નરેન્દ્ર મોદીએ જે નવી સંસદનો શિલાન્યાસ કર્યો તે યોજનાને લઈને સવાલો કેમ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે દેશના નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. જોકે તેના નિર્માણનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે હાલમાં માત્ર આધારશિલા રાખવાની મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિશ્વાસ અપાવ્યો છે કે આ સંબંધિત અરજીઓ પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી સરકાર કોઈ પણ પ્રકારનું નિર્માણ કે તોડફોડનું કામ નહીં કરે.

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ એએમ ખાનવિલકરના નેતૃત્વવાલી સુપ્રીમ કોર્ટની બેન્ચ સામે કહ્યું હતું કે માત્ર આધારશિલાનો કાર્યક્રમ થશે અને હાલમાં તેના પર કોઈ પ્રકારનું નિર્માણકાર્ય કે કોઈ પ્રકારની તોડફોડ નહીં કરાય. ઝાડને પણ નહીં પાડવામાં આવે.

વાસ્તવમાં નવી સંસદ બનાવવાની યોજનાને લઈને સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 10 અરજીઓ દાખલ થઈ છે. તેમાંથી એક મહત્ત્વની અરજી વકીલ રાજીવ સૂરીએ પ્રોજેક્ટના નિર્માણ અને જમીનના ઉપયોગ સામે વિરોધ નોંધાવતા દાખલ કરી છે.

આ સિવાય ઘણી બધી રીતે આ નિર્માણને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

અરજીકર્તાઓનો વિરોધ

બીબીસી માટે કાયદાના મામલાને કવર કરનારાં વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતી મુજબ અરજકર્તાઓની દલીલ છે કે સંસદભવનવાળા વિસ્તારમાં નવી ઈમારત બનાવવા પર રોક લાગેલી છે.

તેઓએ નવી સંસદ બનાવવા માટે જમીનના ઉપયોગને લઈને કરાયેલા પ્રસ્તાવિક બદલાવ પર વિરોધ નોંધાવ્યો છે.

રાજીવ સૂરીએ પોતાની અરજીમાં જમીનના ઉપયોગને લઈને કરેલા નવા ફેરફારો મામલે અધિકારીઓ પર સવાલ ઊભા કર્યા છે.

સેન્ટ્રલ વિસ્ટા કમિટી તરફથી નૉ ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) જાહેર કરવાને લઈને પણ અરજીકર્તાઓએ પડકારો ફેંક્યો છે.

નવી સંસદના નિર્માણ સાથે જોડાયેલા પર્યાવરણ સંબંધી સવાલો પર મંજૂરી દેવા પર પણ વિરોધ નોંધાવાયો છે.

એક અરજીકર્તા વકીલ શ્યામ દીવાને કહ્યું કે સરકારી પૈસા ખર્ચ કરીને આ રીતના નિર્માણને યોગ્ય ઠેરવવાને લઈને કોઈ પણ પ્રકારનું અધ્યયન થયું નથી.

તેને કોઈ પણ રીતે સાબિત નથી કરાયું કે વર્તમાન સંસદની ઈમારતમાં એવી શું સમસ્યા છે કે તેનો ઉપયોગ ન કરી શકાય.

શ્યામ દીવાન કહે છે કે સરકારે આ રીતના નિર્ણય લેતા પહેલાં યોગ્ય વિચારવિમર્શ કરવો જોઈતો હતો અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધુમાં વધુ પારદર્શિતા રાખવી જોઈતી હતી. તેના માટે પૂરતો સમય લેવો જોઈતો હતો, જેથી અલગઅલગ ક્ષેત્રના વિશેષજ્ઞોની સલાહ લઈ શકાય.

સરકારની દલીલ

ભારત સરકારના સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારના કરોડોના પ્રોજેક્ટનો બચાવ કર્યો છે.

તેઓએ કહ્યું કે વર્તમાન સંસદની ઈમારત અંદાજે 100 વર્ષ જૂની છે. તેના પર ભારણ વધુ છે. નવી સંસદ બનાવતી વખતે આ ઈમારતની એક પણ ઈંટ નહીં કાઢવામાં આવે.

તેઓએ કહ્યું કે વર્તમાન સંસદની ઈમારત 1927માં બની હતી અને આ હવે બહુ જૂની થઈ ગઈ છે. તેમાં હવે સુરક્ષા સંબંધી સમસ્યાઓ છે. જગ્યાની કમી છે. આ ઈમારત ભૂકંપરોધક પણ નથી. તેમાં આગ લાગતા બચવા સંબંધી સુરક્ષા-માપદંડોનો પણ અભાવ છે.

નવી યોજના પ્રમાણે સંસદની નવી ઈમારત સહિત કેન્દ્રીય સચિવાલય અને ઘણાં મંત્રાલયોની ઈમારત બનાવાશે.

તેઓએ એ પણ કહ્યું કે ફરીથી આ ઈમારતો બનાવવાની યોજના પહેલાં પર્યાપ્ત રીતે વિચારવિમર્શ કરાયો છે અને તેના વ્યાવહારિક પક્ષને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.

તેઓએ જણાવ્યું કે તેનાથી વાર્ષિક ખર્ચ થનારા 1000 કરોડ રૂપિયાની બચત થશે અને મંત્રાલય વચ્ચે આંતરિક સમન્વયમાં સુધારો થશે, કેમ કે 10 નવી ઈમારતમાં શિફ્ટ થયેલાં આ મંત્રાલયો સારી રીતે મેટ્રો સાથે જોડાયેલા હશે.

તુષાર મહેતાએ એમ પણ કહ્યું કે સરકારનાં કામકાજમાં સુધારો લાવવા માટે આ જરૂરી છે કે બધાં કેન્દ્રીય મંત્રાલય એક જગ્યાએ હોય. માટે આ યોજનાની જરૂર છે.

નવી સંસદનો ઢાંચો

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પાંચ ડિસેમ્બરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે આ નવી ઈમારતની ઈંટ મૂકશે અને તેને 2022 સુધી પૂરી કરાશે. તેમાં અનુમાન પ્રમાણે અંદાજે 971 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

તેઓએ એ પણ બતાવ્યું કે આ આખા પ્રોજેક્ટનું નિર્માણક્ષેત્ર 64,500 વર્ગમીટરનું હશે. આ વર્તમાન સંસદભવનથી 17,000 વર્ગમીટર વધુ હશે.

આ સિવાય તેઓએ કહ્યું કે નવી ઈમારતમાં લોકસભા કક્ષ ભૂતળમાં હશે, જેમાં 888 સભ્યોની બેઠક-વ્યવસ્થા હશે, જ્યારે રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક-વ્યવસ્થા હશે. સંયુક્ત બેઠક દરમિયાન 1272 સભ્યો તેમાં બેસી શકશે.

આ નિર્માણકાર્ય સાથે જોડાયેલી ઘણી અરજીઓ અનેક પાસાંઓને ધ્યાનમાં રાખીને કોર્ટમાં દાખલ કરાઈ છે. તેમાં આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી પર્યાવરણ સંબંધી ચિંતાઓ પણ સામેલ છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ

તેને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ એવું નામ અપાયું છે. જે અંતર્ગત રાષ્ટ્રપતિભવનથી લઈને ઇન્ડિયા ગેટ વચ્ચે ઘણી ઈમારતોના નિર્માણની યોજના બનાવાઈ છે.

સંસદની નવી ઈમારત ત્રિકોણ આકારની હશે, જોકે જૂના સંસદભવનનો ઉપયોગ પણ કરાશે.

વર્તમાન સંસદની ઈમારત 93 વર્ષ જૂની છે.

નવી સંસદના નિર્માણનો અંદાજિત ખર્ચ 971 કરોડ માનવામાં આવે છે. નવી સંસદ 2022 સુધી તૈયાર થાય તેવી સંભાવના છે.

પ્રોજેક્ટ હેઠળ નવું કેન્દ્રીય સચિવાલય પણ તૈયાર કરાશે, જેમાં અંદાજે 10 ઈમારત હશે. આ આખા પ્રોજેક્ટની સમયસીમા 2024 સુધી રાખવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો