You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રેટર હૈદરાબાદ ચૂંટણી : ભાજપને મોટી સફળતા પણ એકે પાર્ટીને બહુમતી નહીં
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, તેલંગણા રાષ્ટ્ર સમિતિ અને એઆઈએમઆઈએમ વચ્ચે ભારે રસાકરી થઈ છે પણ એક પણ પાર્ટીને બહુમત મળ્યો નથી.
સાંજે 7.45 સુધી 150 વોર્ડ પૈકી 146 વોર્ડોની મતગણતરી થઈ અને તેમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિને 56, ભાજપનાને 46 અને એઆઈએમઆઈએમને 42 વોર્ડની બેઠક મળી છે. કૉંગ્રેસને ફક્ત બે વોર્ડની બેઠક મળી છે.
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી દિગ્ગજ નેતાઓને પ્રચારમાં ઊતારવાનું ભાજપને ફળ્યું છે અને પાર્ટી ગત ચૂંટણીની 4 વોર્ડ બેઠકથી સીધી 46 વોર્ડ બેઠક પર પહોંચી ગઈ છે.
ગ્રેટર હૈદરાબાદની સ્થાનિક ચૂંટણીની મતગણતરીમાં શરૂઆતના ભાજપ આગળ હતું તે અંગે ભાજપના નેતા ડી અરવિંદે ટિપ્પણી કરી છે કે 'તેલંગણાની જનતાને પરિવર્તન જોઈએ છે અને પાર્ટી આ જાણે છે.'
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (જીએચએમસી) ચૂંટણીની મતગણતરી શુક્રવારે સવારે આઠ વાગ્યે શરૂ થઈ હતી.
15 વર્ષ પછી, પ્રથમ વખત આ ચૂંટણીમાં મત-પત્રોનો ઉપયોગ થયો. ચૂંટણીમાં લગભગ 74.1 લાખ મતદારોમાંથી લગભગ સાડા 34 લાખ મતદારોએ મતદાન કર્યું.
મતગણતરીમાં સુરક્ષાને ખાસ ધ્યાન રાખવા માટે બધી કામગીરી સીસીટીવી કૅમેરામાં રૅકૉર્ડ કરવામાં આવી રહી છે.
તેલંગાણા રાજ્ય ચૂંટણી પંચે શહેરમાં 30 સ્થળોએ મતગણતરી કેન્દ્રો બનાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જીએચએમલીના 150 વૉર્ડોમાં એક ડિસેમ્બરના મતદાન થયું હતું અને એક વૉર્ડમાં ગુરુવારે ફરી મતદાન કરાવવામાં આવ્યું હતું.
એક ડિસેમ્બરના મતદાન દરમિયાન મતપત્રોમાં ખામી મળ્યા પછી ઓલ્ડ મલકપેટ વૉર્ડમાં ફરી મતદાન કરાવવામાં આવ્યું હતું.
હૈદરાબાદના પૂર્વ મેયર અને એઆઈએમઆઈએમના નેતા મોહમ્મદ માજિદ હુસૈન મહેંદીપટનમથી જીતી ગયા છે.
IPLમાં અમદાવાદની ટીમને સ્થાન મળી શકશે?
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ (બીસીસીઆઈ) 24 ડિસેમ્બરે યોજાનારી વાર્ષિક જનરલ મિટિંગમાં આઇપીએલમાં બે નવી ટીમ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જેમાં અમદાવાદની ટીમ ઉમેરાય તેની પ્રબળ શક્યતા છે.
હાલમાં જ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ તૈયાર થયું છે જે ફ્રૅન્ચાઇઝીઓની પહેલી પસંદ હોઈ શકે છે. આ સિવાય બીજી ટીમ લખનૌ, કાનપુર અથવા પુણેની હોઈ શકે છે.
BCCI માટે ટીમોને કંઈ સિઝનથી આઈપીએલમાં સમાવવી તે આકરો નિર્ણય છે. કારણ કે જો બીસીસીઆઈ 2021ની આઈપીએલ માર્ચ-એપ્રિલ મહિનામાં રમાડવા માગતી હોય તો નવી ટીમને યોગ્ય સમય નહીં મળે.
ઑક્શન, પ્લાનિંગ અને રિટેન્શનની નીતિ અને બીજા અનેક કારણોથી તેમના માટે રમવું અઘરું થશે.
એક એવી પણ વાત છે કે ફ્રૅફ્ન્ચાઇઝી ટીમોને આપી દેવામાં આવે પણ ટીમોને 2022માં રમાડવામાં આવે.
ઉત્તર પ્રદેશમાં પોલીસે આંતરધર્મ લગ્નને લગ્નવિધિ પહેલાં રોક્યાં
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર લખનૌ પોલીસે ઉત્તર પ્રદેશના ધર્માંતરણના નવા વટહુકમને ટાંકીને હિંદુ મહિલા અને મુસ્લિમ પુરુષનાં લગ્નને વિધિ પહેલાં અટકાવ્યાં હતાં.
પોલીસે 22 વર્ષીય કૅમેસ્ટ્રી પોસ્ટગ્રૅજ્યુએટ હિંદુ મહિલા અને 24 વર્ષના ફાર્માસિસ્ટ પુરુષનાં લગ્નમાં હિંદુ મહાસભાના ચીફે આપેલી માહિતીના આધારે દખલગીરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
કાયદા પ્રમાણે લગ્નની પરવાનગી લેવી પડે છે. બંને પરિવારો પરવાનગી મળે ત્યાં સુધી લગ્નને રોકવા રાજી થતાં એફઆઈઆર નોંધાઈ ન હતી.
લખનૌ દક્ષિણ ઝોનના એડિશનલ ડીસીપી સુરેશચંદ્ર રાવતે કહ્યું, "જ્યારે પોલીસ સ્થળે પહોંચી ત્યારે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પહેલાં લગ્ન હિંદુ રીતિરિવાજ પ્રમાણે થવાનાં હતાં અને પછી મુસ્લિમ રિવાજ પ્રમાણે. લગ્ન બંને પરિવારની જવાબદારીથી થવાનાં હતા."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે ગુજરાતમાં આ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ
મિન્ટના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બેર ગુજરાતની મુલાકાતે આવવાના છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ જિલ્લામાં મેગા રિન્યુઍબલ ઍનર્જીપાર્ક અને ડિસેલિનેશન પ્લાન્ટના લોકાર્પણના કાર્યક્રમમાં ભાગ લેશે.
વિજય રૂપાણીએ કહ્યું, "હાઇબ્રિડ રિન્યુએબલ ઍનર્જીપાર્ક કે જે સોલર પૅનલ્સ અને પવનચક્કીઓથી ચાલતો 30 હજાર મેગાવોટ્સ પાવર જનરેટ કરવાની તાકાત સાથે 'દુનિયાનો સૌથી મોટો' પ્લાન્ટ હશે.
આજ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિશન પ્લાન્ટનું ખાતમૂહર્ત કરશે. આ પ્લાન્ટથી કૃષિ અને ઉદ્યોગોને ચોખ્ખું પાણી મળશે એવું સરકારનું કહેવું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમણે ઝાયડ્સ કેડિલા બાયોટૅક પાર્કની મુલાકાત લઈ કોરોના વાઇરસની વૅક્સિનની તૈયારીઓને જોઈ હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો