અમરેલી: 'દાદાની આંગળી પકડીને જતાં બાળકને સિંહણ ખેંચી ગઈ' - પાંચ વર્ષના બાળકનું મૃત્યુ, પરિવારે શું જણાવ્યું?

પાંચ વર્ષનો જીયાન જેને સિંહણ ખેંચીને લઈ ગઈ હતી

ઇમેજ સ્રોત, Family of Jian/Getty

ઇમેજ કૅપ્શન, પાંચ વર્ષનો જીયાન જેને સિંહણ ખેંચીને લઈ ગઈ હતી
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગીર, અમરેલી અને આસપાસના વિસ્તારોમાં સિંહ દ્વારા માણસો, ઢોર વગેરેને ફાડી ખાવાની ઘટનાઓ સતત વધી રહી છે.

અમરેલી જિલ્લાના ખાંભાના ચતુરી ગામે સિંહણ પાંચ વર્ષના બાળકને ખેંચી ગઈ હતી અને તેને ફાડી ખાધું હતું.

અમરેલીથી બીબીસી સહયોગી ફારુક કાદરીએ જણાવ્યા અનુસાર, છેલ્લા 20 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની આ ચોથી ઘટના બની છે.

એમાંય આ ઘટનામાં દાદાની આંગળી પકડી જઈ રહેલા આ બાળકને સિંહણ આંચકી જતાં ગામલોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

વારંવાર બનતી આવી ઘટનાઓથી લોકો વનવિભાગ સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

દાદાનો હાથ પકડીને છોકરો જતો હતો ને...

બાળકના દાદા , ગીર સોમનાથ, અમરેલી, સિંહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Faruk Qadri

ઇમેજ કૅપ્શન, બાળકના દાદા

ખાંભાના ચતુરી ગામનો પાંચ વર્ષનો જીયાન રાત્રિના સમયે પોતાના દાદા સાથે ઘરની નજીક આવેલી ડેરી પર દૂધ આપવા જઈ રહ્યો હતો.

ત્યારે જ અંધારામાંથી અચાનક આવેલી સિંહણે તેના પર તરાપ મારી હતી. દાદા કંઈ સમજે એ પહેલાં જ સિંહણ બાળકને હાથમાંથી ખેંચીને સીમ તરફ ભાગી ગઈ હતી.

આ ઘટના બાળકના ઘરેથી માત્ર વીસેક ફૂટ દૂર જ બની હતી.

બાળકના દાદાએ આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમે ડેરીએ દૂધ દેવા જતા હતા. મારા એક હાથમાં ડોલ હતી અને બીજા હાથે છોકરાને પકડ્યો હતો."

"ખબર નથી કે સિંહણ ક્યાંથી આવી અને ખેંચીને લઈ ગઈ. અમે થોડા પાછળ ભાગ્યા પરંતુ બે-ચાર મિનિટમાં તો એ સિંહણ છોકરાને લઈને ભાગી ગઈ."

ત્યાર બાદ ગામલોકોનું કહેવું છે કે તેમણે સિંહણનો પીછો કર્યો હતો પરંતુ સિંહણ ભાગી ગઈ હતી અને એકાદ કિલોમીટર દૂર આવેલા જંગલમાં ચાલી ગઈ હતી.

પાંચ વર્ષના જીયાનનો મૃતદેહ જ મળ્યો

ચતુરી ગામ

ઇમેજ સ્રોત, Faruk Qadri

ઇમેજ કૅપ્શન, ચતુરી ગામ અને તેની આસપાસનાં ગામમાં પણ સિંહ-દીપડા જેવાં પ્રાણીઓ વારંવાર આવી ચડે છે તેવું ગામલોકોનું કહેવું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જીયાનના કાકા મુન્નાભાઈ સીધા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે કહ્યું કે,

"દાદા ઘરની બહાર નીકળ્યા હતા સિંહણ ખેંચીને જતી રહી. સામસામે લોકો ઊભા હતા, લોકો દોડ્યા, અમે બચાવવા ગયા પણ સિંહણ ભાગી ગઈ."

"સિંહણ ડુંગરા પર ચડી ગઈ. અમે છોકરાને બચાવવાની કોશિશ શરૂ રાખી. એક ગામના જુવાને છોકરાને સિંહણ પાસેથી ખેંચવાની કોશિશ પણ કરી, પણ અમે સફળ ન થયા."

તેમણે વનવિભાગના વલણ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

"અમે છોકરાને બચાવવાની કોશિશ કરી. અંદાજે કલાક પછી વનવિભાગના લોકો આવ્યા. ત્યાં સુધી કોઈ આવ્યું નહોતું. શરૂઆતમાં વનવિભાગનો પૂરતો સ્ટાફ નહોતો અને પછી અન્ય લોકો આવ્યા. "

"ગામલોકો જ ડેડબૉડી સુધી પહોંચ્યા અને શોધ કરી. બાળકનું શરીર કેવી હાલતમાં મળી આવ્યું એનું અમે વર્ણન ન કરી શકીએ એવી સ્થિતિ હતી."

બાળકના કાકાનું કહેવું છે કે તેમના પરિવારનો આ બાળક આધાર હતો, માતાપિતાની તબિયત પણ અતિશય ખરાબ છે.

મૃતક બાળકના પિતાને હેમરેજ થયેલું છે. તેઓ અત્યારે ચાલી નથી શકતા. બાળકનાં માતાને પણ હાલમાં હૃદયના વાલ્વનું ઑપરેશન કરાવેલું છે.

તેમનું કહેવું છે કે ગામમાં સિંહનો અતિશય ત્રાસ છે.

"અમે ડેડબૉડી લઈને આવતા હતા ત્યારે પણ સામે સિંહ આવી ગયા હતા. રાત-દિવસ અહીં આંટા મારે છે."

વનવિભાગનું શું કહેવું છે?

વનવિભાગના અધિકારીઓએ સિંહણને પકડી લીધી હતી

ઇમેજ સ્રોત, Faruk Qadri

ઇમેજ કૅપ્શન, વનવિભાગના અધિકારીઓએ સિંહણને પકડી લીધી હતી અને હજુ ઑપરેશન ચાલુ હોવાની વાત કરી હતી

જોકે, વનવિભાગનું કહેવું છે કે તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે સિંહણને પકડીને ત્વરિત કાર્યવાહી કરી છે.

ધારી, ગીરના એસીએફ કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, "આ ઘટનામાં વનવિભાગને જાણ થતાં અમે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ કરાયું હતું."

"જે સિંહણ હતી તેને પકડી લેવામાં આવી છે અન્ય એક સિંહણને પણ અમે પકડી પાડી છે. બીજાં પ્રાણીઓને પણ પકડવાની કાર્યવાહી ચાલુ છે."

"અમે લોકોને અપીલ કરીએ છીએ કે રાત્રે અંધારામાં જતી વખતે લાઇટ કે લાકડી સાથે રાખવી અને એકલા જતી વખતે સાવધાની રાખવી."

ગામના સરપંચ કમલેશ જાનીએ કહ્યું હતું કે, "અમારા ગામમાં સિંહને કારણે આ જીયાન નામના બાળકનું મૃત્યુ થયું છે એ દુ:ખદ છે."

"અમે તત્કાળ આ મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાનો સંપર્ક કર્યો હતો અને તેમણે પણ અમારા ગામની મુલાકાત લીધી હતી. અમે તેમને અમારા પ્રશ્નોથી અવગત કરાવ્યા છે."

તેમણે કહ્યું હતું કે, "સિંહ જંગલ છોડીને આ વિસ્તારોમાં આવી રહ્યા છે. તેના અંગે નીતિ બનાવવામાં આવે અને સિંહ-દીપડા અહીં ન આવે એવું કંઈક કરવામાં આવે."

"માલધારીઓ-પશુપાલકોને સાથે હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી પણ માગ અમે કરી છે."

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ કહ્યું હતું કે ચતુરી ગામે બનેલી આ ગંભીર દુર્ઘટના બની છે.

તેમણે કહ્યું હતું કે, "વનવિભાગના અધિકારીઓ સાથે મેં આ ગામની મુલાકાત લીધી હતી. આજુબાજુના ગામના લોકોએ પણ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા."

"ભવિષ્યમાં આવું ન થાય તેના માટે અમે પ્રયાસ કરીશું અને નવી એસઓપી પણ બનાવીશું."

"સામાન્ય રીતે સિંહ આ રીતે માણસ પર હુમલો કરતો નથી."

" પ્રાણીના સ્વભાવમાં પણ શું પરિવર્તન આવ્યું છે એ અંગે તપાસ કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે."

છેલ્લા 20 દિવસમાં અમરેલી જિલ્લામાં ચાર ઘટના બની

 સિંહ પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમરેલીથી બીબીસી સહયોગી ફારૂક કાદરીએ આપેલી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં આ મહિનામાં આવી ચોથી ઘટના બની છે.

બગસરાના ઘંટીયાળ ગામે સાત વર્ષના અન્ય રાજ્યમાંથી આવેલા ખેતમજૂરના બાળકને સિંહે ફાડી ખાધું હતું.

આ સિવાય સાવરકુંડલાના જૂના સાવર ગામે વયોવૃદ્ધ ખેડૂત સિંહ હુમલાનો ભોગ બન્યા હતા.

રાજુલાનું કોવાયા ગામે ઉત્તરાખંડના મજૂરને સિંહોએ ફાડી ખાધા હતા.

ત્યારબાદ આ પાંચ વર્ષનાં બાળકને ફાડી ખાવાની ઘટના બની છે, જેના કારણે આખા જિલ્લામાં લોકોમાં રોષ અને ડરનો માહોલ છે.

લોકોનું કહેવું છે કે સિંહ તેમના ઘરનાં આંગણે આવી ચડે છે અને વારંવાર આવું બની રહ્યું છે. લોકો રાતભર જાગવા મજબૂર થઈ રહ્યા છે. આથી, સત્વરે કોઈ પગલાં ભરવામાં આવે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન