મહેન્દ્રસિંહ ધોની : 'પલ દો પલ કા શાયર...' કહેતાં ક્રિકેટને અલવિદા કહી

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "આપ લોકોના પ્રેમ અને સહયોગ બદલ ધન્યવાદ. સાંજે 7.29 વાગ્યાથી મને નિવૃત્ત સમજવામાં આવે."

આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમણે પોતાની કારકિર્દીના તમામ ઉતાર-ચઢાવને 'મેં પલ દો પલ કા શાયર હું' ગીત થકી કાવ્યાત્મક અંદાજમાં રજૂ કર્યા.

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ભારતીય પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીથી પોતાના ક્રિકેટ કૅરિયરની શરૂઆત કરી. ફૂટબૉલમાં ગોલકીપરની ભૂમિકામાં રમનારા ધોની ક્રિકેટમાં વિકેટકીપરની ભૂમિકામાં રમવા લાગ્યા.

લાંબા વાળ ધરાવતા ધોનીને બાઈકનો ઘણો શોખ છે. તેમણે ખડકપુર રેલવે સ્ટેશન પર ટીસીની નોકરી કરી. તેમણે ઝારખંડની રણજી ટીમ સાથે રમવાની શરૂઆત કરી અને પછી ઇન્ડિયા એ ટીમથી થઈ ટીમ ઇન્ડિયા સુધીનો મુકામ મેળવ્યો. એ પછી તો તેઓ ટીમ ઈન્ડિયાના એક શાનદાર બેટ્સમેન અને સફળ કૅપ્ટન બનીને ઉભર્યા.

મૅચ ફિનિશરના રૂપમાં તેમણે ક્રિકેટપ્રેમીઓમાં તેમની એક ખાસ જગ્યા બનાવી. મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટ પ્રેમીઓ માહી પણ કહે છે. તેમને એ વાત માટે પણ ઓળખવામાં આવે છે કે ઊંચાઈ પર પહોંચ્યા બાદ તેમણે પોતાનું ધૈર્ય ન ગુમાવ્યું અને હંમેશા શાંત ચિત્તે રમતા રહ્યા.

ધોનીએ 2004માં બાંગ્લાદેશની વિરુદ્ધથી પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી. ધોનીએ અત્યારસુધીમાં 90 ટેસ્ટ મૅચ, 350 એક દિવસીય મૅચ અને 98 ટી-૨૦ મૅચ રમ્યા છે.

તેમની અંતિમ મૅચ 2019માં ઇંગ્લૅન્ડમાં રમાયેલો વર્લ્ડ કપની હતી. જેમાં તેઓ વર્લ્ડ કપના સેમી ફાઇનલમાં છેલ્લે રમ્યા હતા અને ભારતની તેમાં હાર થઈ હતી. જે બાદથી જ તેમની નિવૃતિની અટકળો શરૂ થઈ ગઈ હતી.

જે બાદ અનેક મીડિયા અહેવાલોમાં તેમના પર્ફોમન્સ સામે સવાલો ઊભા થયા હતા. મૅચફિનિશર તરીકેની તેમની ઇમેજ પણ ધીમેધીમે નબળી પડી રહી હતી.

વર્લ્ડ કપની સેમીફાઇનલ બાદ ધોનીની ભારતીય ક્રિકેટ ટીમમાં પરત ફરવાની સંભાવના ધૂંધળી દેખાવા લાગી હતી. જોકે, આ મામલે ધોની કે બીસીસીઆઈ કોઈએ પણ ફોડ પાડ્યો ન હતો.

ધોનીની ગણના ભારતના સફળ કપ્તાનોમાં થાય છે. તેમણે ભારતને સૌથી મોટી ત્રણ ટ્રૉફીઓ પોતાની કપ્તાનીમાં અપાવી છે.

જેમાં વર્ષ 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ, 2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન ટ્રૉફીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ ત્રણ વખત આઈપીએલ જીતી ચૂકી છે.

માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું, "મહેન્દ્રસિંહ ધોની ભારતીય ક્રિકેટમાં તમે બહુ મોટું યોગદાન આપ્યું. 2011નો વર્લ્ડકપ જીતવો મારી જિંદગીની સૌથી સારી યાદ છે. બીજી ઇનિંગ માટે તમને અને તમારા પરિવારને શુભકામનાઓ."

ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય આર. અશ્વિને ટ્વીટ કર્યું છે કે "લીજેન્ડ હંમેશાંની જેમ પોતાની સ્ટાઇલમાં રિટાયર થાય છે. ભાઈ તમે દેશનું બધું જ આપ્યું. ચૅમ્પિયન્સ ટ્રૉફીની ખુશી, 2011 વિશ્વકપ અને ચેન્નાઈ સુપરક્રિંગ્સની શાનદાર જીત હંમેશાં મારી યાદોમાં રહેશે. ભવિષ્ય માટે શુભકામનાઓ."

હાર્દિક પંડ્યાએ ધોની સાથે પોતાની કેટલીક તસવીર તસવીર શૅર કરીને લખ્યું કે "મહેન્દ્રસિંહ ધોની માત્ર એક છે." તેમજ તેઓએ પોતાની કારકિર્દીમાં ધોનીને સૌથી મોટા પ્રેરક ગણાવ્યા.

લેખક અને પત્રકાર અયાઝ મેમણે કહ્યું કે ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસ લેવાથી એક યુગ ખતમ થયો છે. અયાઝ મેમણે કહ્યું કે જોકે ધોની આઈપીએલ 2020 રમશે.

ભારતીય ક્રિકેરટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ લખ્યું- "આસમાની રંગમાં અવિસ્મરણીય. પીળા રંગમાં મળીએ છીએ."

દૂરદર્શન નેશનલના ટ્વીટર એકાઉન્ટ પર ટ્રૉફીની સાથે ધોનીની ચાર અલગઅલગ તસવીર મુકાઈ છે અને લખ્યું છે, "થેન્કયુ મિસ્ટર કૂલ!!"

કૉમેન્ટેટર ચારુ શર્માએ ટ્વિટર પર લખ્યું, "એમએસડી અતૂલ્ય ભારતીય ક્રિકેટર છે. તેમની ક્રિકેટ, રન, 'કિપિંગ, હા-લીડરશિપ, પણ એનાથી વધારે એમની સની પર્સનાલિટી, નિર્લિપ્ત વલણ, વિનમ્રતા, લિજૅન્ડ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો