સ્પુતનિક V : કોરોના વિરુદ્ધ ભારતમાં કોવિશિલ્ડ, કોવેક્સિન હવે બાદ રશિયન રસી, હૈદરાબાદ પહોંચી પ્રથમ ખેપ

સ્પુતનિક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં કોરોનાની ઇમરજન્સી સારવારમાં ઉપયોગની મંજૂરી અપાયેલી સ્પુતનિક-V રસીની પ્રથમ ખેપ હૈદરાબાદ પહોંચી છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

રશિયામાં બનેલી કોરોના વાઇરસની સ્પુતનિક V રસીની પ્રથમ ખેપ ભારત આવી પહોંચી છે. ડૉ. રેડ્ડીઝ્ લૅબોરેટરીના જણાવ્યા અનુસાર દોઢ લાખ ડોઝની પ્રથમ ખેપ હૈદરાબાદ પહોંચી છે.

લૅબના સીઈઓ દીપક સાપ્રાએ આ અંગે માહિતી આપી છે, "ક્લિયરન્સની જરૂરી પ્રકિયા પૂર્ણ કરવામાં આવશે અને આગામી કેટલાક દિવસમાં પૂરી કરી લેવાશે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સાપ્રાના જણાવ્યા અનુસાર બાકીની ખેપ પણ આગામી સપ્તાહોમાં આવી પહોંચશે.

નોંધનીય છે કે ગત માસના પ્રારંભે ભારતમાં રસીસંબંધિત બાબતોના નિષ્ણાતોની સમિતી 'સબજેક્ટ ઍક્સપર્ટ કમિટી' (SEC)એ રશિયન રસી સ્પુતનિક-Vના ઇમરજન્સી ઉપયોગ માટેની હૈદરાબાદની ડૉ. રેડીઝ્ લૅબની અરજી સ્વીકારી લીધી હતી.

ભારતની ડ્રગ નિયામક સંસ્થાએ સ્વીકાર્યું છે કે રશિયામાં વિકસિત આ રસી સુરક્ષિત છે. આ રસી ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ રસીની માફક જ કામ કરે છે.

સાયન્સ જર્નલ 'ધી લાંસેટ'માં પ્રકાશિત રસીના અંતિમ તબક્કાની ટ્રાયલનાં પરિણામો અનુસાર સ્પુતનિક-V કોરોના વાઇરસ વિરુદ્ધ લગભગ 92 ટકા સુરક્ષા સુરક્ષા આપે છે.

સ્પુતનિક -V તરફથી આવેલા નિવેદનમાં જણાવાયું છે, "સ્પુતનિક -V રસીની પ્રથમ ખેપ હૈદરાબાદ પહોંચી ગઈ છે. ભારત! આ જ દિવસે દેશે પોતાની સંપૂર્ણ વયસ્ક વસતીના રસીકરણ માટે મોટા પ્રમાણે કોવિડ રસીકરણનું અભિયાન શરૂ કર્યું છે. સાથે મળીને આ મહામારીને હરાવીએ. એકજૂથ થઈને આપણે વધારે મજબૂત થઈશું."

ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુદાશેવે જણાવ્યું છે, "રશિયા અને ભારત કોવિડ-19ને પહોંચી વળવા માટે સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન આ પગલું બીજી ઘાતક લહેરોને શાંત કરવા અને જીવન બચાવવાના ભારત સરકારના પ્રયાસોમાં સહયોગ આપવામાં વિશેષ રૂપે મહત્ત્વપૂર્ણ છે."

ભારત માટે રશિયાના રાજદૂતે સાથે જ કહ્યું, "સ્પુતનિક -Vની અસરકારકતા વિશ્વમાં સૌથી વધારે છે અને આ રસી કોવિડ-19ના નવા સ્ટ્રૅન વિરુદ્ધ પણ પ્રભાવિત હશે. આનું સ્થાનિક ઉત્પાદન પણ વહેલું શરૂ કરી દેવાશે અને તેને ધીમેધીમે દર વર્ષે 850 મિલિયન ડોઝ સુધી વધારવાની યોજના છે."

આ વૅક્સિન આવતાં જ ભારતમાં હવે કોરોના સામેની લડાઈમાં ત્રણ રસીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકાના સહયોગથી બનેલી કોવિશિલ્ડ, ભારત બાયૉટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક -V.

મહત્ત્વપૂર્ણ છે કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં શનિવારે કોરોના વાઇરસના નવા 4,01,993 કેસ નોંધાયા છે.

મહામારી શરૂ થઈ ત્યારથી હાલ સુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. ઉપરાંત વિશ્વમાં એક દિવસમાં સૌથી વધારે આવેલા કેસ પણ છે.

ભારતમાં કુલ કેસની સંખ્યા 1,91,64,969એ પહોંચી છે. હાલ સુધીમાં 2,11,853 દરદી મૃત્યુ પામ્યા છે, જ્યારે 1,56,84,406 દરદી સાજા થયા છે. ભારતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 32,68,710 છે.

line

સ્પુતનિક રસી કઈ રીતે કામ કરે છે?

સ્પુતનિક

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસ સામે લડવા માટેની રશિયાની સ્પુતનિક V રસીની અસરકારકતા 92 ટકા હોવાનું પરીક્ષણોમાં પુરવાર થયું

સ્પુતનિક રસી યુકેમાં વિકસાવાયેલી ઑક્સફર્ડ/ઍસ્ટ્રાઝેનેકાની રસી તથા બેલ્જિયમમાં વિકસીત જૅન્સનની રસીની જેમ જ કામ કરે છે.

તેમાં શરદી જેવા વાઇરસનો ઉપયોગ થાય છે જે બિનહાનિકારક માનવામાં આવે છે. તે શરીરમાં અલ્પ પ્રમાણમાં કોરોના વાઇરસ પહોંચાડવા માટે કૅરિયર તરીકે કામ કરે છે.

શરીરમાં આ રીતે વાઇરસના જિનેટિક કૉડ પહોંચાડવાથી તે જોખમને ઓળખી શકે છે અને તેનો સામનો કરી શકે છે તથા બીમાર પડવાનું જોખમ રહેતું નથી.

રસી અપાયા બાદ શરીરમાં ઍન્ટીબૉડીઝ બનવા લાગે છે જે કોરોના વાઇરસ માટે ખાસ તૈયાર કરાયા હોય છે.

જેનાથી રોગપ્રતિકારક શક્તિ વાસ્તવમાં કોરોના વાઈરસના સંસર્ગમાં આવે ત્યારે તેનો સામનો કરવા સજ્જ બની જાય છે.

આ રસીને 2થી 8 ડિગ્રી સે. તાપમાને સંગ્રહ કરી શકાય છે. (સામાન્ય ફ્રીઝનું તાપમાન 3-5 ડિગ્રી સે. હોય છે.) તેથી આ રસીનું પરિવહન અને સંગ્રહ વધુ સરળ છે.

line

અલગ પ્રકારનો બીજો ડોઝ

સ્પુતનિક રસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પુતનિકV રસી લીધા બાદ કેટલીક આડઅસરની શક્યતા રહે છે, પરંતુ તે હળવી છે

બીજી રસીથી વિપરીત સ્પુતનિકની રસીમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સહેજ અલગ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવે છે અને 21 દિવસના ગાળે આ ડોઝ અપાય છે.

આ બંને ડૉઝ કોરોના વાઇરસના વિશિષ્ટ 'સ્પાઈક'ને ટાર્ગેટ બનાવે છે. પરંતુ તેમાં વેક્ટર- એટલે કે ન્યુટ્રલાઇઝ્ડ વાઈરસ જુદાજુદા હોય છે જે 'સ્પાઈક'નું શરીરમાં વહન કરે છે.

તેની પાછળની યોજના એવી છે કે એક સરખું વર્ઝન બે વખત આપવા કરતાં બે અલગ પ્રકારની ફોર્મ્યુલાથી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે. તેથી વધુ લાંબા સમય સુધી રક્ષણ પ્રાપ્ત થાય છે.

તે અસરકારક હોવા ઉપરાંત સુરક્ષિત પણ છે. ટ્રાયલ દરમિયાન આ રસીની કોઈ ગંભીર આડ અસર જોવા મળી નહોતી.

રસી મુકાવ્યા પછી કેટલીક આડઅસરની શક્યતા રહે છે, પરંતુ તે હળવી છે. તેમાં હાથમાં દુખાવો થવો, થાક લાગવો અને થોડો તાવ આવવો વગેરે સામેલ છે.

જે જૂથને આ રસી આપવામાં આવી હતી તેમાં મૃત્યુ અથવા ગંભીર બીમારીનો કોઈ કેસ નોંધાયો ન હતો.

line

ભારત ઉપરાંત સ્પુતનિકને બીજા કયા દેશોએ મંજૂરી આપી?

વીડિયો કૅપ્શન, શું કોરોના વાઇરસની રસી દર થોડાં વર્ષે ફરીથી લેતા રહેવું પડશે?

રશિયા ઉપરાંત આ રસી બીજા દેશોમાં પણ ઉપયોગમાં લેવાય છે. તેમાં સામેલ છેઃ

  • આર્જેન્ટિના
  • પેલેસ્ટાઈનનો પ્રદેશ
  • વેનેઝુએલા
  • હંગેરી
  • યુએઈ
  • ઈરાન

લાન્સેટ પેપરની સાથે પ્રકાશિત થયેલી ટિપ્પણીમાં પ્રોફેસર ઇયાન જૉન્સ અને પોલી રોયે જણાવ્યું કે, "સ્પુતનિક-V રસી વિકસાવવામાં વધારે પડતી ઉતાવળ, કેટલીક બાબતોની ઉપેક્ષા અને પારદર્શિતાના અભાવના કારણે તેની ટીકા કરવામાં આવી હતી."

"પરંતુ અહીં જે પરિણામ પ્રાપ્ત થયું છે તે સ્પષ્ટ છે અને રસીકરણનો વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રદર્શિત થાય છે. એટલે કે કોવિડ-19 સામેની લડાઈમાં વધુ એક રસીનો ઉમેરો થયો છે."

તેમણે જણાવ્યું કે આ રસી તમામ વયજૂથના લોકોમાં સારી એવી અસરકારક છે અને એક ડોઝ લીધા પછી બીમારીની અસરકારકતા ઘટે છે.

તેમણે કહ્યું કે, રસીનો પુરવઠો મર્યાદિત છે ત્યારે આ બાબત "ખાસ પ્રોત્સાહક" હતી.

line

સ્પુતનિકને લઈને અગાઉ શંકા હતી?

સ્પુતનિક રસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં કોવિશિલ્ડ, કૉવેક્સિન બાદ સ્પુતનિક Vના ઉપયોગને મંજૂરી અપાઈ

લાંસેટ પેપરના લેખકોએ જણાવ્યું કે આ વિશ્લેષણમાં કોવિડના માત્ર સિમ્પ્ટમેટિક કેસ સામેલ હતા.

તે બીજા ઍસિમ્પ્ટમેટિક કેસને અટકાવી શકે છે કે નહીં અને રસી અપાયેલા લોકો પર વાઈરસનું વહન થાય છે કે નહીં તે જાણવા માટે વધારે કામ કરવું પડશે.

યુનિવર્સિટી ઑફ લૅસેસ્ટર ખાતે ક્લિનિકલ વાઇરોલોજિસ્ટ ડૉ. જુલિયન ટેંગે જણાવ્યું કે, "રશિયાની સ્પુતનિક V રસી જે રીતે બહાર પાડવામાં આવી તેના વિશે અગાઉ કેટલીક શંકા હતી તેમ છતાં હવે આ વલણ અમુક અંશે ન્યાયોચિત જણાય છે. ત્રીજા તબક્કાના ટ્રાયલની પૂરતી વિગત મળે તે પહેલાં સ્પુતનિકનો ઉપયોગ શરૂ કરાયો હતો."

તેમણે કહ્યું કે, "આવી મહામારી સંબંધિત રસીઓને યુકે વૅક્સિનેશન પ્રોગ્રામમાં પણ સામેલ કરવામાં આવેલ છે અને તેમાં પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે વધારે લાંબો ગાળો રાખવામાં આવે છે."

"તેથી બીજા દેશોની રસીની વધારે પડતી ટીકા કરવામાં આપણે અત્યંત સાવધ રહેવું જોઈએ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો