You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાને 60 વર્ષ, નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત હાઈકોર્ટની ડાયમંડ જ્યુબિલીના ઉત્સવ નિમિત્તે વીડિયો કૉન્ફરન્સિંગ થકી હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે ગુજરાત હાઈકોર્ટનો એક કૉમેમોરેટિવ પોસ્ટેજ સ્ટેમ્પ પણ રિલીઝ કર્યો હતો.
નોંધનીય છે કે હાઈકોર્ટની સ્થાપનાને 1 મે, 2020ના રોજ 60 વર્ષ પૂરાં થયાં હતાં. આ પ્રસંગે વડા પ્રધાન જાતે હાજરી આપવાના હતા. પરંતુ કોરોના વાઇરસની મહામારીને કારણે આ કાર્યક્રમ પાછળ ધકેલી દેવાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ વિક્રમ નાથે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વર્ય્યુઅલ સભાને સંબોધન કર્યું હતું.
સમાચાર એજન્સી ANI અનુસાર વડા પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, "આપણી ન્યાયપ્રણાલીએ હંમેશાં બંધારણનું અર્થઘટન હકારત્મક રીતે અને સર્જનાત્મક રીતે કર્યું છે. લોકોના અધિકારોના રક્ષણની વાત હોય કે જ્યારે રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપવાની વાત હોય ત્યારે ન્યાયતંત્રે પોતાની ફરજ હંમેશાં નિભાવી છે."
હવે કંગના રણૌત અને અર્ણબ ગોસ્વામી જ દેશપ્રેમી છે - સંજય રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતે શુક્રવારે રિપબ્લિક ટીવી પ્રમુખ અર્નબ ગોસ્વામીનો મામલો સંસદમાં ઉઠાવ્યો.
સંજય રાઉતે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતી વખતે આ મામલો ઉઠાવ્યો. રાઉતે રાજ્યસભામાં કેન્દ્ર સરકાર પર સીધો હુમલો કર્યો. ટાઇમ્સ ઑફ ઇંડિયાએ આ સમાચારને 15મા નંબરના પાને જગ્યા આપી છે.
રાઉતે કહ્યું, "ધર્મેન્દ્ર પ્રધાન કહી રહ્યા હતા કે સત્ય સાંભળ્યા કરો તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અમે તો છ વર્ષથી સત્ય સાંભળી રહ્યા છીએ અને જૂઠને પણ સત્ય માની રહ્યા છીએ..પરંતુ આજે દેશમાં જે માહોલ છે તેમાં જેઓ સત્ય બોલે છે તેને ગદ્દાર અને દેશદ્રોહી કહેવામાં આવે છે. જો સરકારને સવાલ પૂછશે તેની પર દેશદ્રોહનો કેસ કરી દેવામાં આવે છે. ગૃહમાં અમારા સાથીદાર સંજય સિંહ પર દેશદ્રોહનો કેસ છે. જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈ, જેમને સરકારે પદ્મશ્રીથી નવાજ્યા છે તેમની પર દેશદ્રોહનો કેસ છે. શશિ થરૂર જેમણે UNમાં ભારત માટે કામ કર્યું, તેમની પર દેશદ્રોહનો કેસ ઠોકી દેવામાં આવ્યો છે. સિંઘુ બૉર્ડર પર રિપોર્ટિંગ કરનારા પત્રકારો સાથે પણ આવું જ કરવામાં આવ્યું છે."
સંજય રાઉતે કહ્યું, "આપણા કાયદાના પુસ્તક IPCની તમામ કલમો ખતમ કરી દેવાઈ છે અને માત્ર દેશદ્રોહનો કાયદો રાખવામાં આવ્યો છે. મોદીને પ્રચંડ બહુમત મળ્યો છે. અમે એ વાતને માનીએ છીએ. પરંતુ બહુમત અંહકારથી નથી ચાલતો. બહુમત અત્યંત ચંચળ હોય છે. અમારા મરાઠી સંત તુકારામે કહ્યું છે કે જેઓ તમારી નિંદા કરે છે તેની આસપાસ રહેવું જોઈએ. પરંતુ આજના સમયમાં જે કોઈ સરકારની ટીકા કરે છે તેને બદનામ કરવામાં આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"26 જાન્યુઆરીએ આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થયું અને આપણા વડા પ્રધાન દુખી થયા. સમગ્ર દેશ દુખી થઈ ગયો. પરંતુ લાલ કિલ્લા પર ત્રિરંગાનું અપમાન કરનાર કોનો માણસ હતો? આ વાતે તેઓ ચૂપ રહે છે. દીપ સિદ્ધૂ અત્યાર સુધી કેમ નથી પકડાયો? 200 કરતાં વધુ ખેડૂતોને જેલમાં બંધ કરી દેવાયા છે. આપણા દેશમાં અત્યારે દેશપ્રેમી માત્ર અર્નબ ગોસ્વામી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં એક નિર્દોષ વ્યક્તિએ આત્મહત્યા કરવી પડી હતી, કંગના રણૌત દેશપ્રેમી છે. અર્નબ ગોસ્વામીએ બાલાકોટની જાણકારી પહેલાંથી જ આપી દેવાઈ હતી અને તેને સરકારની સુરક્ષા મળેલી છે. આ જ અર્નબ ગોસ્વામીએ આપણા મંત્રી પ્રકાશ જાવડેકર વિશે શું નથી લખ્યું? પ્રકાશ વિશે તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે અંગે આપણને બધાને શરમ આવવી જોઈએ."
રાઉતે કહ્યું કે જ્યારે શીખોએ મુઘલો સાથે લડાઈ કરી તો તેમને દેશભક્ત કહેવામાં આવ્યા, અંગ્રેજો વિરુદ્ધ તેઓ લડ્યા તો તેઓ દેશભક્ત ગણાયા અને હવે જ્યારે તેઓ પોતાના હકો માટે લડી રહ્યા છે તો તેમને ખાલિસ્તાની કહેવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં કથિત 'લવ જેહાદ' પરનો કાયદો પાછો ઠેલાયો
ગુજરાત સરકાર દ્વારા હાલ પૂરતું ‘એન્ટિ- લવ જેહાદ’ બિલ ન લાગુ કરવાનું નક્કી કરાયું છે. નોંધનીય છે કે એડવોકેટ જનરલ સહિત કાયદાના નિષ્ણાતો દ્વારા મત વ્યક્ત કરાયો હતો કે કદાચ આ કાયદો કાયદાકીય કસોટીમાં ટકી શકશે નહી. જે બાદ આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારે સૂત્રોના હવાલાથી લખ્યું છે કે આ પ્રકારના પ્રતિકૂળ મત બાદ સરકાર 1 માર્ચથી શરૂ થનાર વિધાનસભાના બજેટ સત્રમાં આ બિલ લાવશે નહીં.
નોંધનીય છે કે ભાજપશાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ ‘લવ જેહાદ’ વિરુદ્ધ કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે. આ પગલા બાદ ગુજરાત સરકારે પણ આ અંગે નવો કાયદો લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકારે આ અંગે કાયદો ઘડવા ગૃહ, કાયદા અને સંસદીય બાબતોના વિભાગને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની રાજ્ય સરકારો દ્વારા લાગુ કરાયેલા કાયદાનો અભ્યાસ કરવાની સૂચના આપી હતી. સૂચના મુજબ આ વિભાગોએ રાજ્યમાં એન્ટિ-કન્વર્ઝન કાયદામાં જ સુધારો કરવો કે નવી જરૂરિયાત પ્રમાણે નવો કાયદો લાવવો તે બાબતે ભલામણ કરવાની હતી.
જાળમાં ફસાયેલું સિંહનું બચ્ચું મળી આવતાં 34 શંકાસ્પદ શિકારીઓની ધરપકડ
ગુરુવારે ગુજરાતના વનવિભાગ દ્વારા 34 શંકાસ્પદ શિકારીઓની ધરપકડ કરાઈ હતી. નોંધનીય છે કે ગીર-સોમનાથ જિલ્લામાં સિંહનું બચ્ચું જાળમાં મળી આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
NDTVના એક અહેવાલ પ્રમાણે વનવિભાગના અધિકારી કે. રમેશના જણાવ્યાનુસાર બુધવારે એક ગામડા નજીક જાળમાં ફસાયેલું સિંહનું બચ્ચું મળી આવ્યા બાદથી 38 શંકાસ્પદોની ધરપકડ કરાઈ છે.
આરોપીઓ પાસેથી પ્રાણીઓનાં હાડકાં, માંસ, ઓજારો અને શિકાર માટેના જાળ કબજે કરવામાં આવ્યા છે.
વનવિભાગના અધિકારીએ આગળ જણાવ્યું કે, “આરોપીઓ શિયાળ અને સસલાં જેવાં પ્રાણીઓનો શિકાર કરતા, જેમનો ઉપયોગ રસ્તા કિનારેના તંબુઓમાં વેચાતી પરંપરાગત દવાઓ બનાવવા માટે થતો.”
ગાંધીનગરમાં બનશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાના નાસમેડ ગામમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ શરૂ કરવામાં આવશે.
ટાઇમ્સનાઉના એક અહેવાલ અનુસાર ગુરુવારની એક સરકારી રિલીઝમાં જણાવાયું હતું કે રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ટાટા ગ્રૂપ સાથે PPP મૉડલ અનુસાર પાર્ટનરશિપ કરી આ સંસ્થા શરૂ કરવામાં આવશે.
ગુરુવારે ટાટા ગ્રૂપની એક હાઇપાવર ટીમે રાજ્ય સરકારના અધિકારીઓને આ પ્રોજેક્ટ અંગે પ્રેઝેન્ટેશન આપ્યું હતું, જે બાદ શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ તેમને આ દિશામાં જેમ બને તેમ જલદી કામ શરૂ કરવાનું કહ્યું છે.
રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે અમદાવાદથી 20 કિલોમિટરના અંતરે આવેલ ગાંધીનગર જિલ્લાના નાસમેડ ગામમાં 20 એકર જમીન આપી છે.
આ ઇન્સ્ટિટ્યૂટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યૉરિટી, એડિટિવ મૅન્યુફૅક્ચરિંગ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન ક્ષેત્રે કૌશલ્ય ધરાવનાર મૅનપાવર પૂરું પાડવાનું કામ કરશે.
Pfizer દ્વારા વિકસાવાયેલ કોવિડ-19 વૅક્સિન ભારતમાં ઉપયોગમાં લેવાની અરજી પાછી ખેંચાઈ?
Pfizer Inc દ્વારા જર્મનીની બાયોએનટૅક સાથે મળીને વિકસાવાયેલ કોરોનાની રસીના ભારતમાં આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી માગતી અરજી પાછી ખેંચી લેવાઈ છે.
લાઇવમિન્ટના એક અહેવાલ પ્રમાણે કંપની દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે બુધવારે ભારતના ડ્રગ નિયમનકારી એજન્સી સાથે મિટિંગ બાદ આ પગલું ભરાયું છે.
નોંધનીય છે કે Pfizer દ્વારા સૌપ્રથમ રસીના આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી માગવામાં આવી હતી.
કંપનીએ સમાચાર સંસ્થા રૉયટર્સને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, “મિટિંગ દરમિયાન વિચાર-વિમર્શ બાદ નિયમનકારી સંસ્થાને શી વધારાની માહિતીની જરૂરિયાત હોઈ શકે છે તે અંગે ખ્યાલ આવતાં આ તબક્કે અમે આ અરજી પાછી ખેંચવાનું ઠરાવ્યું છે.”
જોકે, કંપની દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે તેઓ ભવિષ્યમાં વધુ જાણકારી સાથે ફરી વાર મંજૂરી માટે અરજી કરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો