ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના તમામ 10 ઉમેદવાર બિનહરીફ પસંદ થયા - TOP NEWS

ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર સહાયક રિટર્નિંગ અધિકારી મહંમદ મુશાહિદે ઘોષણા કરી કે ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના તમામ 10 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.

સોમવારે નામ પરત લેવાની તારીખ પૂર્ણ થતા ચૂંટણીઅધિકારીએ તે તમામ ઉમેદવારોને બિનહરીફ ચૂંટવાની જાહેરાત કરી.

સત્તાધારી ભાજપ આઠ બેઠક પર વિજેતા થયો છે જ્યારે સમાજવાદી પાર્ટી તરફથી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીના રામજી ગૌતમ રાજ્યસભા પહોંચ્યા છે.

ભાજપના આઠ વિજયી ઉમેદવારમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી પણ સામેલ છે.

વિધાનસભામાં પોતાના સંખ્યાબળના આધારે ભાજપ રાજ્યસભાની નવ બેઠક જીતી શકતો હતો પરંતુ તેણે માત્ર આઠ ઉમેદવાર ઉતાર્યા હતા.

તેણે પોતાના બચેલા મત બસપાના રામજી ગૌતમને આપી દીધા જેના કારણે માયાવતીના ધારાસભ્યોની સંખ્યા અપર્યાપ્ત હોવા છતાં તેમના ઉમેદવાર રાજ્યસભામાં પહોંચવામાં સફળ રહ્યા.

આ જીત પછી ભાજપની પાસે રાજ્યસભામાં કુલ 92 બેઠકો થઈ જશે, જ્યારે કૉંગ્રેસ પાસે માત્ર 38 બેઠકો વધશે.

line

ગુજરાતી ફિલ્મદિગ્દર્શક આશિષ કક્કડનું નિધન

આશિષ કક્કડ

ઇમેજ સ્રોત, Ashish Kakkad/Facebook

ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક, નાટ્યકાર, લેખક અને અભિનેતા આશિષ કક્કડનું નિધન થયું છે.

નાટ્યકર્મી કબીર ઠાકોરે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે આ વાતની પુષ્ટિ કરી છે.

ઠાકોરે જણાવ્યું કે કક્કડને ઊંઘમાં જ હાર્ટ-ઍટેક આવ્યો હતો. પોતાના પુત્રનો જન્મદિન ઉજવવા માટે આશિષ કોલકાતામાં હતા.

અર્બન ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કરવાનું શ્રેય આશિષને જાય છે.

તેમણે અભિનેતા ધર્મેન્દ્ર ગોહીલ અને નેહા મહેતાને લઈને બનાવેલી 'બૅટર હાફ' ગુજરાતી ફિલ્મોમાં મૉર્ડન ફિલ્મોની આબોહવા ઊભી કરનારી ફિલ્મ ગણાય છે. તેમણે 'મિશન મમ્મી' નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી.

આશિષ કક્કડ વૉઇસ આર્ટિસ્ટ પણ હતા અને તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. હિંદી ફિલ્મ 'કાઇપો છે'માં પણ તેમણે ભૂમિકા ભજવી હતી.

line

મુનવ્વર રાણા વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં એફઆઈઆર દાખલ

મુનવ્વર રાણા

ઇમેજ સ્રોત, Munawwar Rana/facebook

ફ્રાંસમાં થયેલા ઉગ્રવાદી હુમલા પર શાયર મુનવ્વર રાણાએ નિવેદન આપ્યું હતું, જે બાદ તેમના વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

ફ્રાંસમાં પયંબર મહંમદનાં કાર્ટૂન બતાવ્યાં બાદ એક શિક્ષકની હત્યા કરી દેવાઈ હતી. જે બાદ વિવાદિત નિવેદન આપતાં મુનવ્વર રાણાએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તેમના પિતા કે તેમનાં માતાનું ગંદુ કાર્ટૂન બનાવશે તો તેઓ તેમને મારી નાખશે.

તેમણે કહ્યું હતું, "આપણા હિંદુસ્તાનમાં જો કોઈ દેવતા કે ભગવાન રામ કે દેવી સીતાનું આવું કોઈ વિવાદિત કાર્ટૂન બનાવશે તો આપણે તેને મારી નાખીશું. "

"જ્યારે હિંદુસ્તાનમાં હજારો વર્ષોથી ઑનર કિલિંગને યોગ્ય ગણી લેવાય છે અને કોઈ સજા નથી થતી તો આપ તેને અવૈધ કઈ રીતે કહી શકો. જો કોઈ શખ્સ મારા પિતા કે માનું આવું ગંદુ કાર્ટૂન બનાવશે તો અમે તેને મારી નાખીશું. "

રાણાના વિવાદિત નિવેદન પર કાર્યવાહી કરતાં ઉત્તર પ્રદેશની સરકારે એફઆઈઆર દાખલ કરી છે.

line

મુકેશ અંબાણી પરિવારને ઝેડ પલ્સ સિક્યૉરિટી સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

મુકેશ અંબાણી

ઇમેજ સ્રોત, MANPREET ROMANA/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવેલી ઝેડ પ્લસ સુરક્ષા વિરુદ્ધની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ પરના સંભવિત ખતરાનું આકલન કરવાનું અને તેના પર નિર્ણય લેવાનું કામ સરકારનું છે.

અગાઉ બૉમ્બે હાઈકોર્ટે આ કેસમાં કહ્યું હતું કે પોતાના પર ખતરાની આશંકા જોઈ સુરક્ષાની પૂરી કિંમત ચૂકવવા તૈયાર વ્યક્તિને ઝેડ પ્લસ સુરક્ષા આપવી રાજ્ય સરકારની ફરજ છે. અરજીકર્તાએ બૉમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

વર્ષ 2013માં ડૉ. મનમોહનસિંહના વડપણ હેઠળની યુપીએ સરકારે મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપી હતી.

line

બાબા કા ઢાબાનો વીડિયો બનાવનાર સામે પોલીસ ફરિયાદ

બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ અને એમના પત્ની

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ અને એમના પત્ની

નવી દિલ્હીના બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે એમનો વીડિયો બનાવનાર યુટ્યૂબર ગૌરવ વાસન સામે કેસ દાખલ કર્યો છે.

કોરોનાને કારણે કારમી મંદીમાં આવી ગયેલો દિલ્હીનો બાબા કા ઢાબા એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યો હતો.

એ વીડિયોમાં ઢાબાની હાલત કફોડી બનવાને કારણે રડી રહેલા માલિક કાંતા પ્રસાદ નજરે ચડતા હતા. મીડિયાએ એ વીડિયોની નોંધ લેતા અનેક લોકો તેમની મદદ માટે આગળ આવ્યા હતા. જોકે, હવે કહાણીમાં નવો વળાંક આવ્યો છે.

ઢાબાના માલિક કાંતા પ્રસાદે વીડિયો બનાવનાર યુટયૂબર ગૌરવ વાસન સામે એમને મદદ કરવા માટે મળેલા પૈસાની તફડંચીનો આરોપ મૂકી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ અને એમના પત્ની

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, વીડિયો વાઇરલ થયા પછી લોકોએ જમવા માટે લાઇનો લગાવી હતી અને મદદ માટે આગળ આવ્યા હતા

કાંતા પ્રસાદનું કહેવું છે કે કે વીડિયો બનાવનારે જાણી જોઈને પોતાના બૅન્ક ખાતાની વિગતો લોકોને આપી અને મદદ માટે આવેલા દાનમાંથી ફક્ત બે લાખ રૂપિયા એમને આપ્યા અને બીજા પૈસાની તફડંચી કરી. જોકે, વીડિયો બનાવનાર આ આરોપ નકારે છે.

દિલ્હી દક્ષિણ ઝોનના ડીસીપી અતુલ કુમાર ઠાકુરનું કહેવું છે કે એમને અરજી મળી છે અને તપાસ ચાલી રહી છે. હજી સુધી આ મામલે લેખિત પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બાબા કા ઢાબાના 80 વર્ષીય માલિક કાંતા પ્રસાદનું કહેવું છે કે મને હવે ગ્રાહકો નથી મળી રહ્યાં, લોકો સેલ્ફી લેવા માટે આવે છે. અગાઉ દિવસના 10, 000 રૂપિયાની આવક હતી અત્યારે 3થી 5,000ની આવક છે.

line

ફ્રાન્સ સામે દેખાવો બદલ ગુજરાતમાં 5 લોકો સામે કેસ

વિરોધ

ઇમેજ સ્રોત, EPA

ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા પછી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંના નિવેદનનો દુનિયાભરમાં મુસ્લિમો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ વિરોધ અને તેને પગલે પાંચ લોકોની સામે કેસની ઘટના બની છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આણંદના સોજિત્રામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનો વિરોધ કરતાં પોસ્ટર જોવા મળ્યા પછી પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે. પોલીસે શહેરમાંથી 500 જેટલા પોસ્ટર પણ જપ્ત કર્યા છે.

આ ઉપરાંત અમદાવાદ મિરરના અહેવાલ મુજબ જુહાપુરા વિસ્તારમાં રાષ્ટ્રપતિ મેક્રોંના પોસ્ટરો રસ્તા પર પાથરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ત્રણ લોકોની અગમચેતીના ભાગરૂપે અટકાયત કરી છે.

પોલીસનુ કહેવું છે કે તેમણે એ પોસ્ટરોને હઠાવી દીધા છે.

line

ટ્રમ્પની 18 રેલીઓને કારણે 30 હજાર લોકોને કોરોનાનો ચેપ

ડૉ ફાઉચી અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ડૉ ફાઉચી અને ટ્રમ્પ

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીનો જોશ ચરમ પર છે ત્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસનો દાવો છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 18 રેલીઓ અને તેમાં નિયમોનું પાલન ન થવાને કારણે 30 હજાર લોકોમાં કોરના સંક્રમણ ફેલાયું.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ મોટાં મેળાવડાઓ થકી સંક્રમણ ફેલાવવાનો આ અભ્યાસ ડેટા આધારિત છે. અભ્યાસનો એમ પણ દાવો છે કે આ રેલીઓ 700 લોકોનાં મોતનું કારણ હોઈ શકે છે.

પ્રમુખપદના ડૅમોક્રેટિક ઉમેદવાર જો બાઇડને ટ્વીટ કરીને કહ્યું કે ટ્રમ્પને તેમના સમર્થકોની પણ ફિકર નથી.

આ દરમિયાન બીબીસીના એક અહેવાલ મુજબ અમેરિકામાં વરિષ્ઠ સંક્રમણ વિશેષજ્ઞ ડૉ એન્થની ફાઉચીએ વોશિંગ્ટન પોસ્ટને આપેલી એક મુલાકાતને લઈ પણ વિવાદ થઈ રહ્યો છે.

આ મુલાકાતમાં ડૉ. ફાઉચીએ કહ્યું હતું કે જો બાઇડન કોરોનાને જાહેર આરોગ્યના દૃષ્ટિકોણથી ગંભીરતાથી લઈ રહ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાને અલગ દૃષ્ટિકોણથી જુએ છે.

રિપલ્બિકન પાર્ટી ડૉ. ફાઉચીની આ મુલાકાતને લઈને તેમના પર રાજકારણનો આરોપ મૂકે છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક ન પહેરવાથી લઈ ચોક્કસ દવાની હિમાયત સુધી અનેક વાર વિવાદ સર્જી ચૂક્યા છે અને તેઓ તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થયા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો