દાહોદ : બાબુ કટારાના પુત્ર પર જેનો આરોપ લાગ્યો એ હિરેન પટેલ મર્ડર કેસ શું છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દાહોદ જિલ્લા પોલીસે ઝાલોદના મ્યુનિસિપલ કાઉન્સિલર અને ભાજપના નેતા હિરેન પટેલની હત્યા કેસમાં કથિત સંડોવણી બદલ ગુરુવારે ઝાલોદના કૉંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને દાહોદના જ ભાજપના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અમિત કટારાની અટકાયત કરી છે.

શરૂઆતમાં હિટ ઍન્ડ રનનો ગણાવાયેલો આ કેસ હવે કૉન્ટ્રૅક્ટ કિલિંગ ગણાવાઈ રહ્યો છે.

27 સપ્ટેમ્બર 2020ના રોજ ઝાલોદ મ્યુનિસિપાલિટીના વાઇસ પ્રેસિડન્ટ હિરેન પટેલની હત્યા થઈ હતી.

બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહે કહ્યું કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ અમિત કટારાને તેમના ગામ ચિત્રોડિયાથી ઝડપી પાડ્યા હતા. ચાર દિવસ પહેલાં આ મામલામાં હત્યાનું કાવતરૂ રચનાર આરોપી ઇમરાન ગુડાલા (ઉર્ફે ઇમું દાંડ) ગુજરાત એટીએસના હાથે ઝડપાયા હતા. ઇમરાન ગુડાલાએ આ કેસમાં અમિત કટારાની સંડોવણી હોવાનું પોલીસ આગળ કબૂલ્યું હતું.

ઇમરાન ગુડાલાની તપાસને આધારે દાહોદ એલસીબીએ ચિત્રોડિયા ગામે છાપો મારી અમિત કટારાને ઝડપીને દાહોદ લાવ્યા હતા.

દાહોદ એલસીબી પી.આઈ બી.ડી શાહ અને પીએસઆઈ પ્રવીણ મકવાણાએ ટીમ અને પેરોલ ફર્લો સાથે મળીને ધરપકડ કરી હતી. પોલિસ અધિકારીએ બીબીસીના સહયોગી દક્ષેશ શાહને હતું કે, "કોરોના ટેસ્ટ કર્યા બાદ અમિત કટારાની ઔપચારિક ધરપકડ કરવામાં આવશે."

27 સપ્ટેમ્બર 2020ના રોજ જીપ વડે ટક્કર મારીને હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી. ગત સોમવારે અમદાવાદ એટીએસે દાવો કર્યો હતો કે આ હત્યા 'રાજકીય કારણોસર' કરવામાં આવી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે અમિત કટારા પર હિરેન પટેલની હત્યા માટે ઇમરાન ગુડાલાને સોપારી આપી હોવાનો આરોપ છે.

આરોપી ઇમરાન ગુડાલા બે મહિનાથી ભાગતા ફરતા હતા અને 27 ડિસેમ્બરે ગુજરાતની એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કથિત હત્યા પાછળ રાજકીય હેતુની પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે અને ઝાલોદ મ્યુનિસિપાલિટીના કૉંગ્રેસના કાઉન્સિલર અંતિમ અગરવાલનાં રહસ્યમય મૃત્યુ અંગે પણ કટારાની પૂછપરછ થવાની સંભાવના છે.

21 નવેમ્બર 2020ના અંતિમ અગરવાલ મ્યુનિસિપલ વોર્ડમાં આવેલા મહાદેવના મંદિર પાસે મૃત મળી આવ્યા હતા અને તેમનું મૃત્યુ કથિત રીતે ઝેર પીવાથી થયું હતું.

અગરવાલના પરિવારે પોલીસને અરજી કરેલી છે જેમાં તેમને ઝેર ખાઈ લેવા દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.

બાબુ કટારા દાહોદની અનામત બેઠક પરથી ભાજપમાંથી બે વાર સાંસદ રહી ચૂક્યા છે અને અમિત કટારા તેમના પુત્ર છે.

2007માં પોતાની પત્ની અને પુત્રના પાસપોર્ટને આધારે એક મહિલા અને તેમનાં કિશોર વયના પુત્રને કથિત રીતે કૅનેડા લઈ જવાનો પ્રયાસ કરવા બદલ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે બાબુ કટારાની ધરપકડ થઈ હતી. આ પ્રકરણ 'કબુતરબાજી' તરીકે ખૂબ ગાજ્યું હતું.

2017ની ગુજરાત વિઘાનસભા ચૂંટણી અગાઉ કટારા તેમના પુત્ર ભાવેશ સાથે કૉંગ્રેસમાં જોડાયા હતા. ભાવેશ કટારા ઝાલોદ વિધાનસભા બેઠક પરથી જીતી ગયા હતા.

કૉંગ્રેસે 2019ની લોકસભાની ચૂંટણીમાં બાબુ કટારાને ભાજપના સિટિંગ સાંસદ જશવંતસિહ ભાભોર સામે ટિકિટ આપી હતી, જેમાં તેઓ હારી ગયા હતા.

હિરેન પટેલની હત્યા કઈ રીતે થઈ?

27 સપ્ટેમ્બરે ઝાલોદમાં દાહોદ રોડ પર મૉર્નિંગ વૉક પર નીકળેલા હિરેન પટેલની કથિત હત્યા કરવામાં આવી હતી.

'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના 15 ઑક્ટોબરના અહેવાલ પ્રમાણે એક હળવા વેપારી વાહન (એલસીવી)એ તેમને પાછળથી ટક્કર મારી હતી. આરોપીએ બોલેરોમાં બેસીને પટેલનો પીછો કર્યો હતો. આરોપીઓએ રોડ પર એલસીવી તૈયાર રાખ્યું હતું અને હિરેન પટેલ ત્યાં પહોંચ્યા કે તેમના પર વાહન ચલાવી દેવાયું હતું. હિરેન પટેલની હત્યા બાદ એલસીવીમાં બેઠેલા ઇરફાન પાડા બોલેરોમાં બેસી ગયા હતા. પાડાએ તેમની કાર દાહોદ રેલવે સ્ટેશને રાખી હતી, જ્યાં તેમને અન્ય આરોપીએ છોડ્યા હતા. એ પછી પાડા ગોધરા પાછા ફર્યા હતા.

આ કેસ પ્રારંભમાં હિટ ઍન્ડ રન લાગતો હતો, જે પાછળથી કૉન્ટ્રૅક્ટ કિલિંગ હોવાનું ખુલ્યુ હતું.

અગાઉ દાહોદ પોલીસે હિરેન પટેલની હત્યા થઈ હોવાના આક્ષેપો વચ્ચે અકુદરતી મૃત્યુ કેસ દાખલ કર્યો હતો અને એ દિશામાં તપાસ શરૂ કરી હતી. પટેલ ભાજપના હોદેદ્દાર હોવાથી મુદ્દો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો અને રાજ્ય પોલીસના ટોચના અધિકારીઓ પણ તપાસ સાથે સંકળાયા હતા.

પોલીસે આ કેસમાં અગાઉ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહેદપુર તાલુકામાંથી સજ્જનસિંહ ચૌહાણ, ગોધરાથી ઇરફાન સિરાઝ પાડા, ઝાલોદથી અજય હિંમત કલાલ અને ઉજ્જૈનના મહેદપુરમાંથી મોહમ્મદ સમીર મુજાવરની ધરપકડ કરી હતી.

તપાસમાં એવું બહાર આવ્યું હતું કે હિરેન પટેલની હત્યા કરવા કલાલે ઇરફાન પાડાનો સંપર્ક સાધ્યો હતો. પાડા 2002ના સાબરમતી એક્સપ્રેસ આગકાંડના આરોપી છે અને આજીવન કેદની સજા થયેલી છે. જો કે તે પેરોલ પર હતા ત્યારે નાસી છૂટ્યા હતા અને એકાદ વર્ષથી ભાગતા ફરે છે.

સજ્જનસિંહ ચૌહાણ પર હત્યા, લૂંટ, ગેરકાનૂની રીતે શસ્ત્રો ધરાવવા સહિતના ગુનાઓમાં સંડોવણીનો આરોપ છે. કલાલ અને ચૌહાણની ઇરફાન પાડા સાથે મુલાકાત જેલમાં થઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો