You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કોરોના અપડેટ : કુલ કેસ 1,04,341, મૃતાંક 3100થી વધુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1,335 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,04,341 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃતાંક 3,108 થઈ ગયો છે.
અર્જુન કપૂર કોરોના પૉઝિટિવ, ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી
બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ થકી જણાવ્યું છે કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.
તેઓ અસિમ્ટોમેટિક છે એટલે કે તેમને કોઈ લક્ષણ નથી. હાલમાં તેઓ હોમ ક્વોરૅન્ટીનમાં છે.
અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું :
"આપ સૌને એ જણાવવું મારી ફરજ છે કે મારો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને અસિમ્પ્ટોમેટિક છું. તબીબો અને તંત્રની સલાહે હું ઘરમાં આઇસોલેટ થઈ ગયો છું અને હૉમ ક્વોરૅન્ટીનમાં રહીશ. આપના સપોર્ટ માટે હું આપને પહેલાંથી જ ધન્યવાદ આપું છું. "
"આગામી દિવસોમાં આપને હું મારી તબિયતની જાણકારી આપતો રહીશ. આપણે અસાધારણ અને અભૂતપૂર્વ સમયમાં જીવી રહ્યા છીએ અને મને આશા છે કે માનવતા આ વાઇરસ પર વિજય મેળવી લેશે."
ભારત ચેપગ્રસ્તોના મામલે બીજા ક્રમે પહોંચવાને કગારે, 24 કલાકમાં 90 હજાર કેસ
એક જ દિવસમાં કોવિડ-19ના 90 હજારથી વધુ કેસ આવ્યા બાદ ભારત વધુ કેસ ધરાવતા દેશોની યાદીમાં બ્રાઝિલની નજીક પહોંચી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો ભારતમાં નવા કેસોની સંખ્યા બ્રાઝિલથી વધારે થાય તો તે સંક્રમિતોની સંખ્યાની રીતે વિશ્વનો બીજા નંબરનો સૌથી દેશ બની જશે.
અમેરિકાની જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર હાલ અમેરિકા 62 લાખ 45 હજાર 866 કેસ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.
જે પછી બ્રાઝિલ 41 લાખ 23 હજાર કેસ સાથે બીજા નંબરે અને ભારત 41 લાખ 13 હજાર 811 કેસ સાથે ત્રીજા નંબરે છે.
બ્રાઝિલ અને ભારતના કેસોની સંખ્યા વચ્ચે હવે માત્ર 9189 કેસોનું અંતર છે.
ભારતમાં 24 કલાકમાં વિક્રમી 90 હજાર કેસ
ભારતમાં 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 90 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીનો સંક્રમણનો વિક્રમી દૈનિક આંક છે.
24 કલાકમાં દેશમાં 1,065 સંક્રમિત દર્દીઓએ જીવ ગુમાવ્યા, જે સાથે દેશનો કુલ મૃત્યુઆંક 70 હજારને પાર પહોંચ્યો છે.
સ્વાસ્થ્યમંત્રાલય અનુસાર પાંચમી સપ્ટેમ્બરે કોરોના વાઇરસના સંક્રમણના 70,072 દર્દીઓ સ્વસ્થ થયા છે. જે એક દિવસમાં સ્વસ્થ થયેલા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. દેશનો રિકવરી રેટ 77.23 ટકા થઈ ગયો છે.
આઈસીએમઆરનું કહેવું છે કે પાંચમી સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કોરોના વાઇરસ માટે ચાર કરોડ 88 લાખ 31 હજાર 145 નમૂનાઓનાં પરીક્ષણ થયાં છે.
એમાંથી 10 લાખ 92 હજાર 654 નમૂનાઓનાં પરીક્ષણ શનિવારે થયા હતા.
પાકિસ્તાન સહિત ચાર દેશોની ચીનને વૅક્સિનની ટ્રાયલ માટે મંજૂરી
રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
ચાઇના નેશનલ બાયૉટેક ગ્રૂપ (સીએનબીજી) અને સિનોવૅક બાયૉટેક લિમિટેડે શનિવારે કહ્યું છે કે ચાર દેશોએ તેમની ત્યાં ચીનમાં બનેલી કોરોના વૅક્સિનની અંતિમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.
ચીન વૅક્સિન શોધી કાઢવાની હોડમાં વૈશ્વિક પ્રયાસ વધારી રહ્યું છે.
સર્બિયા અને પાકિસ્તાન તેમની ત્યાં ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે સહમત થયા છે.
ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંક ખૂબ જ ઓછો છે, જેથી ચીન અન્ય દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવા જઈ રહ્યું છે.
સર્બિયામાં સીએનબીજીએ વિકસાવેલી બે વૅક્સિનની ટ્રાયલ થશે. આ બંને રસી વુહાન અને બેઇજિંગના સીએનબીજી યુનિટમાં તૈયાર કરાઈ છે.
જ્યારે પાકિસ્તાનમાં બેઇજિંગ યુનિટની રસીની ટ્રાયલ કરાશે.
સીએનબીજીના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં અંદાજે 10 દેશોના 50 હજાર લોકો સામેલ થશે, એવી શક્યતા છે.
યુએઈ, બહરીન, પેરુ, મોરક્કો, આર્જેન્ટિના અને જૉર્ડનમાં પહેલાંથી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.
ગુજરાત કોરોના અપડેટ : કુલ કેસ 1,03,006
ન્યૂઝ એજન્સી PTI અનુસાર આરોગ્યવિભાગ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં શનિવારે કોરોનાના 1311 નવા કેસો નોંધાતાં કુલ કેસોનો આંકડો 1,03,006 સુધી પહોંચી ગયો હતો.
શનિવારે કોરોનાને કારણે 16 દર્દીઓનાં મૃત્યુ થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 3094 થઈ ગયો છે.
કોરોના અપડેટ : 12 સપ્ટેમ્બરથી 40 જોડ ટ્રેન ચાલશે
ભારતીય રેલવે બોર્ડના ચૅરમૅન વિનોદકુમાર યાદવે કહ્યું છે કે 12 સપ્ટેમ્બરથી 40 જોડ વિશેષ ટ્રેન ચલાવાશે.
તેમના મતે આ ટ્રેનોમાં સફર માટે સામાન્ય લોકો 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન કરાવી શકશે.
ભારતમાં 24 કલાકમાં કોરોનાથી 86 હજારથી વધુ કેસ, 1089 મૃત્યુ
ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડ-19ના 86,432 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
પાછલા ત્રણ દિવસોથી સતત 80 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.
સ્વાસ્થ્યમંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં કુલ કેસની સંખ્યા 40 લાખ 23 હજાર 179 પહોંચી છે, જેમાંથી આઠ લાખ 46 હજાર 395 ઍક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓની સંખ્યા 31 લાખ 07 હજાર 223 છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 69,561 લોકોનાં મૃત્યુ થયાં છે. પાછલા 24 કલાકમાં 1089 મૃત્યુ નોંધાયા છે.
અમેરિકામાં મૃતકાંક બમણો થવાની આશંકા
શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.
અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીની સ્વાસ્થ્ય સંસ્થામા પૂર્વાનુમાન અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસને લીધે થઈ રહેલાં મોત વર્ષના અંત સુધીમાં ચાર લાખને પાર પહોંચી શકે છે.
આ આંક અમેરિકાના હાલના મૃતકાંક કરતાં બમણો છે.
આ અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં દેશમાં દરરોજ ત્રણ હજારથી વધારે મોત થઈ શકે છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે જો માસ્ક પહેરવાના નિયમને લોકો ગંભીરતાથી લે તો મૃતકોની સંખ્યાને 30 ટકા જેટલી ઘટાડી શકાય.
જોકે અમેરિકામાં એક મોટો વર્ગ માસ્ક પહેરવાનો વિરોધ કરી રહ્યો છે.
દરરોજ અમેરિકામાં સરેરાશ 850 લોકોનાં મૃત્યુ કોરોના વાઇરસને લીધે થઈ રહ્યાં છે.
(આ પહેલાંના અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો