You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : ખેડૂતો આંદોલનને આક્રમક બનાવશે, 12 તારીખે દિલ્હી-જયપુર હાઈવે જામ, 14મીએ આખા દેશમાં પ્રદર્શન
નવી દિલ્હીની સિંઘુ બોર્ડર પર કૃષિકાયદાઓ રદ કરાવવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારે આપેલો સુધારણાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.
બુધવારે ખેડૂત નેતાઓએ એક સંવાદદાતા સંમેલન કરીને સ્પષ્ટ કર્યું છે કે સરકારે મોકલેલો પ્રસ્તાવ માનવા માટે તેઓ તૈયાર નથી અને તેઓ આંદોલનને તેજ કરશે.
સિંઘુ સરહદ પર સરકારના પ્રસ્તાવ પર થયેલી ચર્ચા બાદ ખેડૂત નેતાઓએ આજે સાંજે એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે સરકારનો ડ્રાફ્ટ અમને માન્ય નથી. જ્યાર સુધી ત્રણ કૃષિ કાનૂન પરત નહીં લેવાય ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.
ખેડૂત નેતાઓએ એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં સંઘર્ષને વધુ આક્રમક બનાવવામાં આવશે અને ભાજપના નેતાઓને વિરોધ કરાશે તથા આંદોલન ખતમ નહીં થાય.
સંવાદદાતા સંમેલનમાં ખેડૂતોએ શું કહ્યું?
- ખેડૂતોએ કહ્યું હતું કે સરકારી પ્રસ્તાવ બાદ જ વાતચીત કરવાની વાત હતી. પરતું ખેડૂતોના પ્રતિનિધિઓએ બેઠકમાં આ પ્રસ્તાવને રદ કરી દીધો છે અને હવે વાતચીતને લઈને કોઈ સ્પષ્ટતા નથી.
- જો સરકાર નિમંત્રણ આપશે તો પરિસ્થિતિને જોઈને નિર્ણય કરાશે.
- 12 તારીખે દિલ્હી-જયપુર હાઈવે, દિલ્હી-આગરા એક્સપ્રેસ-વેને બંધ કરવામાં આવશે અને એક દિવસ માટે સમગ્ર દેશના ટોલપ્લાઝા ફ્રી કરી દેવાશે.
- દિલ્હી અથવા રેલવેને બંધ કરવાનો અમારો કોઈ કાર્યક્રમ નહોતો પરંતુ હવે અમે દિલ્હી-જયપુર હાઈવે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
- ભાજપના જેટલા મંત્રી છે તેમનો ઘેરાવ કરવામાં આવશે અને સંપૂર્ણ રીતે તેમનો બહિષ્કાર કરીશું.
- પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 14 તારીખે ધરણાંપ્રદર્શન કરવામાં આવશે. જેઓ ધરણાં નહીં કરે તેઓ દિલ્હી કૂચ કરશે. અંબાણી અને અદાણીનો મજબૂત વિરોધ કરાશે.
જે સમયે ખેડૂત નેતાઓ સંવાદદાતા સંમેલનમાં ખેડૂતોનો નિર્ણય જણાવી રહ્યા હતા એ દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતે પહોંચ્યા હતા.
એ જ સમયે વિપક્ષી દળનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાતે પહોંચ્યું હતું. તેમાં રાહુલ ગાંધી, સીતારામ યેચૂરી, શરદ પવાર સહિતના નેતાઓ સામેલ હતા.
કમ્યૂનિસ્ટ નેતા સીતારામ યેચૂરીએ કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર આપ્યું છે અને વિનંતી કરી છે કે વગર ચર્ચા અને સલાહ લીધા વિના બિનલોકતાંત્રિક રીતે પસાર કરાયેલા (કૃષિ કાનૂન અને વીજળી બિલ સંશોધન કાનૂન)ને પરત લેવામાં આવે.
એનસીપી નેતા શરદ પવારે પણ કહ્યું છે કે કડકડતી ઠંડીમાં ખેડૂતો રસ્તા પર છે અને નારાજ છે. સરકારની જવાબદારી છે કે તેઓ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતોએ સમાધાનનો કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો
નવી દિલ્હીની સિંઘુ બોર્ડર પર કૃષિકાયદાઓ રદ કરાવવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારે આપેલો સુધારણાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.
બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવે કહ્યું છે કે ખેડૂતોએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે અને તેઓ જલદી આ વિશે મીડિયા સાથે વાત કરશે.
સ્વરાજ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે સરકારના પ્રસ્તાવમાં સંશોધનની સલાહ હતી તેને તમામ ખેડૂતો સંગઠનોએ એક સૂરે નકારી કાઢી છે.
ગઈ કાલની અમિત શાહ સાથેની બેઠકમાં સરકાર કૃષિકાયદાઓ પાછા ખેંચવા તૈયાર નથી એ વાત બાદ આજે કેન્દ્ર સરકારે વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ઉકેલનો લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો.
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્ત રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ખેડૂતો બેઠક કરીને સરકારે મોકલેલા પ્રસ્તાવ પર વિચાર કરશે અને એ પછી જ આગળ શું કરવું છે એનો નિર્ણય લેવાશે.
એમણે કહ્યું કે સાંજ સુધી પરિસ્થિતિ સ્પષ્ટ થાય અને કેટલીક બાબતો પર વધ વધારે સ્પષ્ટતા થાય એમ બની શકે છે. ખેડૂતો બેઠક કરીને આગળની રણનીતિ પર વિચારણા કરશે.
રાકેશ ટિકૈતે કહ્યું કે "ખેડૂતો માટે આ ગૌરવની વાત છે અને તેઓ પાછા નહીં પડે. સરકાર શું કાયદા પાછા નહીં લે? શું અહીં તાનાશાહી ચાલશે? જો સરકાર જિદ્દી છે તો ખેડૂત પણ જિદ્દી છે. સરકારે કાયદાઓ પાછા લેવા જ પડશે."
આ અગાઉ મંગળવારે રાતે અમિત શાહ સાથેની બેઠકમાં ભાગ લેનાર ખેડૂત નેતા હન્નાન મુલ્લાહે કહ્યું કે સરકારે કોઈ નવી વાત નથી કરી.
એમણે કહ્યું કે જો સરકાર એમના પ્રસ્તાવમાં કૃષિકાયદાઓ પાછા લેવાની વાત કરે છે તો આગળની વાતચીત થશે. એ સિવાય અમને ખબર નથી કે આગળની રણનીતિ શું હશે.
આ દરમિયાન કમ્યુનિસ્ટ પાર્ટીના સીતારામ યેચુરીએ કહ્યું છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે સાંજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લેશે.
સરકાર અને ખેડૂતો વચ્ચે અવરોધ વધ્યો
સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચેની છઠ્ઠા તબક્કાની વાતચીત રદ થઈ ગઈ છે. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચેની વાતચીત ગતિરોધ સાથે ખતમ થઈ છે.
હજારો ખેડૂતો સિંધુ બૉર્ડર પર અડગ છે અને તેઓ નવા કૃષિકાયદાને રદ કરવાની માગથી પાછળ નથી હઠવા માગતા.
આઠ ડિસેમ્બરની રાતે ગૃહમંત્રી અમિત શાહે 13 ખેડૂતનેતાઓને વાતચીત માટે બોલાવ્યા હતા, પણ બેઉ પક્ષો વચ્ચે કોઈ ઉકેલ આવ્યો નથી.
ખેડૂતનેતાઓનું કહેવું છે કે સરકાર કાયદાઓ પરત લેવા માટે તૈયાર નથી અને ખેડૂતો કાયદામાં સંશોધનમાત્રથી નહીં માને.
સરકાર અને ખેડૂતો વચ્ચે 9 ડિસેમ્બરે છઠ્ઠા તબક્કાની વાતચીત થવાની હતી, પણ એ હવે રદ થઈ ગઈ છે.
ઘણા ખેડૂતનેતાઓએ મંગળવારે અમિત શાહ સાથે ઔપચારિક મુલાકાતનો વિરોધ કર્યો હતો. તેઓએ વાતચીતના બહિષ્કારની ધમકી પણ આપી હતી.
ખેડૂતોના આંદોલનથી બૉર્ડર પૉઇન્ટ સિંધુ, ટિકરી અને ગાઝીપુરમાં ટ્રાફિક-વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે.
દિલ્હી પોલીસે ટ્વિટર પર કહ્યું કે ટિકરી, ઝરોદા, ઢાંસા બૉર્ડર બંધ રહેશે. જોકે ઝટિકારા બૉર્ડર દ્વીચક્રી વાહનો માટે અને પગપાળા જતા લોકો માટે ખુલ્લી રહેશે.
દિલ્હી પોલીસે કહ્યું કે જેમને હરિયાણા જવું હોય તે દૌરાલા, કાપસહેડા, બાદુસરાય, રાજકોરી એનએચ-8, વીજવાસન, પાલમવિહાર અને ડુંડાહેરા બૉર્ડરથી જાય. સિંધુ, ઔચાંદી, પિયાઓ મનિયારી અને મંગેશ બૉર્ડર બંધ રહેશે.
આ સિવાય એનએચ-44 બંને તરફથી બંધ રહેશે. દિલ્હી પોલીસે વૈકલ્પિક રૂટ લાંપુર, સાફિયાબાદ, સાબોલી, એનએચ-8/ભોપરા/અપ્સરા બૉર્ડરથી જવાની સલાહ આપી છે.
દિલ્હી પોલીસે તેના ટ્વીટમાં કહ્યું કે મુકાર્બા અને જીટીકેથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. લોકોને આઉટર રિંગ રોડ, જીટીકે રોડ અને એનએચ-44થી બચવાની સલાહ અપાઈ છે.
અમિત શાહને મળ્યા બાદ ખેડૂતોમાં વિવાદ કેમ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ ખેડૂતનેતાઓએ કૃષિકાયદામાં સંશોધનનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.
ખેડૂતનેતાઓ કહી રહ્યા છે કે મોદી સરકાર સંશોધનનો પ્રસ્તાવ મોકલશે તો તેઓ તૈયાર નહીં થાય.
ઑલ ઇન્ડિયા કિસાન સભાના મહાસચિવ હનન મુલ્લાએ અમિત શાહ સાથેની બેઠક અંગે કહ્યું, "સરકારે અમને કેટલુંક લેખિતમાં મોકલવા કહ્યું છે. અમે તેમને કહ્યું કે જો તેઓ કંઈક લેખિતમાં આપશે તો અમે વિચારીશું."
"આજે અમારી બેઠક છે. અમે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરીશું. જો લેખિત આશ્વાસનમાં સંશોધનની વાત હશે તો અમારું વલણ સ્પષ્ટ છે."
કાયદાને રદ કરવા સિવાય અમે માનીશું નહીં. સરકારના પત્રમાં કંઈક સકારાત્મક રહ્યું તો અમે આગામી બેઠક માટે તૈયાર થઈશું."
વિવાદનું કારણ બની બેઠક
ગૃહમંત્રી અમિત શાહે મંગળવાર સાંજે સંયુક્ત કિસાન મોરચાના 13 સભ્યો સાથે મુલાકાત કરી જે કિસાન યુનિયન વચ્ચે વિવાદનું કારણ બની છે.
જોગિંદરસિંહ ઉગરાહાં પંજાબમાં ભારતી કિસાન યુનિયન(ઉગરાહાં)ના અધ્યક્ષ છે અને તેમનું સગઠન પંજાબનું સૌથી મોટું યુનિયન છે.
ઉગરાહાંએ કહ્યું છે કે ખેડૂતનેતાઓએ સરકાર સાથેની બુધવારે નક્કી કરાયેલી બેઠક પહેલાં અમિત શાહને મળવું નહોતું જોઈતું.
ઉગરાહાંએ દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "કેટલાંક ખેડૂતસંગઠનોને અમિત શાહે અનૌપચારિક વાતચીત માટે બોલાવ્યાં હતાં. અમિત શાહ સાથે અનૌપચારિક મુલાકાત કરવા માટે ખેડૂત યુનિયનોએ નહોતું જવું જોઈતું."
"નવેમ્બરમાં જ્યારે દિલ્હીમાં ખેડૂતઆંદોલન શરૂ થયું હતું ત્યારે મને પણ ભાજપના નેતા સુરજિત જયનીએ અમિત શાહને મળવા માટે બોલાવ્યો હતો. જોકે, મેં ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે જ્યારે તમામ સંગઠનોને બોલાવવામાં આવશે ત્યારે જ મળીશ."
ઉગરાહાંએ કહ્યું છે કે આ વખતે અમિત શાહે તેમને મળવા નહોતા બોલાવ્યા.
તેમણે એવું પણ કહ્યું કે બિનઅધિકૃત વાતચીત માટે મળવા બોલાવતાં શંકા પડે છે.
બીકેયૂ(ઉગરાહાં) અને કિસાન મજદૂર સંઘર્ષ કમિટી (કેએમએસસી) પંજાબના 30 ખેડૂતસંગઠનો અને સંયુક્ત મોરચાનો ભાગ નથી. જોકે, બન્ને અલગથી સમન્વય કરે છે.
જ્યારે વિરોધપ્રદર્શન દિલ્હી શિફ્ટ થઈ ગયું અને પાંચ ડિસેમ્બરે ભારતના કેટલાંય ખેડૂતસંગઠનોએ મળીને સંયુક્ત મોરચો બનાવ્યો ત્યારે પણ બીકેયૂ(ઉગરાહાં) અને કેએમએસસી અલગ રહ્યાં.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગૃહમંત્રી અમિત શાહે પાંચ-સાત સભ્યોને વાતચીત માટે બોલાવ્યા હતા. જોકે, બાદમાં 13 સભ્યોને મોકલવા પર સહતમી સધાઈ હતી.
અચાનક બેઠક પહેલાં અમિત શાહે નેતાઓને કેમ બોલાવ્યા?
ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવવા મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે, ભારત બંધ એ રાજ્યોમાં વધારે પ્રભાવી રહ્યું જ્યાં ભાજપની સરકાર નથી.
આ દરમિયાન કેટલાક વિપક્ષી નેતાઓની અટકાયત કરી લેવાઈ તો કેટલાકે નજરબંધ કરાયા હોવાનો આરોપ લગાવ્યો.
મોદી સરકાર પ્રયાસ કરી રહી છે કે કોઈ પણ ભોગે ખેડૂતઆંદોલનને ખતમ કરી દેવાય.
મંગળવારે વિપક્ષની નજર એના પર અટકી કે અચાનક જ ગૃહમંત્રીએ ખેડૂતોને બુધવારે યોજાઈ રહેલી બેઠક પહેલાં જ મળવા માટે કેમ બોલાવ્યા?
અત્યાર સુધી યોજાયેલી ખેડૂતો સાથેની વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલમંત્રી પીયૂષ ગોયલ સામેલ રહ્યા હતા, જ્યારે મંગળવારે અચાનક ગૃહમંત્રી અમિત શાહ સક્રિય થઈ ગયા હતા.
અમિત શાહને મળ્યા બાદ ખેડૂતનેતાઓએ કહ્યું કે સરકાર કૃષિકાયદાને પરત લેવા તૈયાર નથી, જોકે બુધવારે કાયદામાં સંશોધન મામલે લેખિતમાં આશ્વાસન આપશે.
એવું પણ કહેવાઈ રહ્યું છે કે અમિત શાહ ગૃહમંત્રી છે અને ખેડૂતનેતાઓને એ ઍંગલ સાથે પણ સમજાવી રહ્યા છે કે જો આંદોલન આ જ રીતે ચાલતું રહ્યું તો આનો ફાયદો અલગતાવાદી શક્તિઓ ઉઠાવી શકે છે.
બેઠકમાં શું થયું હતું?
ખેડૂતનેતાઓ સાથેની અમિત શાહની બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નહોતો અને સ્થિતિ અગાઉ મુજબ બરકરાર રહી હતી.
આ બેઠકમાં ભાગ લેનારા ઑલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી, હનન મુલ્લાહે મીડિયા સાથે વાત કરી હતી.
મુલ્લાહે જણાવ્યું હતું કે "આવતી કાલે (બુધવારે) ખેડૂતઆગેવાનો અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક નહીં યોજાય. સરકાર દ્વારા ખેડૂતોને આવતી કાલે (બુધવારે)પ્રસ્તાવ આપવામાં આવશે. જે અંગે બેઠક યોજી ખેડૂતઆગેવાનો નિર્ણય લેશે."
તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર ત્રણેય કૃષિકાયદાઓ પાછા નહીં ખેંચવાની માગ માનવા તૈયાર નથી.
હવે ખેડૂતો શું કરશે?
હજુ પણ સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સહમતી નથી સધાઈ. ખેડૂતનેતાઓ અનુસાર અમિત શાહ સાથે મંગળવારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ પૂસા કૉમ્પલેક્સમાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અમિત શાહે કહ્યું કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર એક પ્રસ્તાવ રજૂ કરશે. જેમાં ત્રણેય કાયદાઓમાં સંશોધનની વાત હશે.
ક્રાંતિકારી કિસાન યુનિયનના દર્શનપાલે કહ્યું છે કે તેમને કેન્દ્ર સરકારનો સંશોધન પ્રસ્તાવ સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે ત્રણેય કાયદા પરત લેવાયા બાદ જ વિરોધ પૂર્ણ થશે.
જોકે, બુધવારે સિંઘુ બૉર્ડર પર કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાશે અને તેમાં આગળની રણનીતિ નક્કી કરાશે.
બુધવારે દસ વાગ્યે આ બેઠક યોજાવાની છે. 'રાષ્ટ્રીય કિસાન મહાસંઘ'ના નેતા શિવ શર્મા કાકાજીએ કહ્યું છે કે ખેડૂતો પોતાની માગ પર અડગ છે કે ત્રણેય કાયદાઓ પરત લેવા પડશે.
તેમણે કહ્યું, "સરકાર સંશોધન માટે કહી રહી છે જોકે, અમારી માગ છે કે ત્રણેય કાયદાઓ રદ કરવામાં આવે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો