અનલૉક-5ની જાહેરાત, જાણો શું ખૂલશે અને શું રહેશે બંધ?

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે હવે અનલૉક-5ની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ છૂટછાટોને વધારવામાં આવી છે.
સરકારે સિનેમા હૉલ, ઍન્ટર્ટેઇનમેન્ટ પાર્ક, સ્વિમિંગ-પૂલને 15 ઑક્ટોબરથી ખોલવાની પરવાનગી આપી છે. જોકે, સિનેમા હૉલ 50% ક્ષમતા સાથે ખોલવાની પરવાનગી અપાઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કેન્દ્ર સરકારે કહ્યું કે, 15 ઑક્ટોબર બાદ વાલીઓની પરવાનગી મળે તો સ્કૂલ અને કોચિંગ ક્લાસ પણ ખોલી શકાશે.
સરકારે સામાજિક, શૈક્ષણિક, સ્પૉર્ટ્સ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોમાં 100 લોકો ભાગ લઈ શકશે એમ કહ્યું છે.
આ છૂટછાટો સાથે જ કોરોના કન્ટેઇનમૅન્ટ ઝોનમાં 31 ઑક્ટોબર સુધી કડક લૉકડાઉન લાગુ રહેશે એમ સરકારનું કહેવું છે.

ફી-માફી મામલે નિર્ણય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Bhupendrasinh chudasama social
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ ફી-માફી અંગે નિર્ણયની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું છે કે વાલીઓ સાથે અને શાળાઓ સાથે વાત કર્યા બાદ નિર્ણય લીધો છે કે 25 ટકા ફી ઘટાડવામાં આવશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું સ્વિમિંગ ફી, ઇતર પ્રવૃત્તિ ફી ઇત્યાદી ફી વાલીઓએ આપવાની નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓના શિક્ષકોને પગાર ન મળવાની જે ફરિયાદ ઊઠી રહી હતી એ મામલે પણ ખાનગી શાળાઓ સાથે વાત કરવામાં આવી છે.
બેઠકમાં વાલીઓએ શાળાની ટ્યુશન ફીમાં 50 ટકાનો ઘટાડો કરવાની માગનું પુનરાવર્તન કર્યું હતું.
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે "અમે આ મુદ્દે બીજી વખત બેઠક કરી હતી. આમારી માગ છે કે ટ્યુશન ફીમાં 50 ટકા અને 14 સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં 100 ટકા કપાત કરવામાં આવે. આની જાહેરાત રાજ્ય સરકારે અગાઉ કરી હતી."

'NEET પરીક્ષા બાદ મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો'

ઇમેજ સ્રોત, Getty Images
નીટની પરીક્ષા આપ્યા બાદ વડોદરાના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
ધ ક્વિન્ટના અહેવાલ અનુસાર વિદ્યાર્થી વિશાલ ગુપ્તાએ 13 સપ્ટેમ્બરના રોજ નીટની પરીક્ષા આપી હતી.
અહેવાલ અનુસાર પરીક્ષા આપવાનો તેમનો અનુભવ સારો નહોતો અને વડોદરામાં તેમના કેન્દ્રમાં સલામતીના પ્રોટોકોલોનો અભાવ હતો. પરીક્ષા આપ્યા બાદ વિશાલના દાદા, બહેન, ભાઈ અને કાકાને પણ કોવિડનો ચેપ લાગ્યો.
તેમણે ક્વિન્ટને જણાવ્યું કે મારી તબિયત સુધારા પર છે પણ મને લાગે છે કે જો એનટીએ દ્વારા પરીક્ષા મુલતવી રખાઈ હોત તો મને આટલી તકલી સહન કરવાનો વારો ન આવ્યો હોત.
અહેવાલ અનુસાર પરીક્ષાના દિવસે ભીડ ન થાય એટલા માટે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં અલગઅલગ બેચમાં બોલાવવામાં આવ્યા હતા.
તેઓ કહે છે કે પરીક્ષાકેન્દ્રની બહાર કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવતું હતું, પરતું કેન્દ્રની અંદર આવું નહોતું.
વિશાલે જણાવ્યું કે કેન્દ્રમાં તાપમાન તપાસમાં આવ્યું હતું પણ ત્યાં કોઈ પણ સેનિટાઇઝિંગ ટનલ નહોતી.

જામીન નહીં માગું, ફાંસીએ ચડવા તૈયાર : ઉમા ભારતી

ઇમેજ સ્રોત, Getty Images
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 1992ના બાબરી મસ્જિદના વિધ્વંસના કેસમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી ઉમા ભારતીએ ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ જામીન નહીં માગે અને દોષી સાબિત થશે તો ફાંસીએ ચડવા માટે તૈયાર છે.
અહેવાલ મુજબ ઉમા ભારતીએ સોમવારે કહ્યું હતું કે તેઓ ચુકાદા દરમિયાન કોર્ટમાં હાજર રહેવા માગે છે, પરતું એમ્સ ઋષિકેશના ડૉક્ટરોએ તેમને પરવાનગી આપી ન હતી. તેઓ એમ્સ ઋષિકેશમાં સારવાર હેઠળ છે અને તેમને કોવિડનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.
ભારતીએ પત્રમાં કહ્યું કે, "મને ખબર નથી કે 30 સપ્ટેમ્બરના રોજ અયોધ્યાનો ચુકાદો શું હશે પરંતુ હું જામીન નહીં માગું."
તેઓ 32 અન્ય આરોપીઓમાં સામેલ છે, જેમને 30 સપ્ટેમ્બરના રોજ લખનૌની સીબીઆઈ કોર્ટમાં ચુકાદા દરમિયાન હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.
ચુકાદાના પરિણામ અંગે તેમણે જણાવ્યું, "મને અયોધ્યા આંદોલનમાં ભાગ લેવા બદલ ગર્વ છે અને આ માટે મને ફાંસીની સજા સંભળાવવામાં આવે તો પણ એ સ્વીકાર્ય છે."

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોરોના સંક્રમિત
મંગળવારે ઉપરાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા ઉપરાષ્ટ્રપતિ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાની માહિતી આપવામાં આવી.
સચિવાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે, "ભારતના ઉપરાષ્ટ્રપતિનું આજે સવારે કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું. તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જો કે તેમને કોઈ લક્ષણો નથી અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે."
ડૉક્ટરોએ તેમને હૉમ ક્વોરૅન્ટીનમાં રહેવાની સલાહ આપી છે. તેમનાં પત્ની ઉષા નાયડુનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. હાલ તેઓ સેલ્ફ આઇસોલેશનમાં છે."

LAC પર 'ન યુદ્ધ, ન શાંતિ' જેવી સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે : ઍરફૉર્સ વડા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય વાયુસેના વડા એસ. કે. ભદૌરિયાએ જણાવ્યું કે ભારતે એલએસી પર લાંબા સમય સુધી 'ન યુદ્ધ, ન શાંતિ' જેવી સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ભદૌરિયાએ મંગળવારે એક વેબિનારમાં જણાવ્યું કે અમારું સૈન્ય દરેક પરિસ્થિતી માટે તૈયાર છે. ભારતીય વાયુસેના કોઈ પણ પ્રકારનાં અટકચાળાનો જવાબ આપવા સક્ષમ છે.
અહેવાલ અનુસાર ભદૌરીયાએ કહ્યું કે 'ભવિષ્યમાં કોઈ પણ સંઘર્ષમાં આપણી જીત' માટે 'હવાઈ શક્તિ' નિર્ણાયક ભૂમિકા ભજવશે અને એથી જરૂરી છે કે આઈએએફ હરીફો સામે પોતાની તકનીકી ધાર જાળવી રાખે.
તેમણે ઉમેર્યું કે, સી-17 વિમાન, રફાલ ફાઇટ જેટ, ચિનૂક અને અપાચે હેલિકૉપ્ટરે આઇએએફને નોંધપાત્ર વ્યૂહાત્મક ક્ષમતા પ્રદાન કરી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























