કલમ 370 મુદ્દે વિરોધ કરનારાં બ્રિટિશ મહિલા સાંસદને દિલ્હી ઍરપૉર્ટ પર અટકાવ્યાં - TOP NEWS

સાંસદ ડેબી અબ્રાહમ્સ

ઇમેજ સ્રોત, PA Media

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતે બ્રિટનની લેબર પાર્ટીનાં એક મહિલા સાંસદને દિલ્હી ઍરપૉર્ટ પર એવું કહીને રોક્યાં કે તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે.

સાંસદ ડેબી અબ્રાહમ્સ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવતાં ભારત સરકારના આ નિર્ણયની ટીકા કરતાં રહ્યાં છે.

ડેબી અબ્રાહમ્સ કાશ્મીર મામલેના બ્રિટિશ સંસદીય સમિતિનાં અધ્યક્ષા પણ છે.

તેઓએ કહ્યું કે દિલ્હી ઍરપૉર્ટના અધિકારીઓએ એવું પણ નથી જણાવ્યું કે તેમના ઈ-વિઝા કેમ રદ કરી દેવાયા છે.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરતા મોદી સરકારના આ નિર્ણયનો ભારતમાં સામાન્ય રીતે સ્વાગત થયું છે, પરંતુ દુનિયાના ઘણા દેશોમાં, ખાસ કરીને લિબરલ સાંસદો અને રાજનેતાઓએ ભારતના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

ડેબી અબ્રાહમ્સ ખાનગી મુલાકાતને લઈને ભારત આવી રહ્યાં હતાં.

સોમવારે તેઓ ઍમેરિટ્સ ફ્લાઇટથી જેવાં દિલ્હી ઍરપૉર્ટ પર ઊતર્યાં કે અધિકારીઓએ તેમને જણાવ્યું કે તેમના વિઝા રદ કરી દેવાયા છે.

line

ભુજ : કપડાં ઉતરાવવાના કેસમાં પ્રિન્સિપાલ સહિત 4ની ધરપકડ

સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ

ઇમેજ સ્રોત, PRASHANT GUPTA

ભુજની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટના વિવાદમાં પોલીસે પ્રિન્સિપાસ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટનાં પ્રિન્સિપાલ ગીતા રણિંગા, ઇન્સ્ટિટ્યૂટનાં કો-ઑર્ડિનેટર અનીતા ચૌહાણ, ગર્લ્સ હૉસ્ટેલનાં સુપરવાઇઝર રમિલા હિરાણી અને પ્યૂન નયના ગોરસિયાની ધરપકડ કરાઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ઉપપોલીસ અધીક્ષક જે.એન. પંચાલને ટાંકીને લખે છે કે ભુજ એ ડિવિઝન પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અને મૅજિસ્ટ્રેટે 19 ફેબ્રુઆરી સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય મહિલા પંચ બાદ રવિવારે રાષ્ટ્રીય મહિલા પંચની ટીમે ડૉ. રાજુલ દેસાઈની અધ્યક્ષતામાં ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી હતી.

ટ્રસ્ટીઓ તથા શિક્ષક ન હોય તે રીતે ટીમે કુલ 68માંથી 44 વિદ્યાર્થિનીઓની સાથે વાત કરી તેમની વ્યથા જાણી હતી.

ગત સપ્તાહે ભુજનું 'પિરિયડ શૅમિંગ' પ્રકરણ બહાર આવ્યું હતું, કેટલીક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે તેઓ માસિકધર્મમાં નથી તેની સાબિતી આપવા કથિત રીતે તેમનાં આંતરવસ્ત્રની ચકાસણી કરવામાં આવી હતી.

line

હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL

ગુજરાત હાઈકોર્ટે કૉંગ્રેસના નેતા અને પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના પૂર્વ કન્વીનર હાર્દિક પટેલને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કર્યો છે.

રાજદ્રોહના મામલે 7 ફેબ્રુઆરીએ પણ હાર્દિક પટેલ સિટી કોર્ટમાં અનુપસ્થિત રહ્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, હાર્દિકે સુનાવણીમાં ગેરહાજર રહેવાની છૂટ માગી હતી અને એવી આશંકા વ્યક્ત કરી હતી કે 2015ના કેસ મામલે અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 25 ઑગસ્ટ, 2015માં થયેલા હિંસા મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.

line

નિર્ભયા મામલે દોષીઓને ત્રણ માર્ચે ફાંસી

નિર્ભયાના દોષીઓ

ઇમેજ સ્રોત, DELHI POLICE

નિર્ભયાકેસ મામલે દોષીઓને ફાંસી આપવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ-વૉરંટ કાઢ્યું છે. અગાઉ પણ કોર્ટે બે વાર ફાંસીની તારીખ નક્કી કરી હતી, જે અલગઅલગ અરજીને કારણે ટળી હતી.

સોમવારના નવા ડેથ-વૉરંટ અનુસાર કોર્ટે ત્રણ માર્ચે સવારે છ વાગ્યે ચારેય દોષીઓને ફાંસી આપવાનો સમય નક્કી કર્યો છે.

દોષીઓમાં મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તાનો સમાવેશ થાય છે.

આ પહેલાં કોર્ટે ફાંસીની તારીખ 22 જાન્યુઆરી નક્કી કરી હતી, પરંતુ એક દોષીની દયાઅરજી રાષ્ટ્રપતિ પાસે પૅન્ડિંગ હોવાને કારણે ફાંસીની તારીખ ટાળી દેવાઈ હતી.

બાદમાં કોર્ટે એક ફેબ્રુઆરીનો દિવસ નક્કી કર્યો હતો, પરંતુ એ દિવસે પણ ફાંસી આપી શકાઈ નહોતી અને આગામી આદેશ સુધી ટાળી દેવાઈ હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો