TOP NEWS: ગુજરાતમાં મુસ્લિમ હોવાને કારણે એક પરિવાર ઘર ન ખરીદી શક્યો

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતની 'સંસ્કારી નગરી' તરીકે વિખ્યાત વડોદરામાં મુસ્લિમ પરિવારને ઘર લેવું અઘરું પડી રહ્યું છે. શહેરના વાસણા વિસ્તારમાં સોસાયટીમાં ઘરના હિંદુ માલિકે મુસ્લિમને ઘર વેચવા તૈયાર થયા, પરંતુ સોસાયટીના અન્ય માલિકોના વિરોધને કારણે તેમણે સોદો રદ કરવો પડ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સમર્પણ સોસાયટીમાં રહેતી એક વ્યક્તિએ મુસ્લિમને પોતાનું ઘર વેચવાનું નક્કી કર્યું, તો સોસાયટીના અન્ય સભ્યોએ તેનો વિરોધ કર્યો.

તેમનું માનવું હતું કે જો સોસાયટીમાં મુસ્લિમને ઘર વેચવામાં આવશે, તો તેનાથી સોસાયટીની અન્ય પ્રૉપર્ટીના ભાવ ઘટી જશે.

સમર્પણ સોસાયટીના રહીશોએ 'ડિસ્ટર્બ્ડ એરિયા ઍક્ટ' અંતર્ગત પોતાનો વાંધો ઉઠાવ્યો.

જે હેઠળ હિંદુ વસતી ધરાવતા વિસ્તારમાં મુસ્લિમને પ્રૉપર્ટી વેચી શકાતી નથી અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં હિંદુને મિલ્કત ખરીદવા ઉપર નિયંત્રણ લાદે છે.

આ ઍક્ટ અંતર્ગત મુસ્લિમને ઘર વેચતા પહેલાં સોસાયટીના વડા પાસેથી 'ના-વાંધા સર્ટિફિકેટ' લેવું જરૂરી છે.

આ સોસાયટીમાં હાલ 170 ઘર છે, જેમાંથી બે ઘર વર્ષ 2017માં મુસ્લિમોને વેચવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક ઘર 99 વર્ષના પટ્ટે મુસ્લિમ પરિવારને ભાડે આપવામાં આવ્યું છે.

સમર્પણ સોસાયટીને વર્ષ 2014માં 'ડિસ્ટર્બ્ડ એરિયા' તરીકે જાહેર કરવામાં આવી હતી.

સોસાયટીના સેક્રેટરી બિક્રમજિત સિંહને ટાંકતા અખબાર લખે છે: "અમારો વાંધો કોઈ વ્યક્તિ કે કોમ સામે નથી."

"અમે જોયું છે કે જેમ-જેમ સોસાયટીમાં લઘુમતી સમુદાયના લોકોની સંખ્યા વધે છે, તેમ-તેમ હિંદુ સમુદાય વિસ્તાર છોડી જાય છે."

"આ સિવાય 'અશાંત વિસ્તાર ધારા'ના ભંગથી મિલ્કતના ભાવ ઘટી જાય છે."

'ફંડ મેળવવા નિત્યાનંદનું MLM મૉડલ'

ગુજરાતમાં પોતાના એક આશ્રમમાં બાળકોને કેદ કરીને વિવાદોમાં આવેલા સ્વયંભૂ સ્વામી નિત્યાનંદ ગુમ છે અને ગુજરાત પોલીસને શંકા છે કે નિત્યાનંદ નેપાળના રસ્તે વિદેશ ભાગી ગયા છે.

દરમિયાન એક સમયે નિત્યાનંદના સેક્રેટરી રહી ચૂકેલા જનાર્દન શર્માએ તેમના વિશે કેટલાક ખુલાસા કર્યા છે.

અમદાવાદ મિરરમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, જનાર્દન શર્માએ દાવો કર્યો છે કે આશ્રમમાં બાળકોને ત્રાસ આપવામાં આવતો અને તેમને ડોનેશન એકત્રિત કરવા માટે વાપરવામાં આવતા હતા.

તેમનો આરોપ છે કે નિત્યાનંદ પૈસા મેળવવા માટે 'મલ્ટિ લેવલ માર્કેટિંગ' (MLM) મૉડલનો ઉપયોગ કરતા હતા.

શર્મા કહે છે, "નિત્યાનંદના અનુયાયીઓને જમીન, ઘરેણાં અને લાખો-કરોડોની રોકડ રકમ એકત્રિત કરવા માટે લક્ષ્ય આપવામાં આવતા હતા."

"તેમના અનુયાયીઓ વધારે પૈસા એકત્રિત કરે તેના માટે તેમને 10 ટકા કમિશન આપવાની લાલચ આપવામાં આવતી હતી."

"એક સમયે નિત્યાનંદ પોતાના અનુયાયીઓને દરરોજ 8-10 કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કરવા ટાર્ગેટ આપતા હતા."

જનાર્દનનું એવું પણ કહેવું છે કે નિત્યાનંદે તેમને સેક્રેટરી બનાવ્યા હતા અને પછી તેમને દેશના ધનવાન લોકોને મળવાની જવાબદારી સોંપી હતી, જેમાં નેતાઓ, સેલિબ્રિટી, ખેલાડીઓનો સમાવેશ થતો હતો.

તેમને નિત્યાનંદના અનુયાયી બનવા માટે પ્રેરિત કરવાનું કામ પણ જનાર્દનને સોંપવામાં આવ્યું હતું અને ધીરે-ધીરે તેઓ પૈસા પ્રાપ્ત કરવાનું સાધન બની ગયા હતા.

શર્મા કહે છે, "હાલ જ ગુજરાતમાં એક ધનવાનને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા, જેમણે 300થી 400 એકરની જમીન દાન કરી છે."

મોદી:રાજકારણમાં આવવાનો રસ જ ન હતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ 'મન કી બાત' કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમને ક્યારેય રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા ન હતી.

પોતાના ઉદ્ધબોધનમાં વડા પ્રધાને કહ્યું હતું, "મને રાજકારણમાં પ્રવેશવાનો ક્યારેય રસ ન હતો."

"પરંતુ હવે જ્યારે હું રાજકારણનો ભાગ બની ગયો છું, ત્યારે હું શક્ય દરેક પ્રયાસ કરું છું કે જેનાથી લોકોની સેવા કરી શકું."

NCCના કૅડેટ્સ સાથે વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાના પણ NCCના દિવસો યાદ કર્યા હતા અને કહ્યું હતું કે સ્કૂલના દિવસો દરમિયાન તેમને ક્યારેય સજા મળી ન હતી.

વડા પ્રધાને એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ગૂગલના કારણે તેમની વાંચવાની ટેવ પર અસર પડી છે, કેમ કે ગૂગલના કારણે દરેક બાબતે સંદર્ભ મેળવવાના શૉર્ટકર્ટ મળી જાય છે.

'જો મોદી વડા પ્રધાન ન હોત, તો તેઓ શું કરતા હોત?' NCC કૅડેટે પૂછેલા આ સવાલના જવાબમાં વડા પ્રધાને કહ્યું કે 'આ એક અઘરો સવાલ છે.'

'જ્યારે અમે જીતતા, ત્યારે કોહલીનો જન્મ પણ થયો ન હતો'

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ડે-નાઇટ પિંક ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને હાર આપી છે.

આ જીત બાદ પુરસ્કાર લેતા સમયે વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ પરંપરા દાદા (સૌરવ ગાંગુલી)એ શરૂ કરી હતી, જેને અમે આગળ વધારી રહ્યા છીએ.

એવું લાગે છે કે આ વાત ટીમના પૂર્વ કૅપ્ટન સુનિલ ગાવસ્કરને સારી ન લાગી.

ઇન્ડિયા ટૂડેમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સન્માન સમારોહ બાદ સુનિલ ગાવસ્કરે કહ્યું:

"આ એક ભવ્ય જીત છે, પરંતુ અહીં હું એક વાત કહેવા માગીશ."

"ભારતીય ટીમના કૅપ્ટને કહ્યું કે આ જીતનો સિલસિલો વર્ષ 2000માં દાદાની ટીમ સાથે શરૂ થયો હતો."

"હું જાણું છું કે દાદા BCCIના પ્રમુખ છે, એટલે કોહલીએ તેમના વિશે સારું-સારું કહ્યું હશે. પરંતુ ભારતની 70 અને 80ના દાયકામાં પણ જીત થતી હતી, જ્યારે તેમનો જન્મ પણ થયો ન હતો."

ઉદ્ધવ ઠાકરે CM ન બનતા એક સમર્થકનો આત્મહત્યાનો પ્રયાસ

ઉદ્ધવ ઠાકરેના મુખ્ય મંત્રી બનવાની જ્યારે ચર્ચા ચાલી હતી, ત્યારે અચાનક રાતોરાત દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બનાવી દેવાયા અને શનિવારની સવારે તેમણે શપથ પણ ગ્રહણ કરી લીધા.

આ સાથે જ શિવસેનાને તો ઝટકો લાગ્યો જ છે, પણ સાથે-સાથે તેમના સમર્થકોમાં પણ ભારે રોષ છે.

રિપબ્લિકમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રના વાસીમાં શિવસેનાના એક સમર્થકે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી ન બનતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

જ્યારે રમેશ બાલુ જાધવ નામની વ્યક્તિએ જાણ્યું કે ઉદ્ધવ ઠાકરેના બદલે દેવેન્દ્ર ફડણવીસે CM પદના શપથ લીધા છે, ત્યારે તેમણે પોતાના હાથ પર બ્લેડથી કેટલાક ઘા કરી લીધા હતા.

ટ્રાફિક પોલીસના એક કૉન્સ્ટેબલે આ દૃશ્ય જોયું તો તેઓ તુરંત જાધવને હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમને સારવાર અપાઈ હતી.

અધિકારીઓનું કહેવું છે કે જે સમયે આ ઘટના ઘટી, ત્યારે રમેશ જાધવે દારૂ પીધેલો હતો અને કદાચ નશામાં તેમણે આ કામ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો