You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનિયા ગાંધીનો છેડો છોડવા તૈયાર નથી કૉંગ્રેસ પાર્ટી - TOP NEWS
કૉગ્રેસ પાર્ટીનું નેતૃત્વ ગાંધી પરિવારના કોઈ સભ્ય કરે કે પછી પરિવારની બહારના કોઈ નેતા, સોમવારે થનારી કૉંગ્રેસની કાર્યસમિતિની બેઠક પહેલાં સોશિયલ મીડિયામાં આ ચર્ચા છેડાઈ છે.
એવું દેખાઈ રહ્યું છે કે પાર્ટી ફરી એક વાર સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીના નામ પર આવીને રોકાઈ શકે છે.
કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષના રૂપમાં સોનિયા ગાંધીના કાર્યકાળનું એક વર્ષ પૂરું થઈ ગયું છે અને પાર્ટીમાં પૂર્ણકાલીન અધ્યક્ષની માગ તેજ થઈ ગઈ છે.
એવામાં હાલમાં પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓએ પાર્ટીનાં વડાં સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં ટોચથી લઈને નીચે સુધી ફેરફાર કરવાની વાત કરી હતી.
આ દરમિયાન સોમવારે થનારી બેઠક પહેલાં રવિવારે મીડિયામાં એ સમાચાર આવવા લાગ્યા કે સોનિયા ગાંધી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપી શકે છે.
જોકે કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોડી સાંજે આ વાતનું ખંડન કરતાં કહ્યું કે સોનિયા ગાંધીના રાજીનામાના સમાચાર ખોટા છે.
રવિવારે સોશિયલ મીડિયામાં કૉંગ્રેસના ઘણા નેતાઓએ સોનિયા ગાંધીને વિનંતી કરી કે તેઓ પાર્ટીનાં અધ્યક્ષ રહે, તો ઘણાએ કહ્યું કે આ પદ માટે જો રાહુલ ગાંધીનું નામ આગળ કરવામાં આવે તો તેઓ તેમના નામનું પણ સમર્થન કરે છે.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ટ્વીટ કર્યું કે "જો પાર્ટીના 23 નેતાઓએ કાર્યકારી અધ્યક્ષને પત્ર લખ્યાની વાત સાચી હોય તો આ અવિશ્વસનીય છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના માટે મીડિયા પાસે જવાની કોઈ જરૂર નહોતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "એક એવા સમયે જ્યારે આપણું લોકતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી રાખવી જોઈએ. પરંતુ જો તેઓ કોઈ કારણસર પાર્ટીનું નેતૃત્વ કરવા નથી માગતા તો કમાન રાહુલ ગાંધીને સોંપવી જોઈએ."
પશ્ચિમ બંગાળના કૉંગ્રેસ ધારાસભ્ય બી. મણિકરામ ટાગોરે પત્ર લખીને સોનિયા ગાંધીને કહ્યું, "તેમના નેતૃત્વ પર પાર્ટીનો પૂરો વિશ્વાસ છે અને તેમના અને રાહુલ ગાંધીના હાથમાં પાર્ટી સુરક્ષિત રહેશે."
તો કર્ણાટક કૉંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું કે "કર્ણાટક કૉંગ્રેસ ગાંધી પરિવાર અને સોનિયા ગાંધીના નેતૃત્વની સાથે છે."
તેમણે કહ્યું, સોનિયા ગાંધીએ મુશ્કેલ સમયમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું છે અને પાર્ટીને બચાવી છે."
તો આસામ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરા, મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ બાબાસાહેબ થોરાટ અને પંજાબના મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા અમરિન્દર સિંહે રાહુલ ગાંધીને નેતૃત્વની કમાન સોંપવાનું સમર્થન કર્યું છે.
રિપુન બોરાએ એક પત્રમાં લખ્યું, "પાર્ટીનું સુકાન રાહુલ ગાંધીને સોંપાય જે ન માત્ર પાર્ટીનું નેતૃત્વ કરે, પણ ભાજપ અને આરએસએસ સામે પણ આગળ વધીને લડાઈ લડે."
બાલાસાહેબ થોરાટે લખ્યું, "હવે સમય આવી ગયો છે કે રાહુલ ગાંધી પાર્ટીનું સુકાન પોતાના હાથમાં લઈ લે. અમે ઇચ્છીએ છીએ કે રાહુલજી તમે પરત આવો અને પાર્ટીના અધ્યક્ષના રૂપમાં કામ કરો. સોનિયાજી વચગાળાનાં અધ્યક્ષના રૂપમાં માર્ગદર્શન આપે."
અમરિન્દર સિંહે કહ્યું કે જ્યાં સુધી સોનિયા ગાંધી ઇચ્છે પાર્ટીનું સુકાન સંભાળે, બાદમાં આ જવાબદારી રાહુલ ગાંધીને સોંપવી જોઈએ, જે આ જવાબદારી નિભાવવા માટે સંપૂર્ણ સક્ષમ છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષના પદે રહે કે ના રહે, તેમને પાર્ટીનું પૂરું સમર્થન છે.
ગત બે લોકસભામાં પાર્ટીની મોટી હાર થઈ હતી અને પહેલી વાર 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 100થી ઓછી સીટો આવી.
2019ની લોકસભા ચૂંટણીની હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યું હતું, બાદમાં સોનિયા ગાંધી એક વર્ષ માટે પાર્ટીનાં વચગાળાનાં અધ્યક્ષ બન્યાં હતાં.
દરમિયાન પાર્ટીમાં નવા પૂર્ણકાલીન અધ્યક્ષની માગ થવા લાગી. જોકે પાર્ટીને ગાંધી પરિવારથી અધ્યક્ષ મળશે કે કોઈ અન્યના નામે મહોર લાગશે એ સોમવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થનારી કાર્યસમિતિની બેઠક બાદ જ ખબર પડશે.
ગુજરાતમાં સતત વરસાદથી અનેક ગામો સંપર્કવિહોણાં, 12 જિલ્લામાં ઑરૅન્જ ઍલર્ટ
સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (SEOC)એ શનિવારે આંકડા આપ્યા છે કે રાજ્યમાં 821 મીમી જેટલા વરસાદની મોસમની સરેરાશ છે, જેમાંથી 754.12મીમી એટલે કે 90.75 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે, જેમાંથી અડધાથી વધુ ઑગસ્ટ મહિનામાં નોંધાયો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ડૅમોની કુલ ક્ષમતાનું 62 ટકા પાણી ભરાઈ ચૂક્યું છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ 57.10 ટકા ભરાઈ ચૂક્યો છે.
હવામાનખાતાએ ગુજરાતમાં સોમવાર સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સતત વરસી રહેલા વરસાદને પગલે કેટલાંક ગામો સંપર્કવિહોણાં બન્યાં છે.
હવામાનવિભાગે રવિવાર માચે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ એમ ચાર જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ જાહેર કરાઈ છે.
આ ચારેય જિલ્લામાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે, સોમવારે પણ આ ચારેય જિલ્લાઓમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે.
આ સિવાય રાજ્યના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા એમ બાર જિલ્લાઓ માટે ઑરૅન્ડ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.
આ બાર જિલ્લાઓના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે એવી શક્યતા છે.
સી. આર. પાટીલ સામે કેસ નોંધવાની માગ
ભાજપના નવા પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલના સૌરાષ્ટ્રપ્રવાસનાં કાર્યક્રમો દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ભંગ થયા હોવાના આક્ષેપ સાથે વકીલો દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે.
ભાજપના જ એક પૂર્વ સભ્ય અને વકીલો દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસને પત્ર લખીને સી. આર. પાટીલ વિરુદ્ધ કેસ નોંધવાની માગ કરાઈ છે.
અમદાવાદ મિરર અખબારના અહેવાલ પ્રમાણે ભાજપના પૂર્વ નેતા અને વકીલ ઉમેશ પટેલે ગીર-સોમનાથના એસપીને પત્ર લખીને કહ્યું છે કે આ કાર્યક્રમમાં નિયમભંગ કરનારા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે પગલાં લઈ ઉદાહરણ રજૂ કરવામાં આવે કે કાયદાથી ઉપર કોઈ નથી.
ઉમેશ પટેલે જણાવ્યું કે તેમણે ભાજપ પ્રદેશાધ્યક્ષ અને કાર્યકર્તાઓ સામે ફરિયાદ કરતો પત્ર રાજ્યના ડીજીપીને પણ મોકલ્યો છે અને જો પોલીસ પગલાં લેવામાં નિષ્ફળ જશે તો તેઓ કોર્ટના દ્વારે જશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો