બેગુસરાય : મહિલા પર સામૂહિક બળાત્કાર, ડૉક્ટરોએ પ્રાઇવેટ પાર્ટમાંથી લાકડાનો ટુકડો કાઢ્યો - અત્યાર સુધી શું-શું સામે આવ્યું?

મહિલા, હિંસા, બીબીસી, બિહાર, ક્રૂરતા, બિહાર પોલીસ, માનવ અધિકાર

ઇમેજ સ્રોત, Shahnawaz Ahmad/BBC

ઇમેજ કૅપ્શન, ડોક્ટરોએ સોમાના ગુપ્તાંગમાંથી લાકડાનો ટુકડો કાઢ્યો.
    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, બેગૂસરાયથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

(ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે)

સોમા (નામ બદલ્યું છે) હૉસ્પિટલના પલંગ પર છે અને થોડી-થોડી વારે ચોંકીને જાગી જાય છે. પત્રકારો, રાજકારણીઓ અને સામાજિક કાર્યકરો સહિતના મુલાકાતીઓની અવરજવરને કારણે તેમની ઊંઘ વારંવાર ઊડી જાય છે. નજીકના પલંગ પર દાખલ અન્ય મહિલા દર્દીઓ અને તેમના સંબંધીઓ સોમા તરફ ક્યારેક કુતૂહલથી તો ક્યારેક સહાનુભૂતિથી જુએ છે.

સોમાની સુરક્ષામાં તહેનાત મહિલા કૉન્સ્ટેબલ પરેશાન છે કે સોમાને પૂરતો આરામ મળી રહ્યો નથી. બીજી તરફ, સોમાને તેનાં બાળકોની ચિંતા સતાવી રહી છે, જેઓ હાલ તેમનાથી ઘણા કિલોમીટર દૂર ગામમાં સંબંધીઓના આશરે છે.

ડૉક્ટરોએ સોમાના ગુપ્તાંગમાંથી આશરે ચાર ઇંચ લાંબો લાકડાનો એક ટુકડો કાઢ્યો છે. એવો આરોપ છે કે સામૂહિક બળાત્કાર કર્યા બાદ આ ટુકડો તેમના ગુપ્તાંગમાં નાખવામાં આવ્યો હતો. સોમા પોતાની સાથે બંદૂકની ખાલી ગોળી પણ લાવ્યાં હતાં. તેમના દાવા મુજબ, આ ખોખું પણ તેમના ગુપ્તાંગમાંથી જ બહાર નીકળ્યું છે.

બેગુસરાયના એસપી મનીષે જણાવ્યું, "મેડિકલ રિપોર્ટમાં સેક્સ્યુઅલ અસૉલ્ટ ( યૌન શોષણ)ની પુષ્ટિ થઈ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 70(1) હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ કેસમાં ત્રણ નામજોગ અને બે અજાણ્યા આરોપીઓ છે."

તેમણે વધુમાં ઉમેર્યું, "નામજોગ આરોપી નીતિશ મહતો અને અન્ય એક આરોપી અમર નિષાદની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે એક એસઆઇટીની રચના કરાઈ છે, જે અન્ય આરોપીઓને પકડવા માટે દરોડા પાડી રહી છે. મળેલા તમામ પુરાવાઓની કાયદેસર તપાસ ચાલુ છે."

શું છે સમગ્ર મામલો?

સોમાના જણાવ્યા મુજબ, 11 જૂનની રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે તેઓ ઘરમાં બનેલા શૌચાલયમાં ગયાં હતાં. તેમના એક રૂમના ઘરમાં ચારેય દિવાલો પૂરી ચણેલી નથી. શૌચાલયમાં પણ દરવાજો નથી, માત્ર એક પડદો લટકાવેલો છે.

સોમાએ જણાવ્યું, "તે જ ગામના રામુ મહતો, સૂરજ મહતો અને નીતિશ મહતો અચાનક અંદર ધસી આવ્યા. તેમણે મારી સાડી કાઢી નાખી અને મારું મોં દબાવી દીધું. તેમણે મારો બ્લાઉઝ ફાડી નાખ્યું અને મારા હાથ બાંધી દીધા. ત્યારબાદ તેમણે મારી સાથે બળાત્કાર આચરવાનું શરૂ કર્યું. તેઓ મારી છાતી પર બ્લેડથી પ્રહાર કરવા લાગ્યા અને મારા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો."

તેમણે આગળ કહ્યું, "હું અસહ્ય દુખાવાને કારણે કણસતી હતી, પરંતુ મારા પતિને લાગ્યું કે કોઈ બિલાડી અવાજ કરી રહી છે. બિલાડી સમજીને તેમણે બે વાર ભગાડવાનો અવાજ પણ કર્યો, પરંતુ બાદમાં શંકા જતાં તેમણે બહાર આવવા માટે રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. જોકે, દરવાજો બહારથી બંધ હતો. ત્યારબાદ તેમણે બાજુના ઘરમાં ફોન કર્યો. પાડોશીઓએ આવીને દરવાજો ખોલ્યો અને મારી ગંભીર હાલત જોઈને બધા રડવા લાગ્યા."

મહિલા, હિંસા, બીબીસી, બિહાર, ક્રૂરતા, બિહાર પોલીસ, માનવ અધિકાર

ઇમેજ સ્રોત, Shahnawaz Ahmad/BBC

ઇમેજ કૅપ્શન, સોમા અને તેનો પરિવાર એક રૂમના ઘરમાં રહે છે જેમાં બધી ચાર દિવાલો નથી અને પડદાવાળા શૌચાલય છે.

આ તમામ આરોપીઓ સોમાના ઘરથી માત્ર 300 મીટરના અંતરે જ રહે છે. સોમાના પતિ ઈ-રિક્ષા ચલાવે છે. પત્નીની આવી દયનીય હાલત જોઈને તેઓ તાત્કાલિક તેમને ઘરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સ્થાનિક પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

સોમાનો આરોપ છે કે, "પોલીસે તેમના પતિને ત્યાંથી ભગાડી દીધા અને કહ્યું કે પહેલાં જઈને પત્નીની સારવાર કરાવો." સોમાના કહેવા મુજબ, તેમના પતિ પાસે પોલીસ સ્ટેશનનો તે સમયનો વીડિયો પણ ઉપલબ્ધ છે.

આ ઘટના સામે આવ્યા બાદ બેગુસરાય પોલીસે સ્ટેશન ઇન્ચાર્જ રાજીવ કુમારને તેમની 'બેદરકારી, ઉદાસીનતા અને અસંવેદનશીલતા' બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

મહિલાને સારવાર માટે ત્રણ જગ્યાએ કેમ જવું પડ્યું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોમાના પતિએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાંથી કાઢી મૂક્યા બાદ, તેઓ ઈ-રિક્ષામાં જ પત્નીને નજીકના એક પ્રાઇવેટ ક્લિનિકમાં લઈ ગયા. તેમની સાથે પરિવારના અન્ય સભ્યો પણ હતા, પરંતુ ક્લિનિકે સારવાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ક્લિનિકના સ્ટાફે આ અંગે બચાવ કરતા કહ્યું, "મહિલાને ઈ-રિક્ષામાં લાવવામાં આવ્યા હતા અને તેમની હાલત અત્યંત ગંભીર હતી. અમે આવા ઇમરજન્સી કેસ લેતા નથી અને તે સમયે ક્લિનિકમાં કોઈ ડૉક્ટર પણ હાજર નહોતા."

ત્યારબાદ પરિવાર પીડિતાને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયો, જ્યાં 11 જૂનની રાત્રે આયુષ મેડિકલ ઓફિસર કવિતા કુમારી ફરજ પર હતાં. ડૉ. કવિતા કુમારીએ જણાવ્યું, "મહિલા બેભાન અવસ્થામાં હતી અને કંઈ પણ બોલી શકે તેમ નહોતી. તેની સાથે આવેલી મહિલાઓએ પણ કશું સ્પષ્ટ કહ્યું નહીં. તેમણે મહિલાની છાતી અને પગ પર નખના ઉઝરડા અને ઇજાનાં નિશાન બતાવ્યાં. સ્થિતિ ગંભીર જણાતાં મેં તેને સદર હૉસ્પિટલ રિફર કરી દીધી."

ત્યારબાદ સોમાને સદર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સોમાના જણાવ્યા અનુસાર, 12 જૂનની સવારે 7થી 8 વાગ્યાની વચ્ચે જ્યારે તેમને ભાન આવ્યું, ત્યારે તેમણે પતિને પોતાની સાથે થયેલા બળાત્કાર અને યૌન શોષણની વિગતવાર જાણ કરી હતી.

ડૉક્ટરોએ પોલીસને કેમ જાણ ન કરી?

મહિલા, હિંસા, બીબીસી, બિહાર, ક્રૂરતા, બિહાર પોલીસ, માનવ અધિકાર

ઇમેજ સ્રોત, Shahnawaz Ahmad/BBC

ઇમેજ કૅપ્શન, બેગુસરાયના સિવિલ સર્જન અશોક કુમારે બીબીસીને જણાવ્યું કે મહિલા પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવી હતી. તેમણે 13 જૂનના રોજ તેમના થયેલી હિંસા વિશે જણાવ્યું હતું.

સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સોમાની કેસ એન્ટ્રીમાં "ફિઝિકલ અસૉલ્ટ" લખવામાં આવ્યું હતું. તો પછી પોલીસને જાણ કેમ ન કરાઈ? આ સવાલના જવાબમાં ડૉ. કવિતા કુમારીએ જણાવ્યું, "મહિલાને બાહ્ય રીતે લોહી નીકળતું નહોતું અને પ્રથમ દૃષ્ટિએ તે બળાત્કારનો કેસ લાગતો નહોતો, તેથી પોલીસને તુરંત માહિતી આપવામાં આવી ન હતી."

બીજી તરફ, બેગુસરાયના સિવિલ સર્જન અશોક કુમારે જણાવ્યું, "જ્યારે મહિલા હૉસ્પિટલમાં આવી ત્યારે તેણે માત્ર પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેણે આ ગંભીર ઘટના વિશે શરૂઆતમાં કંઈ જણાવ્યું ન હતું. ત્યારબાદ 13 જૂને તેણે આપવીતી કહી, જેના આધારે ડૉક્ટરોએ તેનું મેડિકલ ચેકઅપ કર્યું."

નોંધનીય છે કે આ કેસમાં 13 જૂને સત્તાવાર એફઆઇઆર નોંધાઈ હતી, જ્યારે પીડિતાનો પરિવાર ઘટનાની રાત્રે જ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જોકે સોમાનો દાવો અલગ છે. સોમાએ જણાવ્યું કે, "૧૨ જૂને સારવાર દરમિયાન ડૉક્ટરે ઇન્જેક્શન આપતી વખતે મને પૂછ્યું હતું કે શું મારી સાથે બળાત્કાર થયો છે? ત્યારે મેં હા પાડી હતી."

આવા ગંભીર કિસ્સાઓમાં હૉસ્પિટલોની કાનૂની જવાબદારી અંગે 'ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશન'ના બિહાર ચેપ્ટરના પ્રમુખ આશુતોષ શરણ કહે છે, "તે શારીરિક હુમલાની ગંભીરતા પર આધાર રાખે છે. દરેક સામાન્ય કેસમાં પોલીસને જાણ નથી કરાતી, પરંતુ જો ડૉક્ટરને પરિસ્થિતિ શંકાસ્પદ કે ગંભીર જણાય, તો ખાસ કરીને મહિલા દર્દીના કિસ્સામાં પોલીસને તુરંત જાણ કરવી ફરજિયાત બને છે."

સોમા વારંવાર બેહોશ થઈ જાય છે, પેટમાં બળતરાથી પીડાય છે

સદર હૉસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ સોમા 13 જૂનની રાત્રે ઘરે પરત ફર્યાં હતાં. તેમના પતિએ જણાવ્યું, "ઘરે આવ્યા બાદ 14 જૂનની સવારે તે ફરી બેહોશ થઈ ગઈ. સોમા ખાનગી હૉસ્પિટલમાં તપાસ કરાવવા માંગતી હતી પરંતુ પોલીસે સદર હૉસ્પિટલમાં જ સારવાર કરાવવા દબાણ કર્યું. અમે ફરી હૉસ્પિટલ ગયા અને 15 જૂને પરત આવ્યા. છતાં સોમા વારંવાર બેભાન થઈ જતી અને આખો દિવસ સૂતી રહેતી. તેણે પેટમાં તીવ્ર બળતરા અને વમળ ઊપડતાં હોવાની ફરિયાદ કરી હતી."

તેમણે આગળ ઉમેર્યું, "ગામની દાઈએ તેના પેટને અડકીને કહ્યું કે અંદર કંઈક ગરબડ છે. 18 જૂનની સવારે સોમાએ તેના ગુપ્તાંગમાંથી નીકળેલી એક વસ્તુ મને બતાવી, જે બંદૂકની ખાલી ગોળી હતી."

પતિ-પત્ની એને લઈને ફરી સદર હૉસ્પિટલ દોડી ગયા. સિવિલ સર્જન અશોક કુમારે પુષ્ટિ કરતા કહ્યું, "તે એક ખાલી બુલેટ હતી. જ્યારે ડૉક્ટરોએ મહિલાની ફરીથી ગાયનેકોલોજિકલ તપાસ કરી, ત્યારે તેના ગુપ્તાંગમાંથી ૩થી ૪ ઇંચ લાંબો લાકડાનો ટુકડો મળી આવ્યો અને તેને બહાર કાઢવામાં આવ્યો. હાલ મહિલાની સ્થિતિ સ્થિર છે અને તે રિકવર થઈ રહી છે."

માર્ચ મહિનામાં પણ મહિલા પર યૌન હુમલો થયો હતો

11 જૂનની આ ક્રૂર ઘટનાના આરોપીઓ રામુ મહતો, સૂરજ મહતો અને નીતિશ મહતો છે. રામુ મહતો પીડિતાના ઘરની સામે જ રહે છે. આરોપ છે કે રામુએ તેના ભાઈ પ્રદીપ મહતો સાથે મળીને અગાઉ 12 માર્ચ 2026ના રોજ પણ સોમા પર યૌન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે કેસની એફઆઇઆર છેક 3 મેના રોજ નોંધવામાં આવી હતી.

તે એફઆઇઆરમાં જણાવાયું હતું કે, "રામુ અને પ્રદીપે લૂંટફાટ, મારપીટ અને કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ બળાત્કાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા." આ કેસ BNSની કલમ 76 (મહિલાને નિર્વસ્ત્ર કરવાના ઇરાદાથી હુમલો કરવો) હેઠળ નોંધાયો હોવા છતાં બંને આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ સરળતાથી જામીન મળી ગયા હતા. કેસના તપાસ અધિકારી અભિરામકુમાર ઝાએ જણાવ્યું કે, "આ કલમ હેઠળ મહત્તમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ હોવાથી નિયમ મુજબ તેમને સ્ટેશન જામીન મળી ગયા હતા."

મહિલા, હિંસા, બીબીસી, બિહાર, ક્રૂરતા, બિહાર પોલીસ, માનવ અધિકાર

ઇમેજ સ્રોત, Shahnawaz Ahmad/BBC

ઇમેજ કૅપ્શન, બેગુસરાય રેન્જના ડીઆઈજી શૈલેષ કુમાર સિંહાએ માર્ચમાં થયેલા જાતીય શોષણ કેસમાં પોલીસની બેદરકારીના આરોપોને નકારી કાઢ્યા છે.

જોકે, સોમાએ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવતા કહ્યું, "તેમણે અગાઉ પણ મારા પર બળાત્કારનો જ પ્રયાસ કર્યો હતો. અમે વારંવાર 'બળાત્કાર' શબ્દ લખાવવા માંગતા હતા, પરંતુ પોલીસે તેને માત્ર 'લૂંટફાટ'નો કેસ બનાવ્યો. અમે ભણેલાં નથી એટલે પાછળથી જ્યારે કોઈએ મને અરજી વાંચી સંભળાવી ત્યારે ખબર પડી. જામીન મળવાને કારણે આરોપીઓની હિંમત વધી ગઈ. જો પોલીસે માર્ચ મહિનામાં જ કડક પગલાં લીધાં હોત, તો આજે મારી આ હાલત ન થઈ હોત."

બેગુસરાય રેન્જના ડીઆઇજી શૈલેષકુમાર સિંહાએ માર્ચ મહિનાના કેસમાં પોલીસની બેદરકારીના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, "તે સમયે પીડિત પક્ષ દ્વારા અપાયેલી લેખિત અરજીના આધારે જ કલમો લગાવવામાં આવી હતી અને તત્કાલીન સ્ટેશન ઇન્ચાર્જે તે મુજબ જ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, આ વખતની (11 જૂનની) ઘટનામાં સ્ટેશન ઇન્ચાર્જની બેદરકારી સાબિત થઈ હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."

સોમાના ગામમાં મોટા ભાગના લોકો એક જ જ્ઞાતિના છે. ગામમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું છે અને મોટા ભાગના લોકો મજૂરી કરીને જ ગુજરાન ચલાવે છે. સોમાનાં બહેને જણાવ્યું, "અમારા પરિવારને ગામમાં કોઈની સાથે જમીન, નાણાં કે અન્ય કોઈ બાબતનો વિવાદ નથી. આ લોકોએ આવું કૃત્ય કેમ કર્યું તે સમજાતું નથી."

બીજી તરફ, ગામના એક પૂર્વ જનપ્રતિનિધિએ જણાવ્યું, "સોમા નીડર મહિલા છે અને ખોટી બાબતો સામે અવાજ ઉઠાવે છે, જે કદાચ આરોપીઓને ખૂંચતું હતું. આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે, જ્યારે સોમાનો પરિવાર મહેનતુ અને પ્રામાણિક છે."

મહિલા, હિંસા, બીબીસી, બિહાર, ક્રૂરતા, બિહાર પોલીસ, માનવ અધિકાર

ઇમેજ સ્રોત, Shahnawaz Ahmad/BBC

ઇમેજ કૅપ્શન, સોમાના પરિવારનો કોઈ સાથે કોઈ વિવાદ નથી કે ક્યારેય કોઈ ઝઘડો થયો નથી.

પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓ નીતિશ મહતો અને અમર નિષાદનો અગાઉ પણ ગુનાહિત રેકોર્ડ રહ્યો છે. ગામમાં પોતાનો દબદબો અને ખોટી ધાક જમાવી રાખવા માટે તેઓ દેશી પિસ્તોલ અને દારૂગોળો રાખતા હોવાની પ્રેસ રિલીઝ પોલીસે જાહેર કરી છે.

આ ભયાનક ઘટના બાદ સમગ્ર ગામમાં ભારે ફફડાટ છે. ગામની એક મહિલાએ ભય વ્યક્ત કરતાં કહ્યું, "હવે અમે રાત્રે સૂતી વખતે પણ સુરક્ષા માટે સાથે દાતરડું રાખીએ છીએ."

પ્રાઇવેટ પાર્ટમાં બુલેટ - ડૉક્ટરો શું કહે છે?

આ કેસમાં કાનૂની અને તબીબી દૃષ્ટિએ સૌથી મોટો પ્રશ્ન એ છે કે બંદૂકની ખાલી બુલેટ કે લાકડાનો ટુકડો માનવ શરીરમાં આટલા દિવસો સુધી રહી શકે ખરો? આ બાબતે તબીબોમાં બે મત પ્રવર્તે છે.

સિવિલ સર્જન અશોક કુમારના જણાવ્યા મુજબ, "સામાન્ય રીતે કોઈપણ ફૉરેન બોડી શરીરમાં આટલા દિવસ ટકી શકતી નથી, કારણ કે હલનચલન કે ચાલવાને કારણે તે આપોઆપ બહાર પડી જાય છે. વળી, જો આવી વસ્તુ આટલા લાંબા સમય સુધી અંદર રહે, તો શરીરમાં 'સેપ્ટિસીમીયા' (લોહીમાં ઝેર ફેલાવવું) જેવી જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે."

જ્યારે આઇએમએના પ્રમુખ આશુતોષ શરણનું માનવું અલગ છે. તેમણે કહ્યું, "બંદૂકની ખાલી બુલેટ (જે સામાન્ય રીતે પિત્તળ કે ચોક્કસ ધાતુની હોય છે) તે પ્રમાણમાં સુરક્ષિત ધાતુ છે. ઘણીવાર સોનાની દાણચોરી કરનારાઓ પણ ધાતુને ગુપ્ત ભાગોમાં છુપાવીને લાંબી સફર કરતા હોય છે. તેનાથી તાત્કાલિક જીવનું જોખમ ઊભું થતું નથી, તેથી ગોળી અંદર હોવી અશક્ય નથી."

બિહારના મુખ્યમંત્રી મહિલા સુરક્ષા અને ગુનેગારો સામે કડક કાર્યવાહીના દાવા કરી રહ્યા છે, પરંતુ બેગુસરાયની આ દર્દનાક ઘટનાએ પોલીસ તંત્રના પાયાના એકમ (પોલીસ સ્ટેશન)ની સંવેદનશીલતા અને ન્યાય પ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન