પિરિયડ્સ એક શારીરિક પ્રક્રિયા છતાં તે હજુ અપવિત્ર કેમ? સોશિયલ મીડિયા પર લોકોએ આપ્યો જવાબ

પિરિયડ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પિરિયડ્સ મુદ્દે આજે પણ લોકો જાહેરમાં ચર્ચા કરવાથી બચે છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

મહિલાઓની શારીરિક પ્રક્રિયા એટલે કે 'પિરિયડ્સ' નામનો શબ્દ સાંભળતા કેટલીક આંખો ચોંટી જાય, કાન સરવા થઈ જાય. પણ લોકો એ વાત પર ઓછું ધ્યાન આપે છે કે તેના વગર એક નવા જીવનની કલ્પના પણ અશક્ય છે.

આ વાત બધા જ જાણે છે છતાં તે આજે પણ આ એક એવો વિષય છે જેના વિશે જાહેરમાં વાત કરવી સામાન્ય વાત નથી.

પણ એક નવા જીવનની રચનામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવતી એક સામાન્ય શારીરિક પ્રક્રિયા શરમની વાત કેવી રીતે હોઈ શકે છે?

આ મુદ્દા પર આજે વાત નથી થતી અને જો થાય છે તો પણ મહિલાઓ વચ્ચે સીમિત રહે છે.

line

મહિલાને મનાય છે અપવિત્ર

મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, iStock

ઇમેજ કૅપ્શન, માસિક દરમિયાન મહિલાને અપવિત્ર માનવામાં આવે છે

માસિક દરમિયાન મહિલાઓને ઘણી વસ્તુઓથી દૂર રાખવામાં આવે છે, આ દરમિયાન લોકો મહિલાને અપવિત્ર માને છે.

મહિલાઓ ધાર્મિક સ્થળે નથી જઈ શકતી. કેટલાંક ઘરમાં તો મહિલાઓની રસોડામાં પણ 'નો ઍન્ટ્રી' થઈ જાય છે.

લોકો કહે છે કે આપણા વડીલોએ આ નિયમો બનાવ્યા છે, તો સમજી વિચારીને બનાવ્યા હશે. કેટલાક લોકોને આમાં લૉજિક દેખાય છે તો કેટલાક લોકો માટે તો માત્ર જૂનાં રૂઢિચુસ્ત બંધન સમાન છે.

આજે પણ કોઈ છોકરીનાં કપડાં પર પિરિયડનો દાગ જોવા મળી જાય તો તે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને તેને શરમનો અનુભવ કરાવવા માટે લોકો દરેક પ્રયાસ કરે છે.

line

આજે પણ પૅડ ખરીદવું શરમની વાત

સૅનિટરી પૅડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માસિક નવા જીવનની રચનામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે

આજે દારૂ, સિગરેટને હાનિકારક મનાય છે છતાં એને તો ખુલ્લેઆમ વેચવામાં આવે છે, પણ પિરિયડ્સમાં હાઇજિનની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ પૅડને કાળા રંગની કોથળીમાં છૂપાવીને વેચવામાં આવે છે.

મેડિકલ સ્ટોરમાંથી પૅડ ખરીદતા એવું લાગ છે કે જાણે કોઈ ડ્રગ્સની તસ્કરી કરી રહ્યાં હોઈએ.

ગામડામાં ઘણી અથવા તો કહીએ તો મોટાભાગની મહિલાઓને પૅડ મળતા નથી અને તેઓ કપડાંનો ઉપયોગ કરે છે. તેનો ફરી ઉપયોગ કરવા માટે મહિલાઓ તેને ધોઈને સૂકવે છે. પણ શરમના કારણે તેઓ એ કપડાને છૂપાવીને સૂકવે છે.

પરિણામસ્વરૂપે તેને તડકો કે હવા મળતી નથી અને અંતે તે કપડું બીમારીનું કારણ બને છે. આ બધાનું મુખ્ય કારણ એક જ છે, તેના વિશે ચર્ચા નથી થતી.

line

સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે?

સૅનિટરી પૅડ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, સંતોષની વાત એ છે કે આજની તારીખમાં દુનિયાના ઘણા લોકો હવે આ મુદ્દે ખુલીને વાત કરી રહ્યા છે, કૅમ્પેઇન ચલાવી રહ્યાં છે અને જૂની પરંપરાને તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે.

આ વાત અમને બીબીસીના વાંચકો પાસેથી પણ જાણવા મળી.

સોશિયલ મીડિયા પર જ્યારે અમે બીબીસીના વાંચકોને આ અંગે સવાલ કર્યો કે તેઓ આ અંગે શું વિચારે છે તો તેમણે કંઈક આ પ્રમાણે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો.

ડાન્સિંગ ડૉલ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લખવામાં આવ્યું છે, "હું એ વાત સાથે સહમત છું કે જે વસ્તુ નવું જીવન આપી શકતી હોય એ અપવિત્ર કેવી રીતે હોઈ શકે? 21મી સદી ચાલે છે પણ લોકોની વિચારધારા હજુ પણ 18મી સદીની જ છે. આપણે આપણી વિચારધારા જાતે જ બદલવી પડશે જેની શરૂઆત આપણાથી થવી જોઈએ."

ઇન્સ્ટાગ્રામ પર બીબીસીને મળેલી કૉમેન્ટ

ઇમેજ સ્રોત, Instagram

દેવરાજજી ઠાકોર લખે છે, "કેટલીક છોકરીઓ શરમના લીધે ઘરના લોકો સાથે આ મુદ્દે વાત કરી શકતી નથી. આપણે મળીને આ અંગે નિવારણ લાવવું જરૂરી છે."

ઇન્સ્ટાગ્રામ પર બીબીસીને મળેલી કૉમેન્ટ

ઇમેજ સ્રોત, Instagram

ધ્રુવ જાદવ લખે છે, "જૂના વિચારોને કારણે છોકરીઓ ઘરે પડતી તકલીફ કહી શકતી નથી. જો અપવિત્રતાનો શબ્દ કાઢી નાખવામાં આવે તો ઘણા બધાને આ વાત સમજાઈ જશે કે આ રોજિંદા જીવનનો એક ભાગ માત્ર છે. જેને દર મહિને સ્ત્રીએ સહન કરવું પડે છે. સલામ છે એ સ્ત્રીને જે આટલી તકલીફ હોવા છતાં ક્યારેય જતાવતી નથી."

ઇન્સ્ટાગ્રામ પર બીબીસીને મળેલી કૉમેન્ટ

ઇમેજ સ્રોત, Instagram

મહેરિયા કશ્યપના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કૉમેન્ટ આવી છે, "આ પિરિયડ્સ છોકરીઓના જીવનનો એક ભાગ માત્ર છે, બીજું કંઈ જ નથી."

ઇન્સ્ટાગ્રામ પર બીબીસીને મળેલી કૉમેન્ટ

ઇમેજ સ્રોત, Instagram

ધ્રૃતી લખે છે, "દરેક ખોટી માન્યતાઓમાંથી બહાર આવવા સ્ત્રીએ જ સ્ત્રીની મદદ કરવી પડશે. જો દીકરીને માતા કે સાસુ મંદિરે જતાં રોકશે તો આ માન્યતા ચાલતી જ રહેશે."

ઇન્સ્ટાગ્રામ પર બીબીસીને મળેલી કૉમેન્ટ

ઇમેજ સ્રોત, Instagram

સોલંકી દીપક લખે છે, "ખરેખર સ્ત્રી એટલી અપવિત્ર છે જે મંદિરમાં ન જઈ શકે તો તેની પેટમાંથી જન્મ લેનાર આપણે પોતે કેવી રીતે પવિત્ર છીએ?"

ઇન્સ્ટાગ્રામ પર બીબીસીને મળેલી કૉમેન્ટ

ઇમેજ સ્રોત, Instagram

એન એન ગોહિલ નામના અકાઉન્ટ પરથી લખાયું છે, "ભારતમાં વિકાસ લાવવો છે પણ લોકો જ્યારે જૂની માન્યતાઓમાંથી બહાર નીકળે ખરા અર્થમાં વિકાસ ત્યારે જ આવશે."

ઇન્સ્ટાગ્રામ પર બીબીસીને મળેલી કૉમેન્ટ

ઇમેજ સ્રોત, Instagram

આ તો માત્ર થોડા લોકોના પ્રતિભાવ છે જે અમને સોશિયલ મીડિયા થકી મળ્યા છે. હજુ પણ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે જેમને અહીં આવરી શકાઈ નથી. પરંતુ તેમણે સમાજને બદલવાની જે વાત કહી છે તે ખરેખર ખૂબ મહત્ત્વની છે.

આ કૉમેન્ટ્સને જોઈને એવું લાગે છે કે હવે કદાચ બસ લોકોએ સમજવાની જરૂર છે કે પિરિયડ્સ એ કોઈ બીમારી નથી, બસ જીવનનો એક ભાગ છે. આ આ આભળછેટનો નહીં, પણ માત્ર અને માત્ર આરામ કરવાનો મામલો છે....

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો