ગુલામ નબી આઝાદે કર્યા નરેન્દ્ર મોદીના વખાણ, કૉંગ્રેસનું 'બળવાખોર જૂથ' જી-23 ફરી સક્રિય

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે તેમણે ક્યારેય પોતાનો ભૂતકાળ નથી છૂપાવ્યો.
જમ્મુમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આઝાદે કહ્યું : "મને અનેક નેતાઓની અનેક બાબતો સારી લાગે છે. હું ગામડાનો છું અને એ વાતનો મને ગર્વ છે. જેમ કે, આપણા પ્રધાન મંત્રી. તેઓ ખુદ કહે છેકે તેઓ કંઈ ન હતા."
"વાસણ માંજતા અને ચા વેંચતા. રાજકીય રીતે અમે વિરોધી છીએ, પરંતુ કમસે કમ જે વાસ્તવિક્તા છે, તેને છુપાવતા નથી. જે લોક વાસ્તવિકતા છુપાવે છે, તેઓ ભ્રમમાં રહે છે."
"વ્યક્તિને પોતાના ભૂતકાળ ઉપર ગર્વ થવો જોઈએ. હું વિશ્વના અનેક દેશોમાં ગયો છું અને ફાઇવ-સ્ટાર, સેવન-સ્ટાર હોટલોમાં રહ્યો છું. પરંતુ આજે પણ જ્યારે હું ગ્રામીણોની વચ્ચે બેસું છું, ત્યારે ભલે તેમના કપડાં ઓછાં ધોયેલાં હોય, પરંતુ તેમાંથી અલગ પ્રકારની ખુશ્બુ આવે છે અને મજા આવી જાય છે."
આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં ગુલામ નબી આઝાદ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા, ત્યારે પી.એમ. નરેન્દ્ર મોદીએ તેમના સારા સંબંધના અનેક કિસ્સા સંભળાવ્યા હતા. મોદી તથા આઝાદે એકબીજાની ખૂબ જ પ્રશંસા કરી હતી.

કૉંગ્રેસના જી-23 નેતા

ઇમેજ સ્રોત, Getty Images
'જી-23' તરીકે ઓળખાતા કૉંગ્રેસના નેતાઓના સમૂહે શનિવારે જમ્મુમાં બેઠક કરી હતી. જેમાં જૂથના અનેક દિગ્ગજ નેતા સામેલ થયા હતા. તેમને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મતભેદ હોવાની વાત ચર્ચાય છે.
જી-23ની બેઠકમાં ગુલામ નબી આઝાદ પાર્ટીનું નેતૃત્વ કરે તેવી વાત પણ કહેવામાં આવી હતી. જી-23ની આ બેઠકને કૉંગ્રેસના નેતૃત્વ સામે ખુલ્લા બળવા તરીકે જોવામાં આવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસમાં આ પ્રકારના વૈચારિક મતભેદને કારણે અન્ય પાર્ટીના નેતા પણ ચિંતિત જણાયા. નેશનલ કૉન્ફરન્સના વડા ડૉ. ફારુખ અબ્દુલ્લાએ રવિવારે કહ્યું કે વિભાજનકારી તત્વો સામે લડવા માટે કૉંગ્રેસ એકજૂથ રહે તે જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અબ્દુલ્લાએ રવિવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું : "દેશને તોડવા માગતા પરિબળો સામે લડવા માટે એકતા જરૂરી છે. કૉંગ્રેસ પણ એકજૂથ અને મજબૂત રહે તે જરૂરી છે. 130 વર્ષ પુરાણી પાર્ટી પાસેથી લોકોને અપેક્ષા છે."
જી-23 નેતાઓની શનિવારથી બેઠક બાદ સ્પષ્ટ છે કે કૉંગ્રેસ પાર્ટીમાં ગંભીર રીતે આંતરિક મતભેદ પ્રવર્તે છે, જે બહાર આવી ગયા છે. જમ્મુમાં આ નેતાઓએ તેમનું શક્તિપ્રદર્શન કર્યું.
આઝાદ રાજ્યસભામાંથી નિવૃત થઈ ગયા છે, પરંતુ તેઓ પાર્ટીને પડકાર ફેંકી રહ્યા હોય તેમ જણાય છે. જી-23 નેતા જોખી-જોખીને બોલી રહ્યા છે અને કોઈપણ પ્રકારની શિસ્તભંગની કાર્યવાહી અંગે મૌન છે.
શનિવારે યોજાયેલી આ બેઠકમાં હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપિન્દરસિંહ હુડ્ડા, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, રાજ બબ્બર અને વિવેક તનખા જેવા અનેક વરિષ્ઠ નેતા પણ સામેલ થયા.
ગતવર્ષે ઑગસ્ટ મહિનામાં સોનિયા ગાંધીને કૉંગ્રેસના પૂર્ણકાલીન અધ્યક્ષ બનાવવાની માગ કરતો પત્ર લખ્યા બાદ જી-23 નેતાઓની આ પહેલી સાર્વજનિક બેઠક હતી.
ગુલામ નબી આઝાદને ફરી રાજ્યસભામાં મોકલવા અંગે કૉંગ્રેસે મૌન સેવ્યું છે. જી-23ના અન્ય નેતા પણ પાર્ટીમાં અલગ પડી ગયેલા હોય તેમ લાગે છે. આઝાદે રવિવારે કહ્યું હતું કે તેઓ રાજ્યસભામાંથી રિટાયર થયા છે, પરંતુ રાજનીતિમાંથી નિવૃત્ત નથી થયા.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું, "પાર્ટી પદ અને રૅન્ક આપી શકે છે, પરંતુ જેમને પદ આપવામાં આવે તેઓ લોકનેતા બની જાય તે જરૂરી નથી."
શર્માએ કહ્યું કે તેમણે યૂથ કૉંગ્રેસ દ્વારા રાજકારણની શરૂઆત કરી હતી. તેમણે પાર્ટીમાં કહ્યું હતું : "મેં કોઈને પણ એ અધિકાર નથી આપ્યો કે અમે કૉંગ્રેસના સભ્ય છીએ કે નહીં, તે અમને જણાવે."

ઇમેજ સ્રોત, Getty Images
"અમે આ પાર્ટીને બનાવી છે અને મજબૂત કરી છે. અમે કૉંગ્રેસમાં એકતા જાળવી રાખવા માગીએ છીએ અને શ્રદ્ધા ધરાવીએ છીએ."
કપિલ સિબ્બલે કહ્યું, "એ વાત ખરી છે કે કૉંગ્રેસ પાર્ટી નબળી પડી રહી છે. એટલે જ અમે એકઠા થયા છીએ. આ પહેલાં પણ એકઠા થયા હતા અને અમે મળીને પાર્ટીને મજબૂત બનાવી હતી."
સિબ્બલે ઉમેર્યું, "વિમાન ઉડ્ડાણ ભરે તે માટે એક અનુભવી પાઇલટની જરૂર રહે છે. વિમાન બરાબર રીતે કામ કરે તે માટે એક એંજિનિયરની પણ જરૂર રહે છે. ગુલામ નબી આઝાદ આ બંને ભૂમિકા સરળતાથી નિભાવી શકે છે."
"આઝાદ દેશના દરેક રાજ્યના દરેક જિલ્લામાં કૉંગ્રેસને સારી રીતે સમજે છે. આઝાદ સંસદમાંથી નિવૃત્ત થયા છે, એ વાત જાણીને દુખ થયું. અમે નથી ઇચ્છતા કે આઝાદ સંસદમાંથી નિવૃત્ત થાય. કૉંગ્રેસ તેમના અનુભવનો લાભ કેમ નથી લઈ શકતી, તે વાત મને સમજાતી નથી."
અન્ય કૉંગ્રેસી નેતાઓની હાજરીમાં આઝાદે કહ્યું, "મારા જેટલા સાથી અહીં હાજર છે, તેઓ સંસદમાં જમ્મુ-કાશ્મીર વિશે મારા જેટલું જ બોલ્યા છે. તમામે રાજ્યની બેકારી, ઉદ્યોગ, શિક્ષણ તથા પૂર્ણ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવા જેવા મુદ્દાને બુલંદ અવાજે ઉઠાવ્યા છે."

કૉંગ્રેસની સંતુલિત પ્રતિક્રિયા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જમ્મુમાં જી-23 નેતાઓની બેઠક અંગે દિલ્હીમાં કૉંગ્રેસે સંતુલિત પ્રતિક્રિયા આપી હતી. પાર્ટીના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જમ્મુની રેલીમાં સામેલ થયેલા તમામ નેતા કૉંગ્રેસ પરિવારના સભ્યો છે.
સિંઘવીએ કહ્યું, "જમ્મુમાં જે નેતા સામેલ થયા, તેઓ પાર્ટીના વરિષ્ઠ અને સન્માનીય નેતા છે. તેઓ પાર્ટીમાં છે એ અમારે માટે ગર્વની બાબત છે. આ બધા કૉંગ્રેસ પરિવારના સભ્ય છે."
સભ્ય કૉંગ્રેસ પાર્ટી આઝાદના અનુભવનો ઉપયોગ નથી કરી રહી, એવી ટિપ્પણી અંગે સિંઘવીએ સિબ્બલનું નામ લીધા વગર કહ્યું: "જે લોકો આમ કહી રહ્યા છે, તેઓ કૉંગ્રેસના ઇતિહાસની ઉપેક્ષા કરી રહ્યા છે."
"આઝાદ લગભગ 40 વર્ષ સુધી સંસદસભ્ય રહ્યા છે. સોનિયા ગાંધીએ તેમને જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી બનાવ્યા હતા. ઇન્દિરા ગાંધીના સમયમાં કૉંગ્રેસની સરકારમાં તથા પાર્ટીમાં તેમને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી."
આ નેતાઓ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી અંગે સિંઘવીએ કોઈ ફોડ પાડ્યો ન હતો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















