You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેનામાં કમાન્ડ પોસ્ટ પર મહિલાઓની તહેનાતી પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ભારતીય સુપ્રીમ કોર્ટે પુરુષોની જેમ મહિલાઓને સેનામાં કમાન્ડ પોસ્ટ આપવાના મુદ્દે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ફેંસલાને યથાવત્ રાખ્યો છે અને કહ્યું કે મહિલાઓ પણ પુરુષની જેમ સેનામાં કમાન્ડ પોસ્ટ સંભાળી શકે છે.
કોર્ટે પોતાના નિર્ણયને લાગુ કરવા માટે સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. ચુકાદો આપનારી બેન્ચમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તથા જસ્ટિસ અજય રસ્તોગી પણ સામેલ હતા.
કમાન્ડ પોસ્ટનો મતલબ છે કે કોઈ સૈન્ય ટુકડીની કમાન સંભાળવી એટલે કે એ ટુકડીનું નેતૃત્વ કરવું.
આ સાથે જ કોર્ટે સેનામાં સામેલ મહિલા અધિકારીઓના માટે સ્થાયી કમિશન લાવવાનો નિર્દેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું કે મહિલા અધિકારી ચાહે ગમે તેટલાં સમયથી સેવારત હોય, તેમને પરમેનન્ટ કમિશન મળવું જોઈએ.
'મહિલાઓ અને સેનાનું અપમાન'
મહિલાઓને કમાન્ડ પોસ્ટ ન આપવું એ અતાર્કિક તથા સમાનતાના અધિકારથી વિપરીત છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે 'સમાનતાનો અધિકાર એ તાર્કિક અધિકાર છે.'
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે જો મહિલાઓની ક્ષમતા તથા સિદ્ધિઓ ઉપર શંકા કરવામાં આવે તો તે મહિલાઓ ઉપરાંત સેનાનું પણ અપમાન છે.
સામાજિક માન્યતાઓને આધારે મહિલાઓને સમાન તક ન આપવીએ વ્યથિત કરનારી બાબત છે તથા તે અસ્વીકાર્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેનામાં મહિલાઓને પરમેનન્ટ કમિશન ન આપવું એ સરકારનો પૂર્વાગ્રહ છતો કરે છે. કેન્દ્ર સરકારે મહિલાઓ અંગે માનસિક્તા બદલવી રહી, જેથી કરીને સશસ્ત્રબળોમાં સમાનતા આવે.
કેન્દ્ર સરકારની દલીલ
અરજદારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર ખુશી વ્યક્ત કરી હતી. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ સીમાસિંહે કહ્યું:
"આ ચુકાદો પ્રગતિશીલ તથા ઐતિહાસિક છે. મહિલાઓને સમાન તક મળવી જોઈએ."
કેન્દ્ર સરકારે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે સેનામાં મોટાભાગના પુરુષ સૈનિક ગ્રામીણ વિસ્તારના હોય છે. તેઓ મહિલાઓને સમકક્ષ હોદા ઉપર સ્વીકારી નહીં શકે.
ઉપરાંત તર્ક આપ્યો હતો કે મહિલાઓને સેનામાં 'કમાન્ડ પોસ્ટ' ન આપી શકાય, કેમ કે તેમની શારીરિક ક્ષમતાની મર્યાદા અને ઘરેલુ જવાબદારીને કારણે તેઓ સૈન્ય સેવાઓના પડકારો અને ખતરાનો સામનો નહીં કરી શકે.
બીજી બાજુ, સર્વોચ્ચ અદાલતમાં મહિલાઓનો પક્ષ રજૂ કરનાર વકીલ મીનાક્ષી લેખી તથા ઐશ્વર્યા ભાટીએ કહ્યું હતું કે અનેક મહિલાઓએ વિપરીત પરિસ્થિતિઓમાં અસાધારણ સાહસનું પ્રદર્શન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે લેખી ભાજપનાં નેતા છે અને દિલ્હીમાંથી સંસદસભ્ય પણ છે.
ગત વર્ષે એપ્રિલ મહિનાથી ભારતીય સેનાએ જવાનના હોદ્દા ઉપર મહિલાઓની નિમણૂક હાથ ધરી હતી અને તેના અનુસંધાને ઑનલાઇન રજિસ્ટ્રેશન પણ હાથ ધર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો