કેરળ : વિધાનસભામાં ગવર્નરને હઠાવવાની અરજી કરતો પ્રસ્તાવ લાવશે વિપક્ષ

ઇમેજ સ્રોત, Getty Images
ધ હિન્દુ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર, કેરળ વિધાનસભામાં કૉંગ્રેસના વડપણવાળા વિપક્ષ, યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રંટ દ્વારા રાજ્યના ગવર્નર આરીફ મોહમ્મદ ખાનને હઠાવવા માટે રાષ્ટ્રપતિને અરજી કરતો પ્રસ્તાવ લાવવા માટે વિધાનસભા-અધ્યક્ષની પરવાનગી માગી છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં રાજ્યપાલે કેરળ વિધાનસભા દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ સર્વસંમતિથી પસાર કરાયેલ ઠરાવની ટીકા કરી હતી.
તેમણે કેરળ વિધાનસભા દ્વારા CAAના વિરોધમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવાની કાર્યવાહીને ગેરકાયદેસર અને બંધારણ-વિરુદ્ધ ગણાવી હતી.
આ મુદ્દે રાજ્યપાલની ટીકા કરતાં કેરળ વિધાનસભાના વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું હતું કે, "રાજ્યપાલ CAA વિરુદ્ધની વિધાનસભાની કાર્યવાહીની બિનજરૂરી ટીકા કરી હતી."
તેમણે રાજ્યાપલના એ નિવેદન પર પણ વાંધો ઉઠાવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યની વિધાનસભાને કેન્દ્રના કાયદા વિરુદ્ધ પોતાના મતનો સમર્થન કરતો પ્રસ્તાવ લાવવાનો અધિકાર નહોતો.
રાજ્યપાલે આરીફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ તેમની નિમણૂક કરી છે, એટલે તેમને હઠાવવા માટેનો રાષ્ટ્રપતિને વિનંતી કરવી જોઈએ. ખાને કહ્યું હતું કે તેમણે કશું ખોટું નથી કર્યું અને સરકાર બંધારણ મુજબ કામ કરે તે જોવું તેમની ફરજ છે.

જમ્મુ-કાશ્મીર : પોલીસ-મેડલના નામમાંથી 'શેર-એ-કાશ્મીર' હઠાવાયું

ઇમેજ સ્રોત, Getty Images
ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ ડોટ કૉમના અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્ર દ્વારા શનિવારે વીરતા અને ફરજમાં નોંધપાત્ર યોગદાન બદલ અપાતા પોલીસ-મેડલના નામમાંથી 'શેર-એ-કાશ્મીર' વિશેષણ દૂર કરી દેવાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે 'શેર-એ-કાશ્મીર' વિશેષણ જમ્મુ-કાશ્મીર રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને નેશનલ કૉન્ફરન્સ પક્ષના સ્થાપક શેખ મોહમ્મદ અબ્દુલ્લાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાતું હતું.
તેઓ રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી ફારુખ અબ્દુલ્લાના પિતા તથા ઓમર અબ્દુલ્લાના દાદા હતા.
હવેથી આ પોલીસ-મેડલના નામમાંથી 'શેર-એ-કાશ્મીર' વિશેષણ દૂર કરી તેનું નામ 'જમ્મુ-કાશ્મીર પોલીસ મેડલ' કરી દેવાયું છે.

અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 26 જાન્યુઆરી સવારના 6 વાગ્યાથી 9 ફેબ્રુઆરી રાતના 12 વાગ્યા સુધી જિલ્લાની શહેરી હદમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.
હુકમનામા અનુસાર શહેરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના વિરોધ અને સમર્થનમાં પ્રદર્શન યોજાવાની શક્યતાને પગલે આ નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં શહેરમાં CAA અને NRCના વિરોધ અને સમર્થનમાં યોજાયેલાં પ્રદર્શનોમાં NSUI અને ABVPના સમર્થકો વચ્ચે મારામારીની ઘટનાઓ સામે આવી હતી.
શહેર પોલીસ કમિશનરના આદેશ અનુસાર આ હુકમનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ ઍક્ટની કલમ 188 અને 135 અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો





















