રવિન્દ્ર જાડેજા જેવી જ કરામત હવે ડેવિડ વૉર્નરે કરી - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વૉર્નરનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે જે તેમણે પોતે પોસ્ટ કર્યો છે.

આ વીડિયોને કારણે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ચર્ચામાં આવી ગયા છે.

સોશિયલ મીડિયા પર ડેવિડ વૉર્નરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે ગત વર્ષનો છે.

એક વિજ્ઞાપનના શૂટિંગ દરમિયાન લેવામાં આવેલા આ વીડિયોમાં તેઓ બૅટ ઘુમાવી રહ્યા છે.

વીડિયોમાં દેખાય છે કે ડાયરેક્ટર કટ બોલે છે અને ડેવિડ વૉર્નર ખડખડાત હસી પડે છે.

ડેવિડ વૉર્નરે વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે, "થ્રોબૅક, ગત વર્ષે આ સમયે જ્યારે @sunrisershyd માટે એક વિજ્ઞાપનું શૂટિંગ કરી રહ્યા હતા. તમને લાગે છે કે મેં રવીન્દ્ર જાડેજા જેવું કંઈક કર્યું?"

રવીન્દ્ર જાડેજાની તલવારબાજીની જે બેટ ઘૂમાવવા સ્ટાઇલ જાણીતી છે.

ડેવિડ વૉર્નર ઇન્ડિયલ પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા હોય છે.

એનડીટીવી સ્પોર્ટ્સ વેબસાઇટે લખ્યું છે કે ડેવિડ વૉર્નર અન્ય ખેલાડીઓની જેમ આજકાલ ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. વર્ષની શરૂઆતથી તેઓ સારા ફૉર્મમાં હતા.

હાલમાંજ તેમને સનરાઇઝર્સ હૈદારાબાદના કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા.

અમેરિકાની ચૂંટણીમાંથી બર્ની સૅન્ડર્સે દાવેદારી પાછી ખેંચી

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાંથી બર્ની સૅન્ડર્સે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે.

એ સાથે જ અમેરિકામાં આ વર્ષે થનાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઇડનનો રસ્તો સાફ થઈ ગયો છે.

78 વર્ષના બર્ની સૅન્ડર્સે પોતાના ટેકેદારોને કહ્યું કે નામાંકન જીતવા માટે જેટલા વોટની જરૂર હોય તેનો રસ્તો સ્પષ્ટ નથી દેખાઈ રહ્યો.

સૅન્ડર્સને ઉમેદવારીની રેસમાં શરૂઆતમાં થોડી સફળતા મળી હતી પરંતુ પછી જો બાઇડન રેસમાં આગળ થઈ ગયા હતા.

તેમણે સ્વાસ્થ્ય અને અસમાન પગારને પોતાના પ્રમુખ મુદ્દા બનાવ્યા હતા.

આ વર્ષે ચૂંટણીમાં સૌથી વધારે ડાબેરી વલણ રાખનાર ઉમેદવારોમાં સામેલ બર્ની સૅન્ડર્સ પોતાને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ ગણાવે છે.

તેમનું ચૂંટણી અભિયાન આરોગ્ય નીતિઓ, મફત પબ્લિક કૉલેજ, ધનવાન લોકો પર ટૅક્સ વધારવા અને ન્યૂયનતમ મજૂરી વધારવા સહિતની બીજી નીતિઓ પર કેન્દ્રિત હતું.

કોરોના સમયે કોમી ધ્રુવીકરણ સામે નરેન્દ્ર મોદી સરકારની ચેતવણી

કોરોના વાઇરસની મહામારીમાં તબલીગી જમાતના કેસ બહાર આવ્યા પછી દેશમાં થઈ રહેલા ધાર્મિક ધ્રુવીકરણ બાબતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યોને ચેતવણી આપી છે.

ધ હિંદુનો અહેવાલ કહે છે કે કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકારોને પરિપત્ર પાઠવી આ અંગે કડક પગલાં લેવા અનુરોધ કર્યો છે.

અખબાર લખે છે કે અમુક ઘટનાઓ અને તેને પગલે મીડિયા પ્રોજેક્શન તથા અમુક સોશિયલ મીડિયા પોસ્ટને લીધે એવું વાતાવરણ ઊભું થયું છે કે ખાસ સમુદાય જ કોરોના વાઇરસ બાબતે ગંભીર છે અને ચોક્કસ સમુદાય ગંભીર નથી.

ચોક્કસ સમુદાયને આ રીતે નિશાન બનાવવાથી કોમી ધ્રુવીકરણ થઈ રહ્યું છે અને તેને રોકવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને નફરતભર્યા સમાચારોથી સાવચેત રહેવા અને તેને ફેલાવનારા સામે પગલાં ભરવા કહ્યું છે.

આ જ અનુસંધાને ધ ટેલીગ્રાફનો અહેવાલ આરોગ્ય મંત્રાલયને ટાંકીને લખે છે કે, તમામ સાવધાની છતાં જો કોઈને ચેપ લાગે છે તો એમનો વાંક નથી. આ એક વિકટ પરિસ્થિતિ છે અને તેમાં વ્યક્તિ અને પરિવારને દેખરેખ તથા સહયોગની જરૂર હોય છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે લોકોને ચેપ લાગ્યો છે તેમના કે જેમને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે તેમની ઓળખ કે તેમના વિસ્તારની માહિતી સોશિયલ મીડિયામાં ન મૂકવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે 22 માર્ચે ગુજરાત સરકારે કોરોના પૉઝિટિવ લોકોનાં નામ જાહેર કરવાની શરૂઆત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો