કોરોના વાઇરસ : ભારતમાં આખરે મહામારી ખતમ થઈ રહી છે?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઑક્ટોબરમાં મેં એક વિસ્તૃત લેખમાં જણાવ્યું હતું કે ભારતમાં આ મહામારી શા માટે ધીમી પડી રહી છે. સપ્ટેમ્બરના મધ્યમાં ભારતમાં વિક્રમજનક કેસ નોંધાયા હતા.

તે સમયે 10 લાખથી વધારે સક્રિય કેસ હતા. ત્યાર પછી દૈનિક મૃત્યુ અને કેસલોડમાં ઘટાડો થયો હતો. આ દરમિયાન સતત ટેસ્ટિંગ કરવામાં આવતાં હતાં અને દિલ્હી જેવા શહેરમાં કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે.

ગયા સપ્તાહના મધ્ય સુધીમાં ભારતમાં દૈનિક નવા કેસની સંખ્યા ઘટીને માંડ સરેરાશ 10,000 રહી ગઈ હતી. આ રોગના કારણે દૈનિક મોતની સાત દિવસની રોલિંગ ઍવરેજ ઘટીને 100થી નીચે છે.

ભારતના અડધાં કરતાં વધુ રાજ્યોમાં કોવિડથી કોઈ નવાં મૃત્યુ થયાં નથી. મંગળવારે દિલ્હીએ કોવિડનો એક પણ કેસ નોંધાવ્યો ન હતો. 10 મહિનામાં આવું પ્રથમ વખત થયું હતું.

અત્યાર સુધીમાં ભારતમાં 10 મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. અમેરિકા પછી સમગ્ર વિશ્વમાં આ સૌથી મોટો આંકડો છે. કોરોનાના કારણે ભારતમાં 1.50 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં દર દસ લાખ લોકો દીઠ મૃત્યુનું પ્રમાણ 112 છે જે યુરોપ અને ઉત્તર અમેરિકાની તુલનામાં ઘણું ઓછું છે. કેસની ઘટતી સંખ્યા ઓછા ટેસ્ટિંગના કારણે નથી એ પણ સ્પષ્ટ છે.

મોટા ભાગના રોગચાળા સામાન્ય રીતે ઘંટીના આકારના વક્રમાં વધે અને ઘટે છે. ભારત પણ તેમાં અપવાદ નથી. આ ઉપરાંત ગીચ વસતી ધરાવતાં શહેરોમાં 65 વર્ષથી વધુ વયના લોકોમાં કેસ અને મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું છે.

અગ્રણી વાઇરોલૉજિસ્ટ ડો. શાહીદ ઝમીદ કહે છે કે ભારતમાં કેસની સંખ્યા ઘટી તેમાં કંઈ અસામાન્ય નથી. અહીં કોઈ ચમત્કાર નથી થયો.

નિષ્ણાતો કહે છે કે સંભવિત કારણોની કોઈ અછત નથી. ભારતમાં કેસની ઓછી તીવ્રતા અને નીચા મૃત્યુઆંક માટે નીચે મુજબનાં કારણો જવાબદાર છે.

આપણી પાસે હજુ કોઈ કેઝ્યુઅલ ખુલાસા નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે એક દેશ તરીકે ભારત હજુ હર્ડ ઇમ્યુનિટીથી ઘણું દૂર છે તેમ યુનિવર્સિટી ઑફ મિશિગનના બાયોસ્ટેટિસ્ટિક્સ ઍન્ડ એપિડેમિયોલૉજીના પ્રોફેસર ભ્રમર મુખરજી જણાવે છે.

હર્ડ ઇમ્યુનિટી ત્યારે આવે છે જ્યારે સમુદાયના લોકો મોટી સંખ્યામાં રસીકરણથી અથવા રોગના ઝડપી ફેલાવાના કારણે રોગ સામે રક્ષણ મેળવે છે.

ભારત હર્ડ ઇમ્યુનિટી મેળવવાથી આટલું બધું દૂર શા માટે છે?

તાજેતરના સિરો સરવેમાં જણાવાયું છે કે 21 ટકા જેટલા પુખ્ત વયના લોકો અને 25 ટકા જેટલાં બાળકોને આ રોગનો પહેલેથી ચેપ લાગી ગયો છે.

તેમાં એમ પણ જાણવા મળ્યું છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા 31 ટકા લોકો અને ઝૂંપડપટ્ટી સિવાયના વિસ્તારમાં રહેતા 26 ટકા શહેરી લોકો આ વાઇરસના સંસર્ગમાં આવ્યા છે. કેટલાંક મોટાં શહેરોમાં આ પ્રમાણ 50 ટકા છે, જેમ કે પૂણે અને દિલ્હી.

આવાં શહેરોમાં વાઈરસનો ઘણા વધારે પ્રમાણમાં એક્સપોઝર જોવા મળ્યું હોવાનું સાબિત થયું છે. એટલે કે આ શહેરો હર્ડ ઇમ્યુનિટીથી ઘણા વધારે નજીક છે.

પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ આંકડો હજુ ઘણો નીચો છે.

દિલ્હીસ્થિત થિંક ટૅન્ક પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ ડો. કે શ્રીનાથ રેડ્ડીએ જણાવ્યું કે ભારતમાં એક પણ પ્રદેશ એવો નથી જેણે સંપૂર્ણપણે હર્ડ ઇમ્યુનિટી મેળવી છે તેમ કહી શકાય.

તેથી જે લોકો એવા વિસ્તારમાં રહે છે જ્યાં વાઇરસ ઘણો ફેલાયો છે અને હજું સુધી તેમને ચેપ નથી લાગ્યો, તેઓ ટ્રાન્સમિશનનું પ્રમાણ ઓછું હોય તેવા વિસ્તારમાં જશે તો તેમને ચેપ લાગવાની શક્યતા રહે છે.

ભારતમાં કેસ શા માટે ઘટી રહ્યા છે?

નિષ્ણાતોના મતે આમ થવા માટે બે-ત્રણ કારણો જવાબદાર છે.

ભારતમાં કોવિડ રોગચાળાને પેચવર્ક પેન્ડેમિક તરીકે જોવામાં આવે છે જ્યાં દેશના જુદા જુદા વિસ્તારોમાં કેસ ગમે ત્યારે વધે અને ઘટે છે.

શહેરોમાં વધારે લોકોને ચેપ લાગ્યો છે. ખાસ કરીને ગીચ વસતી ધરાવતા સ્લમ વિસ્તારોમાં. આ ઉપરાંત નાના શહેર કે ગામના વિકસિત, શહેરીકરણ થયેલા ભાગોમાં તેનો ફેલાવો થયો છે.

આ તમામ સ્થળોમાં વાઈરસનું એક્સપોઝર પણ જુદા જુદા સ્તરે છે. મોટા ભાગના શહેરી વિસ્તારોમાં કેસ ઘટ્યા છે, પરંતુ ગ્રામીણ ભારત હજુ પણ એક રહસ્ય સમાન છે.

અગ્રણી વાઈરલૉજિસ્ટ ડો. શાહીદ ઝમીલ જણાવે છે કે, સરવેમાં જે આંકડા આવે છે તેના કરતાં વાસ્તવિક ઇન્ફેક્શનનું પ્રમાણ ઘણું વધારે છે તેવું મારું તારણ છે.

તેઓ કહે છે કે આ ઉપરાંત આપણે ભારતને એક એકમ તરીકે ગણવું ન જોઈએ. દિલ્હી, મુંબઈ, પૂણે અને બેંગ્લોર જેવાં શહેરોમાં 60 ટકા સુધી લોકોમાં આ વાઈરસના એન્ટીબોડીઝ જોવા મળ્યા છે. તેથી આ બહુ અસંતુલિત છે.

બીજું એક કારણ એવું આપવામાં આવે છે કે ભારતમાં ઘણા કેસ ચૂકી જવાયા છે, એટલે કે તેમાં કોઈ નોંધણી થઈ નથી. કારણ કે ભારતમાં મોટી સંખ્યામાં લોકો એવા હતા જેમાં વાઇરસના કોઈ સંકેત જોવા મળ્યા ન હતા અથવા તેમને બહુ હળવો ચેપ લાગ્યો હતો.

દિલ્હીના સેન્ટર ફૉર પોલિસી રિસર્ચ ખાતે સિનિયર ફેલો પાર્થા મુખોપાધ્યાય જણાવે છે કે "આપણને અત્યંત માઇલ્ડ અથવા લક્ષણો દેખાયાં ન હોય તેવા મોટી સંખ્યામાં કેસને ગણતરીમાં લઈએ તો આપણે અત્યાર સુધીમાં હર્ડ ઇમ્યુનિટીના સ્તર સુધી કદાચ પહોંચી ગયા હોત."

"જે એવી વાત હોય તો આપણે એક સવાલનો જવાબ આપનાનો થાય છે કે આપણે ત્યાં આટલી મોટી સંખ્યામાં હળવા કેસ શા માટે આવ્યા હતા?"

નીચો મૃત્યુદર ભારત માટે હજુ પણ એક રહસ્ય છે?

મોટા ભાગના વૈજ્ઞાનિકો માને છે કે સત્તાવાર આંકડામાં જે દર્શાવવામાં આવે છે તેના કરતાં ઘણી મોટી સંખ્યામાં ભારતમાં કોરોનાથી લોકોનાં મોત થયાં છે. ભારતમાં મૃત્યુને પ્રમાણિત કરવાનો રેકૉર્ડ ઘણો ખરાબ છે અને મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ ઘરે જ મૃત્યુ પામ્યા હતા.

પરંતુ આ પ્રમાણમાં કદાચ અંડર રિપોર્ટિંગ થયું હોય તો પણ એવું કોઈ પબ્લિક પેનિક જોવા મળ્યું નથી તથા હૉસ્પિટલો મૃતદેહોથી ઉભરાઈ ગઈ નથી. ભારતમાં લગભગ 6 લાખ ગામડાં છે. દરેક ગામમાં દરરોજ નિદાન ન થયેલો અથવા વણનોંધાયેલો એક કેસ હોય તો પણ તેનાથી આરોગ્યતંત્ર અસ્તવ્યસ્ત થઈ જતું નથી.

ભારતે ગયા વર્ષે માર્ચ મહિનામાં અત્યંત આકરા લૉકડાઉનની જાહેરાત કરી હતી જેથી કોરોના વાઇરસને ફેલાતો અટકાવી શકાય. આ લૉકડાઉન 70 દિવસ સુધી ચાલ્યું હતું. તેના કારણે મોટી સંખ્યામાં ચેપ અને લોકોનાં મોતને અટકાવી શકાયાં હતાં.

અત્યંત ખરાબ રીતે અસર પામેલાં શહેરોમાં લોકો ફરજિયાત માસ્ક પહેરતા હતા, શારિરીક અંતર રાખતા હતા તેના કારણે કેસને ફેલાવો ધીમો પડ્યો હતો. આ ઉપરાંત શાળા અને ઑફિસો બંધ હતી અને લોકો ઘરેથી જ કામ કરતા હતા.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ભારતમાં યુવાનોની વસતી વધારે છે, તેમનામાં પ્રૉટેક્ટિવ ઇમ્યુનિટી આવી હતી તથા ગામડામાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ શહેરો સાથે સંકળાયેલા નથી. જિનેટિક્સ, નબળા હાઇજિન અને પૂરતા પ્રમાણમાં ફેફસાંને રક્ષણ આપતા પ્રોટીનના કારણે મદદ મળી છે.

અનેક અભ્યાસમાં જોવા મળ્યું છે કે કોરોના વાઇરસ મોટા ભાગે ઇનડોર વાઈરસના કારણે ફેલાયો હતો. તેના માટે હવાની અવરજવરની નબળી સુવિધા ધરાવતા રૂમમાં હવામાં તરતા ડ્રોપલેટ્સ જવાબદાર હોય છે. પરંતુ ભારતમાં 65 ટકાથી વધારે લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

ઉદાહરણ તરીકે ભારતની તુલનામાં બ્રાઝિલ લગભગ ત્રણ ગણું વધારે શહેરીકરણ ધરાવે છે. તેના કારણે બ્રાઝિલમાં કેસની સંખ્યા વધારે છે તથા મૃત્યુઆંક પણ ઘણો ઊંચો છે.

ભારતનાં શહેરોમાં પણ મોટા ભાગના કામદારો અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરે છે. એટલે કે તેમાંના ઘણા લોકો બંધ જગ્યામાં કામ કરતા નથી. બાંધકામ ક્ષેત્રના કામદારો અથવા શેરીમાં માલ વેચતા ફેરિયાઓ ખુલ્લી જગ્યામાં કામ કરે છે. આવી પરિસ્થિતિમાં કામદારો માટે ચેપ લાગવાનું જોખમ ઘટી જાય છે તેમ ડો. રેડ્ડી જણાવે છે.

ભારત વાઇરસના સેકન્ડ વેવને ટાળવામાં સફળ થયું છે?

હાલમાં આવું કોઈ અનુમાન બાંધવું વધારે પડતું વહેલું ગણાશે.

કેટલાક નિષ્ણાતો માને છે કે ભારતમાં ચોમાસાના આગમન સાથે કોરોનાના ચેપમાં વધારો થઈ શકે છે. ચોમાસાની સાથે ભારતમાં ફ્લુની સિઝન પણ શરૂ થશે. તે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે અને દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં દર વર્ષે ભારે પૂરની સ્થિતિ પેદા કરે છે.

એક એપિડેમિયોલૉજિસ્ટે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે આગામી ચોમાસાની સિઝન ભારત માટે અત્યંત મહત્ત્વની સાબિત થશે. ચોમાસું પૂરું થાય ત્યાર પછી જ આપણે પૂરતી માહિતી સાથે આકારણી કરી શકીશું કે ભારતમાં રોગચાળો પૂરો થઈ ગયો છે કે નહીં.

સાઉથ આફ્રિકા, બ્રાઝિલ અને યુકેમાં વાઈરસના નવા વેરિયન્ટ બહાર આવી રહ્યા છે તે ચિંતાનું મુખ્ય કારણ છે.

ભારતમાં મોટી સંખ્યામાં લોકો હજુ પણ કોરોનાના સંસર્ગમાં આવ્યા નથી તેથી કોઈ પ્રભાવશાળી સ્ટ્રેઈન સરળતાથી એવા વિસ્તારમાં પહોંચી શકે છે જ્યાં હજુ સુધી ચેપનું પ્રમાણ ઓછું છે અને તેના કારણે રોગચાળો વિસ્તરી શકે છે.

જાન્યુઆરીના અંત સુધીમાં ભારતમાં યુકે વેરિયન્ટના 160થી વધારે કેસ નોંધાયા હતા. બીજા વેરિયન્ટ ભારતમાં પહેલેથી પ્રસરી ગયા છે કે નહીં તે જાણી શકાયું નથી. ભારતમાં કોરોનાના ઘરઆંગણાના વેરિયન્ટ હોય તેવી પણ શક્યતા છે.

કોરોનાનો યુકે વેરિયન્ટ સપ્ટેમ્બરમાં કેન્ટમાં મળી આવ્યો હતો. માત્ર બે મહિનાની અંદર તેણે પૂર્ણ કક્ષાના બીજી વેવનું સ્થાન મેળવી લીધું હતું. હવે તે વિશ્વમાં સૌથી પ્રભાવશાળી સ્ટ્રેઈન બનવાની તૈયારીમાં છે.

ભારતે અત્યારે તેના રસીકરણના કામમાં વેગ લાવવાની જરૃર છે. એક મહિનાની અંદર દેશમાં લગભગ 60 લાખ લોકોને રસી આપવામાં આવી છે. ભારત ઑગસ્ટ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાની યોજના ધરાવે છે જેથી બીજી વેવના કારણે મોટા પાયે રોગચાળો ન ફેલાય.

ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ લોકોને હજુ પણ વધારે પડતા આત્મવિશ્વાસમાં ન આવી જવા અને સામાજિક અંતર જાળવવા, ભીડવાળી જગ્યાએ ન જવા અને ફેસ માસ્ક પહેરવાની સલાહ આપી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો