You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : સની દેઓલે કહ્યું, હું ભાજપ અને ખેડૂતોની સાથે, ગુજરાતથી દિલ્હી જશે ખેડૂતો
દિલ્હીના વિજ્ઞાનભવનમાં ખેડૂતનેતાઓ અને સરકાર વચ્ચે કૃષિકાયદા મામલે શનિવારે થયેલી બેઠક કોઈ પણ નિર્ણય વગર પૂર્ણ થઈ ગઈ છે
ખેડૂતો પોતાની માગ પર અડગ છે અને 8 ડિસેમ્બરે ભારત બંધનો કોલ યથાવત રાખ્યો છે. જોકે, એ 9 ડિસેમ્બરે ખેડૂત યુનિયનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરથી બેઠક યોજાશે.
ખેડૂત વિરોધી કાળા કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદમાં છેલ્લાં 10 દિવસોથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના મુદ્દે ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલે રવિવારે જણાવ્યું કે તેઓ પોતાના પક્ષ અને ખેડૂતોની સાથે છે.
સની દેઓલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર કાયમ ખેડૂતોના હિત માટે વિચારે છે.
ગુજરાતથી ખેડૂતો દિલ્હી જશે
ખેડૂત નેતા બલદેવ સિંહે રવિવારે દિલ્હીના સિંઘુ બોર્ડર પર જણાવ્યું કે આ આંદોલનને મજબૂત કરવાની જરૂર છે.
તેમને કહ્યું, હું બધાને અપીલ કરું છું કે તેઓ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા ભારત બંધમાં સામેલ થાય. ગુજરાતથી 250 ખેડૂતો દિલ્હી આવી રહ્યા છે.
રવિવારે કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યકક્ષાના મંત્રી કેલાસ ચૌધરી અને પુરષોત્તમ રૂપાલા સાથે મિટિંગ કરી હતી.
ખેડૂતોની સાથે હોવાનું જણાવીને ટ્રાન્સપોર્ટ યુનિયને પણ ભારત બંધનું સમર્થન કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૉક્સર વિજેન્દ્રસિંહની ચેતવણીઃ હું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પરત કરી દઈશ
જાણીતા બૉક્સર વિજેન્દ્રસિંહે ચેતવણી આપી છે કે તેઓ દેશનું સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પરત કરી દેશે.
વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની વચ્ચે જઈને વિજેન્દ્ર સિંહે પોતાનો ટેકો જાહેર કર્યો છે.
વિજેન્દ્ર સિંહે કહ્યું, મેં પંજાબમાં ટ્રેનિંગ લીધી છે અને તેમનો રોટલો ખાધો છે. આજે જ્યારે તેઓ ઠંડીમાં અહીં બેઠા છે તો હું તેમનો ભાઈ બનીને આવ્યો છું. હરિયાણાના બીજા ખેલાડીઓ પણ અહીં આવવાની ઇચ્છા ધરાવે છે પરતું સરકારી નોકરી કરતા હોવાના કારણે તેઓ આવી શકતા નથી. આ ખેલાડીઓએ જણાવ્યું છે કે તેઓ પણ ખેડૂતોની સાથે છે.
ગુજરાતમાં કૉંગ્રેસનાં ધરણાં
આ દરમિયાન ગુજરાત કૉંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં ગાંધીનગરમાં ધરણાંનું આયોજન કર્યું છે.
આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાટવ, ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાગ લઈ રહ્યા છે.
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આ ધરણાંનું આયોજન કરાયું છે. અમિત ચાવડાએ ટ્વિટર કૃષિકાયદાને 'કાળા કાયદા' ગણાવ્યા છે.
કૉંગ્રેસના નેતાઓ શું કહ્યું?
સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું હતું "આ આંદોલન માત્ર દિલ્હી કે ખેડૂતો પૂરતું નથી. આ આંદોલન ભારતનાં કોરોડો ખેડૂતોના સમર્થનમાં છે."
"ખેડૂતોની સ્પષ્ટ રજૂઆત છે કે તેમને ટેકાના ભાવ મળશે કે નહીં એ સરકાર લેખિતમાં જણાવે. મને તો ગુજરાત બહાર જવા પર પાબંદી છે. જો મને મજૂરી મળશે તો હું દિલ્હીના ખેડૂતો સાથે બેસીશ."
અમીત ચાવડાએ જણાવ્યું, "આ કાયદા દ્વારા ખેતીની જમીન પર કબજો થશે. નફાખોરી થશે. સંગ્રહખોરી થશે. એને લીધે માત્ર ખેડૂતોને જ નહીં ગ્રાહકને પણ નુકસાન થશે."
"ઠંડીમાં ખેડૂતો રસ્તા પર ઊતરીને વિરોધ કરી રહ્યા હોય ત્યારે સરકાર તેમની વાત સાંભળવાને બદલે લાઠીઓ વરસાવી રહી છે."
આ પ્રતીક વિરોધકાર્યક્રમમાં કૉંગ્રેસે કાર્યકરો તેમજ ખેડૂતસંગઠનનાં આગેવાનોને હાજર રહેવા હાકલ કરાઈ છે.
જોકે, આ પ્રદર્શન માટે પચાસ લોકો જ ભાગ લઈ શકે એ શરતે મંજૂરી આપવામાં આવી છે.
બ્રિટનના 36 સાંસદો ખેડૂતોના સમર્થનમાં
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો બાદ બ્રિટનના કેટલાય સાંસદોએ ભારતમાં ખેડૂતોના વિરોધપ્રદર્શનનું સમર્થન કર્યું છે.
બ્રિટનની અલગઅલગ પાર્ટીઓના કુલ 36 સાંસદોએ ત્યાંના વિદેશમંત્રી ડૉમિનિક રાબને કહ્યું છે કે તેઓ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાત કરે અને તેમને જણાવે કે ભારતમાં કૃષિકાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનથી બ્રિટિશ પંજાબી પ્રભાવિત થઈ રહ્યા છે.
શુક્રવારે આ સાસંદો તરફથી એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પત્રને મજૂરપક્ષના બ્રિટિશ શીખ સાંસદ તનમનજીતસિંહ ઢેસીએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.
પત્રમાં ભારતીય મૂળના અન્ય સાસંદોના પણ હસ્તાક્ષરો છે. હસ્તાક્ષરો કરનારા સાંસદોમાં વિરેન્દ્ર શર્મા, સીમા મલ્હોત્રા અને પૂર્વ મજૂરનેતા જર્મી કૉર્બિન પણ સામેલ છે.
કૅનેડામાં ખેડૂતોના સમર્થનમાં રેલી
આ પહેલાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ પ્રદર્શનકારીઓ સાથે ભારતીય સુરક્ષાદળોના વર્તનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
જે બાદ ભારતીય વિદેશમંત્રાલય દ્વારા દેશમાં હાજર કૅનેડિયન ઉચ્ચાયુક્ત નાદીર પટેલ સમક્ષ વાંધો નોંધાવાયો હતો.
કૅનેડામાં કેટલાંક સમૂહોએ મળીને ભારતીય ઉચ્ચાયુક્તના કાર્યાલય સુધી વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 'પંજાબ કિસાન રેલી' કાઢી હતી.
જોકે, 'ઇન્ડો-કૅનેડિયન ઑર્ગેનાઇઝેશન', 'કૅનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન' જેવાં સગઠનોએ ટ્રુડોના નિવેદનની ટીકા કરી હતી.
શનિવારની બેઠકમાં શું થયું?
શનિવારે દિલ્હીના વિજ્ઞાનભવનમાં ખેડૂત-યુનિયનો અને કેન્દ્ર સરકાર વચ્ચેની બેઠક કોઈ પણ નિર્ણય વગર પૂર્ણ થઈ ગઈ.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ આ બેઠકમાં કોઈ નીવેડો ન આવ્યો અને 9 ડિસેમ્બરે ફરી વાતચીત હાથ ધરાશે.
બેઠક દરમિયાન સરકારે ખેડૂત-યુનિયનો પાસે નક્કર પ્રસ્તાવ માટે સમય માગ્યો હતો.
વિજ્ઞાનભવનથી બહાર નીકળેલા ખેડૂતનેતાઓના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર 9 ડિસેમ્બરે એમને એક પ્રસ્તાવ મોકલશે અને તેના પર એ જ દિવસે ચર્ચા કરાશે.
ખેડૂતોના સમર્થનમાં ઊતર્યા રાજકીય પક્ષો
આઠ વિપક્ષી પાર્ટીઓએ એક સંયુક્ત નિવેદનમાં પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કર્યું હતું.
આ નેતાઓમાં NCP પ્રમુખ શરદ પવાર, TMKના ટી. આર. બાલૂ, CPMના મહાસચિવ સીતારામ યેચૂરી, CPI મહાસચિવ ડી રાજા, RJD સાંસદ મનોજ ઝા, CPI (માલે)ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, AIFBના દેબબ્રત બિસ્વાસ અને RSPના મહાસચિવ મનોજ ભટ્ટાચાર્ય સામેલ છે.
TMC નેતા અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન શુક્રવારે ખેડૂતો સાથે મુલાકાત કરવા સિંઘુ બૉર્ડર પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેમનો પક્ષ 100 ટકા ખેડૂતો સાથે છે. ખેડૂતવિરોધી તમામ કાયદા રદ થવા જોઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો