રશિયા : પુતિનવિરોધી એલેક્સી નવેલની છોડી મૂકવા US-EUની માગ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, ઇટાલી સહિત યુરોપિયન સંઘના અનેક દેશોએ માગ કરી છે કે રશિયાના વિરોધપક્ષના અને પુતિનવિરોધી નેતા એલેક્સી નવેલનીને છોડી મૂકવામાં આવે.

44 વર્ષીય એલેક્સી પાંચ મહિના બાદ જર્મનીથી મૉસ્કો પહોંચ્યા, ત્યારે ઍરપૉર્ટ પર તેમની અટકાયત કરવામાં આવી હતી.

અટકાયત પૂર્વે એલેક્સીએ પોતાના સમર્થકો તથા મીડિયાને સંબોધતા જણાવ્યું, "હું જાણું છું કે હું સાચો છું. મને કોઈ વાતનો ડર નથી. મારી વિરુદ્ધના ગુનાહિત કેસો ખોટાં છે."

એલેક્સીને ઠગાઈના એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને જેલની સજા પણ થઈ શકે છે. તેની ઉપર નિષેધાત્મક આદેશોનો ભંગ કરવાનો આરોપ પણ છે.

એલેક્સીના આગમન પૂર્વે ઍરપૉર્ટ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા અનેક કાર્યકરોને બળપૂર્વક અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

ટ્રમ્પ સરકારના સ્ટેટ સૅક્રેટરી માઇક પોમ્પિયોએ એલેક્સીની 'તત્કાળ અને બિનશરતી મુક્તિ'ની માગ કરી હતી. બાઇડન સરકારના પદનિયુક્ત પ્રધાન જેક સુલિવને(Jack Sullivan) પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઘાતક નર્વ ઍજન્ટ દ્વારા તેમની હત્યાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેઓ માંડ-માંડ બચ્યા હતા.

કેટલાક લોકો માને છે કે એલેક્સીની હત્યાના પ્રયાસ પાછળ પુતિન સરકાર હતી. અનેક ઇન્વેસ્ટિગૅટિવ જર્નાલિસ્ટે પણ આ આવા દાવા કર્યા છે, પરંતુ રશિયાની સરકારે આ આરોપોને નકારી કાઢ્યા છે.

'તાંડવ' વેબ સિરીઝ પર હિંદુ લાગણી દુભાવવાનો આરોપ, યૂપીમાં ફરિયાદ

ઍમેઝોન પ્રાઇમ વીડિયો પર 15 જાન્યુઆરીએ રિલીઝ થયેલી વેબસિરીઝ તાંડવ પર વિવાદ થઈ રહ્યો છે.

કેટલાંક સંગઠનો અને ભાજપના નેતાઓ આના પર પ્રતિબંધની માગ કરી રહ્યા છે.

લખનૌમાં આ વેબસિરીઝ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરાયું છે અને જાતિગત ભેદભાવ ભરેલી ટિપ્પણી કરવામાં આવી છે.

આ સિરીઝ સાથે અભિનેતા સૈફ અલી ખાન પણ જોડાયેલા છે.

ઍમેઝોન પ્રાઇમ વીડિયોના ઑરિજિનલ કંટેન્ટ હૅડ અપર્ણા પુરોહિત, વેબ સિરીઝના નિર્દેશક અલી અબ્બાસ ઝફર, નિર્માતા હિમાંશુકૃષ્ણ મેહરા, લેખક ગૌરવ સોલંકી સહિત એક અન્યની સામે ફરિયાદ નોંધાઈ છે.

કહેવામાં આવ્યું છે કે, "વેબ સિરીઝના પ્રથમ ઍપિસોડની 17મી મિનિટે હિંદુ દેવી-દેવતાઓને ખોટી રીતે રૂપ ધારણ કરીને અમર્યાદિત રીતે બોલતાં દેખાડવામાં આવ્યાં છે, જે ધાર્મિક ભાવનાઓને ભડકાવનારું છે."

"22મી મિનિટે જાતિગત દ્વેષ ફેલાવનાર સંવાદ વપરાયો છે અને વડા પ્રધાન જેવા ગરિમામય પદને ગ્રહણ કરનાર વ્યક્તિનું અશોભનીય રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે." મહિલાઓનું અપમાન કરતાં દૃશ્યોનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

નવ ઍપિસોડની આ સિરીઝની રિલીઝના બે દિવસની અંદર જ તે વિવાદમાં ઘેરાઈ ગઈ છે.

અર્ણવ ગોસ્વામીને દેશની ખાનગી માહિતી અંગે જાણ હતી?

વિપક્ષ કૉંગ્રેસે રિપબ્લિક ટીવીના અર્ણવ ગોસ્વામી અને વ્યૂઅરશિપ રેટિંગ એજન્સી બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી કથિત વાતચીતને લઈને સવાલ ઉઠાવ્યા છે.

અંગ્રેજી અખબાર ધ હિન્દુએ મુંબઈ પોલીસની ચાર્જશીટનો હવાલો આપીને લખ્યું કે આ બંનેની વાતચીત વૉટ્સઍપ ચેટના રૂપમાં લીક થઈ છે.

રવિવારે વિપક્ષનેતાઓએ કહ્યું કે આ વાતચીતથી ઘણી ચિંતાઓ સામે આવી છે અને તેની વિસ્તૃત તપાસ થવી જોઈએ.

રવિવારે કૉંગ્રેસ પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું, "મુંબઈ પોલીસની ચાર્જશીટમાં જે વૉટ્સઍપ ચેટ સામે આવી છે, તેમાં રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ગંભીર સવાલ પેદા થાય છે."

"કેવા પ્રકારની નાણાકીય ગેરરીતિ થઈ, તેમાં દેશનાં મોટાં પદો પર બેસેલા કોણ લોકો સામેલ હતા, કેવી રીતે જજોને ખરીદવાની વાત થઈ અને મંત્રીમંડળમાં કયું પદું કોને મળશે એનો નિર્ણય પત્રકારો દ્વારા કરવામાં આવ્યો- આ બધી વાતો છે. મુંબઈ પોલીસનું આરોપનામું એક હજાર પાનાંનું છે અને અમે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમે તેના પર વિસ્તારથી પ્રેસ-કૉન્ફરન્સ કરીશું."

તો પૂર્વ સૂચના અને પ્રસારણમંત્રી મનીષ તિવારીએ આખા મામલાની તપાસ જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિથી કરાવવાની માગ કરી છે.

મનીષ તિવારીએ કહ્યું કે જો મીડિયા રિપોર્ટિંગમાં આવતી વાતો સાચી હોય તો બાલાકોટ ઍર સ્ટ્રાઇક અને 2019ની લોકસભા ચૂંટણી વચ્ચે ચોક્કસ કોઈ સંબંધ છે.

દેશમાં કોરોના વૅક્સિનની 447 દર્દીઓ પર આડઅસર : સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં કોરોના વાઇરસની વૅક્સિન 16 જાન્યુઆરીથી લોકોને આપવાની શરૂઆત થઈ છે, તેમાં કેટલાક દર્દીઓને આડઅસર થઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે.

રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે કોરોના વાઇરસની રસી આપ્યા બાદ 16 અને 17 જાન્યુઆરીએ 447 એઈએફઆઈ (એડવર્ડ ઇવેન્ટ ફૉલોઇંગ ઇમ્યુનાઇઝેશન) કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ ડૉક્ટર મનોહર અગનાનીએ જણાવ્યું કે મોટા ભાગના કેસમાં તેની અસર સામાન્ય સ્તરની હતી.

જો રસીકરણ બાદ કોઈને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે તો તેને સિરિયસ એઈએફઆઈમાં નોંધ કરવામાં આવે છે.

તેઓએ જણાવ્યું કે માત્ર ત્રણ એવા મામલા સામે આવ્યા છે, જેમાં લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોય.

રસીની આડઅસર અંગે તેઓએ જણાવ્યું કે મોટા ભાગના કેસમાં સામાન્ય તાવ, માથામાં દુખાવો અને ઊબકાની ફરિયાદ રહી છે.

સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું, "પહેલા દિવસે 2,0,7229 લોકોને રસી આપવામાં આવી છે. આ કોઈ પણ દેશમાં પહેલા દિવસે અપાયેલી રસીનો સૌથી મોટો આંકડો છે. ભારત આ મામલે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સથી આગળ રહ્યું."

સુપ્રીમમાં કૃષિકાયદા પર સમિતિની રચના બાદ આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે કૃષિકાયદા અને દિલ્હીની સરહદે ચાલતાં પ્રદર્શનો સંબંધિત અરજીઓ પર સુનાવણી થશે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટ દિલ્હી પોલીસ તરફથી કેન્દ્ર સરકારની એ અરજી પર સુનાવણી કરશે, જેમાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાકદિન પર ટ્રેક્ટર માર્ચ કે કોઈ અન્ય પ્રદર્શન પર રોક લગાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

તો સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિના એક સભ્યના અલગ થવા પર પણ ધ્યાન અપાઈ શકે છે.

મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેના નેતૃત્વમાં બેન્ચે એક વચગાળાના આદેશમાં આગામી આદેશ સુધી કૃષિકાયદા પર રોક લગાવી દીધી હતી.

સાથે જ ફરિયાદો સાંભળવા અને વિરોધપ્રદર્શનના સમાધાનની ભલામણ માટે એક ચાર સભ્યોની સમિતિ પણ રચવામાં આવી હતી.

રામમંદિરના દાન માટેની શોભાયાત્રાને લઈને ઘર્ષણ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, કચ્છ જિલ્લામાં રામમંદિર બનાવવા માટેના દાન માટેની શોભાયાત્રાને લઈને બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું છે.

અખબાર સાથે વાત કરતા કચ્છ જિલ્લાના ગાંધીધામના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ વી.આર. પટેલે કહ્યું કે "બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું."

કચ્છના ગાંધીધામના કિડાણા ગામમાં રવિવારે સાંજે અયોધ્યામાં બનનારા રામમંદિર માટે દાન એકત્ર કરવા માટે યોજેલી શોભાયાત્રાને લઈને બે સમુદાયોના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

વી.આર. પટેલે જણાવ્યું હતું કે, "બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને આગળની તપાસ ચાલુ છે."

પોલીસના જણાવ્યા મુજબ, રથયાત્રા દરમિયાન કિડાણા ગામમાં પથ્થરમારો થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો