ભારત-ચીન સીમાવિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ લેહ પહોંચ્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લેહ પહોંચી ગયા. કહેવાઈ રહ્યું છે કે વડા પ્રધાન 15 જૂને ભારત-ચીનની સરહદ પર થયેલી હિંસક અથડામણ પછીની સ્થિતિની સમીક્ષા કરશે.

15 જૂને ભારતના 20 સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા હતા.

ભારતના સરકારી ન્યૂઝ પ્રસારક પ્રસાર ભારતીએ એક ટ્વીટ કરીને કહ્યું છે, "વડા પ્રધાન મોદી હાલ નીમુમા છે. તેઓ આજે સવારે પહોંચ્યા છે. પીએમ સેનાના જવાનો, ઍરફોર્સ અને ITBP સાથે વાત કરી રહ્યા છે."

પ્રસાર ભારતી અનુસાર પીએમ અત્યારે જ્યાં છે તે 11000 ફૂટની ઊંચાઈએ છે. આ વિસ્તાર ઝંસ્કર રૅન્જથી ઘેરાયેલો છે. વડા પ્રધાનને અધિકારીઓએ સંપૂર્ણ સ્થિતિની જાણકારી આપી.

આ પહેલાં રક્ષામંત્રી રાજનાથ સિંહ લેહ જવાના હતા પરંતુ એમની મુલાકાત ગુરુવારે રદ થઈ ગઈ હતી અને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે લેહ પહોંચ્યા હતા.

વડા પ્રધાન મોદી સાથે સેનાપ્રમુખ જનરલ નરવણે અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ છે.

આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સીમા પર તણાવ માટે ચીની આક્રમકતાને જવાબદાર ઠેરવી છે.

બુધવારે વ્હાઇટ હાઉસના પ્રેસ-સેક્રેટરી કૅલી મૅકેનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના હવાલેથી કહ્યું :

"ભારત સાથેની સરહદ પર ચીની આક્રમકતા ચીનની વ્યાપક પૅટર્નનો જ ભાગ છે. ચીનની આક્રમકતા ફક્ત ભારત સાથે જ નથી પરંતુ અનેક વિસ્તારોમાં છે આનાથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનો અસલી ચહેરો જણાઈ આવે છે."

આ પહેલાં અમેરિકા સમગ્ર વિવાદ પર તટસ્થ જોવા મળી રહ્યું હતું.

જોકે, આને અમેરિકા અને ભારતના સંબંધોમાં વધી રહેલી ઉષ્મા તરીકે પણ જોવાઈ રહ્યું છે.

ટ્રમ્પે તો ગત મહિને ફૉકસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ચીન સાથે તમામ સંબંધો ખતમ કરી લે તો એનાથી અમેરિકાને ફાયદો થશે.

એક જુલાઇએ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે "દુનિયાભરમાં કોરોના વાઇરસનું વધી રહેલું સંક્રમણ જોતાં મારો ચીન પ્રત્યેનો ગુસ્સો વધવા લાગ્યો છે. આનાથી અમેરિકાને મોટું નુકસાન થયું છે."

બીજી બાજુ, ચીન એક સાથે અનેક વસ્તુઓ કરી રહ્યું છે.

એણે હૉંગકૉંગ માટે રાષ્ટ્રીય સુરક્ષાકાયદો પાસ કર્યો છે. આ કાયદાનો અમેરિકા, બ્રિટન સહિત પશ્ચિમના અનેક દેશો વિરોધ કરી રહ્યા છે પરંતુ ચીને કોઈનું નથી સાંભળ્યું,

આ કાયદો પસાર થયા બાદ હૉંગકૉંગની સ્વાયત્તતા બચશે કે કેમ? એના પર ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે.

દક્ષિણ ચીની સમુદ્રમાં પણ ચીન પર આક્રમકતા અને સૈન્ય જમાવટના આરોપ લાગી રહ્યા છે.

આ સાથે તાઈવાનની સરકાર સાથે પણ ચીનની ખટપટ ચાલી રહી છે તો વીગર મુસલમાનો સાથે ચીનમાં જુલમના ગંભીર આરોપ છે અને અમેરિકા આ બધા વિષય પણ સતત ખુલીને બોલી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો