You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvsNZ : દિલધડક સુપર ઓવરમાં રોહિત શર્માએ ભારતને જીત અપાવી
હેમિલ્ટનમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી મૅચમાં ટાઇ થઈ હતી. ભારતને સુપર ઓવરમાં છેલ્લા 2 બૉલમાં 10 રનની જરૂરિયાત હતી ત્યારે રોહિત શર્માએ 2 બૉલમાં 2 સિક્સર લગાવી ભારતે મૅચ જીતી હતી.
ભારત ન્યૂઝીલૅન્ડની ભૂમિ પર પહેલી શ્રેણી જીત્યું છે. પાંચ મૅચની સિરીઝમાં ત્રણ મૅચ જીતીને ભારતે શ્રેણી પર કબજો મેળવ્યો છે.
પહેલી ઇનિંગમાં ભારતની ટીમે 179 રન પાંચ વિકેટના નુકસાને બનાવ્યા હતા. જ્યારે બીજા દાવમાં ન્યૂઝીલૅન્ડની ટીમે પણ 6 વિકેટે 179 રન બનાવતાં મૅચમાં ટાઇ થઈ હતી.
મૅચમાં ટાઇ થતાં સુપર ઓવરમાં ન્યૂઝીલૅન્ડ પહેલાં બેટિંગ કરવા આવ્યું હતું. ભારત તરફથી બૉલિંગ જસપ્રીત બુમરાહે કરી હતી.
ન્યૂઝીલૅન્ડ તરફથી કૅપ્ટન કૅન વિલિયમ્સન અને ગુપ્ટિલે 17 રન બનાવ્યા હતા. સુપર ઑવરમાં ભારતને જીત માટે 18 રન કરવાના હતા.
ભારત તરફથી બેટિંગમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલ આવ્યા હતા. ન્યૂઝીલૅન્ડ તરફથી ટીમ સાઉથી બૉલિંગ કરતા હતા.
ભારતે પહેલાં બૉલે 2 રન લીધા. બીજા બૉલે 1 રન લીધો. ત્રીજા બૉલે લોકેશ રાહુલે બાઉન્ડરી ફટકારી હતી. ચોથા બૉલે ફરીથી 1 રન લેતાં રોહિત શર્માની સ્ટ્રાઇક આવી હતી.
છેલ્લા 2 બૉલમાં 10 રનની જરૂરિયાત હતી ત્યારે રોહિત શર્માએ પાંચમાં બૉલે સિક્સર મારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા બૉલમાં 4 રન બનાવવાના હતા ત્યારે છેલ્લા બૉલે સિક્સ નોંધાવી ભારતને જીત અપાવી છે.
ન્યૂઝીલૅન્ડે મૅચમાં ટોસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પહેલી ઇનિંગમાં ભારતે રોહિત શર્માની 65 રન અને કોહલીની 38 રનની ઇનિંગ્સની મદદથી 179 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે પણ 27 રન બનાવ્યા હતા.
આ ઉપરાંત શ્રેયસ ઐય્યરે 17 રન અને મનીષ પાંડેએ 14 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ પાંચ બૉલમાં 10 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલૅન્ડના બેન્નેટે ચાર ઓવરમાં 54 રન આપી ત્રણ વિકેટ લીધી હતી.
ન્યૂઝીલૅન્ડની ઇનિંગ
ન્યૂઝીલૅન્ડ તરફથી કૅપ્ટન કેન વિલિયમસને 48 બૉલમાં 95 રન બનાવતાં ટીમને સ્કોર ચેઝ કરવામાં મદદ મળી હતી. ન્યૂઝીલૅન્ડની ટીમે 179 રન બનાવતાં મૅચ ટાઇ થઈ હતી.
મૅચ ભારે રોમાંચક રહી હતી. ન્યૂઝીલૅન્ડને છેલ્લાં બૉલે એક રનની જરૂરિયાત હતી પરંતુ રોસ ટેલરને મોહમ્મદ શમીએ બૉલ્ડ કરતાં મૅચ ટાઇ થઈ હતી.
ભારતના શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી.
ટી-20 ટુર્નામૅન્ટની પાંચ મૅચની સિરીઝની ત્રીજી મૅચ જીતીને ભારતે શ્રેણી પર કબજો જમાવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો