કૃષિ સુધારા બિલનો વિરોધ કરી રહેલા કૉંગ્રેસ નેતાઓની અટકાયત- BBC TOP NEWS

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
કૃષિ સુધારા બિલ સામે કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકારના વિરોધમાં ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં.
ગાંધીનગર ખાતે વિરોધ કરવા પહોંચેલા કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કૉંગ્રેસના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસ તથા કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું હતું.
કૃષિ સુધારા બિલ સંસદનાં ગૃહોમાંથી પસાર થઈ ગયું અને બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર પણ કરી દીધા છે.
દેશભરમાં ખેડૂતસંગઠનો દ્વારા આનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કૉંગ્રેસ દ્વારા આ મુદ્દે લડત આદરવામાં આવી છે.

ગુજરાતમાં દારૂબંધી માત્ર એક ઢોંગ, હઠાવી દો : શંકરસિંહ વાઘેલા

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં દારૂબંધીને ઢોંગ ગણાવતાં પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે દારૂબંધીના કારણે 'સોશિયલ ડ્રિન્કિંગ' એક ગુનો બની જાય છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ વર્લ્ડ ટૂરિઝમ ડે નિમિત્તે ટ્વિટ્સ દ્વારા 80 વર્ષના શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે સત્તાધારી ભાજપ અને કૉંગ્રેસને દારૂબંધી હઠાવવામાં કોઈ રસ નથી કારણકે બન્ને પક્ષોને આ નીતિથી લાભ થઈ રહયો છે.
તેમને કહ્યું કે બન્ને પક્ષ દારૂબંધીની નીતિમાંથી મળતી ગેરકાયદેસર આવક ગુમાવવા માંગતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાઘેલાએ માગ કરી છે કે ગુજરાતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દારૂબંધીને હઠાવવી જોઈએ. વાઘેલાએ કહ્યું કે દારૂબંધીથી કોઈ લાભ નથી થઈ રહ્યો અને લોકો સામાજીક ડરના કારણે વધુ પૈસા આપીને દારૂ ખરીદી રહ્યા છે.
તેમને જણાવ્યું કે દારૂબંધી દૂર કરવાથી ગુજરાતના પર્યટનઉદ્યોગને વેગ મળશે.

રાજકોટઃ રેમડેસિવિર ઇંજેક્ષનનું રૅકેટ પકડાયું, પાંચની ધરપકડ

ઇમેજ સ્રોત, Reuters
રાજકોટ પોલીસના ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાંચ (ડીસીબી)એ રેમડેસિવિર ઇંજેક્ષનની કાળાબજારી કરતા રૅકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે નર્સ અને બે મેડિકલ સ્ટોર ઍટેન્ડન્ટ્સ સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ગોંડલ રોડ પર શાંતિ કોવિડ હૉસ્પિટલમાં કામ કરતાં નર્સ દેવયાની ચાવડા અને તેમના મંગેતર વિશાલ ગોહીલની પોલીસે 10 હજાર રૂપિયામાં રેમડેસિવિર ઇંજેક્ષનની બે શીશી વેચવાના આરોપસર ધરપકડ કરી છે.
અહેવાલ મુજબ પોલીસે દેવયાની પાસે ડમી ગ્રાહક મોકલ્યા હતા અને ઇંજેક્ષનની માગ કરી હતી. દેવયાની અને વિશાલ ગોંડલ રોડ પર ઇંદેક્ષન લઈને આવ્યાં, ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે બંને પાસે ઇંજેક્ષનના બિલ નહોતાં અને તેઓ ઇંજેક્ષન માટેના પુરાવા રજૂ કરી શક્યાં નહોતાં.

અર્થતંત્ર સામે હજી પડકારો છે : નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે કોવિડની વૅક્સિન હજી ન હોવાને કારણે અને બીમારી લાંબી ચાલવાના કારણે ભારતીય અર્થતંત્ર સામે હજુ મોટા પડકારો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સીતારમણે જણાવ્યું કે "આપણી પાસે ખાતરીપૂર્વક રસી નથી અને આ બીમારી હજુ કેટલા દિવસો સુધી રહેશે તેની કોઈ માહિતી નથી."
"કેટલીક જગ્યાએથી અહેવાલો આવ્યા છે કે લોકો સાજા થયા બાદ ફરી બીમાર પડી રહ્યા છે. આનાથી આર્થિક પ્રવૃત્તિ પર વિપરિત અસર પડી છે, ખાસ કરીને સેવાઓના ક્ષેત્રે, જે જીડીપીનો લગભગ 55 ટકા ભાગ છે.
મેન્યુફૅક્ચરિંગ સેક્ટરના ઉદ્યોગો પોતાની ક્ષમતા વધારી રહ્યા છે. તેમને જણાવ્યું કે પરિસ્થિતિ સુધરી રહી છે અને સરકાર પગલાં લઈ રહી છે.

મને કોરોનાનો ચેપ લાગશે તો મમતા બેનરજીને ભેટી પડીશ : ભાજપ મહામંત્રી અનુપમ હાઝરા

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ બંગાળથી ભાજપના રાષ્ટ્રીય મંત્રી અનુપમ હાઝરાએ એક રેલીમાં જણાવ્યું કે જો તેમને કોવિડનો ચેપ લાગશે તો તેઓ મુખ્ય મંત્રી મમતા બેનરજીને ભેટી પડશે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર અનુપમ હાઝરા દક્ષિણ 24 પરગણા જિલ્લાના બરુઇપુર ખાતે પાર્ટીના કાર્યકરોની બેઠકમાં ભાગ લેવા ગયા હતા, જ્યાં તેમને આ વાત કહી હતી.
બેઠક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ માસ્ક પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાયું ન હતું.
જ્યારે મીડિયાના પ્રતિનિધિઓએ હાઝરાને માસ્ક વિશે પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું, "અમારા કાર્યકરો કોવિડ કરતાં પણ મોટા દુશ્મન મમતા બેનરજી સામે લડી રહ્યા છે. જો મને કોરોનાનો ચેપ લાગ્યો તો હું મમતા બેનરજીને ભેટી પડીશ."
તૃણમૂલ કૉંગ્રેસે હાઝરાના નિવેદનને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















