બંગાળ : મોદીએ કહ્યું કે મમતાએ લોકોનો ભોરસો તોડ્યો, મમતાએ સિલિન્ડર સાથે રેલી યોજી TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકતાના બ્રિગેડ મેદાનમાં ચૂંટણીરેલી સંબોધી, જેમાં તેમણે રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પર નિશાન તાક્યું.

તેમણે કહ્યું, "બંગાળમાં પરિવર્તન માટે જ લોકોએ મમતા દીદી પર ભરોસો મૂક્યો હતો પણ તેમણે ભરોસો તોડી નાખ્યો. આ લોકોએ બંગાળનો વિશ્વાસ તોડ્યો. આ લોકોએ બંગાળને અપમાનિત કર્યું."

તેમણે એવું પણ કહ્યું કે જો બંગાળમાં ભાજપની સરકાર રચાશે તો તેના નિર્ણયોમાં બંગાળના લોકોનાં હિતો સર્વોપરી રહેશે. તેમણે એ સરકારની પ્રેરણા 'આશોલ પોરિબોરતોન'નો મંત્ર ગણાવ્યો.

તેમણે કહ્યું, "આશોલ પોરિબોરતોનનો અર્થ, એવું બંગાળ જ્યાં ગરીબને પણ આગળ વધવાની પૂરી તકો મળે. આશોલ પરિવર્તન એટલે એવું બંગાળ જ્યાં દરેક ક્ષેત્ર, દરેક વર્ગની વિકાસમાં સમાન ભાગીદારી હોય."

એક તરફ વડા પ્રધાને કોલકતાના બ્રિગેડ મેદાન પર ચૂંટણીરેલીને સંબોધી તો બીજી તરફ રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સિલિગુડીમાં મહિલાઓ સાથે રેલી યોજી.

મમતાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવા માટે આ પ્રદર્શન કરાયું છે.

તેમણે કહ્યું, "તેઓ બંગાળમાં છે. પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ કેમ વધી રહ્યા છે."

"મોદી માત્ર ભાષણ આપે છે. મોદી કહે છે કે બંગાળમાં પરિવર્તન થશે. હું બતાવવા માગું છું કે કેન્દ્રમાં ફેરફાર આવશે અને પીએમ મોદીની ખુરસી જશે."

માર્ચ દરમિયાન મમતા ગૅસ સિલિન્ડર સાથે જોવા મળ્યાં.

પોતાની માર્ચ દરમિયાન મમતાએ ટ્વીટ કર્યું, "ભાજપ એલપીજી ગૅસના ભાવ વધારી લોકોને લૂંટી રહ્યો છે. મોંઘવારીનો માર સૌથી વધુ મહિલાઓને પડી રહ્યો છે. કરમાં ઘટાડો કરીને લોકોનો ભાર હળવો કરવાની સરકારની મનસા જ નથી."

9મી એપ્રિલથી IPLનો પ્રારંભ, 30મેના રોજ અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં ફાઈનલ યોજાશે

આઈપીએલની મૅચની તારીખો જાહેર થઈ ગઈ છે. 9 એપ્રિલે ચેન્નાઈમાં ગત સિઝનના ચૅમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલાથી આઈપીએલનો પ્રારંભ થશે. આઈપીએલમાં કુલ 56 લીગ મૅચો રમાશે. આ મૅચો ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર તેમજ અમદાવાદ અને દિલ્હીમાં યોજાશે. મહત્ત્વની વાત એ છે કે, તમામ ટીમો ન્યૂટ્રલ મેદાન પર રમશે અને હોમ ગ્રાઉન્ડ પર કોઈ ટીમની મૅચ નહીં રમાય.

બપોરની મૅચની શરુઆત 3:30 કલાકથી થશે અને ડે-નાઇટ મુકાબલો 7:30 વાગ્યાથી શરુ થશે.

ઉલ્લેખનિય છે કે, ઇન્ડિન પ્રીમિયમ લીગની ગત સિઝન કોરોનાના કારણે યુ.એ.ઈ અને અબુધાબીમાં યોજાઈ હતી પણ હવે આઈપીએલની ફરી એક વખત ભારતમાં વાપસી થઈ ગઈ છે.

વળી પ્રારંભિક તબક્કામાં ખાલી સ્ટેડિયમમાં મૅચો રમાશે અને બાદમાં દર્શકોને ઍન્ટ્રી આપવી કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.

મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા, નરેન્દ્ર મોદીની રેલીમાં પહેર્યો ભાજપનો ખેસ

અભિનેતા મિથુન ચક્રવર્તી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.

સમાચાર સંસ્થા એએનઆઈ આ વાતની પુષ્ટિ કરી છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપે પણ સત્તાવાર સોશિયલ મીડિયા પરથી મિથુન ચક્રવર્તીના ભાજપમાં જોડાવાની વાત કરી.

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતાના બિગ્રેડ પરેડ મેદાનમાં એક રેલીને સંબોધન કરશે.

પીએમ મોદીની આ રેલી દરમિયાન અભિનેતા મિથુન ચક્રવર્તી પણ હાજર રહેશે એમ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કહ્યું હતું.

જોકે કૈલાસ વિજયવર્ગીયે કહ્યું કે મિથુન ચક્રવર્તીના ભાજપમાં જોડાવવાને લઈને કોઈ ચર્ચા થઈ નથી.

માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જે ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજીનું રાજકીય ભાવિ નક્કી કરશે. આ સાથે જ આ ચૂંટણી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની છે.

અહીં તૃણમુલ કૉંગ્રેસ, ભાજપ તથા કૉંગ્રેસ-ડાબેરી પક્ષો અને ઇન્ડિયા સૅક્યુલર ફ્રન્ટની યુતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

મમતા બેનરજીને આશા છે કે તેમનો પક્ષ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.

294 ધારાસભ્યોવાળી વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે અને બીજી મેના રોજ પરિણામ જાહેર થશે.

ચોથી મે સુધીમાં આગામી વિધાનસભાના ગઠનસંબંધિત સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે.

જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે રહેતા 155 રોહિંગ્યાને જેલ મોકલાયા

જમ્મુ-કાશ્મીર પ્રશાસને અહીં લાંબા સમયથી રહેલા મ્યાનમારના ગેરકાયદે પ્રવાસીઓના બાયોમેટ્રિક અને અન્ય જરૂરી વિવરણોને એકત્ર કરવા માટે શનિવારે એક વિશેષ અભિયાન ચલાવ્યું હતું.

એમએ સ્ટેડિયમમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મ્યાનમારના આ પ્રવાસીઓની તપાસ કરાઈ હતી.

જમ્મુ રેન્જના પોલીસ આઈજી મુકેશસિંહે આ પ્રક્રિયા બાદ કહ્યું, "ગૃહવિભાગની 5 માર્ચ, 2021ની અધિસૂચના અનુસાર શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં રહેતા 155 ગેરકાયદે રોહિંગ્યા પ્રવાસીઓને હોલ્ડિંગ સેન્ટર મોકલવામાં આવ્યા છે."

પોલીસ અનુસાર, "આ ગેરકાયદે પ્રવાસીઓને રાખવા માટે કઠુઆ જિલ્લાની ઉપજેલ હીરાનગરને એક હોલ્ડિંગ સેન્ટરમાં તબદિલ કરી દેવાઈ છે."

આઈજી મુકેશસિંહે કહ્યું કે હોલ્ડિંગ સેન્ટરમાં આ પ્રવાસીઓનો મોકલ્યા બાદ એ તપાસ કરાશે કે તેઓ કયા દેશના છે.

નંદીગ્રામમાં મમતા બેનરજી સામે શુભેન્દુ અધિકારી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે.

પાર્ટીએ પહેલા બે તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પહેલા તબક્કામાં કુલ 57 સીટ પર મતદાન થવાનું છે.

ભાજપે મુખ્ય મંત્રી મમતા બેનરજી સામે નંદીગ્રામ સીટ પર ટીએમસી છોડીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારીને ઉતાર્યા છે.

શુભેન્દુ અધિકારી મમતા બેનરજી સરકારમાં મંત્રી હતા અને થોડા મહિના પહેલાં જ ભાજપમાં જોડાયા છે.

નંદીગ્રામમાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે.

2016માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ સીટ મળી હતી. આ વખતે પાર્ટીએ 200થી વધુ સીટ જીતવાનો દાવો કર્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો