IPL 2020 KXIP vs DC: શિખર ધવનની સદી પર નિકોલસ પૂરને પાણી ફેરવ્યું

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

શિખર ધવનના 106 રન અને બીજી તરફ નિકોલસ પૂરનના બરાબર તેમના કરતાં અડધા રન, પણ આખરે પરિણામ પૂરનની ટીમની તરફેણમાં આવ્યું.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મંગળવારે રમાયેલી ટી20 ક્રિકેટ મૅચ બંને ટીમ માટે મહત્વની હતી. આ મૅચ જીતીને દિલ્હી કેપિટલ્સની ટીમ તેનો પ્લે ઑફ પ્રવેશ નિશ્ચિત કરી શકે તેમ હતી તો સાવ છ પૉઇન્ટ ધરાવતી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આ મૅચ જીતીને પ્લે ઑફના પ્રવેશ માટેની પોતાની આશા જીવંત રાખી શકે તેમ હતી.

અંતે ધવન કરતાં અડધા રન ફટકારનાર નિકોલસ પૂરન કામમાં આવ્યો અને પંજાબની ટીમે આ મૅચ પાંચ વિકેટે જીતીને તેની ટીમની આગેકૂચની આશા જીવંત રાખી.

ઉલ્લેખનીય છે એક અઠવાડિયા અગાઉ પંજાબ પૉઇન્ટ ટેબલમાં સાવ તળિયે હતુ પણ આ ટીમે છેલ્લા છ દિવસમાં સળંગ ત્રણ મૅચ જીતી છે અને એ પણ ટોચની ત્રણ ટીમો સામે.

ટીમના કૅપ્ટન કેએલ રાહુલ અને ઓપનર મયંક અગ્રવાલ તો ધમાકેદાર ફોર્મમાં હતા જ પણ પૂરન, ગેઇલ અને મોહમ્મદ શમીની ઘાતક બૉલિંગથી છેલ્લી મૅચોમાં પંજાબે કમાલ કરી છે.

વિરાટ કોહલીની ટીમને હરાવ્યા પછી રોહિત શર્માની ટીમ સામે તો બે-બે સુપર ઓવર છતાં પંજાબે હાર માન્યા વગર મૅચ જીતી હતી.

જોકે દિલ્હી કેપિટલ્સને આ પરાજયથી ખાસ નુકસાન થયું નથી પરંતુ ટીમના મનોબળ પર અસર પડી શકે તેમ છે.

મંગળવારે રમાયેલી મૅચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં પાંચ વિકેટે 164 રન નોંધાવ્યા હતા.

જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબે 19 ઓવરમાં પાંચ વિકેટે 167 રન કરીને મૅચ જીતી લીધી.

આ સાથે વર્તમાન ટુર્નામેન્ટમાં પ્લે ઑફમાં પ્રવેશવાની પંજાબની આશા જીવંત રહી છે. બીજી તરફ દિલ્હી હજી પણ 14 પૉઇન્ટ સાથે મજબૂત સ્થિતિમાં છે.

મૅચ જીતવા માટે કિંગ્સ ઇલેવન પંજાબને 165 રનનો ટાર્ગેટ હતો. આ ટાર્ગેટ સાવ આસાન હોય તેવી રીતે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે બેટિંગની શરૂઆત કરી હતી. પરંતુ તેઓ લાંબું ટક્યા નહીં અને સસ્તામાં આઉટ થઈ ગયા.

હવે જવાબદારી આવી ક્રિસ ગેઇલ પર. જેમને સિક્સર ફટકારવાની તો આદત તો છે પરંતુ હવે તેઓ એવી ઝડપથી રન દોડી શકતા નથી એટલે સિક્સર કે બાઉન્ડરી પર જ આધાર રાખવો પડે છે.

ક્રિસ ગેઇલે ઘણા સમય બાદ તેની ઓરિજીનલ શૈલીની બેટિંગ કરીને માત્ર 13 જ બૉલમાં 29 રન ફટકારી દીધા. તેણે આવતાંની સાથે જ પહેલા ચાર બૉલમાં જ 18 રન તો ફટકારી દીધા હતા.

બૉલિંગમાં ડેનિયલ સેમ્સ, કેગિસો રબાડા, અક્ષર પટેલ અને પોતાની પહેલી મેચમાં પ્રભાવિત કરનાર તુષાર દેશપાંડે હતા પરંતુ ગેઇલ કે તેના કેરેબિયન સાથી નિકોલસ પૂરન પર તેની ખાસ અસર પડી ન હતી.

તુષાર દેશપાંડની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી. તેમણે તો માત્ર બે જ ઓવરમાં 41 રન આપી દીધા હતા. રબાડા, અશ્વિન અને અક્ષર પટેલ ત્રણેય બોલરે ચાર ઓવરમાં 27-27 રન આપ્યા હતા.

સૌથી ઝંઝાવાતી બેટિંગ પૂરનની રહી હતી. 27 બૉલમાં અડધી સદી પૂરી કર્યા પછીના જ બૉલે તે આઉટ થઈ ગયા ન હોત તો કદાચ પંજાબને મૅચ જીતવા માટે 19 ઓવર સુધી રાહ જોવી પડી ન હોત.

પૂરને 28 બૉલની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને છ બાઉન્ડરી ફટકારી હતી.

વર્તમાન સિઝનમાં હજી સુધી એકેય મેચમાં ફોર્મ દાખવી નહીં શકેલા ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ માટે આ મૅચ રાહત લાવનારી રહી હતી.

તેમણે મૅચની પહેલી ઓવર ફેંકી હતી. ચાર ઓવરમાં 31 રન આપીને રિષભ પંતની મહત્ત્વની વિકેટ ખેરવી હતી અને ત્યાર બાદ ટીમને જરૂર હતી ત્યારે 24 બોલમાં 32 રન પણ કર્યા હતા.

અગાઉ શિખર ધવને દિલ્હી માટે અણનમ 106 રન ફટકાર્યા હતા. તેમણે 12 બાઉન્ડરી અને ત્રણ સિક્સરની મદદથી આ સદી ફટકારી હતી.

આઈપીએલના ઇતિહાસમાં કોઈ બેટ્સમૅન સળંગ બે મૅચમાં સદી ફટકારી શક્યો નથી. આમ ધવન એવા પહેલો બેટ્સમૅન બન્યા છે. જોકે તેમને અન્ય કોઈ બેટ્સમેન તરફથી સહકાર સાંપડ્યો ન હતો.

પૃથ્વી શો એમ લાગે છે કે તેમની બેટિંગ ભૂલી ગયા છે. તેઓ શોર્ટ બોલની સારી રીતે રમી શકતા નથી તો ફૂટવર્કમાં પણ ઘણી ખામી જોવા મળે છે. આ મૅચમાં તેઓ માત્ર સાત રન કરી શક્યા હતા. શ્રેયસ ઐય્યર અને આ મૅચથી પુનરાગમન કરનારો રિષભ પંત 14-14 રન કરી શક્યા હતા.

ધવનની સદીને બાદ કરતાં કિંગ્સ ઇલેવન પંજાબના બૉલર્સે ચુસ્ત બૉલિંગ કરી હતી.

મોહમ્મદ શમીએ રવિવારની ટાઈ મૅચ જેવી જ બૉલિંગ મંગળવારે પણ કરી હતી અને ચાર ઓવરમાં 28 રન આપીને માર્કસ સ્ટોઇનિસ અને હેતમાયર જેવા બેટ્સમૅનની વિકેટ લીધી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો