ચીને 10 કરોડ કરતાં વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા? કેવી રીતે?

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જૅક ગુડમૅન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ચીનના રાષ્ટ્રપતિનો દાવો છે કે દેશના 10 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં તેમને સફળતા મળી છે.

જિનપિંગનું કહેવું છે કે વર્ષ 2012માં તેઓ ચીનના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે આ મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યું હતું, જેને હાંસલ કરવામાં દેશને સફળતા મળી છે.

ત્યારે એક સવાલ એ ઊભો થાય કે આટલી મોટી સંખ્યામાં લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં શું ખરેખર ચીનને સફળતા મળી છે?

બીબીસીએ વિશ્વ બૅન્ક દ્વારા વૈશ્વિક ગરીબી સંદર્ભે તૈયાર કરવામાં આવેલાં આંકડાની સરખામણી ચીનના આંકડા સાથે કરી અને આને સમજવાનો પ્રયાસ કર્યો.

line

આંકડામાં ચીનની ગરીબી

શિ જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શી જિનપિંગ દ્વારા 2012માં પદભાર સંભાળ્યા બાદ મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યું

ગરીબી અંગે ચીનની વ્યાખ્યા મુજબ, ગ્રામીણ વિસ્તારમાં રહેતી વ્યક્તિ દૈનિક 2.30 ડૉલર (મોંઘવારીના દરને ઍડજસ્ટ કર્યા પછી)થી ઓછી આવક ધરાવતી હોય તો તે ગરીબ છે.

આ પરિમાણ વર્ષ 2010માં નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં કમાણી ઉપરાંત રહેણીકરણીની સ્થિતિ, આરોગ્ય તથા શિક્ષણને પણ ધ્યાને લેવામાં આવે છે.

ચીનના અલગ-અલગ પ્રાંત આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટેની સ્પર્ધામાં લાગી ગયા. દાખલા તરીકે, જિઆંગ્સુએ ગત વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેની કુલ વસતિમાંથી માત્ર એક કરોડ 70 લાખ લોકો જ ગરીબીમાં જીવે છે.

ચીનની સરકારના રાષ્ટ્રીય પરિમાણને વર્લ્ડ બૅન્કના વૈશ્વિક 1.90 ડૉલર ધોરણ કરતાં વધુ રાખવામાં આવ્યું છે.

દુનિયાભરમાં વર્લ્ડ બૅન્ક દ્વારા અપનાવવામાં આવતાં આ સ્ટાન્ડર્ડ દ્વારા આપણને આ આંકડા સમજવામાં મદદ મળી શકે છે.

1990માં ચીનના 75 કરોડથી વધુ લોકો આંતરરાષ્ટ્રીય ગરીબીરેખાથી નીચે જીવતા હતા. જે ચીનની કુલ વસતિના બે-તૃતીયાંશ ટકા જેટલા છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

2012માં આ આંકડો ઘટીને નવ કરોડથી પણ ઓછો રહ્યો. 2016માં આ આંકડો ઘટીને 72 લાખ ઉપર આવી ગયો, જે કુલ વસતિના અડધા ટકા જેટલો છે. વર્લ્ડ બૅન્ક પાસે 2016 સુધીના જ આંકડા ઉપલબ્ધ છે.

આ આંકડા પરથી સ્પષ્ટ છે કે વર્ષ 2016માં જ ચીન તેનું નિર્ધારિત લક્ષ્યાંક સાધવાની ખૂબ જ નજીક પહોંચી ગયું હતું. 30 વર્ષના ગાળામાં ગરીબીરેખા હેઠળ જીવનાર લોકોની સંખ્યામાં 74 કરોડ 50 લાખ જેટલો ઘટાડો થયો હતો.

વર્લ્ડ બૅન્કના આંકડા દ્વારા આપણને વર્તમાન સ્થિતિ અંગે માહિતી નથી મળતી, પરંતુ આ ટ્રૅન્ડ ચીનની સરકારની જાહેરાતને અનુરુપ જ હશે.

પાડોશી દેશ વિયેતનામમાં પણ આ અરસામાં ગરીબીદરમાં નાટકીય ઘટાડો જોવાયો હતો. ભારતની વાત કરીએ તો 2011ના આંકડા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ દેશની 22 ટકા વસતિ ગરીબીની રેખા હેઠળ જીવતી હતી.

ભારતના આંકડા 2011ના જ ઉપલબ્ધ છે. જ્યારે બ્રાઝિલની 4.4 ટકા વસતિ દૈનિક 1.90 ડૉલરથી પણ ઓછી આવકમાં ગુજરાન ચલાવે છે.

line

ચીનમાં ઝડપી વિકાસ

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઝડપી આર્થિક વિકાસને કારણે ચીનમાં ગરીબી ઝડપભેર ઘટી છે. ચીને ગ્રામ્ય વિસ્તારની ગરીબી ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ચીનની સરકારે છેવાડાનાં ગામડાંમાં રહેતા લાખો લોકોને ઍપાર્ટમૅન્ટ કૉમ્પ્લેક્સમાં શિફ્ટ કર્યા છે. આ સંકુલોનું નિર્માણ શહેરોમાં કે નગરવિસ્તારમાં કરવામાં આવ્યું. અમુક કિસ્સામાં જૂના ગામની પાસે જ નવાં ગામ વસાવવામાં આવ્યાં છે.

જે લોકોને નવા સ્થળે વસાવવામાં આવ્યા તેમને ઘર કે નોકરી બદલવાના વિકલ્પ આપવામાં ન આવ્યા. આ મુદ્દે ચીનની સરકારની ટીકા પણ થાય છે.

કેટલાક લોકોનું માનવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવર્તમાન ગરીબી માટે ચીનની કૉમ્યુનિસ્ટ સરકારની નીતિઓ જ જવાબદાર છે.

'ધ ઇકૉનૉમિસ્ટ'ના ડૅવિડ રેનીના મતે, "ગત 40 વર્ષ દરમિયાન ચીને અસાધારણ રીતે પ્રગતિ કરી છે, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી."

line

મૂડીવાદ પર મદાર

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍપાર્ટમૅન્ટ કૉમ્પ્લૅક્સ મૉડલ દ્વારા ચીને નાગરિકોને ગામડાંથી દૂર વસાવ્યા

ચીનના નાગરિકો ગરીબીની રેખાથી ઉપર આવ્યા છે, તો તેનો શ્રેય માત્ર ચીનની સરકારને આપી શકાય તેમ નથી. ડેવિડરેની કહે છે :

"ચીનના લોકોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને ગરીબીની ગર્તામાંથી બહાર નીકળ્યા છે. ચૅરમૅન માઓના સમયમાં કેટલીક અર્થવિહિન નીતિઓને દાખલ કરી દેવામાં આવી હતી. મૂડીવાદ માટે તેમને તિલાંજલિ આપવામાં આવી હતી."

1949માં માઓએ 'પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના'નો પાયો નાખ્યો. તેમણે 1950ના દાયકામાં દેશના કૃષિકેન્દ્રિત અર્થતંત્રને ઔદ્યોગિકરણ તરફ વાળવાનો પ્રયાસ કર્યો.

1958માં તેમણે ગ્રૅટ લિપ ફૉરવર્ડ (ભવિષ્યની તરફ લાંબો કૂદકો)ની નીતિને કારણે ભારે નુકસાન થયું. ખેડૂતો સામૂહિક ખેતી માટે મજબૂર બન્યા. ગામડાંમાં મોટાપાયે ભૂખમરો ફેલાઈ ગયો.

line

પરિમાણની યોગ્યતા

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૂડીવાદ તરફ આગળ વધવા ચીને માઓની અમુક પુરાણીની નીતિઓને ત્યજી

ચીને ભયંકર ગરીબીમાંથી બહાર નીકળવાની દિશામાં ખૂબ જ મહેનત કરી છે, પરંતુ શું આથી વધુ ઊંચા પરિમાણ અપનાવી શકાયાં હોત?

દાખલા તરીકે, વર્લ્ડ બૅન્કે ઉચ્ચ-મધ્યમ આવકવાળા દેશોમાં ગરીબી નિર્ધારિત કરવા માટે વધુ ઊંચો માપદંડ નિર્ધારિત કર્યો છે. તેમના માટે પ્રતિદીન 5.50 ડૉલરની આવકનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું હતું.

વર્લ્ડ બૅન્કને લાગે છે કે ચીન ઉચ્ચ-મધ્યમ આવકવાળો દેશ બની ગયો છે. આ પરિમાણ મુજબ ચીનની લગભગ એક-ચતુર્થાંશ વસતિ ગરીબીની રેખા હેઠળ જીવે છે. તુલનાત્મક રીતે જોવામાં આવે તો તે બ્રાઝિલની સરખામણીમાં જરાક જ વધારે છે.

ચીનમાં મોટાપાયે આવકની અસમાનતા પ્રવર્તે છે. ગત વર્ષે ચીનના પ્રિમિયર લી વિક્યાંગે કહ્યું હતું કે હજુ પણ દેશમાં 60 કરોડ લોકોની માસિક આવક એક હજાર યુઆન (154 ડૉલર) કરતાં પણ ઓછી છે. તેમણે કહ્યું હતું કે આટલી આવકમાં શહેરી વિસ્તારમાં એક રૂમ પણ ભાડે ન મળે.

છતાં ગમે તે રીતે જોવામાં આવે, ગત અમુક દશક દરમિયાન ચીને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો