You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત હાઈકોર્ટે યતિન ઓઝાને વરિષ્ઠ વકીલના પદ પરથી હઠાવ્યા
ગુજરાત હાઈકોર્ટે બાર ઍસોસિયેસનના પ્રમુખ યતિન ઓઝાને વરિષ્ઠ એડવોકેટના પદ પરથી હઠાવી દેવાનો નિર્ણય કર્યો છે.
હાઈકોર્ટના તમામ ન્યાયાધીશોની 18 જુલાઈએ યોજાયેલી બેઠકમાં સર્વાનુમતિથી યતિન ઓઝાનો વરિષ્ઠ વકીલનો દરજ્જો પાછો ખેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
યતિન ઓઝા વિરુદ્ધ હાઈકોર્ટેના અનાદરની બાબતની ગુજરાત હાઈકોર્ટની બૅન્ચે સુઓમોટો નોંધ લીધી હતી.
અમદાવાદ મિરરના અહેવાલ મુજબ યતિન ઓઝાએ હાઈકોર્ટને 'જુગારનો અડ્ડો અને માત્ર પૈસાની તાકાત, સ્મગલર્સ'અને 'રાષ્ટ્રદ્રોહી અરજદારોની જ વાત સાંભળનાર સંસ્થાન'કહી હતી.
9 જૂને જસ્ટિસ સોનિયા ગોકાણી અને એન વી અંજારિયાની ડિવિઝન બૅન્ચે યતિન ઓઝાને અનાદરની નોટિસ ફટકારી હતી અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સામે આ બાબતને મૂકતા ભલામણ કરી હતી કે આખી કોર્ટ વિચારે કે યતિન ઓઝાને વરિષ્ઠ વકીલના પદ પરથી હઠાવવા વિશે વિચારે.
યતિન ઓઝાને 1999માં વરિષ્ઠ વકીલ બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ અદાલતના નિર્ણયનો આદર કરે છે અને કાયદાકીય રીતે આગળનું પગલું લેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના અગાઉના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ અકિલ કુરેશીને કથિત રીતે બઢતીમાં અન્યાયને મામલે બાર ઍસોસિયેશન અને યતિન ઓઝાએ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી અને એ વખતે તેઓ ચર્ચામાં આવ્યા હતા.
અમરનાથ યાત્રા શરૂ થવાના દિવસે રદ કરાઈ
વાર્ષિક અમરનાથ યાત્રા જે તારીખે શરૂ થવાની હતી તે જ તારીખે જમ્મૂ કાશ્મીર પ્રશાસને જાહેરાત કરી કે આ વર્ષે આ યાત્રા નહીં યોજવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કોરોના મહામારીને જોતાં, અમરનાથ યાત્રા પહેલાં જ ટૂંકાવી દેવામાં આવી હતી અને 21 જુલાઈથી ત્રીજી ઑગસ્ટ સુધી ચાલવાની હતી. દર વર્ષે અમરનાથા યાત્રાનો ગાળો 45 દિવસનો હોય છે.
શ્રી અમરનાથ તીર્થધામ બોર્ડે કહ્યું છે કે “સવાર અને સાંજના લાઇવ/વર્ચ્યુઅલ દર્શન ગોઠવવામાં આવશે.”
ઇન્ડિયન એક્સપ્રેસ સૂત્રોને ટાંકતા કહે છે કે સુરક્ષાના કારણોસર યાત્રાને લઈને મોટી ચિંતા હતી અને યાત્રા રદ કરવા પાછળનું એક કારણ સુરક્ષા પણ હોઈ શકે છે.
ગત વર્ષે પાંચ ઑગસ્ટે જમ્મૂ કાશ્મીરને ભારતીય બંધારણમાં મળેલ વિશેષ દરજ્જો રદ કરતાં અગાઉ અમરનાથ યાત્રા અધવચ્ચેથી બંધ કરી દેવામાં આવી હતી.
શ્રી અમરનાથ તીર્થધામ બોર્ડે જાહેરાત કરી હતી કે કોવિડ-19ને કારણે આરોગ્ય તંત્ર પર ભારણ વધ્યું છે અને જમ્મૂ કાશ્મીરમાં બધા ધાર્મિક મેળાવડા પર પાબંદી લાદવામાં આવી છે.
શ્રી અમરનાથ તીર્થધામ બોર્ડનું કહેવું છે, “જુલાઈમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આરોગ્યકર્મીઓ અને સુરક્ષા દળોમાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. હાલ આરોગ્ય, નાગરિક અને પોલીસ પ્રશાસનનું ધ્યાન માત્ર કોરોના વાઇરસનું લોકલ ટ્રાન્સમિશન રોકવા ઉપર છે. આરોગ્ય તંત્ર પર ભાર અને યાત્રા માટે સંસાધન ફાળવવાનું કામ મોટું છે. યાત્રિકોને પણ કોરોનાનો ખતરો વધશે.”
સરકારી તંત્રે પણ અમરનાથ યાત્રા રદ કરવાની ભલામણ કરી હતી.
ઑક્સફર્ડની કોરોના વૅક્સિનનું ભારતમાં પણ થશે પરીક્ષણ?
લૅન્સેટમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કોરોના વાઇરસની રસીના પ્રથમ માનવ પરીક્ષણના સફળ થયા પછી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે આ રસીનો ભારતમાં બનનાર જથ્થામાંથી 50 ટકા ભારતને મળશે અને બાકીનો જથ્થો દુનિયાના અન્ય દેશોમાં મોકલવામાં આવશે.
તેમણે જાણ કરી કે તેમની કંપની ઑક્સફર્ડ યુનિવર્સિટીની આ રસીનું ત્રીજા તબક્કાનું માનવ પરીક્ષણ ભારતમાં કરાવવા માટે સરકારી મંજૂરી લેવાના પ્રયત્ન કરી રહી છે, જો અનુકૂળ પરિણામ આવે તો મોટા પ્રમાણમાં રસીનું ઉત્પાદન કરી શકાશે.
ઇન્ડિયા ટુડેને આપેલા એક સાક્ષાત્કારમાં અદર પૂનાવાલાએ કહ્યું કે મોટાભાગે સરકારો જ આ રસી ખરીદશે અને લોકોને રસીકરણ કાર્યક્રમ હેઠળ મફતમાં આ રસી ઉપલબ્ધ થશે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દુનિયામાં રસી ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીઓમાંથી એક છે.
અદર પૂનાવાલાએ કહ્યું જો ઑક્સફર્ડમાં રસીનાં પરીક્ષણ સફળ થયા તો તેમની કંપની એક કરાર હેઠળ આ રસીનું ઉત્પાદન કરશે.
પ્રશાંત ભૂષણના ટ્વીટ્સ પર સુપ્રીમ ખફા
સુપ્રીમ કોર્ટ બુધવારે એડવોકેટ પ્રશાંત ભૂષણના કથિત ટ્વીટ્સને લઈને તેમની વિરુદ્ધ અદાલતના અનાદરની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય કરી શકે છે.
આ બાબતને સુપ્રીમ કોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે.
અખબાર પ્રમાણે બુધવારે જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બૅન્ચે નિર્ણય કરશે કે પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અદાલતના અનાદરની કાર્યવાહી શરૂ કરવામાં આવે કે નહીં.
જોકે હજી તે સ્પષ્ટ નથી કે સર્વોચ્ચ અદાલતે તેમના કયા ટ્વીટ્સ પર આપત્તિ વ્યક્ત કરી હતી.
પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અદાલતના અનાદરનો એક જૂનો કેસ પહેલાંથી જ છે જેની સુનાવણી પર શુક્રવારે નિર્ણય થઈ શકે છે. 2009માં તેમણે અદાલતના જજની કામગીરી પર ટિપ્પણી કરી હતી.
કોરોના મહામારીમાં પ્રવાસી મજૂરોની બાબત પર અદાલતની કાર્યવાહી વિશે પ્રશાંત ભૂષણે ટીકા-ટિપ્પણી કરી હતી.
એ સિવાય તેમણે ભીમા કોરેગાંવ કેસમાં વરવરા રાવ અને સુધા ભારદ્વાજ સાથે થઈ રહેલા વર્તન પર પણ ટિપ્પણી કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો