિટરે એક કલાક સુધી એકાઉન્ટ લૉક કર્યું'

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના કેન્દ્રીય સૂચના અને ટેકનોલૉજીમંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે ટ્વિટરે તેમનું એકાઉન્ટ થોડા સમય માટે લૉક કરી દીધું હતું.
તેમણે કહ્યું, "મિત્રો, આજે બહુ વિચિત્ર થયું. ટ્વિટરે લગભગ એક કલાક માટે એ કથિત આધાર પર મારું એકાઉન્ટ લૉક કર્યું કે અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કૉપીરાઇટ ઍક્ટનું ઉલ્લંઘન થયું છે. પછી મારા એકાઉન્ટને અનલૉક કરી દીધું."
તેમણે કહ્યું, "ટ્વિટરની કાર્યવાહી ઇન્ફૉર્મેશન ટેકનોલૉજી રૂલ્સ, 2021ના નિયમ 4(8)નું ખુલ્લું ઉલ્લંઘન છે. મારું એકાઉન્ટ એક્સેસ કરવાથી મને રોકતા પહેલાં મને નોટિસ આપવામાં એ લોકો નિષ્ફળ રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
"એવું લાગે છે કે ટ્વીટરની મનમાની અને એકતરફી હરકતોને લઈને મેં જે નિવેદન આપ્યાં, ખાસ કરીને મારા ઇન્ટરવ્યૂના ક્લિપ્સને ટીવી ચૅનલો સાથે શૅર કરતા અને તેની જોરદાર અસરથી તેમને તકલીફ થઈ છે."
"હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટ્વિટર કેમ ઇંટરમિડયરી ગાઇડલાઇન્સનું પાલન કરવાનો ઇનકાર કરે છે, કારણ કે જો ટ્વિટર આનું પાલન કરશે તો એ એકતરફી રીતે કોઈ વ્યક્તિને પોતાનું એકાઉન્ટ એક્સેસ કરવાથી રોકી શકશે. આ વાત તેમના એજન્ડાને સૂટ કરતી નથી."
તેમણે આરોપ મૂક્યો, "ટ્વિટરની આ કાર્યવાહીથી સંકેત મળે છે કે તે અભિવ્યક્તિની આઝાદીનું સમર્થક નથી, જેનો તે દાવો કરે છે. પરંતુ તેને માત્ર પોતાનો એજન્ડા ચલાવવામાં રસ છે. આ ધમકી સાથે જો કોઈ તેમની વાત ન માને તો તેઓ એકતરફી વલણ સાથે તેને પોતાના પ્લૅટફૉર્મથી હઠાવી દેશે."
"એ વાતથી કોઈ ફેર પડતો નથી કે કયું પ્લૅટફૉર્મ શું કરે છે, તેમને નવા આઈટી રૂલ્સ માનવા જ પડશે, આ વાત પર કોઈ સમજૂતિ નહીં થાય."
ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે છેલ્લા કેટલાય દિવસોથી ટ્વિટર ભારતમાં વિવાદના કેન્દ્રમાં રહ્યું છે.

ચીને તિબેટમાં દોડાવી બુલેટ ટ્રેન, અરુણાચલ પ્રદેશની નજીકથી પસાર થશે

ઇમેજ સ્રોત, Getty Images
ચીને શુક્રવારે તિબેટમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન શરૂ કરી છે. આ બુલેટ ટ્રેન તિબેટના પાટનગર લ્હાસા અને નિંગચી વચ્ચે શરૂ થઈ છે.
તેનો રૂટ ભારતના અરુણાચલ પ્રદેશની નજીકથી પસાર થાય છે. આ રૂટ 435.5 કિલોમિટરનો છે.
બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન ત્યારે કરાયું જ્યારે એક જુલાઈના રોજ ચીનની સત્તાધારી કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના પોતાનું શતાબ્દી વર્ષ ઊજવવા જઈ રહી છે.
ચીનની સરકારી સમચાર એજન્સી શિન્હુઆએ લખ્યું છે કે તિબેટ સ્વાયત્ત વિસ્તારમાં શુક્રવારે પ્રથમ વખત વીજળીથી સંચાલિત બુલેટ ટ્રેનની શરૂઆત કરાઈ છે.
સિંચુઆન-તિબેટ રેલવે તિબેટની અંદર કિંગાચી-તિબેટ રેલવે બાદ બીજી રેલ હશે.
નવેમ્બરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિબેટમાં નવા રેલવે પ્રોજેક્ટને લઈને સૂચના આપી હતી.
કહેવાઈ રહ્યું છે કે આ નવી રેલવે લાઇન સીમાની સુરક્ષા અને સ્થિરતામાં મોટી ભૂમિકા ભજવશે. સિંચુઆન-તિબેટ રેલવે ચેંગદુથી શરૂ થશે જે યા'નથી પસાર થઈને તિબેટના કાંદોમાં જશે.
આનાથી લ્હાસા અને ચેંગદુ વચ્ચેની યાત્રા 48 કલાકથી ઘટીને 13 કલાક થઈ જશે.
ચીનનો દાવો છે કે અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે. વાસ્તવિક નિયંત્રણરેખા પર 3,488 કિલોમિટરની સીમા પર ભારત અને ચીન વચ્ચે વિવાદ છે.

AAPએ કહ્યું - SCમાં ઓક્સિજન પર કોઈ રિપોર્ટ રજૂ નથી કરાયો, જુઠ્ઠું બોલે છે ભાજપના નેતા

ઇમેજ સ્રોત, Arvind Kejriwal/Facebook
ભારતીય મીડિયામાં એવા સમાચાર છે કે ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ઘડાયેલ એક ઓક્સિજન કમિટીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે 'કેજરીવાલ સરકારે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન જરૂરિયાત કરતાં ચાર ગણા વધુ ઓક્સિજનની માગ કરી.'
પરંતુ આમ આદમી પાર્ટીએ આવા કોઈ રિપોર્ટના અસ્તિત્વ પર જ પ્રશ્ન ઉઠાવ્યો છે.
અખબારોમાં છપાયેલા સમાચારો પ્રમાણે, દિલ્હી સરકારને ખરેખર 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી, પરંતુ તેમણે લગભગ 1,200 મેટ્રિક ટન ઓક્સિજનની માગ કરી હતી.
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અમુક લોકોનું કહેવું છે કે આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટની પૅનલનો નહીં, પરંતુ એક સબ-પૅનલનો છે જે મુખ્ય પૅનલને મોકલાયો છે અને આ સબ-પૅનલ ખરેખર કેન્દ્ર સરકારની જ છે.
આમ આદમી પાર્ટીએ આ સમાચારનું ખંડન કર્યું છે. પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્ય મંત્રીએ મીડિયાને જણાવ્યું કે આવો કોઈ રિપોર્ટ છે જ નહીં.
મનીષ સિસોદિયાએ કહ્યું, "સાચું તો એ છે કે આવો કોઈ રિપોર્ટ છે જ નહીં. ભાજપ જૂઠ બોલી રહ્યો છે. સુપ્રીમે એક ઓક્સિજન ઑડિટ કમિટી બનાવી છે. અમે તેમના ઘણા સભ્યો સાથે વાત કરી છે. તેમનું કહેવું છે કે તેમણે તો રિપોર્ટ પર સહી જ નથી કરી. જો રિપોર્ટ પ્રમાણિત નથી, તો આ રિપોર્ટ છે ક્યાં? હું પડકાર ફેંકું છું કે એ રિપોર્ટ લાવો જે અપ્રૂવ કરાયો હોય. જૂઠની પણ કોઈ સીમા હોય છે."
મીડિયામાં છપાયેલા સમાચારોમાં કહેવાયું હતું કે કેજરીવાલ સરકારે જરૂરિયાત કરતાં વધુ માગની અસર એ 12 રાજ્યો પર પડી જ્યાં ઓક્સિજની અછતથી ઘણા દર્દીઓને પોતાના જીવ ગુમાવવા પડ્યા.
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. ઘણી વાર એવા સમાચારો પણ આવ્યા હતા કે ઓક્સિજનની અછતને કારણે રાતોરાત ઘણા દર્દીઓનાં મૃત્યુ થઈ ગયાં હતાં.
એ દરમિયાન કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ઓક્સિજનની માગ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પરંતુ આ રિપોર્ટ બાદ, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર પર આક્ષેપ કરાયા.
આ રિપોર્ટના આધારે ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતા હવે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ઘેરી રહ્યા છે.
દિલ્હી ભાજપના સાંસદ ગૌતમ ગંભીર પણ ટ્વીટ કર્યું છે કે, "અરવિંદ કેજરીવાલ, જો જરા પણ શરમ બાકી રહી હોય તો દેશની માફી માગો."
રેલવેમંત્રી પીયૂષ ગોયલે લખ્યું કે, "આ રિપોર્ટ આવ્યા બાદ, આશા છે કે આ ગરબડ માટે જવાબદારી પણ નક્કી કરાશે."
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ લખ્યું છે કે, "આખરે સત્ય બહાર આવી જ ગયું. એટલે કે કેજરીવાલ સતત જૂઠ બોલી રહ્યા હતા."

બ્રિટનના સંશોધકોએ જણાવ્યું ચીનમાં પ્રથમ વાર ક્યારે ફેલાયો હતો કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના સંશોધકોના એક અભ્યાસ આધારે એવું અનુમાન કર્યું છે કે ચીનમાં કોરોના સંક્રમણનો સૌપ્રથમ મામલો ઑક્ટોબર, 2019માં આવ્યો હશે.
બ્રિટનની યુનિવર્સિટી ઑફ કેન્ટના સંશોધકોએ એક મેડિકલ જર્નલમાં પોતાનો આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.
તેમાં કહેવાયું છે કે કંઝર્વેશન સાયન્સની રીતોનો ઉપયોગ કરીને સંશોધકોને જાણવા મળ્યું છે કે સાર્સ-કોવિડ-2નો પ્રથમ મામલો ઑક્ટોબરથી નવેમ્બર, 2019ની વચ્ચે આવ્યો હશે.
જોકે, ચીન પ્રશાસન પ્રમાણે કોવિડ-19નો પ્રથમ મામલો ડિસેમ્બર, 2019માં નોંધાયો જેને વુહાનના સીફૂડ માર્કેટ સાથે જોડીને જોવામાં આવે છે.
પરંતુ બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે 'એ વાતની સંભાવના ખૂબ વધુ છે કે કોરોના વાઇરસ પ્રથમ વખત કોઈ મનુષ્યના શરીરમાં 17 નવેમ્બરે પ્રવેશ્યો હોય જે બાદ તે જાન્યુઆરી 2020 સુધી વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ગયો.'
જેથી આ વાઇરસની ઉત્પત્તિનો વુહાનના સીફૂડ માર્કેટ સાથે કદાચ કોઈ લેવા-દેવા નથી, પરંતુ તે અગાઉથી જ ફેલાવા લાગ્યો હતો.

ગુજરાત સરકારે વેપારી એકમોને કહ્યું, "સ્ટાફને રસી આપો અથવા યુનિટ બંધ"

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે ગુજરાત સરકારે જે 18 શહેરોમાં નાઇટ કર્ફ્યુ જારી રાખવામાં આવ્યો છે, ત્યાં આવેલા વેપારી અને વ્યવસાયિક એકમોને પોતાના સ્ટાફને 30 જૂન સુધી કોરોનાની રસી આપવાનો હુકમ કર્યો હતો. આ શહેરો સિવાય રાજ્યના તમામ વિસ્તારોમાં આ મર્યાદા 10 જુલાઈ સુધી વધારી દેવાઈ છે.
અહીં નોંધનીય બાબત એ છે કે સરકારની તાજેતરની જાહેરાત મુજબ જે યુનિટ આ શરત નહીં માને તેને બંધ કરી દેવાશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાતના માહિતી ખાતા દ્વારા જારી કરાયેલ નિવેદન અનુસાર, "રાજ્યનાં જે 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે ત્યાં આવેલી તમામ ધંધાકીય અને વ્યવસાયિક સંસ્થાઓએ 30 જૂન સુધી પોતાના સમગ્ર સ્ટાફને રસી અપાવવી જરૂરી છે."
મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં થયેલી કોર કમિટીની બેઠકમાં 18 શહેરોમાં નાઇટ કર્ફ્યુ ચાલુ રાખવાનો અને વેપારી-ધંધાકીય એકમોના કામદારો માટે રસીકરણ ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

ગુજરાત : કોરોનાના 129 નવા કેસ, બે મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
યાહુ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુરુવારે ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 129 કેસ આવ્યા હતા. જે પૈકી બે દર્દીનાં મૃત્યુ થયાં હતાં.
નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં 590 કોરોનાના દર્દીઓ સાજા પણ થયા હતા.
રાજ્યમાં હવે કુલ 8,08,418 કોરોનાના કેસો નોંધાઈ ચુક્યા છે.
રાજ્યના આરોગ્ય ખાતાએ આપેલી માહિતી મુજબ અત્યાર રાજ્યનો રિકવરી રેટ 98.24 ટકા થઈ ગયો છે.
તાજેતરમાં ગુજરાતમાં 4,427 ઍક્ટિવ કેસો છે, જે પૈકી 51 દર્દીઓ વૅન્ટિલેટર પર છે.

ગુજરાતમાં નવ દિવસમાં 'લવ જેહાદ'નો ત્રીજો મામલો સામે આવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે વડોદરામાં વધુ એક કથિત 'લવ જેહાદ'નો મામલો સામે આવ્યો હતો.
જેમાં પોલીસે પીડિતાની ફરિયાદ પર તેમના પતિ મોહિબ પઠાણ, પતિના ભાઈ મોહસીન પઠાણ અને સસરા ઇમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે, 15 જૂનથી રાજ્યમાં ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિય (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ, 2021 અમલમાં આવ્યા બાદથી માત્ર નવ દિવસમાં રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં કથિત 'લવ જેહાદ'ના ત્રણ મામલા સામે આવી ચુક્યા છે.
વડોદરાના આ મામલામાં પીડિતાનો આરોપ છે કે એક વર્ષ પહેલાં મોહિબ પઠાણ સાથે તેમનાં લગ્ન થયાં હતાં.
તેમને ખાતરી આપવામાં આવી હતી કે લગ્ન પછી તેમનું ધર્મપરિવર્તન નહીં કરાવવામાં આવે. પરંતુ પાછળથી તેમના પર દબાણ કરાયું હોવાનો પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
પીડિતાએ પોતાની ફરિયાદમાં તેમના પતિ પર શારીરિક અત્યાચાર આચરવાનો પણ આરોપ મુક્યો છે.
નોંધનીય છે કે આ મામલામાં પીડિતા હિંદુ ધર્મનાં હોવાનું ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે.
પીડિતાને ધર્મ નહીં બદલવો પડે તેની ખાતરી અપાયા બાદ તેમના પર દબાણ કરી તેમનું નામ બદલી નાખવામાં આવ્યું હોવાની વાતનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















