ગુજરાતમાં કૉંગ્રેસ અને શંકરસિંહ વાઘેલાની કોવિડ સેન્ટર માટે પોતાની ઑફિસો આપવાની જાહેરાત, શું છે સ્થિતિ?

શંકરસિંહ વાઘેલા

ઇમેજ સ્રોત, FACEBOOK/SHANKERSINHVAGHELA

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોના મતે ગુજરાતમાં ગંભીર બની રહી છે કોરોનાની સ્થિતિ
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં ચારેતરફ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. હૉસ્પિટલમાં ખાટલા ખૂટી પડ્યા છે, ખાટલા મળે તો ઑક્સિજનનો પુરવઠો ખૂટી પડ્યા છે.

આ સંજોગોમાં કૉંગ્રેસે પોતાના કાર્યાલય અને શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્રસ્ટની બે કૉલેજોને કોવિડ કૅર સેન્ટરમાં ફેરવવા માટે તૈયારી બતાવી છે.

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "સમગ્ર ગુજરાતનાં કૉંગ્રેસનાં કાર્યાલયો કોવિડ કૅર સેન્ટરમાં ફેરવવા હોય તો અમે તૈયાર છીએ. જરૂર પડે તો આગેવાનો અને કાર્યકર્તાઓના સંકુલ પણ ઉપલબ્ધ કરાવવા અમે તૈયાર છીએ."

પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્રસ્ટ દ્વારા ચાલતી ગાંધીનગરમાં આવેલી બે કૉલેજને હૉસ્પિટલ કે ક્વોરૅન્ટીન સેન્ટરમાં ફેરવવી હોય તો તે માટે તૈયારી દર્શાવી છે.

શંકરસિંહ વાઘેલાએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ અંગે જાણ કરી હતી.

પત્રમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે, "કોરોનાના આવા કપરા સમયે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી સંસ્થાઓ ક્વોરૅન્ટીન સેન્ટર બનાવવા માટે આપવા માગું છું."

line

હૉસ્પિટલોમાં વેઇટિંગ, ઍમ્બ્યુલન્સની લાઇનો લાગી

અમદાવાદમાં હૉસ્પિટલ બહાર લાગેલી ઍમ્બ્યુલન્સની લાઇન

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં હૉસ્પિટલ બહાર લાગેલી ઍમ્બ્યુલન્સની લાઇન

રાજ્યભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધવાની સાથે-સાથે હૉસ્પિટલો ભરાઈ રહી છે, જગ્યા ન હોવાના કારણે હૉસ્પિટલોની બહાર ઍમ્બ્યુલન્સની લાઇનો લાગે છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખાતે ઍમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગી હતી.

અહેવાલમાં નોંધ્યું છે કે હૉસ્પિટલનું OPD સતત ધમધમતું રહે છે પણ કોવિડ વોર્ડની સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં છેલ્લા પાંચ-છ દિવસથી તમામ બેડ ભરાઈ ગયા છે.

એક દિવસ અગાઉ આનાથી લાંબી લાઇન અમદાવાદની સિવિલ હૉસ્પિટલ બહાર જોવા મળી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં કોરોના વાઇરસની સારવાર કરતી ડેઝિગ્નેટેડ હૉસ્પિટલમાંથી દરદીઓને સોમવારે સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

અખબારને સૂત્રોએ જણાવ્યું હતું કે 40 દરદીઓને લાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નાની હૉસ્પિટલોમાં ઑક્સિજનનો જથ્થો ઓછો હોવાથી દરદીઓને સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આવા જ અહેવાલો અન્ય શહેરોમાંથી પણ આવી રહ્યા છે.

line

10 દિવસથી 18,000 ગામડાંમાં સરેરાશ એક વ્યક્તિ મૃત્યુ પામે છે - ધાનાણી

પરેશ ધાનાણીએ ગુજરાત કૉંગ્રેસના કાર્યાલયને કોવિડ સેન્ટરમાં ફેરવવાની પેશકશ કરી

ઇમેજ સ્રોત, FB/@PARESH DHANANI

ઇમેજ કૅપ્શન, પરેશ ધાનાણીએ ગુજરાત કૉંગ્રેસના કાર્યાલયને કોવિડ સેન્ટરમાં ફેરવવાની પેશકશ કરી

શહેરોની આ સ્થિતિ છે ત્યારે ગામડાંની સ્થિતિ વિશે વિચાર કરવો જ રહ્યો.

પરેશ ધાનાણીએ જણાવ્યું, "છેલ્લા 10 દિવસથી 18,000 ગામડાંમાં દરરોજ સરેરાશ એક માણસ મરતો હશે. આપણે ખૂબ ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ."

"કોરોનાનો પહેલો તબક્કો શહેરોમાં વધુ હતો, આ બીજા તબક્કામાં સમગ્ર ગ્રામીણ ગુજરાત કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. આપણી આરોગ્ય-વ્યવસ્થા શહેર કેન્દ્રીત છે."

"33 જિલ્લાના મુખ્યમથક અને આઠ મહાનગરને બાદ કરો તો સમગ્ર ગુજરાતમાં આરોગ્ય-વ્યવસ્થાની મોટી સમસ્યા છે. ગામડાના માણસને ન તો ડૉક્ટર મળે છે, ન તો દવાખાનાં."

"સરકાર માત્ર આંકડાઓ છુપાવવામાં વ્યસ્ત છે. મારું હેડ ક્વાર્ટર અમરેલી છે, ત્યાં ગઈકાલથી લાશો સ્મશાનમાં વેઇટિંગમાં છે. આખા ગુજરાતની આ સ્થિતિ છે."

"કોરોનાને એક વર્ષ થઈ ગયું છે, લાઇન ઑફ ટ્રીટમૅન્ટ નક્કી થઈ ગઈ છે. સરકારે આટલા સમયમાં જે વ્યવસ્થા ગોઠવવી જોઈએ, એ ન ગોઠવી. એનો ભોગ આજે ગુજરાતીઓ બની રહ્યા છે."

line

રાજ્યની આઠ મહાનગરપાલિકામાં 60%થી વધુ કોરોના કેસ - વિજય રૂપાણી

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, FACEBOOK/VIJAY RUPANI

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ

એક વખત હતો કે જ્યારે ગુજરાતમાં રોજના 300 કેસ નોંધાતા હતા, જે હવે રોજના 6000 થઈ ગયા છે. આ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના જ શબ્દો છે.

રાજ્યની આઠ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથેની વીડિયો કૉન્ફરન્સમાં તેમણે આ વાત કહી હતી.

વિજય રૂપાણીએ કહ્યું, "રાજ્યની આઠ મહાનગરપાલિકામાં 60%થી વધુ કોરોનાના કેસ છે. કૉર્પોરેશનના પદાધિકારીઓ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે."

"છેલ્લાં 15 દિવસથી ગુજરાત સરકારે દિવસ-રાત એક કરીને કોઈ પણ સંક્રમિત સારવાર વિનાનો ન રહે, તે માટે 18,000 નવા બેડની વ્યવસ્થા કરી છે. વિવિધ હૉસ્પિટલોને મંજૂરી, રેમડેસિવિર ઇન્જેક્શન, રસીકરણ તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરી છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે ડૉક્ટરોએ ચાલુ દવાખાને વિનંતિ કરવી પડે કે અમને ઑક્સિજન પહોંચાડો, નહિતર દરદી મરી જશે. લાશો લારીમાં લઈને જવી પડે છે.

તેમણે કહ્યું, "હૉસ્પિટલના આંગણે ઍમ્બ્યુલન્સની કતારો હોય, રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા અમદાવાદમાં બબ્બે કિલોમિટર લાંબી કતાર લાગે. આનાથી વરવું ચિત્ર શું હોઈ શકે?"

વિજય રૂપાણીને લખેલા પત્રમાં શંકરસિંહ વાઘેલાએ સરકારને એમ પણ કહ્યું છે કે "ઇન્જેક્શન અને ઑક્સિજનના અભાવને કારણે દરદીઓનાં મોત થાય તે સરકારની નાલેશી કહેવાય."

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વીડિયો કૉન્ફરન્સમાં કહ્યું, "ગુજરાતમાં મર્યાદિત કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે, તેમ છતાં પણ આપણે અન્ય રાજ્યોમાંથી દૈનિક 20,000 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ."

"આપણે અત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન માટે સરકારી હૉસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હૉસ્પિટલોની પ્રાથમિકતા નક્કી કરવી પડશે."

"જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકોને જ રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે, એટલે બિનજરૂરી રેમડેસિવિરનો ઉપયોગ ન કરે, એ જરૂરી છે. અગાઉ ગુજરાતમાં ઑક્સિજનની જરૂરિયાત 250 ટન હતી, જે વધીને હવે 600 ટન સુધી પહોંચી છે."

line

'અધિકારીઓ સાંસદના ફોન ઉપાડતા નથી, લોકોના ક્યાં ઉપાડવાના?'

શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનાના વધતાં કેસોની વચ્ચે રાજ્યની હૉસ્પિટલોમાં દર્દીઓ માટે પથારી ખૂટી પડી હોવાની રાવ ઊઠી છે

'કોરોનાના આ સમયમાં લોકો પોતાની તકલીફો રજૂ કરે એ માટે સરકાર શા માટે કંટ્રોલરૂમ બનાવતી નથી', એવો સવાલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઊભો કર્યો છે.

12 એપ્રિલે તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું, "સરકાર કહે છે કે અધિકારીઓ સાથે વાત કરી લેવાની. અધિકારી અમારા જેવા સંસદસભ્યોના ફોન ન ઉપાડતા હોય તો સામાન્ય માણસોના તો ક્યાંથી ઉપાડવાના?"

શા માટે સરકાર સર્વપક્ષીય બેઠક નથી બોલાવતી, એવી પણ ગોહિલે ટકોર કરી હતી.

તેમણે કહ્યું, "સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે હું આરોગ્યપ્રધાન હતો. તમામ ભૂતકાળના આરોગ્યપ્રધાનને મેં બોલાવ્યા હતા. આ વખતે આ સરકારે એક પણ સર્વપક્ષીય બેઠક નથી બોલાવી, એક પણ વખત ભૂતકાળના આરોગ્યપ્રધાનોને બોલાવીને રસ્તો ઉકેલવા વાત નથી કરી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો