You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : વૅન્ટિલેટર ધમણ-1ના નિર્માતા પરાક્રમસિંહ જાડેજાનો ભાજપ સાથે શું સંબંધ છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
રાજકોટની જ્યોતિ સીએનસી(કોમ્પ્યુટરાઇઝ્ડ ન્યૂમેરિકલ કંટ્રોલ) કંપની દ્વારા બનાવવામાં આવેલા વૅન્ટિલેટર ધમણ - 1 મશીન ઉપર ખૂબ વાદવિવાદ થયો.
ધમણ-1નું પ્રથમ લાઇવ ટેસ્ટીંગ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં થયું હતું. મે મહિનાના ત્રીજા સપ્તાહમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટે ગુજરાત મેડિકલ સર્વિસીઝ કૉર્પોરેશન લિમિટેડ(જીએમએસસીએલ)ના મૅનેજીંગ ડિરેક્ટરને પત્ર લખીને જાણ કરી હતી કે અમને તાબડતોબ હાઈ એન્ડ(ઊંચી ગુણવત્તાવાળા) વૅન્ટિલેટર જોઈએ છે.
કોવિડ-19ના દરદીઓની સારવાર માટે અમને ધમણ-1 તેમજ એ.જી.ડબલ્યુ.એ વૅન્ટિલેટર આપવામાં આવ્યાં હતાં, પરંતુ એનેસ્થેસિયા વિભાગના વડાએ જણાવ્યું છે કે આ બંને વૅન્ટિલેટરથી ધાર્યા પરિણામ મળતાં નથી, તેથી તમે હાઈ એન્ડ વૅન્ટિલેટર મોકલો.
એ પછી વિપક્ષે તેને ફૅક વૅન્ટિલેટર ગણાવ્યાં હતાં. ત્યારબાદ ગુજરાતના મુખ્ય મંત્રી અને આરોગ્યપ્રધાન તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ધમણ-1નો ખૂબ બચાવ કર્યો હતો.
ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જ્યોતિ સીએનસી અને ધમણ-1નો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે "જ્યારે વૅન્ટિલેટર્સ ખૂબ ઓછાં હતાં ત્યારે જ્યોતિ સીએનસીએ દેશ માટે કંઈક કરી દેખાડવાની ભાવના સાથે કામ કર્યું હતું. તેમના પર આક્ષેપ કરવા યોગ્ય નથી."
કોણ છે પરાક્રમસિંહ જાડેજા?
જ્યોતિ સીએનસી ઑટોમેશન લિમિટેડના ચીફ મૅનેજીંગ ડિરેક્ટર પરાક્રમસિંહ જાડેજા સ્પોર્ટ્સમાં કરિયર બનાવવા માગતા હતા, પણ બની ગયા બિઝનેસમૅન. રશ્મિ બંસલના પુસ્તક 'ટેક મી હોમ - ધ ઇન્સ્પાયરીંગ સ્ટોરીઝ ઑફ ટ્વેન્ટી ઑન્ત્રપ્રિન્યોર્સ ફ્રૉમ સ્મૉલ ટાઉન ઇન્ડિયા વિથ બિગ ડ્રિમ્સ'માં વિવિધ વ્યવસાયીઓના સંઘર્ષ અને સફળતાનું આલેખન કર્યું છે. જેમાં એક પ્રકરણ પરાક્રમસિંહ જાડેજા વિશે છે.
એમાં જણાવવામાં આવ્યું છે કે પરાક્રમસિંહ જાડેજા શતરંજ એટલે કે ચૅસ અને ક્રિકેટના સારા ખેલાડી હતા. 1985માં ગુજરાત તરફથી ટોચના જે ત્રણ ખેલાડી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવાના હતા તેમાંના એક પરાક્રમસિંહ હતા.
એ વખતે તેમની 12મા ધોરણની બૉર્ડની પરીક્ષા અને ટૂર્નામેન્ટ સાથે હતા. તેમણે ટૂર્નામેન્ટમાં જવાનું પસંદ કર્યું હતું. 1989માં તેઓ ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ માટે અન્ડર-19 ટીમમાં પસંદગી પામ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ વખતે તેમના પરિવારને વિમાનની ઍર ટિકિટ માટે આર્થિક સંઘર્ષ કરવો પડ્યો હતો. એ પછી પરાક્રમસિંહ સ્પોર્ટ્સ છોડીને વ્યવસાયમાં જોડાઈ ગયા. પ્રગતિ કરીને તેમણે જ્યોતિ સીએનસી કંપની શરૂ કરી. 1989માં કંપનીની શરૂઆત થઈ અને આજે એક મલ્ટિનૅશનલ કંપની છે. દેશની મોટી મશીન ટુલ્સ કંપનીઓ પૈકીની એક જ્યોતિ સીએનસી છે. ગિયર બૉક્સ, લેથ મશીન વગેરેનું ઉત્પાદન કરીને તેમણે કંપનીનો વિકાસ કર્યો. પછી સીએનસી મશીનમાં પણ આગળ વધ્યા.
કંપનીનો દાવો છે કે જ્યોતિ પ્રથમ કંપની છે જેણે ગુજરાતમાં સીએનસી ઉત્પાદન શરૂ કર્યું. સીએનસી વર્ટિકલ લાઇન મશીન્સ, સીએનસી ટર્નિંગ સેન્ટર્સ, સીએનસીચર્ન મિલ સેન્ટર્સ જેવા ઉત્પાદન સાથે જ્યોતિ સીએનસીનું નામ જોડાયેલું છે. રાજકોટની જીઆઈડીસી(ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન)માં કંપનીના ત્રણ અલગ અલગ પ્લાન્ટ્સ છે.
જ્યોતિ સીએનસીનો કારોબાર
જ્યોતિ સીએનસીનો કોમ્પ્યુટરાઇઝ્ડ મશીન કટિંગ ટૂલ્સનો મોટો કારોબાર છે. સીએનસી ટર્નિંગ સેન્ટર, સીએનસી મશીનિંગ સેન્ટર, વર્ટિકલ લાઇન સીએનસી મશીન બનાવવામાં તેમનું મોટું નામ છે.
IMTEXને આપેલી એક મુલાકાતમાં પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે 1999-2000માં તેમણે સીએનસી મશીન બનાવવાનું શરૂ કર્યું હતું.
ઑટોમોબાઈલ, ઍરોસ્પેસ, અલાઇડ મશીનરી, ખેતીવાડી, રેલવે, સંરક્ષણ, ઝવેરાત, મેડિકલ સંસાધનો, પ્લાસ્ટિક ઉદ્યોગો, પાવર તેમજ ટૅક્સ્ટાઈલ વગેરે ઉદ્યોગોમાં જ્યોતિ મશીન પાર્ટસ પૂરા પાડે છે. તેમની સેલ્સ અને સર્વિસની શાખાઓ ભારતનાં મોટા શહેરોમાં છે.
કંપનીની વેબસાઇટમાં દર્શાવાયું છે કે જ્યોતિ સીએનસીના ગ્રાહકોમાં આર્સેલર મિત્તલ, બજાજ, અશોક લેલન્ડ, ગોદરેજ, ઇન્ડિયન ઓઘલ, ટાઇટન, અંબુજા સિમેન્ટ, ઍરટેક વગેરે છે.
કંપનીનો કારોબાર વિદેશમાં પણ ફેલાયેલો છે. જ્યોતિ સીએનસીએ 2007માં ફ્રાન્સની મશીન ટૂલ્સ કંપની Huron અક્વાયર કરી હતી. જેમનું યુરોપમાં મોટું નૅટવર્ક છે. મશીન ટૂલ્સમાં ફૉક્સવેગન, બીએમડબલ્યુ, ફરારી, મર્સીડીઝ, વૉલ્વો, બોઇંગ, ઑડી, ઍરબસ જેવા ગ્રાહક છે.
જ્યોતિ - Huronના એક્સપોર્ટ ઑપરેશન્સ અમેરિકા, ટ્યુનિશિયા, તુર્કી, રશિયા, સ્લૉવાકીયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, નેધરલૅન્ડ, ઇટાલી, શ્રીલંકા વગેરે દેશમાં છે. ભારતમાં જ્યોતિ સીએનસીના 1200 કર્મચારી છે અને ફ્રાન્સમાં 150 કર્મચારી છે.
જ્યોતિ સીએનસીના આર ઍન્ડ ડી સેન્ટરનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું
ઇન્ડિયા ટુડે એ એપ્રિલમાં એક અહેવાલ વેબસાઇટ પર પ્રકાશિત કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા અઠવાડિયે વડા પ્રધાને જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાને જણાવ્યું હતું કે સ્વદેશી વૅન્ટિલેટર બનાવવામાં હાથ અજમાવે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી જાડેજાના સીએનસી એકમથી વાકેફ હતા.
2008માં જ્યોતિ સીએનસીએ રાજકોટમાં રિસર્ચ એન્ડ ડેવલપમૅન્ટ સેન્ટર શરૂ કર્યું હતું. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા. તેમણે એ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન વખતે કહ્યું હતું કે "કશુંક કરવાની નેમ હોય તો કેટલાં ઉત્તમ પરિણામ લાવી શકાય છે એ ભાઈ પરાક્રમસિંહને કારણે આપણે જોઈ શકીએ છીએ. ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતે મોટી નામના મેળવી છે. રાજકોટના એન્જિન ઉદ્યોગે આખી દુનિયામાં ઓળખ ઊભી કરી છે. ચીન અને ભારત વચ્ચે જે સ્પર્ધા છે એનો વળાંક મેન્યુફેક્ચરીંગ સેક્ટર પર નિર્ભર છે."
જ્યોતિ સીએનસીના રિસર્ચ એન્ડ ડેવલપમૅન્ટ સેન્ટરના ઉદ્ઘાટનનો અહેવાલ machinist.in માં છપાયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ત્યારે કહ્યું હતું કે રાજકોટમાં ઑટોમોબાઈલ ક્ષેત્રનું સ્પેશિયલ ઇકૉનૉમિક્ ઝોન ઊભું કરવાનું સરકારનું આયોજન છે.
2005માં જર્મનીના Hannover Messe માં એક ઉદ્યોગમેળો યોજાયો હતો. જેના ઉદ્ઘાટનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. એમાં મેક ઈન ઇન્ડિયાની થિમ રજૂ કરવામાં આવી હતી. એ મેળામાં ગૌતમ અદાણી, સાયરસ મિસ્ત્રી જેવા નામી ઉદ્યોગપતિઓ જોડાયા હતા. એમાં પરાક્રમસિંહ જાડેજા પણ હતા.
પરાક્રમસિંહ જાડેજાના ભાજપ સાથેના સંબંધ છે કે કેમ? એ અંગે બીબીસીએ ભાજપના ગુજરાતના મુખ્ય પ્રવક્તા ભરત પંડ્યા સાથે વાત કરી.
ભરત પંડ્યાએ કહ્યું કે "જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી જાડેજાજી પ્રદેશ કારોબારીમાં કે પાર્ટીમાં કોઈ હોદ્દા પર નથી. કોઈ જિલ્લામાં પણ ભાજપ સાથે જોડાયેલા હોય એવું મારા ધ્યાનમાં નથી. પરાક્રમસિંહ જાડેજા રાજકારણમાં ક્યાંય પણ જોડાયેલા હોય એવું મને નથી લાગતું."
શું પરાક્રમસિંહે પાર્ટી ભંડોળમાં ક્યારેય નાણાં આપ્યા છે? આ સવાલના જવાબમાં ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું હતું કે "ના, પરાક્રમસિંહ જાડેજાએ ક્યારેય પાર્ટી ભંડોળ માટે પૈસા આપ્યા નથી. તેઓ કઈ રાજકીય અનુસંધાન ધરાવતા નથી. ન તો તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્ય છે કે ન તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે. કોરોનાનું જે અભૂતપૂર્વ સંકટ માથે આવી પડ્યું ત્યારે દેશ માટે કંઈક કરી દેખાડવાની ભાવના સાથે તેમણે મશીન બનાવ્યાં હતાં. એને રાજકારણ સાથે સાંકળીને ન જોઈ શકાય."
કૉંગ્રેસ સતત એવો આક્ષેપ કરી રહી છે કે વિજય રૂપાણીએ તેમના દોસ્તને લાભ આપવા વૅન્ટિલેટરનું કામ આપ્યું. એવું પણ કહેવાય છે કે પરાક્રમસિંહ જાડેજા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મિત્ર છે.
રાજકોટના એક વરિષ્ઠ પત્રકારે આ વિશે જણાવ્યું કે "પરાક્રમસિંહ જાડેજા કોઈ પાર્ટી સાથે નિકટતા ધરાવતા હોય એવું મને નથી લાગતું. વિજયભાઈ અને પરાક્રમસિંહ બંને રાજકોટના હોવાથી દોસ્ત હોઈ શકે પણ દોસ્તીદાવે જ તેમને વૅન્ટિલેટર તૈયાર કરીને લાભ પહોંચાડવામાં આવ્યો હોય એમ કહેવું અતિશયોક્તિ કહેવાશે."
રાજકોટના જ અન્ય એક વરિષ્ઠ પત્રકારે એમ પણ જણાવ્યું કે "કોઈ એક હજાર મશીન્સ સરકારને પડતર કીમતે શું કામ આપે? આની પાછળ કોઈ રાજકીય ગણિત હોવું જ જોઈએ. જોકે, એના વિશે કંઈ નક્કર વિગતો બહાર ન આવે ત્યાં સુધી કંઈ કહેવું યોગ્ય નથી."
ગુજરાતી ન્યુઝ ચેનલ ટીવી નાઈને ગયા વર્ષે પ્રસારિત કરેલા એક રિપોર્ટ અનુસાર 22 જાન્યુઆરી 2019ના રોજ આવકવેરા વિભાગે જયોતિ સીએનસી કંપનીમાં સર્ચ ઑપરેશન કર્યું હતું. 26 અધિકારીઓની ટીમે એ ઑપરેશન હાથ ધર્યું હતું. (h)
જયોતિ સીએનસી અને તેમના શેર હોલ્ડરના રાજકીય કનેક્શનનો વિવાદ
31 માર્ચ 2019નું જયોતિ સીએનસીનું જે શેર હોલ્ડર્સ લિસ્ટ છે એમાં એક ઉલ્લેખ વિરાણી પરિવારનો છે. ન્યૂઝ પોર્ટલ 'ધ વાયર'માં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે જયોતિ સીએનસી કંપની સાથે જોડાયેલા ઉદ્યોગપતિ પરિવારોમાં વિરાણી પરિવાર પણ છે.
2015માં વિરાણી પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું નામ છપાયેલો હોય એવો એક સૂટ ભેટ આપ્યો હતો. આ ભેટ આપનારા વ્યવસાયી રમેશકુમાર ભીખાભાઈ વિરાણી સુરતના વિરાણી પરિવારના છે.
વર્ષોથી જ્યોતિ સીએનસીમાં તેમની ભાગીદારી છે. કંપનીની 2003-04ના ફાઈલિંગ અનુસાર ભીખાભાઈના બંને પુત્ર અનિલ અને કિશોર આ કંપનીમાં શૅર હૉલ્ડર હતા.
'ધ વાયર'ના રિપોર્ટમાં એ પણ લખ્યું છે કે ઈ-મેઇલથી મોકલાયેલા જવાબમાં પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આજની તારીખે કંપનીમાં વિરાણી પરિવારનો કોઈ શૅર નથી. તેમણે એમ પણ કહ્યું કે 2020માં જ્યોતિ સીએનસી શૅર હૉલ્ડિંગ સંબંધી ફાઇલિંગમાં વિરાણી પરિવારની ભાગીદારી નાણાકીય વર્ષ 2019ની છે.
બીબીસીએ પરાક્રમસિંહ જાડેજાને પૂછ્યું હતું કે વિરાણી પરિવાર જ્યોતિ સીએનસીમાં શૅર હૉલ્ડર છે તો તેમનો કેટલો હિસ્સો છે?
આ સવાલના જવાબમાં પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે "આના વિશે હાલમાં હું કંઈ નહીં કહું. અમારી કંપની પણ પબ્લિક લિમિટેડ કંપની નથી. "
ભાજપના મુખ્ય પ્રવક્તા ભરત પંડ્યાએ આ વિશે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "મોદીજીને અપાયેલા સૂટ અને ધમણ-1 વચ્ચે કંઈ લેવાદેવા નથી. સુરતના ઉદ્યોગપતિએ શુભેચ્છક તરીકે સૂટ ભેટ આપ્યો હતો."
પણ એનાથી ભાજપ પ્રત્યેની નિકટતાની હોવાનું જણાય છે ને? આ સવાલના જવાબમાં ભરત પંડ્યાએ કહ્યું હતું કે "જ્યારે કોઈ વ્યક્તિ મુખ્ય મંત્રી કે વડા પ્રધાન હોય પછી ભલે તે કોઈ પણ પાર્ટીના હોય, લોકો પોતાની શુભેચ્છા પ્રગટ કરતા હોય છે. એનો મતલબ એ નથી કે તેઓ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે."
ધમણ - ૧નું નિર્માણ કઈ રીતે થયું?
જ્યોતિ સીએનસીની વેબસાઇટ પર ધમણની વિગતો છે. ધમણની અલગ વેબસાઈટ પણ છે. જેમાં પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું, "જ્યોતિ સીએનસીએ કોવિડ 19ના પડકારને ધ્યાનમાં રાખીને ધમણનો પ્રૉજેક્ટ શરૂ કર્યો છે. અમે વૅન્ટિલેટર્સ ઉત્પાદનના એક્સપર્ટ્સ નથી પરંતુ દેશમાં એની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને એનું પ્લાનિંગ અને ડિઝાઈનિંગ કર્યું છે. અમે મેક ઈન ઇન્ડિયા મિશન ને ધ્યાનમાં રાખીને આ પ્રૉજેક્ટ વિકસીત કર્યો છે. આ પ્રેસર કન્ટ્રોલ વૅન્ટિલેટર બનાવવા માટે દેશની અલગ અલગ 26 કંપનીઓ પાસેથી અમે પાર્ટ્સ મગાવ્યા છે. 150 એન્જિનિયર્સની ટીમ અમે તૈયાર કરી હતી. અમદાવાદની આરએચપી મેડિકલ્સ કંપનીના રાજેન્દ્ર પરમારને વૅન્ટિલેટર્સ ટેસ્ટીંગ અને મેઇન્ટનન્સનો અનુભવ છે. તેથી તેમની આગેવાનીમાં એન્જિનિયરની ટીમે કામ કર્યું."
વેબસાઈટ પર આ ઉલ્લેખ છે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે "અમે વૅન્ટિલેટર્સ બનાવવાના નિષ્ણાત નથી પણ દેશમાં એની જે જરૂરીયાત ઊભી થઈ છે એને દ્યાનમાં રાખીને એનું પ્લાનીંગ અને નિર્માણ કર્યું છે."
ધમણ-1નું જ્યારે નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે બીબીસીએ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં જ્યોતિ સીએનસીના કૉર્પોરેટ કમ્યુનિકેશન હૅડ શિવાંગી લાખાણી સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું, "ઝીણવટભરી ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને 25 લોકોની ટીમે દિવસરાત એક કરીને 10 દિવસમાં ધમણ-1નું પ્રોટોટાઇપ તૈયાર કર્યું હતું. એ પછી 250 લોકો એ કામમાં જોડાયા હતા."
વૅન્ટિલેટરની બજાર કિંમત સરેરાશ 6 લાખ તેમજ એના કરતાં વધારે હોય છે. જો એની બેઝિક કિંમત 6 લાખ હોય અને તમે કહો છો કે 1 લાખમાં તૈયાર કર્યું છે તો તમને કઈ રીતે પોષાય છે?
આના જવાબમાં શિવાંગી લાખાણીએ કહ્યું હતું, "જે 26 જેટલાં એકમ અમે અલગ અલગ પાર્ટ્સ આપી રહ્યા છે તેમણે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને અમને પડતર કિંમતે જ પાર્ટ્સ આપ્યા છે. સપ્લાયર્સે અમારી પાસેથી ઓવરહૅડ કોસ્ટ નથી લીધી તેથી જ અમે 1 લાખ પ્લસ ટેક્સ જેટલી ઓછી કિંમતે વૅન્ટિલેટર્સ આપી રહ્યા છીએ.
ધમણ -1 વૅન્ટિલેટર નહીં પણ એએમબીયુ બેગ છે - કૉંગ્રેસ
ગુજરાતમાં ધમણ -1 ઉપર ખૂબ વિવાદ થયો હતો. શાસક પક્ષ અને વિપક્ષ બંને સામસામે આવી ગયા હતા. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ધમણ-1ને ફેક વૅન્ટિલેટર કહ્યું હતું.
તેમણે કહ્યું હતું, "વિજય રૂપાણીએ પોતાના દોસ્તની કંપનીનું માર્કેટિંગ કરવા માટે ગુજરાતીઓની જિંદગીને દાવ પર લગાવી દીધી છે. કંપનીએ પહેલેથી જ મુખ્ય મંત્રીને વાકેફ કર્યા હતા કે ધમણ-1ની મર્યાદાઓ છે છતાં વિજય રૂપાણીએ સ્ટન્ટ કર્યા."
"ધમણ-1 ઑક્સિજન સપ્લાય મશીન છે, તેને વૅન્ટિલેટર કહીને વિજય રૂપાણીએ ગુજરાતના લોકો સાથે ગુનાઈત બેદરકારી દાખવી છે."
અમિત ચાવડાએ ટ્વીટ કરીને એમ પણ કહ્યું હતું કે "ધમણ -1 વૅન્ટિલેટર નહીં પણ એએમબીયુ(આર્ટીફીશ્યલ મૅન્યુઅલ બ્રિધિંગ યુનિટ) બૅગ છે."
ધમણ - 1 પ્રેસર કન્ટ્રોલ વૅન્ટિલેટર છે - જાડેજા
આ વિશે બીબીસીએ જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "ઘણા ડૉક્ટર્સે ધમણ-1 જોયું અને પારખ્યું છે. કોઈએ અમને નથી કહ્યું કે આ ફેક વૅન્ટિલેટર કે એએમબીયુ બૅગ છે."
"જેટલા પણ ટેકનિકલ લોકો છે તેમને મારો આગ્રહ છે કે ધમણ-1ને ખોલીને જુએ અને તપાસે કે તેની અંદર બૅગ છે કે નહીં? ધમણ-1ના સંદર્ભે વાત કરીએ તો એએમબીયુ બૅગની અંદર ક્યારેય પ્રેસર કન્ટ્રૉલ વૅન્ટિલેશન નથી હોતું. એમાં પ્રેસર આસિસ્ટન્ટ નથી હોતું. જેમકે, દર્દી જ્યારે આપમેળે શ્વાસ લેવાનું શરૂ કરે ત્યારે વૅન્ટિલેટર પોતાનું વૅન્ટિલેશન શરૂ કરીને એને અલોવ કરે છે. એ પછી પ્રેસર સપોર્ટ જે હોય છે એ સિન્ક્રોનાઈઝ કરીને શ્વાસ આપે છે."
"એએમબીયુ બૅગમાં આવું કશું હોતું નથી. ધમણ-1 વૅન્ટિલેટર છે. સાથે એ પણ સમજવું જરૂરી છે કે એ એક બેઝિક મૉડલ છે. અમે ક્યારેય એવો દાવો નથી કર્યો કે આ એક હાઇએન્ડ મૉડલ છે."
પરાક્રમસિંહ જાડેજાએ એમ પણ કહ્યું હતું કે "સિવિલ હૉસ્પિટલના પત્રમાં માત્ર ધમણ-1નો જ ઉલ્લેખ નથી. એ.જી.ડબલ્યુ.એ નામના અન્ય એક વૅન્ટિલેટરનો પણ ઉલ્લેખ છે, પરંતુ વિવાદ માત્ર ધમણ-1નો જ બનાવાઈ રહ્યો છે."
"એ પત્રમાં એટલું જ કહેવાયું હતું કે અમને અપેક્ષા મુજબનાં પરિણામ નથી મળી રહ્યાં. અમને હાઈ એન્ડ મશીન જોઈએ છે. એ.જી.ડબલ્યુ.એ. મશીન તો ઍડવાન્સ હોવા છતાં ડૉક્ટરે એવું કહ્યું હતું કે હાઈ એન્ડ મશીન જોઈએ છે. હવે જોવાની વાત એ છે કે શા માટે એ પત્ર બહાર આવ્યો?"
તમને લાગે છે કે ધમણ-1 અકારણ રાજકીય વિવાદનો મુદ્દો બની ગયું? આના વિશે જણાવતાં પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે "હું આ વિશે કંઇ પણ કહેવા માગતો નથી."
ધમણ-1નું ઉત્પાદન શરૂ છે કે નહીં? આ સવાલના જવાબમાં પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે "ધમણ-1ના જેટલાં મૉડલ અમારે પૂરા પાડવાનાં હતાં એ પૂરા પાડી દીધાં છે. કેટલાંક ઑર્ડર્સ બાકી છે તે અમે સપ્લાઈ કરી રહ્યા છીએ."
અપગ્રેડેડ વર્ઝન ધમણ -૩ આવી રહ્યું છે
20 મે એ ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે "ભારત સરકાર સમગ્ર દેશમાં વૅન્ટિલેટર પૂરા પાડવા માટે તજવીજ કરી રહી છે ત્યારે નોડલ એજન્સી એચએચએલ લાઇફકેર લિમિટેડ દ્વારા હાઈ પાવર કમીટીએ માપદંડોને ચકાસીને 5000 વૅન્ટિલેટર્સ ખરીદવાના ઑર્ડર્સ આપ્યા છે."
આ વિશે પરાક્રમસિંહે જણાવ્યું હતું, "એ ધમણ-૩ માટેના ઑર્ડર્સ છે. વધારે એના વિશે કંઈ નહીં કહી શકીએ, એનું કામ ચાલી રહ્યું છે. ધમણ-૩નું વૅલિડેશન વગેરે થઈ રહ્યું છે. અમે હજી એ લૉન્ચ નથી કર્યું. એનું ટેસ્ટીંગ તેમજ અન્ય જે પ્રોટોકોલ્સ છે એના પર કામ ચાલી રહ્યું છે. "
ધમણ -૩ના કેટલા ઑર્ડર્સ છે? એ સવાલના જવાબમાં પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે "એક વખત તૈયાર થઈ જાય એ પછી એના વિશે જોઈશું."
જ્યારે ધમણ-1નો વિવાદ થયો ત્યારે 17 મેએ મિડિયા સાથે વાત કરતાં પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું, "ધમણ-1 જે છે તે કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવેલું મશીન છે. એ એક બૅઝિક મૉડલ છે, ફુલફ્લેજ્ડ મશીન નથી."
"ડૉક્ટરે જે ફુલફ્લેજ્ડ મશીન માગ્યું છે એ ધમણ-૩માં છે. ધમણ-૩ને અમે વૉલ્યૂમ તેમજ પ્રેસર કન્ટ્રોલ મોડ ઉપરાંત સિન્ક્રોનાઇઝ મોડ સાથે વિકસાવી રહ્યા છીએ."
"બીજી વાત એ પણ છે કે અમે જ્યારે ધમણ-1નું પ્રેઝન્ટેશન આપ્યું ત્યારે જેમણે પત્ર લખ્યો હતો એ ડૉક્ટર પણ હાજર હતા. જે મોડ એમાં નથી એના વિશે ત્યારે પણ તેમણે વાત કરી હતી. અમે ત્યારે કહ્યું હતું કે ઇમ્પૉર્ટમાં સમસ્યા હોવાથી કેટલાક પાર્ટ્સ નથી મળી રહ્યા. તેથી અમે ધમણ-1 ને આવી રીતે તૈયાર કર્યું છે અને કોરોનાના દર્દી માટે એ પૂરતું છે. આ તમામ વાત મિનિટ્સ રૂપે નોંધાયેલી છે."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો