સેબીએ એનડીટીવીના પ્રમોટર્સ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

ઇમેજ સ્રોત, Pti
સિક્યૉરિટી એન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ એનડીટીવીના પ્રમોટર્સ પ્રણય રૉય અને રાધિકા રૉયને શૅર બજારમાં બિઝનેસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઉપરાંત તેમણે 12 વર્ષ પહેલાં ઇનસાઇડર ટ્રેડિંગ દ્વારા ગેરકાયદે કમાયેલા 16.97 કરોડ રૂપિયાની રકમ પરત કરવાની સૂચના આપી છે.
જોકે, એનડીટીવીએ આ આરોપોનો એવું કહેતા ઇનકાર કર્યો કે તે આની વિરુદ્ધ તુરંત અપીલ કરશે.
એનડીટીવીના સંસ્થાપકો રાધિકા તથા પ્રણય રૉયનું પ્રતિનિધિત્વ કરનારા ડીએમડી ઍડવોકેટ્સના વરિષ્ઠ પાર્ટનર ફેરેશ્તે સેઠનાના નેતૃત્વમાં વકીલોએ કહ્યું છે કે 'ઇનસાઇડર ટ્રેડિંગ'ને લઈને આપવામાં આવેલા સેબીના આદેશ તથ્યોનું ખોટું આંકલન કરવા પર આધારિત છે. અપીલ બાદ તપાસમાં સાચા સાબિત થશે નહીં. અપીલ તુરંત દાખલ કરવામાં આવશે.
સેબીના આદેશમાં એનડીટીવીના ત્રણ પૂર્વ વરિષ્ઠ અધિકારીઓને પણ દંડ ફટકાર્યો છે, જેમાં કંપનીના પૂર્વ સીઈઓ અને સીએફઓ પણ સામેલ છે.

અર્ણવ ગોસ્વામીના કેસમાં કાયદાનો દુરુપયોગ થયો : સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે અર્ણવ ગોસ્વામી કેસમાં પોતાના નિર્ણયમાં કહ્યું કે ભારતની કોર્ટોમાં પડતર જામીન અરજીઓનું સમાધાન ઝડપથી થવું જોઈએ. આ એક સંસ્થાકીય સમસ્યા બની ગઈ છે. જ્યાં અરજીઓ સાંભળવામાં આવતી નથી અથવા તો ફગાવી દેવામાં આવે છે.
ધ વાયરના અહેવાલ પ્રમાણે, કોર્ટે 2018ના કેસ મામલે શુક્રવારે બૉમ્બે હાઈકોર્ટના નિર્ણયનાં ચાર અઠવાડિયાં સુધી રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણવ ગોસ્વામી અને બે અન્ય લોકોના વચગાળાના જામીનની અવધિ વધારી દીધી છે.
શુક્રવારે સર્વોચ્ચ અદાલતે અર્ણવ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાનું કારણ આપતાં કહ્યું કે ફોજદારી કાયદો 'નાગરિકોની પસંદગીપૂર્વક હેરાનગતિનું હથિયાર' ન બની શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે બૉમ્બે હાઈકોર્ટે ટેલિવિઝન પત્રકારને જામીન આપવાનો ઇનકાર કરીને "બંધારણીય ફરજ" છોડી દીધી છે.
કોર્ટે કહ્યું કે ન્યાયપાલિકાએ એ નક્કી કરવું જોઈએ કે ફોજદારી કાયદો ચયનાત્મક રીતે ઉત્પીડનનું હથિયાર ન બને.
જસ્ટિસ કૃષ્ણા અય્યરના રાજસ્થાન રાજ્ય વિરુદ્ધ બાલચંદ મામલામાં ચર્ચિત નિર્ણયનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો આભારભૂત નિયમ 'બેલ (જામીન) છે, જેલ નહીં.'

ભારતના જીડીપીના દરમાં 7.5 ટકાનો ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન નાણાકીય વર્ષ 2020-21ની બીજી ત્રિમાસિક જીડીપી (સકલ ઘરેલુ ઉત્પાદ)ના દરમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તકનીકી રીતે આ મંદીની પુષ્ટિ કરે છે.
જીડીપીના આંકડા પહેલાં તમામ ઍજન્સીઓએ પાંચથી દસ ટકાના ઘટાડાનું અનુમાન કર્યું હતું.
ગત ત્રિમાસિકમાં જીડીપીમાં લગભગ 24 ટકાનો મોટો ઘટાડો થયો હતો.
સંપૂર્ણ લૉકડાઉન બાદ જીડીપીનો આ આંકડો આવ્યો હતો.
વર્તમાન ત્રિમાસિકમાં ઉદ્યોગક્ષેત્રમાં 2.1 અને ખનનક્ષેત્રમાં 9.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જોકે કૃષિ ક્ષેત્રે અને મૅન્યુફૅક્ચરિંગના ક્ષેત્રમાં સામાન્ય વૃદ્ધિ નોંધાઈ છે. કૃષિ ક્ષેત્રે 3.4 ટકાનો વધારો અને મૅન્યુફૅક્ચરિંગના ક્ષેત્રે 0.6 ટકાનો વધારો થયો છે.

ગુજરાતમાં વધતા કોરોનાના કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ દિવસેદિવસે વધી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1607 કેસ નોંધાયા છે અને 16 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
તો રાજ્યમાં 1388 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા પણ થયા છે.
શહેરોની વાત કરીએ તો સુરતમાં 299, અમદાવાદમાં 353 અને વડોદરામાં 167 નવા કેસ નોંધાયા છે.
આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3938 થયો છે. હાલમાં કુલ 14732 દર્દીઓ સક્રિય છે.

સુશીલકુમાર મોદી રાજ્યસભાના ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીએ બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુશીલકુમાર મોદીને રાજ્યસભાની એક સીટ માટે થનારી ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, સુશીલ મોદીની ઉચ્ચ સદન માટેની પસંદગી લગભગ નક્કી માનવામાં આવે છે.
જો આરજેડી મહાગઠબંધન ચૂંટણી લડવાનો ઇરાદો રાખે તો રાજ્યસભાની સીટ માટે 14 ડિસેમ્બરે ચૂંટણી થશે.
લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક અને કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ આ સીટ ખાલી પડી છે.

ભારતની ઑસ્ટ્રેલિયા સામે હાર
કોરોનાકાળમાં સિડનીમાં શુક્રવારે શરૂ થયેલી સિરીઝની પહેલી વન ડેમાં ભારતને ઑસ્ટ્રેલિયા હરાવ્યું હતું.
ભારતને 66 રને હરાવીને ઑસ્ટ્રેલિયા સિરીઝમાં 1-0થી આગળ છે.
ઑસ્ટ્રેલિયાએ જીત માટે ભારતને 375નો ટાર્ગેટ આપ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના ઓપનરોએ મૅચમાં 156 રન જોડીને શાનદાર શરૂઆત કરી હતી.
જોકે ભારતની શરૂઆત સારી રહી નહોતી. મયંક અગ્રવાલ માત્ર 21 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
જ્યારે કૅપ્ટન વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યર પણ ઝડપથી આઉટ થઈ ગયા હતા.
જ્યારે શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી પણ તેઓ મૅચને જીત સુધી પહોંચાડી શક્યા નહોતા.
ભારત 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 308 રન જ બનાવી શક્યું હતું.
આ મૅચમાં સ્ટીવ સ્મિથ મૅન ઑફ ધ મૅચ જાહેર થયા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















