કોરોના વાઇરસ : સાબરમતી જેલના કેદીઓને ચેપથી કઈ રીતે બચાવી રહી છે પોલીસ?

સાબરમતી જેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાબરમતી જેલ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતની સૌથી મોટી સાબરમતી જેલમાં 24થી 26 વર્ષના પાંચ કેદીઓનો કોરોના પૉઝિટિવ આવતા સમગ્ર જેલનું તંત્ર ખળભળી ઊઠ્યું છે.

જેલમાં રહેલા ખૂંખાર કેદીઓ કેદની સજા કરતં વધારે 'કોરોનાની સજા'થી ભયભીત છે.

અમદાવાદની સૌથી જૂની સાબરમતી સૅન્ટ્રલ જેલમાં ઉમેશ પટેલ, તૌસિફ મહમદ શેખ, ઇમ્તિયાઝ શેખ, મહમદ શેખ અને બરહામ ખાન નામના હમણાં જ પકડાયેલા 24થી 26 વર્ષીય પાંચ કેદીઓનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

સાબરમતી સૅન્ટ્રલ જેલે હવે આવા કેદીઓ માટે ક્વોરૅન્ટીન રૂમ શરૂ કર્યો છે.

તો પોલીસ માટે એક નવી મુસીબત એ ઊભી થઈ છે કે કોરોનાથી સૌથી વધુ સંક્રમિત એવા રેડ ઝોન શાહપુર વિસ્તારમાંથી દેશી દારૂ સાથે પકડાયેલાં ત્રણ મહિલાઓને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયાં હતાં.

આ મહિલાઓના રિપોર્ટ આવે એ પહેલાં આ મહિલાઓ માટે જેલ તંત્રે નવો મહિલા ક્વૉરૅન્ટીન રૂમ બનાવવો પડ્યો હતો.

line

ફુગ્ગાના બહાને દેશી દારૂનું વેચાણ

વીડિયો કૅપ્શન, Coronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?

અમદાવાદના શાહપુરમાં કોરોના વાઇરસના ઘણા કેસો આવેલા છે અને પોલીસને મળેલી બાતમી પ્રમાણે ચાર મહિલા શાહપુરના કોરોનાગ્રસ્ત બકરાપોળ વિસ્તારમાંથી દેશી દારૂ વેચતાં હતાં.

ચાર મહિલાઓ ફુગ્ગા ભરેલી લારીઓ લઈને રસ્તા પર નીકળ્યાં હતાં અને અમદાવાદના બીજા વિસ્તાર તરફ જતાં હતાં.

પોલીસે આ ચાર મહિલાઓને લૉકડાઉન ભંગ બદલ ઊભી રાખ્યાં તો આ મહિલાઓ ત્રણ દિવસથી ખાધું ન હોવાને કારણે ફુગ્ગા વેચવા નીકળી છે એમ કહીને કાકલૂદી કરી હતી.

જોકે પોલીસને શંકા જતા ફુલાવેલા ફુગ્ગામાંથી 20 ફુગ્ગા વજનવાળા લાગ્યા અને એની તપાસ કરવાનું શરૂ કરી તો ચારમાંથી એક મહિલા ભાગીને પોળમાં જતાં રહ્યાં અને પોલીસના આશ્ચર્ય વચ્ચે 20 ફુગ્ગામાં દેશી દારૂ મળી આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે મીનાક્ષી દાતણિયા, મીના ચુનારા, પીંકી દંતાણીને પકડી કડકાઈથી પૂછપરછ કરતાં એમણે કહ્યું કે, 'સવારના સમયે શાકભાજી લેવાના બહાને અમુક લોકો આવે છે અને અમારી પાસેથી દારૂ ભરેલા ફુગ્ગા લઈ જાય છે અને એ રીતે અમે પૈસા કમાઈએ છીએ.'

પોલીસે આવા 24 ફુગ્ગાઓ જપ્ત કરીને ત્રણેયને જેલમાં મોકલી આપ્યાં.

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આ ત્રણેયનો કોરોના રિપોર્ટ કરવાનો હોવાથી અને સાબરમતી જેલમાં પાંચ પુરુષ કેદીઓને કોરોના થતા આ ત્રણ મહિલા કેદીઓ માટે હવે મહિલા ક્વોરૅન્ટીન રૂમ બનાવાઈ રહ્યો છે.

line

કેદીઓ માટે ખાસ ક્વોરૅન્ટીન રૂમ

જેલમાં સેનેટાઇઝિંગ ટનલ

ઇમેજ સ્રોત, Sabarmati central jail ahmedabad

ઇમેજ કૅપ્શન, જેલમાં સેનેટાઇઝિંગ ટનલ

આ અંગે જેલ આઈ. જી. કે. એલ. એન. રાવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "સાબરમતી જેલમાંથી પાંચ કેદીઓને કોરોના પૉઝિટિવ આવ્યો છે તે વાત સાચી છે. પરંતુ આ પાંચેપાંચ કેદી કાચા કામના કેદી છે. અમે જેલમાં કોરોના ન ફેલાય એ માટેની તમામ ગાઇડલાઇનને પાળીએ છીએ."

"પાકા કામના કેદીઓ અને નવા આવેલા કેદીઓ વચ્ચે અંતર રાખીએ છીએ. પોલીસ કોઈ પણ કેદીને પકડીને જેલમાં લાવે તો તેના માટે ખાસ ક્વોરૅન્ટીન રૂમ બનાવ્યો છે. નવા કેદી આવે તો એમને અલગ રાખવામાં આવે છે. જેલના કેદીઓ સાથે એમને મળવા દેવાતા નથી."

તેઓ કહે છે કે નવા આવનારા તમામ કેદીઓની પહેલાં કોરોના વાઇરસની તપાસ થાય છે. ત્યારબાદ જ એમને જેલમાં લઈ જવામાં આવે છે. જેથી જેલની અંદર કોરોના પ્રસરે નહીં.

એટલું જ નહીં સાબરમતી સૅન્ટ્રલ જેલની બહાર એક સેનિટાઇઝર ટનલ પણ બનાવાઈ છે.

"ફરજ પર આવનાર તમામ કર્મચારી અને પોલીસને એમાંથી પસાર થઈને સેનેટાઇઝ થઈને આવવું પડે છે, જેથી કોઈ પ્રકારનો વાઇરસ જેલમાં ઘૂસી ન શકે. એટલું જ નહીં સાબરમતી જેલને સંપૂર્ણ સેનેટાઇઝ કરી છે."

line

કેદીઓ માટે અલગઅલગ વ્યવસ્થા

સાબરમતી જેલ

ઇમેજ સ્રોત, Sabarmati central jail ahmedabad

ઇમેજ કૅપ્શન, સાબરમતી જેલ

રાવ કહે છે, "જે પાંચ કેદીને કોરોના પૉઝિટિવ આવ્યો છે તે કાચા કામના કેદી છે, તેમને ક્વોરૅન્ટીન રૂમમાં રખાયા હતા."

"જેલની વ્યવસ્થા જ એવી છે કે પાકા કામના કેદીઓ, આતંકવાદીઓ અને ખૂંખાર કેદીઓ માટે છોટા ચક્કર અને બડા ચક્કર બનાવવામાં આવ્યા છે, જેથી તેમનું આઇસોલેશન અલગ રહે. તેમજ અન્ડર ટ્રાયલ કેદીઓ માટે વ્યવસ્થા અલગ હોય છે."

જેલ આઈ.જી. કે.એલ.એન. રાવ વધુમાં જણાવે છે, "જે લોકોને પોલીસ પકડીને જેલમાં લાવે છે તેવા કાચા કામના કેદીઓને કે જેમના પર કોર્ટમાં ટ્રાયલ શરૂ ન થયો હોય તેમને 14 દિવસ અમે ક્વોરૅન્ટીનમાં રાખીએ છીએ."

"એમનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવે તો પણ 14 દિવસ ક્વોરૅન્ટીન કરીને જ એમને અંદર પ્રવેશ આપીએ છીએ."

"ઉપરાંત સાવચેતીનાં પગલાં રૂપે જેલના કર્મચારીઓને અલગ ટ્રેનિંગ પણ આપવાનું શરૂ કર્યું છે."

"જેના ભાગ રૂપે જો કોઈ કેદીને કોરોનાનાં લક્ષણ દેખાય તો શું કામગીરી કરવી એની મૉકડ્રીલ પણ કરીને એમને પ્રેક્સિસ પણ કરાવી રહ્યા છીએ, જેથી જેલમાં કોરોના પ્રવેશી શકે નહીં."

line

જેલમાં ખાસ સેનેટાઇઝિંગ ટનલ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તો સાબરમતી સૅન્ટ્રલ જેલના જેલ-ઉદ્યોગના એ.એસ. પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે જેલને અમે સાફસૂફ રાખીએ છીએ.

"અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની મદદથી જેલને સેનેટાઇઝ પણ કરી છે. એટલું જ નહીં જેલના અમારા સુથારી વિભાગમાં અમે ખાસ સેનેટાઇઝિંગ ટનલ બનાવી છે. આ ટનલ જેલના કેદીઓ દ્વારા જ બનાવવામાં આવી છે."

"ઉપરાંત નિષ્ણાતોની મદદથી અમે પીપીઈ કીટ બનાવી છે. અત્યારે પ્રાયોગિક ધોરણે માત્ર બે કીટ બનાવી છે. આ બંને કીટનું ટેસ્ટિંગ થયા પછી અમે વધુ પીપીઈ કીટ બનાવીશું. જે અમે સરકારને પણ આપીશું."

પરમાર વધુમાં કહે છે, "આ સિવાય જેલમાં અત્યારે નિષ્ણાતોના ચેકિંગ થયા બાદ જેલના કેદીઓ દ્વારા મોટા પાયે માસ્ક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. નિષ્ણાતોએ અમને સંપૂર્ણ રીતે ચકાસીને 50 હજાર માસ્ક અને સેનેટાઇઝ ટનલ બનાવવાની કામગીરી સોંપી છે."

"અહીં આવેલા પાંચ કાચા કામના કેદીઓને કોરોના પૉઝિટિવ આવ્યો છે. આ કેદીઓ બહારથી આવેલા હતા. તેમને ક્વોરૅન્ટીન કરાયા હતા. પણ આ પહેલા પાંચ કેસ આવ્યા બાદ હવે અમે પણ ખૂબ જ સાવધ થઈ ગયા છીએ."

"જેલની અંદર કેદીઓ સાથે મળીને રોજ સેનેટાઇઝેશન કરવામાં આવે છે."

line

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સાબરમતી સૅન્ટ્રલ જેલના જેલ-ઉદ્યોગના એ.એસ. પરમારે જણાવ્યું કે જેલની બહારથી આવનાર કોઈ પણ પોલીસ અધિકારી હોય કે આરોપી હોય એને સેનેટાઇઝ ટનલમાંથી પસાર થઈને જ આવવું પડે છે, જેથી જેલમાં કોઈ પણ કેદી સંક્રમિત ન થાય.

જેલમાં કોરોનાનું સંક્રમણ ન થાય એની અમે પૂરી તકેદારી રાખી છે.

"જેલમાં પણ અમે સોશિયલ ડિસ્ટન્સ પળાવીએ છીએ. નવા આવેલા કાચા કામના કેદીઓના ખોરાક માટે વપરાતાં વાસણ અને કપડાંને પણ સેનેટાઇઝ કરવામાં આવે છે."

"એટલું જ નહીં કેદીઓ બીજાના સંપર્કમાં ન આવે એટલા માટે એમનાં સગાંઓ સાથે વીડિયો કૉન્ફરન્સથી જ વાત કરાવીએ છીએ."

તેઓ કહે છે, "જેલના પૅરામેડિકલ, મેડિકલ સ્ટાફ અને ફાર્માસિસ્ટ સ્ટાફને જેલના મેડિકલ ઑફિસર એન.એ. પટેલ દ્વારા ટ્રેનિંગ પણ આપીએ છીએ. જેથી કોઈ પણ કેદીને કદાચ કોરોનાનાં લક્ષણ દેખાય તો અમે તેને પહોંચી વળીએ."

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો