કોરોના લૉકડાઉન : RBI અને કેન્દ્રના પ્રયાસો NBFC માટે પૂરતા?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા લૉકડાઉનને કારણે માઇક્રો, નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં પ્રાણ પૂરવા બે તબક્કામાં બજારમાં તરલતા જળવાઈ રહે, તે માટે રૅપોરેટ ઘટાડવાથી માંડીને બૅન્કો, નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે નાણાભંડોળની ફાળવણી કરી.
માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા પહેલી નાણાનીતિ જાહેર કરવામાં આવી હતી. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાન્તા દાસે ટર્મ લૉન ઉપરનું મૉનેટોરિયમ એટલે કે વ્યાજની વસૂલાત મુલતવી રાખીને હવે એને ડિફોલ્ટ (ચૂક) નહીં ગણવામાં આવે તેવું જાહેર કર્યું હતું.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રૅપોરેટમાં 75 બેઝિસ પૉઇન્ટ ઘટાડીને 4.4 ટકા અને રિવર્સ રૅપોરેટ ઘટાડીને ચાર ટકા કર્યો હતો.
આમ, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પૉલિસી રાહત-1 અંતર્ગત જાહેર કરેલાં પગલાંને કારણે 3,74,000 કરોડની તરલતા એટલે કે લિક્વિડિટી અથવા નાણાં-પુરવઠાનો એક બુસ્ટરડોઝ આપણી અર્થવ્યવસ્થાને આપવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.
NBFCs અને MFIs માટે કોઈ યોજના પ્રથમ તબક્કામાં સામેલ કરવામાં આવી નહોતી, પરંતુ બીજા તબક્કાની જાહેરાતમાં તેની સામેલગીરી કરાઈ.
ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમની પાંચ જાહેરાતો દરમિયાન પણ નાની અને નબળી એન.બી.એફ.સી.ને માટે જોગવાઈઓ જાહેર કરી હતી.

નાના એકમોને લાભ મળશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હવે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પૉલિસી રાહત-2 અંતર્ગત રૅપોરેટને યથાવત્ રાખી રિવર્સ રૅપોરેટમાં 25 બેસિસ પૉઇન્ટ જેટલો ઘટાડો કરી 3.75 ટકા કરવાની જાહેરાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે NPA માટેની મર્યાદા 90 દિવસ લંબાવીને 180 દિવસ તથા એન.બી.એફ.સી. દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રને આપવામાં આવેલી લૉનને વાણિજ્ય બૅન્કો દ્વારા આપવામાં આવતી લૉનને જે લાભ મળે છે, તે સમકક્ષ લાભ મળશે એવું જાહેર કર્યું.
ઉપરાંત રિઝર્વ બૅન્કે લૉંગ ટર્મ રૅપો ઑપરેશન -2 (TLTRO)ની જાહેરાત કરી હતી, જેમાં 50,000 કરોડ નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને ફાળવ્યા હતા, જેને લીધે નાણાકીય તરલતા વધશે તેવું અનુમાન હતું.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન સૂક્ષ્મ ઉદ્યોગો અને નાના વેપારીઓને લૉનની સુવિધા આપે, જેથી રોજગારી વધે તેવો ઇરાદો હતો.
અગાઉ કહ્યું હતું તેમ રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવેલ TLTRO- 1 સ્કીમનો લાભ મહાકાય ઉદ્યોગગૃહો ગળી જશે. હવે TLTRO- 2 યોજના બહાર તો પડી, પરંતુ તેનો લાભ માઇક્રો કે નાના એકમો સુધી પહોંચવામાં અવરોધ જણાય છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ, બીજી વખત ટાર્ગેટેડ લૉંગ ટર્મ રૅપોરેટ (TLTRO)-2માં બૅંન્કોને અને નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને નાણાં ધિરાણની ઑફર કરી હતી, જે સામે એપ્રિલ 23 સુધીમાં 25000 કરોડના પ્રથમ ઑક્શન અંતર્ગત માત્ર 12850 કરોડ રૂપિયાના ધિરાણ માટેની કુલ 14 બિડ જ મળી હતી.
બૅન્કો જોખમ લેવા માગતી નથી

ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્કે કુલ 50 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા, પરંતુ બૅન્કો નાની નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને નાણાં ધીરતાં ખચકાય છે અને કોઈ જોખમ લેવા માગતી નથી.
આથી રિઝર્વ બૅન્કે નાના એકમોને વર્કિંગ કૅપિટલ મળી રહે તે માટે નાની નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ માટે આ રકમ ફાળવી હતી તેનો લાભ મળશે નહીં, કારણ કે બૅન્કોનું વલણ આ સમયગાળામાં કોઈ જોખમ લેવાનું નથી.
આમ, રિઝર્વ બૅન્કનો જે ઉદ્દેશ હતો તે સફળ ના થાય તેવું લાગે છે.
આ ઉદ્દેશને સફળ બનાવવો હોય તો બૅન્કનું ધિરાણ જોખમ ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા આંશિક ધિરાણ ગૅરંટી માટેના માળખાની જે ગયા વરસે PCG યોજના હેઠળ નાણાં ધિરાણને સુરક્ષિત કરવાની યોજના જેવી કોઈ યોજના દાખલ કરવામાં આવી હોત, તો નાની નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપની અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને લાભ થાય અને નાના અને માઇક્રો એકમોને લૉન સુવિધા થકી વર્કિંગ કૅપિટલ માટે ઉપલબ્ધ નાણાં મળતાં આ એકમો ફરીથી શરૂ થતાં આર્થિક વિકાસ ગતિ પકડે અને રિઝર્વ બૅન્કનો હેતુ સફળ થાય.
રિઝર્વ બૅન્કે 17મી એપ્રિલના રોજ TLTRO-2 હેઠળ કુલ 50 હજાર કરોડ રૂપિયા નાની નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપની અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ માટે અલગ રાખ્યા છે, ત્યારે બૅન્કો દ્વારા તેમને આ નાણાં-પુરવઠો મળી રહે તે જોવું રહ્યું.
નહીં તો પી.આર.ઓ. સ્કીમ હેઠળ બૅન્કો ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ બોનસ કૉમર્શિયલ પેપર અને નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચરમાં રોકાણ કરશે.
સરકારની ગૅરંટી અને પ્રતિસાદ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
રિઝર્વ બૅન્કે જાહેર કર્યા મુજબ TLTRO -2 અંતર્ગત 50 હજાર કરોડ નાની નૉન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને માત્ર એક મહિનાની અંદર ચૂકવવાની વાત હતી, પરંતુ 25000 કરોડના તેના પ્રથમ તબક્કામાં હજી સુધી 14 બિડ મળી છે. સરકારે આ અંગે ગૅરંટર બની આ નાણાપ્રવાહ માઇક્રો, નાના અને લઘુ એકમો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે.
આપણે ત્યાં રેટિંગ જેવા માપદંડોને ધ્યાનમાં લઈ નાણાં ધિરાણ થતું હોય છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે બધી નાની નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપની અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ આકર્ષક રેટિંગ ધરાવતી હોતી નથી. આ સંદર્ભે સરકાર પાર્શિયલ ગૅરંટર બનતા, આ કંપનીઓને બૅન્કો દ્વારા ધિરાણ મળી રહે તેવી સંભાવના ઊભી થઈ છે. આ સિવાય સરકાર ઓછું રેટિંગ ધરાવતી NBFCના ડેટ પેપર્સ પણ ખરીદશે.
જ્યારે બીજી બાજુ રિઝર્વ બૅન્કે પહેલાં ટી.એલ.ટી.આર.ઓ. દ્વારા એક લાખ કરોડ મંજૂર કર્યા હતા જેનો ફાયદો ફક્ત મોટી કંપનીઓને મળ્યો છે, કારણ કે બૅન્કો ધિરાણ આપતાં પોતાનાં નાણાંની સલામતીનો વિચાર પહેલો કરતી હોય છે. ભૂતકાળમાં આટલી બધી સેફ્ટી હોવા છતાં લૉન ડિફોલ્ટર્સની સંખ્યામાં મોટી કંપનીઓનાં નામે જ છે.
આરબીઆઈએ જણાવ્યું છે કે ટી.એલ.ટી.આર.ઓ. સુવિધા હેઠળ બૅન્કો દ્વારા કરવામાં આવેલા રોકાણોને એચટીએમ પૉર્ટફોલિયોમાં સમાવિષ્ટ મંજૂરીના કુલ રોકાણના 25 ટકાથી વધુ રકમ સુધી પણ મૅચ્યૉરિટી (એચટીએમ) તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.
તેમજ બૅન્કોને આ સુવિધાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા માટે આરબીઆઈએ જણાવ્યું હતું કે આ સુવિધા હેઠળના ઍક્સપોઝરની ગણતરી પણ મોટા ઍક્સપોઝર ફ્રેમવર્ક હેઠળ કરવામાં આવશે નહીં.
'પાડાના વાંકે પખાલીને ડામ'

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ હરાજીમાં નબળો પ્રતિસાદ મળતાં આરબીઆઈ હરાજીનાં પરિણામોની સમીક્ષા કરશે અને આ મામલે એક મત લેશે એવું જણાવ્યું હતું.
એનબીએફસી માટે આ કોઈ સારા સમાચાર ન હતા, કારણ કે હરાજીનાં પરિણામોએ સાબિત કર્યું છે લૉન ડિફોલ્ટના ભયે ઓછું રેટિંગ ધરાવતી એનબીએફસી અને એમએફઆઈને બૅન્કો ધિરાણ આપવા ઇચ્છુક ન હતી.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા 17 એપ્રિલના રોજ જાહેર કરાયેલી યોજના નાની નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને મદદ કરવાના હેતુથી શરૂ થઈ હતી.
હવે કેન્દ્ર સરકારની ઓથ મળતા નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓની હિંમત વધશે.
આમ, રિઝર્વ બૅન્કે TLTRO 2 હેઠળ નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) અને માઇક્રો ફાઇનાન્સ થકી સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમોને જે લાભ આપવા માગતી હતી તે ઉદ્દેશ પાર પડવો મુશ્કેલ બન્યો.
બૅન્કો નાણાંની સલામતી માટે વિચાર કરે તે યોગ્ય છે, મોટા ઉદ્યોગગૃહોને ધિરાણ મળે છે, પરંતુ સૂક્ષ્મ, નાના અને લઘુ એકમો માટે વર્કિંગ કૅપિટલ મેળવવા માટેના ફાંફા પડી ગયા.
સરકારે MSME એકમો માટે આંશિક ગૅરન્ટર બનવાનું નક્કી કર્યું છે, ત્યારે સરકાર તેમની સાથે રહી તેમના પાર્શિયલ ગૅરંટર બની, પરંતુ રિઝર્વ બૅન્કની TLTRO-2 યોજના સફળ થઈ છે કે કેમ તે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















