ખેડૂતોના ભારત બંધ સાથે જોડાયેલી ખાસ અને મોટી વાતો

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ખેડૂતો દ્વારા ‘ભારત બંધ’ આમ તો મંગળવારે છે, પરંતુ તેને લઈને રાજકીય હલચલ એક દિવસ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી.

લખનૌમાં ઉત્તર પ્રદેશ પોલીસ સમાજાદી પાર્ટીની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે જ કહ્યું હતું કે, ‘તેઓ ખેડૂતોની માગણીઓને વાજબી માને છે અને ખેડૂતો દ્વારા કરાયેલા ભારત બંધનું સમર્થન કરશે.’ પરંતુ સોમવારે સવારે ઉત્તર પ્રદેશ પોલીસ તેમના ઘર બહાર ડેરો નાખી દીધો.

મોદી સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાના ખેડૂતો પાછલા 12 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોએ દિલ્હીની સીમાઓ પર ડેરો જમાવ્યો છે. સાથે જ, દેશના ઘણા જિલ્લાઓમાં ખેડૂતપ્રદર્શનો ચાલી રહ્યાં છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે સિંઘુ બૉર્ડરની મુલાકાત લીધી, જ્યાં હાલ પ્રદર્શનકારી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર છે. તેમણે ફરી વાર કહ્યું કે ‘આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે.’

ખેડૂતો એ ન માની સરકારની અપીલ

કેન્દ્ર સરકારે ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ આવા કોઈ બંધનું આહ્વાન ન કરે અને બાળકો અને વૃદ્ધોને પ્રદર્શનસ્થળોએથી ઘરે મોકલી દે. સરકારે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને આ અપીલ કરી હતી.

પરંતુ ખેડૂતોએ સરકારની આ અપીલને માન ન આપી 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતો ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર ત્રણેય નવા કાયદા પરત ખેંચી લે. ખેડૂતોનું કહેવું છે કે નવા કાયદાના કારણે તેમણે પોતાનું અનાજ ઓછી કિંમતે વેચવું પડશે અને ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા સમાપ્ત થઈ જશે.

આને લઈને કેન્દ્ર સરકાર અને ખેડૂતસંગઠનો વચ્ચે વાતચીત જારી છે. પાંચ ચરણની વાતચીત થઈ ચૂકી છે જે અત્યાર સુધી પરિણામવિહોઓણી રહી છે. બુધવારે, 9 ડિસેમ્બર એટલે કે ભારત બંધથી બરાબર એક દિવસ પછી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે છઠ્ઠા તબક્કાની વાતચીત થવાની છે.

મનાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના પ્રદર્શનને કારણે દબાણમાં છે. ખેડૂતો સાથેની વાતચીતમાં સામેલ કેટલાક કેન્દ્રીય મંત્રીઓનાં નિવેદનો પરથી એવા સંકેત મળ્યા છે કે સરકાર પીછેહઠ કરી શકે છે.

આ દરમિયાન ન માત્ર મુખ્ય વિપક્ષ, પરંતુ ભાજપના કેટલાક સહયોગી દળોએ પણ ખેડૂતોની માગનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ મંગળવારે ભારત બંધના સમર્થનમાં રહેશે.

ભારત બંધને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસ અને દિલ્હી પોલીસે સિંઘુ બૉર્ડર અને ટિકરી બૉર્ડર પર, જે અત્યાર સુધી પ્રદર્શનના મોટાં કેન્દ્રો રહ્યાં છે, ત્યાં અતિરિક્ત પોલીસબળ તહેનાત કરી દીધું છે.

અત્યાર સુધી લગભગ 18 રાજકીય પક્ષોએ કહ્યું છે કે તેઓ ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં છે.

સોમવારે સવારે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું, “ખેતી સાથે સંબંધિત ત્રણ નવા કાયદાને પરત ખેંચી લેવાની માગને લઈને સમગ્ર દેશના ખેડૂતો આંદોલિત છે. તેમણે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે, બસપા તેનું સમર્થન કરે ચે. સાથે જ કેન્દ્ર સરકારને એ અપીલ પણ કરે છે કે તેઓ ખેડૂતોની માગણીઓ માની લે.”

આ પહેલાં શિવસેનાએ ભારત બંધના સમર્થનની જાહેરાત કરી હતી. પાર્ટી પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે, ‘ખેડૂતો પ્રત્યે અમારી નૈતિક જવાબદારીને કારણે દેશની જનતાએ ખેડૂતોના બંધમાં સ્વેચ્છાએ ભાગ લેવો જોઈએ.’

એક જોવા મળ્યો વિપક્ષ

આ પહેલાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ડીએમકે ચીફ એમ. કે. સ્ટાલિન, એનસીપી પ્રમુખ શરદ પવાર, સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ, લેફ્ટ ફ્રંટના સીતારામ યેચુરી અને ડી રાજા સહિત ભારતના 11 મોટા રાજનેતાઓએ ખેડૂતોના ભારત બંધનું સમર્થન કરવાની વાત કરી હતી.

એક સંયુક્ત નિવેદન જારી કરીને, ભારતના 11 રાજકીય પક્ષોએ કહ્યું કે મોદી સરકારે ‘બિનલોકતાંત્રિક રીતે’ આ કાયદાઓને સંસદમાં પાસ કર્યા છે, તેના પર કોઈ ચર્ચા નથી કરવામાં આવી.

આ દળોએ પોતાનાં નિવેદનોમાં દાવો કર્યો છે કે આનાથી ભારતમાં ખાદ્ય સંક્ટ વધશે, ખેડૂતોની પરિસ્થિતિ વધુ બગડશે, સાથે જ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) ન મળવાને કારણે ભારતીય ખેતી ક્ષેત્રની દશા બગડશે.

તેમજ શિવસેના, તૃણમૂલ કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, તેલગાંણા રાષ્ટ્ર સમિતિ, અકાલી દળ, આમ આદમી પાર્ટી અને ભાજપના સહયોગી- અસમ ગણ પરિષદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ પણ ખેડૂતોના ભારત બંધનું સમર્થન કર્યું છે. જોકે, સંયુક્ત નિવેદન પર આ પાર્ટીના નેતાઓની સહી નથી.

રવિવારે દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યકર્તાઓ અને અધિકારીઓને 8 ડિસેમ્બરે ખેડૂતોના નેતૃત્વવાળા ભારત બંધનું સમર્થન કરવાનું કહ્યું છે.

કૉંગ્રેસે કહ્યું છે કે 8 ડિસેમ્બરના રોજ પાર્ટી ભારતના દરેક જિલ્લામાં પ્રદર્શન કરશે. પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ખેડૂતોની માગોનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે મોદી સરકારે ખેડૂતોની માગણીઓ માની લેવી જોઈએ.

26 નવેમ્બરના રોજ ખેડૂતોના આંદોલનની શરૂઆત થઈ હતી. કેન્દ્ર સરકાર માને છે કે ખેડૂતોને નવા કૃષિ કાયદાઓ અંગે ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને સરકાર કહેતી રહી છે કે વાતચીતથી ખેડૂતોના ‘તમામ ભ્રમ’ ભાંગી જશે

શનિવારે દિલ્હીના વિજ્ઞાનભવનમાં લગભગ પાંચ કલાક લાંબી વાતચીત થઈ. આ બેઠકમાં સરકારે ખેડૂતોને એ આશ્વાસન આપ્યું કે “કૃષિ કાયદાઓના કારણે એમએસપી પર કોઈ અસર નહીં પડે, તે રાજ્યનો વિષય છે અને કેન્દ્ર સરકાર રાજ્યની મંડીઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત નહીં કરે.”

પરંતુ ખેડૂતોએ કહ્યું કે ભારત બંધનો કાર્યક્રમ યોજના અનુસાર જ રહેશે. દેશનાં દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પણ આ બંધનું સમર્થન કર્યું છે.

ખેડૂતોએ કહ્યું છે કે ભારત બંધ દરમિયાન તેઓ દિલ્હી જનાર તમામ રસ્તા બ્લૉક કરશે. તમામ ટોલ પ્લાઝા રોકશે અને ત્યાં પ્રદર્શન કરશે.

વામપંથી પાર્ટીઓ એ ન માત્ર આ બંધનું સમર્થન કર્યું, પરંતુ અન્ય વિપક્ષી દળોને પણ આ બંધનું સમર્થન કરવાની અપીલ કરી.

સીપીઆઈ, સીપીઆઈ (એમ), સીપીએમ (એમ-એલ) અને ઑલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લૉકે એક સંયુક્ત નિવેદનમાં ખેડૂત આંદોલનના સમર્થનની વાત કરી છે.

ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન, ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ, હિંદ મજદૂર સભા, સેન્ટર ઑફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ, ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર અને ટ્રેડ યુનિયન કો-ઑર્ડિનેશન સેન્ટરે પણ ખેડૂત આંદોલન અને ખેડૂતો દ્વારા ભારત બંધના આહ્વાનનું સમર્થન કર્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો