નરેન્દ્ર મોદી 2.0નું એક વર્ષ : નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લખેલા પત્રમાં શું છે? - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક ખુલ્લો પત્ર લખ્યો છે.

આ પત્રમાં લખ્યું છે કે છેલ્લા એક વર્ષમાં કેટલાક ઐતિહાસિક નિર્ણયો કરવામાં આવ્યા અને ઝડપથી વિકાસ પણ થયો છે, પરંતુ તેમણે એ પણ માન્યું કે કોરોના વાઇરસના સંકટને લીધે પ્રવાસી મજૂરો અને અન્ય લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે.

એનડીટીવીના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે ભારત મહામારી સામેની પોતાની લડતથી જે રીતે વિશ્વને અચંભિત કર્યું હતું તેવી જ રીતે આર્થિક રૂપે ફરી ઊભું થઈને ભારત આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે.

પત્રમાં મોદીએ લખ્યું છે કે "જેટલું મોટું સંકટ આવ્યું છે, તેને જોતાં નિશ્ચિતપણે એ દાવો ન કરી શકાય કે કોઈને તકલીફ પડી જ નથી."

"લઘુ ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો, પ્રવાસી કામદારો, કલાકારો અને કારીગરો, ફેરિયાઓ અને અન્ય દેશવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી."

તેમણે આગળ કહ્યું હતું કે આપણે એ જોવું રહ્યું કે આ મુશ્કેલીઓ વિનાશમાં પરિવર્તિત ન થાય.

મોદીએ કહ્યું કે દેશના લોકોએ અભૂતપૂર્વરૂપે સરકારને જંગી બહુમતી સાથે સતત બીજી વખત ચૂંટી હતી.

તેમણે આર્ટિકલ 370, નાગરિકતા સંશોધન કાયદો અને અયોધ્યા રામમંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમની સરકાર રાષ્ટ્રહિતમાં સતત કામ કરી રહી છે.

અરબ સાગરમાં ચક્રવાતથી ચોમાસાને અસર

ભારતમાં ચોમાસાની શરૂઆત અંગે પાંચ જૂનની તારીખ જાહેર કરાઈ હતી.

ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં ચોમાસાનું આગમન એક જૂને થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.

અંગ્રેજી અખબાર ધ હિંદુ પ્રમાણે કેરળમાં અરબ સાગરમાં 31 મે પછી એક ચક્રવાત ઉત્પન્ન થવાની સંભાવના છે.

આ ચક્રવાતની ખરાબ અસરરૂપે ચોમાસું મોડેથી શરૂ થાય એવી શક્યતા પણ છે.

ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને કહ્યું કે "યુરોપિયન મિડલ રેન્જ વેધર ફોરકાસ્ટિંગનું એક મૉડેલ અરબ સાગરમાં ચક્રવાત ઉત્પન્ન થતું દર્શાવે છે."

"જોકે આ બહુ શક્તિશાળી ચક્રવાત નહીં હોય અને માત્ર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય એવું લાગે છે."

જોકે તેમણે આગળ કહ્યું કે જો આ ચક્રવાત શક્તિશાળી બનશે તો ચોમાસમાં વિલંબ થઈ શકે છે.

હાલમાં જ બંગાળની ખાડીમાં સુપર સાઇક્લોન અંફન ત્રાટક્યું હતું.

સગીરાને માર મારવાના મામલામાં 17ની અટકાયત

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં 17 વર્ષનાં સગીરાને માર મારવાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે 17 લોકોની અટકાયત કરી છે.

છોટા ઉદેપુરના બિલવંત ગામમાં જાહેરમાં સગીરાને માર મારવાનો એક વીડિયો વાઇરલ થયો હતો.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે પોલીસે આ અંગે 27 મેના દિવસે ફરિયાદ નોંધી હતી.

પોલીસનું કહેવું છે કે ગામના એક યુવક સાથે ભાગી ગઈ હોવાથી સગીરાને પરિવારજનોએ માર માર્યો હતો.

28 મેના દિવસે એક અન્ય વીડિયો સામે આવ્યો હતો જેમાં સગીરાના ખભા પર યુવકને બેસાડીને ગામમાં ફેરવવામાં આવ્યાં હતાં.

પોલીસે આ વીડિયોની નોંધ લેતા બે લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેમની અટકાયત કરી હતી.

તપાસ અધિકારીએ કહ્યું હતું કે સગીરાને ગામમાં ફેરવવાનો વીડિયો એ જ દિવસનો હતો, જે દિવસે માર મારવામાં આવ્યો હતો. બંને વીડિયોમાં એ જ લોકો દેખાઈ રહ્યા છે, જેમના નામે એફઆઈઆર નોંધાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો