આસામ ચૂંટણીઃ ચૂંટણી મેદાનમાં કોણ કોની સામે અને કોણ કોની સાથે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

2021માં દેશનાં અન્ય રાજ્યોની સાથે પૂર્વોત્તરના સૌથી મોટા રાજ્ય આસામમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે.

આસામની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 31 મેએ પૂર્ણ થશે અને એ તારીખ સુધીમાં આ ઈશાન ભારતીય રાજ્યમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.

આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું છે કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના પુનરાગમનની ખાતરી છે. ભાજપે 2016માં આસામમાં પહેલી વખત સરકાર બનાવી હતી.

આસામમાં ચૂંટણી ક્યારે યોજાવાની છે?

આસામમાં વિધાનસભાની ચૂંટણી માટે 27 માર્ચથી ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે.

આસામ વિધાનસભા ચૂંટણીનું પરિણામ બીજી, મેએ જાહેર કરવામાં આવશે.

આસામ વિધાનસભાના 126 મતવિસ્તારો માટે ચૂંટણી યોજાઈ રહી છે. એ 126 બેઠકો પૈકીની 8 બેઠકો અનુસૂચિત જાતિ અને 16 બેઠકો અનુસૂચિત જાતિઓ માટે અનામત છે.

આસામ વિધાનસભાની ચૂંટણી માટે ક્યા પક્ષો મેદાનમાં છે?

ભાજપના નેતૃત્ત્વ હેઠળના ગઠબંધનમાં પ્રાદેશિક આસામ ગણ પરિષદ (એજીપી) અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) સામેલ છે.

કૉંગ્રેસ પક્ષના ગઠબંધનમાં મુસ્લિમ મતદાતાઓના પક્ષ તરીકે ઉભરેલો ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ (એયુઆઈયુડીએફ), બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ), આંચલિક ગણ મોરચો, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ) સામેલ છે.

બીજેપી તેના ગઠબંધનના ભાગીદાર પક્ષો સાથે યોગ્ય વર્તન ન કરતી હોવાનો આક્ષેપ કરીને બીપીએફ તાજેતરમાં જ કૉંગ્રેસના ગઠબંધનમાં જોડાઈ છે.

આ ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે રાયજૌર દલ (આરડી) અને આસામ જાતીય પરિષદ (એજેપી)ની યુતિ પણ મેદાનમાં ઉતરી છે. આ બન્ને પક્ષનો ઉદય 2019ના નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન થયો છે.

આસામમાં કેટલા મતદાર છે?

ચૂંટણી પંચના આંકડા મુજબ, 2021માં આસામ વિધાનસભાની ચૂંટણી માટે કૂલ 2,31,86,362 મતદાતાઓ મતદાન કરશે. તેમાં 1,17,42,661 પુરુષ અને 1,14,43259 મહિલાઓ તથા 442 તૃતીયપંથી મતદાતાઓનો સમાવેશ થાય છે. કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ વખતે મતદાનના સમયમાં એક કલાકનો વધારો કર્યો છે.

આસામમાં કેટલા તબક્કામાં ચૂંટણી થવાની છે?

આસામમાં 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલ એમ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. આ વર્ષે આસામમાં કૂલ 33,530 મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે. એ પ્રમાણ 2016ની ચૂંટણીની સરખામણીએ 34.71 ટકા વધારે છે.

ચૂંટણીમાં જીતનો નિર્ણય કઈ રીતે થશે?

આસામમાં સરકાર રચવા માટે કુલ1 126 બેઠકો પૈકીની અરધોઅરધ એટલે કે 64 બેઠકો જીતવી જરૂરી છે. આસામ વિધાનસભા ચૂંટણીમાં જીતનો જાદુઈ આંકડો છે 64.

મુખ્ય ઉમેદવારો તથા મુખ્ય મતવિસ્તારો ક્યા-ક્યા છે?

મુખ્ય ઉમેદવારોમાં બીજેપી સરકારના વર્તમાન મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ છે. તેઓ માજુલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યના બીજા એક પ્રધાન હિમંત બિસ્વ સરમા જાલુકવાડી વિધાનસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર છે.

એ સિવાય ભાજપના પ્રદેશ અધ્યક્ષ રંજીત દાસ પાટાચારકુછી વિધાનસભા બેઠક પરથી, જ્યારે વિધાનસભાના સ્પીકર હિતેન્દ્ર નાથ ગોસ્વામી જોરહાટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.

કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરા ગોહપુર વિધાનસભા બેઠક પરથી અને કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા દેબવ્રત સૈકિયા નાઝિરા વિધાનસભા બેઠક પરથી તકદીર અજમાવી રહ્યા છે.

ચૂંટણીમાં મુખ્ય મુદ્દા ક્યા છે?

નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) અને સીએએ આસામમાં (નાગરિકતા સંશોધન કાયદો) મુખ્ય મુદ્દો છે. આસામની ચૂંટણીમાં ભાજપ હિન્દુત્વ પર ફોકસ કરવાની સાથે વિકાસવાદી રાજકારણનો દાવો પણ કરી રહ્યો હોવાનું કહેવાય છે. બીજી તરફ તેના બન્ને પ્રતિસ્પર્ધી ગઠબંધન સીએએના વિરોધમાં ચૂંટણી લડી રહ્યાં છે.

આસામમાં બીજો મુદ્દો છે જમીનની લીઝ. કૉંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં દાવો કર્યો છે કે તેની સરકાર બનશે તો સરકારી માલિકીની જમીન ભૂમિહીન લોકોને 'લીઝ પર' આપવામાં આવશે. એ પહેલાં જાન્યુઆરીમાં આસામ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લાખથી વધારે લોકોને ભૂમિ વહેંચણીનાં પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આસામમાં અગાઉની સરકારોએ ભૂમિહીનોને જમીન આપવામાં કોઈ રસ દેખાડ્યો નથી.

તેમણે દાવો કર્યો હતો કે બીજેપીની સરકારના કાર્યકાળમાં સવા બે લાખ પરિવારોને જમીનની લીઝ આપવામાં આવી હતી અને હવે તેમાં એક લાખ પરિવારોનો ઉમેરો થયો છે.

મજૂરોનું દૈનિક વેતન પણ આસામમાં ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ પૈકીનું એક છે. આસામમાં ચાના બગીચામા કામ કરતા મજૂરોને 167 રૂપિયા દૈનિક વેતન મળે છે.

મજૂરો તેમને આધારભૂત સુવિધા ન મળતી હોવાની વાત પણ કરે છે. એ સુવિધાઓ વધારવાની માગ પણ થતી રહે છે. દેશના અનેક રાજ્યોમાં ચાના બગીચામાં કામ કરતા મજૂરોના દૈનિક વેતનની સરખામણીએ પણ આસામમાં આવા મજૂરોનું દૈનિક વેતન સૌથી ઓછું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં ચા બગીચાના મજૂરો માટેની સુવિધા વધારવાની તથા તેમનું જીવન આસાન બનાવવાની વાત એક જાહેરસભામાં કરી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારે ચાના બગીચામાં કામ કરતા શ્રમિકો માટે 1,000 કરોડ રૂપિયાની વિશેષ યોજના આ વર્ષના બજેટમાં જાહેર કરી છે.

કૉંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં એવો દાવો કર્યો છે કે તે જીતીને સત્તા પર આવશે તો ચાના બગીચાના શ્રમિકોનું દૈનિક વેતન વધારીને 365 રૂપિયા કરશે.

આસામની ચૂંટણીમાં મોંઘવારી અને રોજગારના મુદ્દા પણ ગૂંજી રહ્યા છે.

આસામ વિધાનસભાની ગત ચૂંટણીમાં શું થયું હતું?

આસામ વિધાનસભાની ગત ચૂંટણી 2016માં થઈ હતી. તેમાં બીજેપીને 60, કોંગ્રેસને 26, એયુઆઈયુડીએફને 13, આસામ ગણ પરિષદને 14, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટને 12 અને અપક્ષને એક બેઠક મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો