મજૂર કાયદામાં સુધારાનો લાભ માલિકોને થશે કે મજૂરોને?

ઇમેજ સ્રોત, Frédéric Soltan/Corbis via Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં ત્રણ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. પહેલું છે પ્રાયોજક અને એનું મૂડીરોકાણ તેમજ સંચાલન. બીજી છે ટેકનોલૉજી અને ઉત્પાદન વ્યવસ્થા માટે કામમાં આવતી પ્લાન્ટ અને મશીનરી અને ત્રીજું છે ઉત્પાદન વ્યવસ્થામાં જોડાતું માનવબળ એટલે કે શ્રમિકો.
આ ત્રણેયનું વ્યવસ્થિત સંકલન થાય તો જ ઉત્પાદન વ્યવસ્થા નફાકારક બનીને કામ કરી શકે. એકલી મૂડીનું ધ્યાન રખાય અને સંચાલકોમાં ભવિષ્યમાં થનાર ટેકનોલૉજીના ફેરફારો પ્રત્યે સભાનતા ન હોય તો કામ ન ચાલે.
બરાબર આજ રીતે જો આ ઉત્પાદન વ્યવસ્થામાં જોડાયેલ માનવબળ એટલે કે શ્રમિકો ગુણવત્તાસભર અને કિફાયતી ઉત્પાદન ન કરે તો માલ બજારમાં ટકી ન શકે. મૂડી રોકનાર પોતાના પૈસાનું વધારે વળતર મેળવવાના લોભમાં શ્રમિકોનું શોષણ કરે તો એ પણ ન ચાલે.
શ્રમિકોનું શોષણ ન થાય તેમજ તેમને યોગ્ય સવલતો અને સલામતી મળે તે માટે મજૂર કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓ મહદંશે શ્રમિકોના હકના રક્ષણ માટે ઘડાયેલા હોઈ એમના તરફી ઝોક ધરાવે છે.
આજે આપણે વૈશ્વીકરણના યુગમાં જીવીએ છીએ. વૈશ્વીકરણના ભાગ રૂપે એક દેશનું રોકાણ બીજા દેશમાં જાય. આમ કરવાથી તેને વૈશ્વિક હરીફાઈમાં ઊભા રહેવા માટે સ્પર્ધાત્મક સ્થિતિ પ્રાપ્ત થતી હોય છે પણ દરેક દેશના પોતાના કાયદા હોય છે.
આ કાયદાઓમાં જમીન લેવાથી માંડીને ઉત્પાદન ફૅક્ટરીની બહાર નીકળે ત્યાં સુધી મંજૂરીઓ જોઈએ તે ઝડપથી મળે અને મજૂર કાયદાઓને કારણે હડતાળ અથવા છટણી જેવે મુદ્દે લાંબી પ્રક્રિયા અને કાનૂની જંગમાં ન ઊતરવું પડે તેવી અપેક્ષા રોકાણકારની હોય એ સ્વાભાવિક છે.
આપણે એ પણ સમજવું જોઈએ જે રોકાણકાર ધંધો કરે છે તેનો પહેલો હેતુ મહત્તમ નફો મેળવવાનો હોય છે. આ માટેની સાનુકૂળ પરિસ્થિતિ અને ઓછામાં ઓછા કાયદાઓ તેમજ લાલફીતાશાહીથી પ્રમાણમાં મુક્ત હોય એવા દેશમાં એ રોકાણ કરશે.
વૈશ્વિક સ્તરે આજે આ પરિસ્થિતિ માટે "Ease of Doing Business" વાક્ય પ્રચલિત બન્યું છે. અલગઅલગ કાયદાઓ તેમજ સરકારીતંત્રની દખલગીરી અને જરૂરી માનવબળ મેળવવા માટે "હાયર ઍન્ડ ફાયર"ની સવલત કોઈ પણ રોકાણકાર માટે મહત્ત્વનું પરિબળ બને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પરિપેક્ષ્યમાં મજૂર કાયદાઓ અને તે હેઠળ કરવાની થતી પ્રક્રિયાઓ બહારથી આવતા રોકાણકારો માટે એક નિર્ણાયક પરિબળ બને છે.
આ સંદર્ભમાં સંસદમાં તા : 23-9-2020 રોજ ત્રણ મજૂર કાયદા બિલ રજૂ કરવામાં આવ્યાં. આ અન્વયે જે નવા કાયદા બનવાના છે તેની સામે વ્યાપક વિરોધ થયો છે. આનાં કારણો અને તર્ક સમજવાની કોશિશ કરીએ.
આ ત્રણ મજૂર કાયદા બિલ આ પ્રમાણે છે: ઇન્ડસ્ટ્રિયલ રિલેશન કોડ બિલ 2020, કોડ ઑન સોશિયલ સિક્યૉરિટી બિલ 2020 ઓક્યુપેશનલ સેફટી, હેલ્થ ઍન્ડ વર્કિંગ કન્ડિશન કોડ બિલ 2020. આ ત્રણ ખરડા લોકસભામાં દાખલ કરવામાં આવ્યા છે.
હવે આપણે આ ખરડા વિષે અને તેની કામદારો ઉપર કેવી પડશે તેને ચર્ચા કરીશું.

છટણી બનશે સહેલી?

ઇમેજ સ્રોત, SANJAY KANOJIA/AFP via Getty Images
પહેલાં વાત કરીએ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન કોડ બિલ 2020ની. આ બિલ થકી સરકારે કેટલીક નવી શરતો દાખલ કરીને કામદારોના હડતાળ પર જવાના અધિકાર પર પાબંદી મૂકી છે.
લે-ઑફ અને રીટ્રૅચમૅન્ટ માટે આ કાયદો અત્યારે એવા ઔદ્યોગિક એકમોને લાગુ પડે છે જ્યાં 100 કરતાં વધારે કામદારો કામ કરતા હોય.
આ મર્યાદા વધારીને હવે 300ની કરવામાં આવી છે. આના કારણે માલિકોને કામદારો અને રોજી-રોટી પર રાખવા અથવા કાઢી મૂકવા માટે વધુ સરળતા રહેશે, કારણ કે 300 કામદારો સુધી સરકારની કોઈ મંજૂરી જરૂરી નહીં.
ઇન્ડસ્ટ્રિયલ રિલેશન કોડ બિલ 2020માં નોકરીમાં રખાયેલા કામદારોને લાગુ પડતી શરતો અને કાયદાઓ અંગેની મર્યાદા 100થી વધારીને 300 કરવામાં આવી છે એટલે 300થી નીચેની સંખ્યામાં કામદાર હોય તેવી કંપનીઓને પોતાને ત્યાં લાગુ પડતા "સ્ટૅન્ડિંગ ઑર્ડર" સરકારને રજૂ કરવાનો રહેશે નહીં. આને કારણે માલિકોને પોતાને ત્યાં કામ કરતા કામદારોને આ સંદર્ભમાં નોકરી અંગે પોતાને યોગ્ય લાગે તેવી શરતો અને નિયમો રાખવાની છૂટ મળશે.
કામદારોની આ સંખ્યામાં વધારો કરવાનું સૂચન એપ્રિલમાં જેનો અહેવાલ રજૂ થયો તે સ્ટૅન્ડિંગ કમિટી ઑન લેબર દ્વારા કરવામાં આવ્યું હતું. એનું કારણ રાજસ્થાન જેવી કેટલીક રાજ્ય સરકારોએ આ ન્યૂનતમ લિમિટ વધારી છે અને ભારત સરકારના શ્રમમંત્રાલયના મતે આને કારણે રોજગારીમાં વધારો થયો છે અને છટણીમાં ઘટાડો થયો છે.
આ કારણથી સ્ટૅન્ડિંગ કમિટી ઑન લેબરે આ મર્યાદા વધારવા માટેની ભલામણ કરી અને કોડમાં "As may be notified by the Appropriate Government" કાઢી નાખવાની પણ વાત કરી, કારણ કે મજૂર કાયદાઓમાં શક્ય હોય ત્યાં સુધી સુધારાઓ સરકાર દ્વારા નહીં પણ ધારાસભા કે પાર્લામેન્ટ દ્વારા થવા જોઈએ.

હડતાળ પર જવું બનશે મુશ્કેલ

ઇમેજ સ્રોત, Parwaz Khan/Hindustan Times via Getty Images
ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડમાં નીચે મુજબ કહેવામાં આવ્યું છે - "the provision for standing order will be applicable for every industrial establishment wherein three hundred or more than three hundred workers, are employed, or were employed on any day of the preceding twelve months".
આ બાબતે નીચે મુજબની ચિંતાઓ કરવામાં આવી છેઃ
1. કામદારોની ન્યૂનતમ મર્યાદા વધારીને 300 કરવાથી એવું લાગે છે કે સરકાર નોકરીદાતાઓ (માલિકોને) ખૂબ મોટી છૂટ આપવા માગે છે એને કારણે "એમ્પ્લોયમૅન્ટ સિક્યૉરિટી" એટલે કે નોકરીની સુરક્ષા ઘણી ઘટી જશે.
2. ઇન્ડસ્ટ્રિયલ રિલેશન કોડ કાયદેસરની હડતાળ પર પણ ઘણા નિયમો મૂકે છે. આર્બિટ્રેશન પ્રોસિડિંગ્જમાં જે સમય જાય તે સમય પણ કાયદેસરની હડતાળ પર જતાં પહેલાનો ગણવામાં આવ્યો છે. જે અત્યાર સુધી વાટાઘાટો માટેનો સમય હતો.
કાયદામાં કરવામાં આવી રહેલા સુધારા મુજબ કોઈ પણ ઔદ્યોગિક એકમ દ્વારા નોકરીમાં રખાયેલ કામદાર 60 દિવસની નોટિસ આપ્યા વગર તેમજ ટ્રિબ્યુનલ તેમજ નેશનલ ટ્રિબ્યુનલ પાસે કેસ પડતર હોય તે દરમિયાન અને પ્રોસિડિંગ્સ પત્યા બાદ 60 દિવસ સુધી હડતાલ પર જઈ શકશે નહીં. આ જોગવાઈને કારણે હવે કાયદેસર હડતાળ પર જવું ભૂતકાળની વાત બની જશે.
ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડનો વ્યાપ વધારીને હવે તે બધા જ પ્રકારના એકમોને લાગુ કરવામાં આવશે જેને કારણે નોટિસ પિરિયડ અને હડતાળ પર જવાની બધી જ શરતો તેમને લાગુ પડશે.
જોકે સ્ટૅન્ડિંગ કમિટી ઑન લેબર જાહેર હિતની સેવાઓ, જેવી કે પાણી, ઇલેક્ટ્રિસિટી, કુદરતી ગૅસ, ટેલિફોન તેમજ અન્ય જરૂરી સવલતો સિવાય બીજા માટે હડતાળની આ મુદત વધારવાના વિરોધમાં ભલામણ કરી હતી.
અત્યારે પબ્લિક યુટિલિટી સર્વિસનો કોઈ પણ કામદાર હડતાલ પર જઈ શકતો નથી સિવાય કે તે હડતાલ પર જતાં અગાઉ છ અઠવાડિયાં દરમિયાન નોટિસ આપે અને આવી નોટિસ આપ્યાના 14 દિવસ બાદ હડતાળ પર જાય.
કોડ ઑન સોશિયલ સિક્યૉરિટી બિલ 2020 અંતર્ગત હવે જીઆઈજી વર્કર્સ માટે પોતાના વાર્ષિક ટર્નઓવરના એકથી બે ટકા રકમ માલિકોએ ચૂકવવાની રહેશે.
અત્યાર સુધી ઝૉમેટો સ્વિગી, ઓલા તથા અન્ય કંપનીઓએ પોતાના ત્યાં કરતાં કામ કરતા કામદારોને સ્વતંત્ર કૉન્ટ્રૅક્ટર ગણે છે અને નોકરિયાત ગણતી નથી જેના કારણે આ લોકોને સોશિયલ સિક્યૉરિટીનો કોઈ લાભ મળતો નથી.
આ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેનો કોડ અગાઉ 2019માં લોકસભામાં દાખલ કરવામાં આવ્યો હતો જેને વધુ વિચારણા માટે સ્ટૅન્ડિંગ કમિટી ઑન લેબર પાસે મોકલવામાં આવ્યો હતો. જુલાઈ 2020માં આ સમિતિએ પોતાનો અહેવાલ આપ્યો હતો.

આરોગ્ય અને સલામતીની ચિંતા

ઇમેજ સ્રોત, Sameer Sehgal/Hindustan Times via Getty Images
ત્રીજું બિલ છે ઓક્યુપેશનલ સેફટી, હેલ્થ ઍન્ડ વર્કિંગ કન્ડિશન કોડ બિલ 2020. આ બિલ કામદારો માટેની આરોગ્ય અને સલામતીની સવલતો અંગેનું છે. જે ખાણ અને બંદરો ઉપર કામ કરતી બધી જ કંપનીઓ જે 10 કે તેથી વધારે કામદારોને નોકરી આપતી હોય તેમને લાગુ પડે છે.
આ પહેલાંના 13 મજૂર કાયદાઓ જે સલામતી આરોગ્ય અને કામકાજ અંગેના વાતાવરણને લગતા હતા.
(Factories Act, 1948; Mines Act, 1952; Dock Workers Act, 1986; Contract Labour Act, 1970; and Inter-State Migrant Workers Act, 1979) કાયદાઓને આવરી લે છે.
આ કાયદા હેઠળ આવતા દરેક ઍસ્ટાબ્લિશમૅન્ટ રાજ્ય અથવા કેન્દ્ર દ્વારા નિર્ધારિત ઑફિસર પાસેથી રજિસ્ટ્રેશન મેળવવું પડશે. જુદીજુદી પ્રવૃત્તિઓ માટે વેલ્ફેર ફૅસિલિટી, વર્કિંગ કન્ડિશનમાં અને કામના કલાકો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.
રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ સલાહ આપવા માટે સેફટી બોર્ડની રચના કરવામાં આવશે. આ કોડ મહેકમો જેવા કે ફૅક્ટરીઝ, માઇન્સ, ડોક વર્કસ તેમજ કન્સ્ટ્રક્શન વર્કર્સ માટે ખાસ જોગવાઈઓ લઈને આવે છે. જેમાં લાયસન્સ, સેફ્ટી રેગ્યુલેશન્સ અને કામદારોની ફરજોનો સમાવેશ થાય છે.
આ બિલ મુજબ જેનો કોડમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેની બાબતોને સિવિલ કોર્ટ સાંભળી શકશે નહીં એટલે કાયદાકીય રીતે કોઈ પણ વ્યક્તિને પોતાને થયેલા અન્યાય અથવા નુકસાન સામે માત્ર હાઈકોર્ટમાં જવાનું રહેશે.
આમ આ ત્રણેય બિલ ઉપરથી લાગી રહ્યું છે કે સરકારે જે કૉન્ટ્રૅક્ટ ઉપર કામ કરતા જીઆઈજી (ખંડસમય માટે કામ કરતાં) શ્રમિકો છે તેમાં માટે સામાજિક સુરક્ષા પૂરી પાડી છે. દેશમાં 40 કરોડ જેટલા શ્રમિકો અસંગઠિત ક્ષેત્રમાં છે તે જોતાં આવા શ્રમિકોનો ડેટા બેઝ તૈયાર કરી દરેકને સામાજિક સુરક્ષા આપવાની વાત કરી છે.
ઉપરાંત શ્રમિકોના સ્વાસ્થ્ય અંગે જે સ્વાસ્થ્ય કોડ તેમજ ન્યૂનતમ વેતન કોડની વાત કરી છે જે શ્રમિકોના લાભમાં છે. આ ઉપરાંત સેફટી રેગ્યુલેશન અંગે પણ માલિક અને શ્રમિકો માટે જોગવાઈઓ કડક બનાવાઈ છે.
300થી વધુ કામદારો ધરાવતા માલિકો પોતાની રીતે નિયમો બનાવી શ્રમિકો ઉપર લાગુ પાડશે, જેમાં સરકારનો હસ્તક્ષેપ ન હોવાથી શ્રમિકોનું શોષણ થશે તેમજ ગમે ત્યારે શ્રમિકોને નોકરીમાંથી બહાર કરી શકશે એટલે કામદારોની સોશિયલ સિક્યૉરિટી ઉપર ખતરો ઊભો થશે.
સરકારે રજૂ કરેલા કાયદા પ્રમાણે કોઈ પણ મજૂરને હડતાળ પર જવું હોય તો 60 દિવસની મુદત આપવાની રહેશે. આમ આ બે કાયદા થકી શ્રમિકોનો અવાજ દબાવી દેવાની વાત ચર્ચાઈ રહી છે અને આ મુદ્દે દેશનાં દસ જેટલાં ટ્રેડ યુનિયનોએ પોતાનો વિરોધ નોધાવ્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















